ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રબંધ અને પદ્મનાભ
કાન્તિલાલ વ્યાસ
‘પ્રબન્ધ’-સ્વરૂપ
આ કાવ્યસ્વરૂપની ઉત્પત્તિમાં એ સમયના યુગબળે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હશે એમાં શંકા નથી. મંજુલાલ મજમુદારે આ યુગનાં પરિબળોને સાહિત્ય-સ્વરૂપોના સર્જન માટે કારણભૂત ગણ્યાં છે. ‘મધ્યકાલીન સાહિત્યના અભ્યુદયનો એ કાળ દેશમાં લડાઈઓનો સમય હતો. વીરતા અને ગૌરવ એ યુગનાં જીવનલક્ષણો હતાં – એ વખતનો યુગધર્મ હતો. તેથી સાહિત્યમાં ‘વીરગાથા’ઓની ઉત્પત્તિ સાહજિક હતી. આ ‘વીરગાથાઓ’ બે સ્વરૂપમાં મળે છે : એક ‘મુક્તક’ના રૂપમાં અને બીજી ‘પ્રબંધ’ના રૂપમાં. જેમ યુરોપમાં વીરગાથાઓનો વિષય યુદ્ધ અને પ્રેમ હતો, તેવી રીતે અહીં પણ હતું.૧[1] ‘પ્રબન્ધ’ શબ્દ જ વીરતા અને ઐતિહાસિક વ્યક્તિના ચરિત્રનિરૂપણનો નિર્દેશક છે. प्र+बन्ध = प्रकृष्ट રીતે બાંધવું, ગ્રથન કરવું એ ઉપરથી प्रबंध શબ્દ ઉદ્ભવ્યો છે. એમાં કોઈ મહાન વીરપુરુષના ચરિત્રનું ગ્રથન કરવું, એની પ્રશસ્તિ કરવી, એ મુખ્ય તત્ત્વ છે. સમય જતાં ઐતિહાસિક મહાપુરુષો ઉપરાંત સામાજિક, ધાર્મિક અને પૌરાણિક પુરુષો અને પ્રસંગોને અવલંબીને પણ પ્રબન્ધો રચાયા છે. સંસ્કૃતમાં સાહિત્યપ્રકાર તરીકે प्रबंधનું સ્વરૂપ સુનિશ્ચિત રીતે નિબદ્ધ થયું નથી. સંસ્કૃત સાહિત્યકૃતિઓમાં `प्रबंधનો અર્થ કેવળ ‘સુસંકલિત, વ્યવસ્થિત સાહિત્યરચના’ એટલો જ છે. કાલિદાસે मालविकाग्निमित्र ના પ્રારંભના પ્રાસ્તાવિક ભાગમાં પ્રબન્ધનો અર્થ ‘કાવ્યનાટકાદિક રચના’ એવો કર્યો છે. પ્રતિપદશ્લેષમયી वासवदत्ता ના પ્રણેતા સુબન્ધુએ ‘કથાત્મક રચના’ને માટે પ્રબન્ધ શબ્દનો પ્રયોગ કર્યો છે. વિક્રમના તેરમા-ચૌદમા શતક સુધીમાં ‘પ્રબન્ધ’નું સ્વરૂપ સુનિશ્ચિતપણે બંધાઈ ચૂક્યું હતું. એ યુગના બધા પ્રબન્ધ ‘ઐતિહાસિક ચરિત્રાત્મક રચના’ અથવા ટૂંકમાં કહીએ તો ‘ઐતિહાસિક વાર્તા’ના સ્વરૂપના છે. બલ્લાળનો સુપ્રસિદ્ધ भोजप्रबंध, જિનમંડનનો कुमारपालप्रबंध, મેરુતુંગનો प्रबंधचिंतामणि, રાજશેખરસૂરિનો चतुर्विशंतिप्रबंध આદિ સર્વ પ્રબન્ધો ઐતિહાસિક ચરિત્ર, કે ઐતિહાસિક કથાપ્રસંગના સ્વરૂપના છે. એમાંના कुमारपालप्रबंध જેવા પ્રબંધો પદ્યમાં રચાયા છે, તો મેરુતુંગ અને રાજશેખરસૂરિના પ્રબંધસંગ્રહો ગદ્યમાં છે, તો भोजप्रबंध જેવા ગદ્યપદ્યમિશ્રિત છે. આમાંથી કેટલાકમાં એક જ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર સુસંકલિત રીતે વિગતે આલેખવામાં આવ્યું છે; તો प्रबंधचिंत्रामणि કે चतुर्विशंतिप्रबंध માં ભિન્ન ભિન્ન ઐતિહાસિક વ્યક્તિઓના પ્રસંગોનું ટૂંકાણમાં નિરૂપણ થયું છે. ગુજરાતીમાં પ્રબન્ધ સ્વરૂપનો વિકાસ આ બંને ટૂંકા ઐતિહાસિક ચરિત્રાત્મક રૂપના પ્રબન્ધોના સંગ્રહો ઉપરથી પ્રેરિત હોય એવો સંભવ છે. આ સંગ્રહોના પ્રબન્ધોમાં જે સંક્ષેપમાં નિરૂપિત હતું એનો ઉત્તરકાળમાં વિસ્તાર કરવામાં આવ્યો અને એ કથનવસ્તુનું ગ્રથન કરતાં કવિઓએ એને મહાકાવ્યના સ્વરૂપમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. આ રીતે મધ્યકાલીન મહાકાવ્ય સમાં ઐતિહાસિક વીરરસકાવ્યો રચાયાં, જે બહુધા ‘પ્રબન્ધ’ તરીકે અને ક્વચિત્ ‘રાસા’ તરીકે ઓળખાયાં. આવા પ્રબન્ધ રાસા પ્રકારનાં કાવ્યો પુરાતન હિંદી સાહિત્યમાં વિક્રમ સંવતના તેરમા શતકમાં રચાયેલાં મળે છે. એમાં ચંદ બરદાઈનો ‘પૃથુરાજ રાસો’ (જેનું મૂળ ભાષાસ્વરૂપ હાલ પ્રાપ્ત થતી રચનામાં ઘણું ફરી ગયું છે), કનોજના કેદાર ભટ્ટનો ‘જયચન્દ્ર પ્રકાશ’, જગનીકનો ‘હમ્મીર રાસો’૨[2] પ્રસિદ્ધ છે. પણ એમની કેટલીક અસર ગુજરાતી પ્રબન્ધ-રાસસાહિત્ય ઉપર પડી હશે એ કહેવું મુશ્કેલ છે. ગુજરાતીમાં તો સ્વતંત્રપણે જ પ્રબન્ધસાહિત્યનો વિકાસ થયો એમ અવશ્ય કહી શકાય. મેરુતુંગ કે, રાજશેખરના ટૂંકા સંસ્કૃત પ્રબન્ધોએ ઉત્તરકાલીન કવિઓને એક અનુકરણીય આદર્શ પૂરો પાડ્યો હતો, જેને એમણે કથાવસ્તુમાં બૃંહણ કરીને, મહાકાવ્યનો યોગ્ય વિસ્તાર કરીને વિકસાવ્યો. ગુજરાતીમાં પ્રબન્ધ-સાહિત્યનો આ રીતે ઊગમ થયો છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી વિદ્વાનો રાસા અને પ્રબન્ધને સંકલિત, સંબદ્ધ સાહિત્યસ્વરૂપો ગણીને વિક્રમ સંવતના ચૌદમા શતકથી આ પ્રકારની કૃતિઓ રચાતી ગઈ એમ માને છે. એમાં કાલાનુક્રમે અંબદેવસૂરિ રચિત ‘સમરારાસુ’ (ઈ.