ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વાધ્યાયઃ સ્વાધ્યાય ત્રૈમાસિક ‘સ્વાધ્યાય અને સંશોધન’ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. પ્રાચ્યવિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરાથી પ્રકાશિત થતા સંસ્થાના આ મુખપત્રનો પ્રારંભ ઈ.સ. ૧૯૬૩માં થયેલો. હોદ્દાની રુએ આ સંસ્થાના નિયામક ‘સ્વાધ્યાય’ના સંપાદક હોય છે. એની શરૂઆત પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક ભોગીલાલ સાંડસરાએ કરી. ત્યારબાદ અરુણોદય ન. જાની, જયન્ત પ્રે. ઠાકર, રામકૃષ્ણ તુ. વ્યાસ, રાજેન્દ્ર આઈ. નાણાવટી, શ્વેતા પ્રજાપતિ જેવાં વિદ્વાનોની સંપાદનસેવા ‘સ્વાધ્યાય’ને મળી છે. સ્વાધ્યાય ત્રૈમાસિક પોતાની માળખાકીય સુવિધાના ભાગરૂપે સંપાદન અને પરામર્શક સમિતિ ધરાવે છે. આ સામયિકે સુવર્ણમહોત્સવની સફર પૂર્ણ કરી છે. સામયિકના કેટલાક નોંધપાત્ર વિશેષાંકો પ્રસિદ્ધ થયા છે. જેમ કે જ્ઞાનસત્ર વિશેષાંક (પુ. ૧૬, અંક ૩; પુ. ૧૮, અંક ૪; પુ. ૨૦, અંક ૨; પુ. ૨૨, અંક ૩-૪; પ્રાચ્યવિદ્યામંદિર શતાબ્દી વિશેષાંક (પુ. ૨૮, અંક ૩-૪), ભોગીલાલ સાંડેસરા સ્મૃતિ ગ્રંથ (પુ. ૩૧, અંક ૩-૪) ગુજરાતનું સંસ્કૃત રૂપકોના ક્ષેત્રે પ્રદાન (પુ. ૩૪, અંક ૩-૪), શ્રીમદ્ ભાગવત વિશેષાંક (પુ. ૩૬, અંક ૧-૨), મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની ૧૫૦મી જન્મજયંતી વિશેષાંક (પુ. ૪૯, અંક ૧-૨), સુવર્ણ મહોત્સવ વિશેષાંક (પુ. ૫૦, અંક ૧-૪) તેમજ પાંડુલિપિ વિશેષાંક (પુ. ૫૬, અંક ૧-૪) સ્વાધ્યાયનું સવિશેષ પ્રદાન છે. આ સામયિકના વર્ષમાં ચાર અંક પ્રગટ થાય છે. એનાં દીપોત્સવી, વસન્તપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી એવાં નામાંકનો છે. એમાંનાં સાહિત્ય, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ગણિત, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ, આયુર્વેદ, જ્યોતિષ, વેદ, પુરાણ, ઉપનિષદ, શિલ્પ, સ્થાપત્ય, મનોવિજ્ઞાન, વનસ્પતિવિદ્યા, હુન્નરઉદ્યોગ અને ન્યાય-વ્યાકરણ વિષય સંબંધિત લેખો ઊંડી સંશોધનસૂઝ રજૂ કરે છે. સ્વાધ્યાયમાં લેખો, નિવાપાંજલિ અને ગ્રંથાવલોકનો અંતર્ગત રજૂ થતી સામગ્રી એની આગવી ઓળખ બની રહે છે. એના પૂર્વ અંકોમાં સંશોધન નિમિત્તે પ્રગટ થયેલા ચરિત્રલેખો એની ગરિમાને ઉજ્જ્વળ કરે એવા છે. આ ઉપરાંત અર્થઘટન વિશેના લેખો (પુ. ૧૭, અંક-૨) આજે પણ અભ્યાસીઓને એટલા જ ઉપયોગી બની રહે છે. કૃષ્ણજીવન પરની બૃહદ લેખમાળા તેમજ પુરાતત્ત્વ-સંશોધન વિષયક સચિત્ર લેખમાળા એ ‘સ્વાધ્યાય’નું ગુજરાતી સાહિત્ય અને સંશોધનક્ષેત્રને વિશેષ પ્રદાન છે. વર્તમાન સમયમાં ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત એમ ત્રિભાષામાં પ્રસિદ્ધ થતું આ સામયિક એની સુદીર્ઘ યાત્રા ખેડી આજે અડધી સદી વટાવી ચૂક્યું છે. જ. ઉ.