ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્યાદવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્યાદ્વાદ : જૈનદર્શને પ્રબોધેલી વિચારદર્શન વ્યક્ત કરવાની શૈલી. આ વાદને અનેકાન્તવાદ તરીકે પણ ઓળખાવાય છે. વસ્તુનું જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી અવલોકન કરવું કે કથન કરવું એટલે સ્યાદ્વાદ. સ્યાત્ એટલે અમુક અપેક્ષાએ, વાદ એટલે વાણી અથવા વચન. એક જ વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જુદા જુદા ધર્મોનો આમાં સ્વીકાર કરવામાં આવે છે. એક જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પુત્રની અપેક્ષાએ પિતા હોય છે. આમ પરસ્પર વિરુદ્ધ દેખાતી બાબતો જુદી જુદી દૃષ્ટિએ એક જ વસ્તુમાં જોઈ શકાય. નિત્યત્વ અને અનિત્યત્વ વગેરે વિરુદ્ધ રૂપે મનાતા ધર્મોને એકજ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ જોઈ શકાય. સર્વ પદાર્થોને ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ વળગેલાં છે. સોનાની કંઠી ભાંગીને બનાવેલા દોરામાં કંઠી રૂપે નાશ, દોરાના આકારે ઉત્પત્તિ અને સુવર્ણની સ્થિતિ એમ ઉત્પાદ, નાશ અને સ્થિતિ(ધ્રુવત્વ) એ ત્રણે જોઈ શકાય. જેનો ઉત્પાદ અને નાશ થાય તેને જૈનશાસ્ત્રમાં ‘પર્યાય’ કહે છે. જે મૂળ વસ્તુ સ્થાયી છે તેને ‘દ્રવ્ય’ કહે છે. દ્રવ્યથી(મૂળ વસ્તુ રૂપે) દરેક પદાર્થ નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આમ પ્રત્યેક વસ્તુને એકાંત નિત્ય નહીં, એકાંત અનિત્ય નહીં પરંતુ નિત્યાનિત્ય રૂપે માનવી અને કહેવી એનું નામ સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદના સ્યાત્ શબ્દનો અર્થ કદાચ કે સંભવત : કરીને કેટલાકે સ્યાદ્વાદને સંશયવાદ, સંભાવનાવાદ કે અનિશ્ચયવાદ સમજવાની ભૂલ કરી. હકીકતમાં સ્યાત્ એ નિપાત અવ્યય છે અને તે અનેકાંતનું દ્યોતક છે. એટલેકે વસ્તુમાં અનેક ધર્મો છે તે. સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અવલોકવાનું કહે છે. સ્યાદ્વાદની ભાષાકીય અભિવ્યક્તિ સપ્તભંગી રૂપે થાય છે. એના સાત વિકલ્પ આ પ્રમાણે છે : ૧, સ્યાદ્ અસ્તિ : અમુક અપેક્ષાથી છે. ૨, સ્યાદ્ નાસ્તિ : અમુક અપેક્ષાએ નથી. ૩, સ્યાદ્ અસ્તિ–નાસ્તિ : અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી. આ ક્રમથી કથન છે. ૪, સ્યાદ્ અવક્તવ્ય : છે અને નથી. ક્રમશ : બતાવી શકાય. પરંતુ ક્રમ વિના એકસાથે અનિત્ય અને નિત્ય કહેવા હોય તો તેને માટે અવક્તવ્ય શબ્દ શાસ્ત્રકારો આપે છે. ૫, સ્યાદ્ અસ્તિ અવક્તવ્ય : અમુક અપેક્ષાએ હોવાની સાથે અવક્તવ્ય છે. ૬, સ્યાદ્ નાસ્તિ – અવક્તવ્ય : અમુક અપેક્ષાએ ન હોવાની સાથે અવક્તવ્ય છે. ૭, સ્યાદ્ અસ્તિ – નાસ્તિ અવક્તવ્ય : અમુક અપેક્ષાએ અસ્તિ અને નાસ્તિ હોવાની સાથે અવક્તવ્ય છે. સ્યાદવાદ દાર્શનિક દૃષ્ટિએ મતાંધતા, સંકુચિતતા, અસહિષ્ણુતા, સાંપ્રદાયિકતા અને સંકીર્ણતાનું પ્રતિવિધાન છે. કુ.દે.