સ. ૧૩૧૫)૩[3] એ પ્રબન્ધ-રાસાઓના ઊગમકાળની અદ્યયાવત્ પ્રાપ્ત કૃતિઓમાં પહેલી છે. એમાં પાટણના ઓસવાળ વણિક સંઘપતિ સમરસિંહે અલાઉદ્દીન ખલજીના ગુજરાતના સૂબા અલફખાનની મહેરબાની મેળવી એક મોટો સંઘ કાઢી શત્રુંજય તીર્થના આદિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એનું વર્ણન કર્યું છે. એમાં કવિએ સમરસિંહના પૂર્વજોનો ઉલ્લેખ કરીને સમરસિંહના રાજદ્વારી કૌશલની પ્રશસ્તિ કરી છે. સંઘનો યાત્રામાર્ગ અને વચ્ચે આવતાં નગરોનું વિગતે વર્ણન કર્યું છે. ‘સમરારાસુ’ની રચના ઐતિહાસિક પ્રબન્ધના સ્વરૂપને પૂર્ણપણે અનુસરતી છે. (વિશેષ માહિતી માટે જુઓ ગ્રન્થ ૧, પૃ. ૧૫૧). આ યુગનો, પ્રાચીન ગુજરાતીમાં કદાચ પ્રથમ વાર ‘પ્રબન્ધ’ નામથી અભિહિત થયેલો, જૈનેતર કવિ ભીમનો શૃંગારપ્રધાન ‘સદયવત્સવીર પ્રબન્ધ’ ‘(ઈ.સ. ૧૪૧૦)૪[4] સુપ્રસિદ્ધ લોકકથાને કાવ્યરૂપે ગૂંથે છે. પાટણના સુપ્રસિદ્ધ કવિ ભીમના આ પ્રબન્ધમાં વીર અને શૃંગાર સાથે અદ્ભુતરસ પ્રધાન છે, અને અન્ય રસોનો યથાપ્રસંગ ઉપચય છે. કવિ પ્રારંભે જ પ્રતિજ્ઞા કરે છે કે, આ પ્રબન્ધમાં એ નવે રસોનું નિરૂપણ કરશે :
‘સિંગાર હાસ કરુણા, રુદ્દો, વીરો, ભયાણ, બીભચ્છો :
અદ્ભુત, સંત, નવઇ રસિ જસુ જંપિસુ સુદયવચ્છસ્સ.’
કથાનું એક રાજસ્થાની રૂપાન્તર પણ મળે છે. એમાં સદયવત્સ અને સાવલિંગાના આઠ પૂર્વભવની કથા આપી છે. પ્રસ્તુત પ્રબન્ધમાં ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સના પુત્ર સદયવત્સ (લોકકથાના ‘સદેવંત’) અને પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહનની પુત્રી સાવલિંગાના પ્રણયની કથા આલેખાઈ છે. એમાં ઉત્તરકાળના શામળ જેવો પ્રશ્નોત્તરીવિનોદ પણ ડોકિયાં કરે છે. ઉદાહરણરૂપે નીચેની પ્રશ્નોત્તરી જુઓ.
સાવલિંગા—‘નાહ! કુરંગા રણથલિ જલ વિણ કિમ જીવંતિ?’
(છાયા : નાથ! હરણો રણસ્થલમાં – મરુભૂમિમાં – જળ વિના કેમ જીવે?’)
સદયવત્સ–‘નયણ–સરોવર નેહ-જલ, નયણઇ નીર પીયંતિ.’
(છાયા : નયનરૂપી સરોવરમાં સ્નેહનાં જળ ભરેલાં છે, એ નીર નયનોથી પીએ છે.’)
સાવલિંગા–‘રન્નિ ન દિઠ્ઠ પારધિ, અંગિ ન લાગુ બાણ :
સુણિ સૂદા (સામલિ ભણઇ) ઇહ કિમ ગિયા પરાણ.’
(છાયા : અરણ્યમાં કોઈ પારધિ જોયો નહીં, તેમ આના અંગમાં કોઈ બાણ પણ લાગ્યું નથી. તો હે સદય! કહે, આ (હરિણયુગલ) ના પ્રાણ કેમ ગયા હશે?’)
સદયવત્સ-‘જલ થોડઉં, સનેહ ઘણ; તરસ્યાં બેઉ જણાંહ :
‘પીય, ‘પીય’ કરતાં સૂકી ગઉ, મૂઆં દોય જણાંહ.’
(છાયા : ‘બંને જણાં તરસ્યાં હતાં, પણ જળ થોડું હતું અને બંને વચ્ચે સ્નેહ ઘણો હતો. એ ‘તું પી’ ‘તું પી’ કરતાં રહ્યાં ને પાણી સુકાઈ ગયું, અને બંને જણાં, તરસ્યાં મરી ગયાં.’)
આની ભાષા પ્રાચીન ગુજરાતીના પ્રારંભકાળની છે, અને એમાં રાજસ્થાનીની છાંટ સ્પષ્ટ વરતાય છે. ગણતર જૈનેતર પ્રબન્ધોમાં આનું સ્થાન આગળ પડતું છે. આ ઐતિહાસિક રચના નથી; એનું સ્વરૂપ પદ્યવાર્તાને વિશેષ મળતું આવે છે, જે શામળની સુપ્રસિદ્ધ પદ્ય-વાર્તાઓનું સ્મરણ કરાવે છે. (વિશેષ માહિતી માટે જુઓ, ગ્રન્થ, ૧, પૃ. ૨૫૫). આ પછી કાલાનુક્રમે ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ’ કે ‘પ્રબોધચિન્તામણિ’ નામનો જયશેખરસૂરિનો પ્રબન્ધ રચાયો છે. એની રચના ઈ.સ. ૧૪૦૬ પછી થોડે સમયે થઈ હશે એમ લાગે છે. કવિએ ‘प्रबोधचिन्तामणि’ નામનું રૂપકકાવ્ય વિ. સં. ૧૪૬૨માં રચ્યું. એ પછી પ્રાકૃત જનો માટે એમાં સહેજસાજ ફેરફાર સાથે આ પ્રાચીન ગુજરાતી રૂપાન્તર તૈયાર કર્યું. આ એક વિલક્ષણ પ્રકારનું કાવ્ય છે. વસ્તુતઃ એ કોઈ ચરિત્ર કે કથા નથી, પણ એક રૂપક-ગ્રન્થિ છે. એમાં પરમહંસ રાજા પોતાની મહારાણી ચેતનાને છોડીને, માયા નામની સ્ત્રીના ફંદામાં પોતાનાં સાનભાન ભૂલીને સપડાઈ જાય છે, અને એનું રાજપાટ મન નામનો અમાત્ય પચાવી પાડે છે, ત્યારે મનનો પુત્ર વિવેક મહારાણી ચેતનાની પ્રેરણાથી પરમહંસની વહારે ધાય છે અને એને મુક્ત કરે છે, એનું વર્ણન છે.