ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થાયીભાવ
સ્થાયીભાવ : રસનાં વિભાવ, અનુભાવ, સંચારી કે વ્યભિચારીભાવ અને સ્થાયીભાવ – એમ ચાર અંગમાંનું એક અંગ. રસનું આ પ્રમુખ અંગ રસનું મૂળભૂત ઉપાદાનકારણ છે. જેમ અનેક પરિજનો અને પરિચારકોથી ઘેરાયેલો રાજા જ રાજા કહેવાય છે, એમ વિભાવ, અનુભાવ, સંચારીભાવથી સંયુક્ત થઈને સ્થાયીભાવ જ રસતત્ત્વને પામે છે. આથી જ ભરતે અન્ય ભાવોની તુલનામાં સ્થાયીભાવને શ્રેષ્ઠ કહ્યો છે. માનવોમાં જેમ નરપતિ શ્રેષ્ઠ, શિષ્યસંસદોમાં જેમ ગુરુ શ્રેષ્ઠ તેમ ભાવોમાં સ્થાયીભાવ શ્રેષ્ઠ છે. વિભાવ અને અનુભાવ જો રસનાં બાહ્ય ઉપાદાન છે, તો સંચારી અને સ્થાયીભાવ રસચર્વણાનાં આંતર-ઉપાદાન ગણાયાં છે. તે સહૃદયના મનોજગત સાથે સંકલિત છે. સહૃદયના હૃદયમાં વાસના રૂપે સ્થિત આ સ્થાયીભાવને વિરોધી કે અવિરોધી ભાવો દબાવી શકતા નથી. દશરૂપકકાર કહે છે કે ભિન્ન નદીઓનાં મધુરજલને લવણાકર સમુદ્ર જેમ પોતામાં મેળવી લે છે. તેમ અન્ય ભાવોને સ્થાયીભાવ આત્મીય બનાવી લે છે. રસમાં પ્રારંભથી કે અંત સુધી એની હાજરી હોય છે. તેથી એને ચિત્તનો સ્થિર વિકાર કહ્યો છે. સંસ્કૃત આલંકારિકોએ સ્થાયીભાવના વાસના રૂપને, સજાતીય વિજાતીય ભાવને આત્મસાત્ કરવાની એની ક્ષમતાને, એના સ્થાયીત્વને અને એની ચર્વણાયોગ્યતાને વારંવાર ઉપસાવી છે. એની આસ્વાદ્યતા અને ઉત્કટતા પર પણ વારંવાર ભાર મુકાયો છે. પ્રત્યેક રસના પૃથક સ્થાયીભાવ છે અને એની સંખ્યા સામાન્ય રીતે સંસ્કૃત કાવ્યશાસ્ત્રે નવની ગણી છે. શૃંગાર, હાસ્ય કરુણ, વીર, ભયાનક, અદ્ભુત, બીભત્સ, રૌદ્ર અને શાંતરસના સ્થાયીભાવ અનુક્રમે રતિ, હાસ, શોક, ઉત્સાહ, ભય, વિસ્મય, જુગુપ્સા, ક્રોધ અને નિર્વેદ છે. આ ઉપરાંત વત્સલ અને ભક્તિરસ જેવા નવા રસની સ્થાપનાઓ દ્વારા નવા સ્થાયીભાવને પણ કલ્પવામાં આવ્યા છે. સ્થાયીભાવ અંગે મહત્ત્વની વાત એ છે કે ભરતે પોતાના રસસૂત્રમાં સ્થાયીભાવનો ઉલ્લેખ નથી કર્યો. આ માટે એવું કારણ બતાવવામાં આવે છે કે અનુભાવ અને સંચારીભાવમાં સ્થાયીભાવ વાસના રૂપે નિહિત છે એથી પૃથક્ ઉલ્લેખની જરૂર નથી. દશરૂપકકારે, અલબત્ત, સ્પષ્ટ રૂપે રસની પરિભાષામાં સ્થાયીભાવનો ઉલ્લેખ કર્યો છે. ચં.ટો.