ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/કૃતિ-પરિચય
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ બીજો ગ્રંથ (ખંડ-૧) ઈ. ૧૪૪૦થી ઈ. ૧૬૫૦ સુધીના સાહિત્યનું પ્રવાહદર્શન કરાવે છે. મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપોની ગતિવિધિનો આલેખ આપતો, એ સમયગાળાના જૈન સાહિત્યને અવલોકતો તથા નરસિંહ-મીરાં-અખો જેવાં પ્રમુખ અને અન્ય સર્જકોનાં કાર્ય-પ્રદાનની વિસ્તૃત મૂલવણી કરતો આ ખંડ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતાની ચર્ચા આગળ પૂરો થાય છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભમળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે. આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’માંની એમની કામગીરીનો લાભ પણ આ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી આ સંપાદન વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે. આ ગ્રંથમાંની સામગ્રી પ્રમાણભૂત અને શ્રદ્ધેય હોવાથી ગુજરાતી સાહિત્ય ઇતિહાસના અભ્યાસીઓને એ ઉપકારક બની રહેશે.
– ચિમનલાલ ત્રિવેદી
પરામર્શક