૫[5] આ પ્રબંધમાં ચઉપઈ અને દુહા એ માત્રામેળ છંદોનો પ્રધાનપણે વિનિયોગ થયો છે. એ ઉપરાંત પદ્ધડી, ચરણાકુલ, મરહઠ્ઠા, દુમિલા, વસ્તુ, છપ્પય, ધવલ ઇ. અપભ્રંશ માત્રામેળ પણ ઉપયોગમાં લીધા છે. ‘બોલી’ કે મુક્ત પ્રાસયુક્ત ગદ્યનાં પણ બે ઉદાહરણો આ રચનામાં છે. એક અતિ સુંદર રૂપક-ગ્રન્થિ તરીકે આ પ્રબન્ધ પ્રસિદ્ધ છે. (વિશેષ માહિતી માટે જુઓ, ગ્રન્થ, ૧, પૃ. ૨૬૮). त्रिभुवनदीपकप्रबंध પછી અર્ધા શતકે ગુજરાતી સાહિત્યમાં સુવિખ્યાત, મધ્યકાલીન પ્રબન્ધસાહિત્યના શિરમોર સમો, कान्हडदेप्रबंध રચાયો છે. આગળ વર્ણવેલી રચનાઓ જેવું કથા કે રૂપકનું મિશ્રણ એમાં નથી; પ્રબન્ધ સાહિત્યસ્વરૂપનાં સર્વ લક્ષણો એમાં મૂર્ત થયાં છે, એટલું જ નહીં પણ એક મધ્યકાલીન વીરરસપ્રધાન મહાકાવ્યનું સ્વરૂપ એમાં સહજપણે સિદ્ધ થયું છે. પ્રાચીન ગુજરાતી પ્રબન્ધનું એક આદર્શ રૂપ એ પૂરું પાડે છે. એનો સવિસ્તર પરિચય અને મૂલ્યાંકન આપણે આગળ વિગતે કરીશું. કવિ લાવણ્યસમયસૂરિનો સુપ્રસિદ્ધ विमलप्रबंध (ઈ.સ. ૧૫૧૨, સં. ૧૫૬૮) એ कान्हडदेप्रबंध પછી પચાસેક વર્ષે રચાયેલી, પ્રબન્ધ કરતાં રાસા-સ્વરૂપને વધારે અનુસરતી રચના છે. એમાં નવ ખંડમાં ગુજરાતના ચૌલુક્ય રાજા ભીમદેવના સુપ્રસિદ્ધ મંત્રી વિમળશાહના જીવનનું વિગતે આલેખન છે. કવિએ એમાં વિમળ મંત્રીના બાળપણથી એના અવસાન સુધીના પ્રસંગો કાલાનુક્રમે આપ્યા છે, પણ નિરૂપણમાં ઐતિહાસિક વિગતો કરતાં દંતકથાનું તત્ત્વ સવિશેષ પ્રવિષ્ટ છે. એજ રીતે વિમળના જીવનચરિત્રને નિમિત્તરૂપ બનાવીને કવિ લાવણ્યસમયે વણિક જાતિઓની, વિશેષતઃ શ્રીમાળી જાતિની ઉત્પત્તિ અને વિકાસની દંતકથા, ન્યાતજાતના લગ્નાદિક પ્રસંગના ભિન્ન ભિન્ન રીતરિવાજો, એ યુગની આમજનતાની કેળવણીની પ્રથા, શુકનાદિક અને સામુદ્રિક લક્ષણોની ચર્ચા ઇ. ઘણો સંભાર એમાં ભર્યો છે. આમ આ કાવ્ય સમકાલીન સામાજિક જીવનના દર્શન માટે એક આકરગ્રંથ સમ છે. કાવ્યના ઉત્તર ભાગમાં વિમળે દેલવાડાનાં સુપ્રસિદ્ધ જૈન મંદિરોમાંથી સૌથી પુરાતન વિમલ વસહીનું મંદિર કેવા સંયોગોમાં આરંભ્યું અને પૂર્ણ કર્યું એની કથા આપી છે. આ યુગના ધુરંધર પંડિત કવિ લાવણ્યસમયની આ રચના એટલી બધી પ્રસિદ્ધિ પામી હતી કે એના ઉપરથી પછીના દસકામાં સૌભાગ્યાનંદસૂરિએ સંસ્કૃતમાં विमलप्रबंध કે विमलचरित्र નામે કાવ્ય રચ્યું છે. ઈ. સ. ૧૫૬૬ (વિ. સં. ૧૫૭૮).૬[6] લગભગ આ જ અરસામાં (ઈ. સ. ૧૫૧૮ – વિ. સં. ૧૫૭૪) માં ઢાઢરને કાંઠે આવેલા આમોદના કાયસ્થ કવિ નરસાસુત ગણપતિએ माधवानलकामकन्दलाप्रबंध રચ્યો છે.[7] એમાં ‘ચાંચૂલુ દેશ’ના રાણા નાગનરેશની પ્રેરણા કારણભૂત હતી એમ કવિ જણાવે છે. આ યુગના વીરરસપ્રધાન કે ધર્મલક્ષી પ્રબન્ધોમાં આ શૃંગારપ્રધાન રચના એક અનોખી ભાત પાડે છે. કવિએ આઠ ‘અંગ’ પાડીને અઢી હજાર દુહા (दोग्धक)માં રચેલો આ પ્રબન્ધ સભાનપણે મહાકાવ્યના સ્વરૂપને અનુસરે છે. એમાં સુશીલ, શૃંગારવીર માધવનો શીલવતી, અભિજાત ગણિકાપુત્રી કામકંદલા સાથેનો પ્રણય વર્ણ્ય વિષય છે. પરદુઃખભંજન, મહાસાહસિક વીર વિક્રમની સાહાય્યથી એ બે પ્રણયીઓના મિલનની આ કથા રોમાંચકારી છે. મંગલાચરણમાં કવિ રતિરમણ કામદેવનું સ્તવન કરે છે :
‘કુંયરકમલા રતિરમણ, મયણ મહાભડ નામ;
પંકજિ પૂજ્યિ પયકમલ, પ્રથમ જિ કરઉં પ્રણામ’.
આ વિલક્ષણ છતાં વર્ણ્યવિષય સાથે સુસંગત મંગલાચરણ મહાકાવ્યની પ્રણાલિકાને અનુસરીને નાયક-નાયિકાનું સૂચન કરી જાય છે. આ શૃંગારકથા વિપ્રલંભ અને સંભોગ બંને સ્વરૂપોને રસિક રીતે નિરૂપે છે. આ પ્રબન્ધમાં નાયક અને નાયિકા બંનેની ‘વિરહ-બારમાસી’નું વર્ણન છે, તેમ એમના ‘દ્વાદશમાસ ભોગવર્ણન’ છે, જે રસિકોને ऋत्रुसंहारનાં વર્ણનોનું સ્મરણ કરાવશે. શામળની વાર્તાઓમાં આવે છે તેવો સમસ્યાવિનોદ પણ ક્વચિત્ કવિએ કર્યો છે. સંસ્કૃત મુક્તક સંગ્રહોમાં જેમ પ્રબન્ધશતસ્પર્ધી अमरुशतक અનન્ય છે, તેમ પ્રાચીન ગુજરાતી પ્રબન્ધોમાં माधवानलकामकन्दलाप्रबंध અનન્યસાધારણ છે. माधवानलकामकन्दलाप्रबंधની રચનાના પછીના વર્ષે અમૃતકલશે ‘हम्मीरप्रबन्ध રચ્યો છે. ‘हम्मीरप्रबन्ध’ની રચના (ઈ.સ. ૧૫૧૯, વિ.સં. ૧૫૭૫)માં થઈ છે. કાવ્યને અંતે કવિએ રચનાવર્ષ આ પ્રમાણે આપ્યું છે :
‘સંવત પંનરપંચોત્તરઇ ચૈત્ર બહુલ આઠમિ દિનિ સરઈં,–
રિતિ વસંત અનઇ ગુરુવાર, રચ્યુ પવાડુ એહ ઉદાર’.
આ કૃતિનું સવિશેષ મહત્ત્વ તો એના ઉપર પડેલી ‘કાન્હડદેપ્રબંધ’ની સઘન છાયાને કારણે છે. આ પ્રબન્ધ અમૃતકલશ નામના એક જૈન સાધુએ રચ્યો છે. કવિ અમૃતકલશ પોતે ઓસ ગચ્છના સાધુ મતિકલશના શિષ્ય શ્રીકલશનો શિષ્ય છે. કાવ્ય વિષય સુલતાન અલાઉદ્દીન ખલજીના કોપથી બચવાનો પોતાને આશ્રયે આવેલા બે મુસલમાન અમીરો મહિમાશાહ (મીર મોંગોલ શાહ) અને એના નાના ભાઈ ગાભરૂમીરનું રક્ષણ કરતાં રણથંભોરના અટંકી ચૌહાણ રાજા હમ્મીરદેવે કેવી રીતે પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું એ સુપ્રસિદ્ધ ઐતિહાસિક પ્રસંગ છે. આ કૃતિ હજી સુધી અપ્રસિદ્ધ છે. કોઈ જૈન ગ્રંથ ભંડારની સં. ૧૫૯૫માં લખાયેલી હસ્તપ્રત ઉપરથી કરેલી એક નકલ ઉપરથી, ભોગીલાલ સાંડેસરાએ એનો મનનીય સવિસ્તર પરિચય ‘સ્વાધ્યાય’ના દીપોત્સવી, ૨૦૨૦ (નવેમ્બર, ૧૯૬૪ના) અંકમાં કરાવ્યો છે. ‘हम्मीरप्रबन्ध’ કવિએ મુખ્યત્વે ચોપાઈ, દુહા અને વસ્તુ છંદમાં રચ્યો છે. એમાં કુલ ૬૮૦ કડીઓ છે. કાવ્યના મંગળાચરણમાં કાશ્મીરમુખમંડની સરસ્વતી, ગણેશ અને હરસિદ્ધ માતાને પ્રણામ કરીને કવિ કાવ્યરચનાનો આરંભ કરે છે:
‘કાસમીરમુખમંડણ સામિ, દુરીય પણસાઇ જેહનઇ નામિ;
હંસ ચડી, કરિ પુસ્તક વીણા, સ્મૃતિપુરાણ શાસ્ત્રરસિ લીણા.
સા સારદ પ્રણમું ભામિણી, સેતવસ્ત્રધર ગજગામિણી,
ગવરીપુત્ર ગજવદન વિશાલ, સિદ્ધિ બુદ્ધિ વર વચન રસાલ.
સુરવર કિંનર સારઇ સેવ, ધુરિ પ્રણમું લંબોદર દેવ.
વીરષેત્ર ઊજેણી થાન, કલિયુગિ મ્લેચ્છ દિંઈ બહુમાન,
પ્રણમું ચરણકમલ તસ તણાં, હિરસિદ્ધિ હરઇ દૂરિ હમ તણાં.’
મંગળાચરણ પછી તરત જ કવિએ હમ્મીરના માતાપિતાનો, એની રાણીઓનો, એનાં સંતાનોનો અને ભાઈનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ એના સૈન્યનું અને શસ્ત્રાસ્ત્રોનું વર્ણન આવે છે, અને એ પછી રણથંભોરના નગરનું અને એમાં ભરેલા શસ્ત્રભંડારનું વર્ણન કર્યું છે. પછી કવિએ અલાઉદ્દીનના ઐશ્વર્યનું અને વિજયોનું તથા દિલ્હી નગરનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આગળ કથાપ્રસંગમાં કવિ જણાવે છે કે મહિમાશાહ અલાઉદ્દીનનો વજીર હતો, અને ગાભરુ મીર એનો નાનો ભાઈ હતો. એમણે સુલતાનના પ્રિયપાત્ર સરદાર કાલૂ મલિકને મારી નાંખ્યો. તેથી રોષે ભરાઈને સુલતાને એમનાં બંનેના માથાં કાપી લાવવાનો હુકમ કર્યો. આથી એ બંને અમીરો નાઠા. એમને ક્યાંયે રક્ષણ મળ્યું નહીં, એથી અંતે તેઓ રણથંભોરના રાજા હમ્મીરને આશ્રયે આવ્યા. એમને આશ્રય આપતાં સુલતાનની ખફગી વહોરવી પડશે એવું મહાજનના સમુદાયે હમ્મીરને ઘણું સમજાવ્યું, છતાં હમ્મીર જરાયે ડગ્યો નહીં, અને શરણાગતનું પ્રાણાન્તે પણ રક્ષણ કરવાનો એણે પોતાનો દૃઢ નિરધાર જાહેર કર્યો. અહીંથી યુદ્ધનો પ્રારંભ થયો. અલાઉદ્દીને અલફખાનની સરદારી નીચે સત્તર ખાન સાથે રણથંભોર ઉપર એક વિશાળ લશ્કર મોકલાવ્યું. પહેલા હલ્લામાં મુસ્લિમ સેનાનો પરાજય થયો. એટલે અલાઉદ્દીન પોતે ફરી મોટું લશ્કર લઈને રણથંભોર ઉપર ચઢી આવ્યો અને એના કિલ્લાને એણે ઘેરો ઘાલ્યો. હમ્મીરે અપાર શૌર્યથી એનો સામનો કર્યો, પણ રતિપાલ અને રણમલ્લ જેવા પોતાના જ સેનાપતિઓ દગાબાજ નીવડવાથી ગઢનું હવે લાંબો વખત રક્ષણ થઈ શકશે નહીં એમ લાગતાં હમ્મીર અને એના શૂરવીર રાજપૂત સૈનિકોએ તેમજ પેલા બે મુસલમાન અમીરોએ કેસરિયાં કર્યાં, અને નગરની સર્વ સ્ત્રીઓએ જૌહર કર્યાં. અને કિલ્લાને આગ લગાડી. વીરગતિને પામેલા હમ્મીરને અને અન્ય રાજપૂત સુભટોને સુલતાને માનપૂર્વક અગ્નિદાહ દેવરાવ્યો અને ફૂટી ગયેલા રાજપૂત સેનાપતિઓ રણમલ્લ અને રતિપાલનો વધ કરાવ્યો. સુલતાન ગઢ ઉપર જ્યારે ચઢ્યો ત્યારે તો સર્વ બળીને ખાખ થઈ ગયું હતું. ત્યાં એણે એક નવું નગર વસાવ્યું. આ પ્રબન્ધના રચિયતાએ ‘કાન્હડદેપ્રબન્ધ’ જોયો છે, અને એમાંથી પ્રેરણા લીધી છે એમાં શંકા નથી. એનું કથાનક તો પૂર્ણપણે ‘કાન્હડદે પ્રબન્ધ’નું પ્રતિબિંબ ધારે જ છે, પણ કાવ્યની સંઘટના ઉપર પણ ‘કાન્હડદેપ્રબન્ધ’ની પ્રચુરપણે છાયા પડી છે. ઉદાહરણ તરીકે ‘હમ્મીરપ્રબન્ધ’ (કડી ૨૪-૫૦)ના રણથંભોરના વર્ણન સાથે ‘કાન્હડદેપ્રબન્ધ’ (ખંડ-૪ કડી ૯-૫૯)નું જાલોરગઢનું વર્ણન સરખાવો, કે ‘હમ્મીરપ્રબન્ધ’ (કડી ૫૨-૭૦) માંના અલાઉદ્દીનના વિજયોના વર્ણનને ‘કાન્હડદે પ્રબન્ધ’ના (ખંડ-૨ કડી ૬૨-૭૫) એવા વર્ણન સાથે સરખાવો તો આની અવશ્ય પ્રતીતિ થશે.[8] ‘હમ્મીરપ્રબન્ધ’ની સંખ્યાબંધ પંક્તિઓમાં ‘કાન્હડદે પ્રબન્ધ’ની પંક્તિઓને પડછે મૂકીને સરખાવી છે તે જુઓ. એ ઉપરથી અમૃતકલશ ઉપર પદ્મનાભનું કેટલું બધું ઋણ છે એનો ખ્યાલ આવશે.
હમ્મીર પ્રબન્ધ : – ‘બલિ બલિ ગોહ કિ નવિ નીસરઈ, કિહાં કાલ દારુણ અણસરઇ’ (કડી ૧૯૬).
કાન્હડદે પ્રબન્ધ : – દરિ દરિ નવિ ગોહ પ્રગટઇ, કિહાં નીસરઇ સાપ.’ (૧-૧૧૦).
૦
હ. પ્ર. – ‘બાલ વૃદ્ધ મિલી દ્યઇ અસીસ, જીવિ હમ્મીર તૂં કોડિ વરીસ.’ (કડી ૨૪૭ અને ૪૪૩)
કા. પ્ર. – ‘અબલા વિપ્ર દીઇ આસીસ, કાન્હડ જીવઉ કોડિ વરીસ.’ (૧-૨૫૦).
૦
હ. પ્ર. – ‘કેતા વીર પડ્યા રણમાહિ, કેતા ધાયા સિરસા જાઈં;
કેતા મુષિ ટોઇ છઇ નીર, કેતા રુઇ સંભારિ વીર’. (કડી ૨૫૦)
કા. પ્ર. – ‘એક ઘુમંતા જઇ ઘાઇ, એક ડોલી ઊપાડયા જાઈ;
એક તણઇ મુષિ ટોઇઇ નીર, પાલા પુલઇ ઊંબરા મીર.’ (ખંડ ૨-કડી ૩)
૦
હ. પ્ર. – ‘અતિ લડાક ગાઢા વાંકડા, માર્યા મ્લેચ્છ ઘણા માંકડા.’ (કડી ૨૫૧)
કા. પ્ર. – ‘મારી મ્લેચ્છ માંકડા મૂંગલ, પછઇ પડ્યા રિણ માહિ.’ (૧-૯૧).
૦
હ. પ્ર. – ‘કેતા ધગડ તિ રણિ વાઉલા, માર્યા બંધવ પડીઆ માઉલા’, (કડી ૨૫૫)
કા. પ્ર. – ‘જે જે હતા રિણવાઉલા, એક તણા માર્યા માઉલા’. (૨-૯).
૦
હ. પ્ર. – ‘અનરથમૂલ મહિમાસાહ વૈરી ગજનીષાન તિ માર્યું.’ (કડી ૪૫૩)
કા. પ્ર. – ‘અનરથ તણઉ મૂલ જે હૂંતઉ માધવ મુહતઉ માર્યઉ.’ (૧-૯૦).
૦
હ. પ્ર. – ‘અલાવદીન કલકી અવતાર, ઇણઇ કલિયુગિ અવતર્યું મુરારિ.’ (કડી ૫૦૦)
કા. પ્ર. – ‘રુદ્ર રૂપિ સુરતાણ અવતરિઉ, કિમ ઘાલીજઇ ઘાઉ.’ (૨-૧૩૬)
આ તુલનાત્મક વિવેચન ઉપરથી ‘હમ્મીરપ્રબન્ધ’ના કર્તાને ‘કાન્હડદે પ્રબન્ધ’ ઉપરથી કેટલી વિપુલ પ્રેરણા મળી હતી એનો ખ્યાલ આવશે. આ પછી એકાદ સૈકા સુધી પ્રબન્ધો રચાતા રહ્યા છે, પણ કોઈ ધ્યાનપાત્ર, ઉલ્લેખનીય પ્રબન્ધરચના આ સમયની મળતી નથી. આ સ્વરૂપની જે કેટલીક જૈન ધાર્મિક સાંપ્રદાયિક રચનાઓ થઈ છે, તેમનું સાહિત્યકૃતિ તરીકે ખાસ મૂલ્ય નથી. જૈનેતર સાહિત્યમાં તો આ પછી થોડા જ સમયમાં આખ્યાનનું સ્વરૂપ ઉદ્ભૂત થયું; એમાં કથા અને પ્રબન્ધનાં બધાં લક્ષણો સમાવિષ્ટ થયાં એટલું જ નહીં પણ એના વ્યાપમાં, રસનિષ્પત્તિમાં, વર્ણનસમૃદ્ધિમાં, જીવનદર્શનમાં એણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં અન્ય સર્વ સ્વરૂપોને પડછે પાડી દીધાં, અને સત્તરમા સૈકાથી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ જાણે આખ્યાનસ્વરૂપનો જ ઇતિહાસ બની રહ્યો. આગળ નિરૂપેલા અદ્યાવધિ ઉપલબ્ધ મધ્યકાલીન પ્રબન્ધસાહિત્યના અભ્યાસ ઉપરથી ‘પ્રબન્ધ’નાં કેટલાંક જીવાતુભૂત લક્ષણો તારવી શકાય. મહત્ત્વના પ્રબંધોના અવલોકન પછી એમ જરૂર કહી શકાય કે ‘પ્રબન્ધ’ એ મોટે ભાગે ઐતિહાસિક વ્યક્તિના ચરિત્રનિરૂપણનું કાવ્ય છે – એ વ્યક્તિ પછી યુદ્ધવીર હોય, કર્મવીર હોય, દાનવીર હોય કે ધર્મવીર હોય. પ્રથમ યુદ્ધવીરનું જીવનનિરૂપણ એ પ્રબન્ધનું વ્યાવર્તક લક્ષણ કાળક્રમે વિસ્તરીને કર્મવીર, દાનવીર અને ધર્મવીરને પણ આવરી લેતું થયું એ સ્વાભાવિક વિકાસ હતો. અહીં એક નોંધપાત્ર બીના એ નજરે તરી આવે છે કે વિક્રમની દસમી સદીથી સોળમી સદી સુધીના અનેક કવિઓના મનમાં ‘પ્રબંધ’, ‘રાસ’, કે ‘ચરિત’ની વ્યાખ્યા ચોક્કસ નહોતી. તેથી ‘પ્રબંધ’નો ‘રાસ’ તરીકે અને ‘રાસ’નો ‘ચરિત’ તરીકે ઉલ્લેખ થયો છે, અને ‘રાસ’, ‘પ્રબંધ’, ‘ચરિત’, કે ‘પવાડુ’ એ લગભગ સમાનાર્થક પર્યાયરૂપ શબ્દો બની રહ્યા હતા. આમ ‘કાન્હડદેપ્રબન્ધ’ પણ સ્પષ્ટપણે ઐતિહાસિક પ્રબન્ધ હોવા છતાં કેટલીક હસ્તપ્રતોમાં એને ‘રાસ’, ‘પવાડુ’, કે ‘ચઉપઈ’ તરીકે ઓળખાવ્યો છે. આને કારણે કેટલાક વિદ્વાનો ‘રાસ’ અને ‘પ્રબન્ધ’ને અભિન્ન ગણવા પ્રેરાયા છે. ‘રાસ’ની ઉત્પત્તિ કે. કા. શાસ્ત્રીએ, અને એમને અનુસરીને ધીરજલાલ ધ. શાહે પ્રાચીન ગેય ‘રાસ’ના રૂપમાંથી માની છે. ‘રાસ’ કે ‘રાસઉ’નો મૂળ અર્થ તો તાળીઓથી અને દાંડિયાથી તાલ આપીને ગોળ ફરતાં ગવાતી નાની ગેય રચના એવો હતો. (ઉ. ત. सप्तक्षेत्रिरासु ઈ૰). પ્રાચીન ગુજરાતી ‘રાસ’ આ પ્રકારના હતા. આ ‘રાસ’નો વિષય ધાર્મિક સ્તવનો, ઉપદેશ, જૈન તીર્થંકરો સૂરિઓ અને શ્રેષ્ઠીઓનાં ચરિત્રો, તીર્થસ્થળોનાં માહાત્મ્ય, ઇ. નો રહેતો. કાળક્રમે ‘રાસ’માંથી ઉત્કટ ગેય તત્ત્વ અને અભિનયતત્ત્વ લુપ્ત થયું, અને ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક કથાઓ અને પ્રસંગોનું નિરૂપણ ઉમેરાયું, એથી એ સ્વરૂપ વધારે વ્યાપવાળું બન્યું. આ રીતે ‘રાસ’માંથી ‘રાસા’નું સ્વરૂપ ઘડાયું અને એ પ્રબન્ધસાહિત્યની નજીક આવ્યું. અને પછી તો આવી કૃતિઓ ‘રાસા’ કે ‘પ્રબન્ધ’ને નામે વહેતી થઈ, અને કવચિત્ એનો ‘ચરિત્ર’ તરીકે પણ ઉલ્લેખ શરૂ થયો.[9] ‘રાસા’ અને ‘પ્રબન્ધ’ના આવા સમાનાર્થક ઉલ્લેખો ઉપરથી શાસ્ત્રીય અનુમાનો તારવવાં વધારે પડતાં પ્રગલ્ભ ગણાશે; કારણ કે, વસ્તુતઃ તો ‘પ્રબન્ધ’ એક વિશિષ્ટ ચરિત્રાત્મક પ્રાચીન ગુજરાતી કાવ્યસ્વરૂપ છે, જેની વ્યાવૃતિ ‘રાસા’ કરતાં મર્યાદિત છે. એનાં વ્યાવર્તક લક્ષણોની આપણે ઉપર વિગતે ચર્ચા કરી છે. એને ક્વચિત્ કોઈ હસ્તપ્રતોમાં ‘રાસા’ તરીકે ઓળખાવ્યો હોય તો એમાં લહિયાની અનવધાનતા કે લેખનની અચોકસાઈ કારણભૂત ગણવાની છે. એ ઉપરથી કોઈ નિશ્ચિત અનુમાનો તારવવાં એ જોખમભરેલું હશે. સમગ્ર પ્રબન્ધસાહિત્ય ઉપર દૃષ્ટિ કરતાં પ્રબન્ધનું એક લક્ષણ સ્પષ્ટ તરી આવે છે કે પ્રબન્ધનો નાયક કોઈ સુવિખ્યાત ઐતિહાસિક પુરુષ હોવો આવશ્યક છે. પ્રબન્ધમાં વીરની જીવન-પ્રશસ્તિ કરાઈ હોય તેમ એના પરાક્રમની યશોગાથા ગવાઈ હોય તેથી તેનો મુખ્યરસ વીર હોય છે, જેને યથાસ્થાન અદ્ભુત, રૌદ્ર, વિપ્રલંભશૃંગાર અને કરુણ ઇ. રસો પ્રસંગાનુસાર પુષ્ટિ આપે છે.
પદ્મનાભ અને ‘કાન્હડદે પ્રબંધ’
પૂર્ણિમાની સાંજે પૂર્વાકાશની ક્ષિતિજમાંથી જેમ અચાનક ચંદ્રબિંબ ઉપર આવી રહે અને જગતને એના સૌમ્ય પ્રકાશથી ભરી દે, એવી રીતે યુગે યુગે સાહિત્યાકાશમાં કેટલીક અનોખી કૃતિઓ પ્રગટીને પોતાના દીપ્તિમંત સૌન્દર્યથી એને ઝળહળતું કરી મૂકે છે. કવિ પદ્મનાભરચિત ‘કાન્હડદે પ્રબંધ’ આ પ્રકારની એક અનોખી કૃતિ છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યના મુકુટમણિ સમો સુપ્રસિદ્ધ પ્રબન્ધ તે પદ્મનાભરચિત ‘કાન્હડદે પ્રબંધ’ (વિ. સં. ૧૫૧૨). એનો ઉદાત્ત વીરરસભરિત વિષય, એનો વેગવંત ધસતો કથાપ્રવાહ, એનું સુરેખ જોશીલું પાત્રનિરૂપણ, એનું વસ્તુસંકલનાકૌશલ, એની અનુપમ રસનિષ્પત્તિ, અને મનોહારિણી દીપ્તિમંત શૈલી – એ સર્વ અંગઉપાંગ એકસરખાં મનોહર છે.
‘મહાકવિ પદ્મનાભરચિત कान्हडदे प्रबंध રાજસ્થાનના ચૌહાણકુલ શિરોમણિ વીર કાન્હડદેએ સ્વધર્મ અને સ્વદેશરક્ષાને નિમિત્તે જે અનુપમ બલિદાન આપ્યું એની કીર્તિગાથા છે... એ વિશુદ્ધ ધર્મપ્રેમ, ઉન્નત રાષ્ટ્રપ્રેમ, અને ઉત્તમ સદાચારપ્રેમ અને સાત્ત્વિક સત્યપ્રેમનો એક પ્રશસ્ત પુણ્યસ્રોત છે... આ કાવ્યપ્રબન્ધ શુદ્ધ ઐતિહાસિક કાવ્ય છે. એની ઘટનાઓ મહદ્ અંશે ઇતિહાસ સમર્થિત છે. પ્રાચીન રાજસ્થાની કે પ્રાચીન ગુજરાતી ભાષાની એ એક સર્વશ્રેષ્ઠ કૃતિ છે.’ – આચાર્ય જિનવિજયજી મુનિ. |
આ મહાન વીરરસકાવ્યનો પ્રણેતા કવિ પદ્મનાભ વિસનગરો નાગર હતો – ભારતના એક પુરાતન યશોદુર્ગનો એક સાચો સંરક્ષક, ઉદાત્ત રાષ્ટ્રપ્રેમી, આદર્શ રાષ્ટ્રકવિ.’૧૦[10] જાલોરના ચૌહાણ રાજા અખયરાજનો એ રાજકવિ હતો. સોનગિરા રાજા અખેરાજના દરબારના આ રાજકવિએ સં. ૧૫૧૨માં કાન્હડદેના નિધન અને જાલોરના વિધ્વંસ પછી ૧૪૫ વર્ષે – પ્રસ્તુત કાવ્યની રચના કરી છે. કવિએ પોતાના વિષયભૂત વીર કાન્હડદે સંબંધે, અને પોતાના આશ્રયદાતા વિષે ઘણી ઝીણવટભરી વિગતો આપી છે. પરંતુ મોટે ભાગે પ્રાચીન કવિઓના વિષયમાં જેમ બન્યું છે તેમ પોતાના વિશે એણે ક્યાંયે ઇશારો કર્યો નથી. એથી કવિનું મૂળ વતન, કવિના પૂર્વજો, માતાપિતા, ગુરુ, કવિના જીવનના મહત્ત્વના પ્રસંગો ઇ. સંબંધે કશું જ નિશ્ચિતપણે જાણી શકાતું નથી. કવિ પદ્મનાભ વિસનગરો નાગર હતો, માટે એ મૂળ ઉત્તર ગુજરાતના વિસનગરનો વતની હશે, અને પાછળથી એ અખેરાજના દરબારમાં જઈને રહ્યો હશે, એવો કેટલાક વિદ્વાનોએ તર્ક કર્યો છે. એ તર્ક શ્રદ્ધેય કે સાધાર નથી, કારણ કે નાગર જ્ઞાતિ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી રહી, પણ દિલ્હી, આગ્રા ઇ. ભારતનાં દૂર દૂરનાં સ્થળોએ પણ નાગર કુટુંબો લાંબા ગાળાથી વસેલાં છે. એથી કેવળ જ્ઞાતિના ઉલ્લેખ માત્ર ઉપરથી જ ગુજરાતનાં એ કુટુંબો તરતમાં જ એ સ્થળોએ જઈને વસ્યાં હશે એવો તર્ક નિરાધાર જણાય છે. એથી પદ્મનાભને વિસનગર છોડીને જાલોર જઈને વસેલો માનવો એ કોઈ રીતે સાધાર લાગતું નથી. પદ્મનાભના જીવન વિષે કશી જ માહિતી ‘કાન્હડદે પ્રબંધ’માં ઉપલબ્ધ થતી નથી; તેમ આ કવિની અન્ય કોઈ કૃતિ પણ હજી સુધી પ્રાપ્ત થઈ નથી, જેમાંથી એના જીવન વિષે કઈ શ્રદ્ધેય વિગતો મળી શકે. આથી પદ્મનાભના જીવન વિષે આપણે સાવ અંધારામાં છીએ. માત્ર ‘કાન્હડદે પ્રબંધ’નાં આંતરિક પ્રમાણો ઉપરથી કવિ વિષે કેટલાંક અનુમાનો તારવી શકાય છે. જેમ કે, પદ્મનાભ વિદ્વાન છે અને સમર્થ કવિ છે, અને એની બાની રસાળ અને મનોહર છે. એને ‘ पुण्यविवेक’નું બિરુદ પ્રાપ્ત થયું છે. એણે પોતાના આશ્રયદાતા અખેરાજની સૂચનાથી મા ભારતીના પ્રસાદથી આ સરસ પ્રબન્ધની રચના કરી છે. આ વિષે કવિની પોતાની જ વાણી સાંભળીએ :
‘પદ્મનાભપંડિત સુકવિ, વાણી વચન સુરંગ,
કીરતિ સોનિગિરા તણી તિણિ ઉચ્ચરી સુચંગ’. (ખંડ ૧, ૪)
‘વિસલનગરઉ નાગર એક, પદ્મનાભ કવિ પુણ્યવિવેક,
એહવું બિરદઆદરઇ પસાઈ, અક્ષરબંધ બુદ્ધિરસ થાઈ,
અખઈરાજ સીષામણ સરી, પદમનાભ કીરતિ વિસ્તરી.’ (ખંડ ૪ ૩૪૦, ૩૪૧)
પોતે ‘પંડિત, સુકવિ’ છે, અને ‘પુણ્યવિવેક’નું બિરુદ ધારણ કરે છે, એમાં કવિની આત્મશ્લાઘા સમજવાની નથી; એને કવિના આત્મવિશ્વાસનાં વચનો સમજવાનાં છે. આ આત્મશ્રદ્ધાનો રણકો કવિની આ રચના પ્રૌઢ વયની અને શ્રેષ્ઠ હતી એમ દર્શાવે છે. ‘આ રસભરિત પ્રબન્ધના ચારે ખંડ નવનીત જેવા મધુર કોમળ છે, એના દુહા, ચોપાઈ અને મનોહર ગીતો મનને રસોલ્લાસથી ભરી દે છે’ :
‘ચ્યારિ ખંડ જિસ્યાં નવનીત, દૂહા ચઉપઇ મધુરાં ગીત,
સાંભલતાં સરીસ ઉલ્હસઇ, ચઉપઇ બંધ ઇસી ઇગ્યારસઈ.’ (ખંડ ૪ : ૩૪૨)
કવિના પોતાની રચના વિષેના આ કથનમાં લેશમાત્ર અત્યુક્તિ નથી, પરંતુ સાચી વાસ્તવદર્શી આત્મશ્રદ્ધાનો રણકો છે. વસ્તુતઃ દીર્ઘકાલની કવિત્વસિદ્ધિ કવિના આ સાહજિક કથનની પાછળ રહેલી છે એમાં શંકા નથી. આચાર્ય મુનિશ્રી જિનવિજયજી એથી જ સમુચિત રીતે જ આ પ્રબન્ધને બહુ જ ઉન્નત ભાવવાળી અને બહુ જ પુણ્યદાયિની રચના કહે છે, અને એના રચિયતા પદ્મનાભને મધ્યકાલીન કવિઓમાં ‘મહાકવિ’ના પદનો અધિકારી માને છે.[11] પદ્મનાભ બહુશ્રુત કવિ છે. એને તત્કાલીન ઇતિહાસનો પ્રગાઢ પરિચય છે, ભારતની ભૂગોળ વિષે એની પાસે ઝીણવટભરી સંપૂર્ણ માહિતી છે, અને ઇતિહાસ-પુરાણ-ધર્મશાસ્ત્રાદિકનું એને સમ્યક્ જ્ઞાન છે. એ રાજકવિ હોઈ તેને રાજદરબારી રીતરસમોનો અનુભવ છે. એથી જ ક્ષત્રિય કુલોનાં, ક્ષત્રિય યોદ્ધાઓનાં, અને રાજદરબારોની દૈનંદિન ચર્યાનાં કવિએ સુંદર ચિત્રો આલેખ્યાં છે. આ દરબારોમાં મુસલમાન અમીરો, રાજદૂતો, અધિકારીઓ વગેરે રાજ્યકાર્ય નિમિત્તે આવતા હશે. એમની જીવનચર્યાનો, એમની રીતભાતનો, એમની ભાષાનો પણ કવિને જીવન્ત, પ્રત્યક્ષ પરિચય છે. એથી જ એ મુસલમાન યોદ્ધાઓનાં, એમની છાવણીઓનાં, એમની કૂચનાં ખૂબ પ્રતીતિકર, આબેહૂબ વર્ણનો કરી શક્યો છે. પ્રસ્તુત कान्हडदे प्रबन्ध પદ્મનાભની પરિપક્વ પ્રતિભાનું ફળ છે, અને તેથી જ એમ તર્ક કરવાનું મન થાય છે કે કવિએ અન્ય રચનાઓ પણ કરી હશે, જોકે હજી સુધી એની અન્ય કોઈ કૃતિ પ્રાપ્ત થઈ શકી નથી.
‘કાન્હડદે પ્રબંધ’ની ઐતિહાસિક સામગ્રી –
‘કાન્હડદે પ્રબંધ’ એક ઐતિહાસિક પ્રબન્ધ છે. એમાં ઉલ્લેખ પામેલી અગત્યની સર્વ બાબતોને ઇતિહાસના અન્ય આધારોનું સંપૂર્ણ સમર્થન મળે છે. આ પ્રબંધની મહત્ત્વની ઐતિહાસિક હકીકતો નીચે મુજબની છે : (૧) કર્ણદેવ વાઘેલાનો અમાત્ય માધવ રાજા ઉપર રોષે ભરાઈને દિલ્હીના સુલતાન અલાઉદ્દીનને સમજાવીને ઉલુઘખાનની સરદારી નીચે વિશાળ મુસલમાન લશ્કર લઈ આવ્યો. એ લશ્કરે પાટણ કબજે કર્યું, ગુજરાતને હચમચાવી નાખ્યું, અને સોમનાથ પાટણને ભાંગીને એનું પ્રસિદ્ધ મંદિર તોડી નાખ્યું. (૨) પાછાં વળતાં મુસલમાન લશ્કર જાલોરના રાજા કાન્હડદેના રાજ્યમાં થઈને પસાર થતું હતું ત્યારે કાન્હડદેએ એને હરાવીને સોમનાથની મૂર્તિ છોડાવી, અને બાન છોડાવ્યાં. (૩) આ હારના સમાચાર સાંભળીને રોષે ભરાઈને પાદશાહે નાહર મલિકને મોટું લશ્કર આપીને જાલોર ગઢ કબજે કરવાને મોકલાવ્યો. મુસલમાન લશ્કરે મારવાડમાં પ્રવેશ કર્યો ત્યારે માર્ગમાં સમિયાણાનો ગઢ આવ્યો. ત્યાં કાન્હડદેનો ભત્રીજો સાંતલદે રાજ્ય કરતો હતો. એણે નાહર મલિકને સજ્જડ હાર ખવરાવી. આ યુદ્ધમાં નાહર મલિક મરાયો. (૪) આ હકીકત સાંભળીને સુલતાન ખૂબ નારાજ થયો. એણે પાટણથી સૂબાને બોલાવ્યો અને બીજા ખંડિયા રાયરાણા અને સરદારોને એમના લશ્કર સાથે બોલાવ્યા, અને આમ એક ખૂબ વિશાળ સેના તૈયાર કરીને એ સમિયાણા ઉપર ચડી આવ્યો. સાત વરસ સુધી કિલ્લો પડ્યો નહીં, એટલે હીન યુક્તિ અજમાવીને ગઢ ઉપરનું પાણી ભ્રષ્ટ કર્યું. રાજપૂતોએ કેસરિયાં કર્યાં, અને કિલ્લો અંતે પાદશાહના હાથમાં આવ્યો. (૫) સમિયાણા જીતીને પાદશાહ જાલોર ગયો. રસ્તામાં એણે ભિન્નમાલ ભાંગ્યું અને જાલોરને ઘેરો ઘાલ્યો. કાન્હડદેએ પ્રચંડ સામો હલ્લો કર્યો. એથી પાદશાહને ઘેરો ઉઠાવીને દિલ્હી પાછા જવું પડ્યું. (૬) પાદશાહે ફરી પાછી ખૂબ તૈયારીઓ કરીને જાલોર ઉપર ચડાઈ કરી. આઠ વર્ષ ઘેરો ચાલ્યો. વીકા સેજપાલ નામના એક લોભી રાજપૂતે ગઢનો છૂપો રસ્તો બતાવી દીધો, એટલે એ માર્ગે રાતોરાત મુસ્લિમ લશ્કર ચઢી આવ્યું અને જાલોર ગઢ પડ્યો. આ સર્વ ઐતિહાસિક વિગતોનું સમકાલીન સંસ્કૃત-પ્રાકૃત પ્રબંધો સમર્થન કરે છે. ઉ. ત. विचारश्रेणी માં ‘નાગર બ્રાહ્મણ (અમાત્ય) માધવ ગુજરાતમાં મુસલમાનોને લઈ આવ્યો’ એમ જણાવ્યું છે. (यवना माधवनागरविप्रेणानीताः।)’૧૨[12] તો विविधतीर्थकल्प માં આથી વધારે વિગતવાર ઉલ્લેખ મળે છે : ‘અલાઉદ્દીન સુલતાનનો નાનો ભાઈ ઉલુઘખાન મંત્રી માધવની પ્રેરણાથી દિલ્હીથી (લશ્કર લઈને) ગુર્જરભૂમિમાં ચઢી આવ્યો.’ (अलावदीणसुरताणस्स कणिट्ठो भाया उलूखान नामाधिज्ज ढिल्लीपुराओ मंतिमाहवपेरिओ गुज्जरधरं पठ्ठिओ ।)૧૩[13] સમકાલીન મુસ્લિમ તવારીખોમાં પણ ગુજરાત ઉપર મુસલમાનોની ચઢાઈનું અને પાછાં વળતાં જાલોરના ચૌહાણ રાજા કાન્હડદે સાથે ભીષણ સંગ્રામનું વર્ણન છે.૧૪[14] ‘કાન્હડદે પ્રબન્ધ’ની ઐતિહાસિક હકીકતોને રાજસ્થાની ઐતિહાસિક તવારીખો સંપૂર્ણપણે ટેકો આપે છે. આશરે ત્રણસો વર્ષ ઉપર રચાયેલી મુહણોત નૈણસીની ख्यात માં ‘કાન્હડદે પ્રબન્ધ’ની મુખ્ય મુખ્ય બધી ઐતિહાસિક વિગતોનું સમર્થન છે.૧૫[15] આમ બધા મહત્ત્વના સમકાલીન ઇતિહાસગ્રંથો ‘કાન્હડદે પ્રબન્ધ’ની ઐતિહાસિક વિગતોને પ્રમાણિત કરે છે.
રસ, અલંકાર અને પદ્યબંધ –
‘આ પ્રબન્ધમાં પ્રધાનરસ વીરરસ છે. એના સંયોગમાં પોષક રૂપે અથવા અનુષંગરૂપે અદ્ભુત, રૌદ્ર, વિપ્રલંભશૃંગાર, કરુણ–એ રસ કથાની મંદિરરચનામાં મીનાકારી જેવી કલાઘટના કરીને આપણને ચમત્કાર આપે છે... યુદ્ધનાં વર્ણનોમાં વીરરસની ખૂબી વિશેષ દીપ્તિમતી જોઈએ છીએ. અદ્ભુત રચના પ્રસંગો, સ્વપ્નામાં ગંગા અને ગૌરીનાં દર્શન, અન્ય સ્વપ્નો, ભાવિ સૂચનો, વગેરે ગૌણ પ્રસંગો નજરે પડે છે... રૌદ્ર રસના પ્રસંગ અલ્પ અને છૂટક છૂટક વેરાયેલા છે.’૧૬[16] આ અતિ વેગવંત વહેતા કાવ્ય બંને અલંકાર આદિ સુશોભનોની લેશમાત્ર આવશ્યકતા નથી. કાવ્યમાં આવતાં યુદ્ધ, નગર, ઉત્સવાદિનાં ભાતીગળ વર્ણનોથી, અને પાત્રપ્રસંગનાં તાદૃશ આલેખનોથી જ કથાપટ ભરચક ભરાઈ જાય છે. છતાં, ક્વચિત્ કવિએ પોતાના કથયિતવ્યને ભાર અર્પવાને ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા જેવા અલંકારોનો પ્રસંગોપાત્ત વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિએ યથાસ્થાન દુહા, ચોપાઈ, પવાડુ અને ગીતના ઢાળ યોજ્યા છે. કાવ્યનો મુખ્ય બંધ ચોપાઈ અને પવાડુ છંદોથી બંધાયો છે. સામાન્ય રીતે કવિ ચાલુ કથાપ્રસંગના પ્રવાહી વર્ણન માટે ‘ચઉપઈ’ બંધ (૧૫ માત્રનાં ૪ ચરણ), અને યુદ્ધનાં વેગવંત વર્ણનો માટે ‘પવાડુ’ છંદ (૨૭ કે ૨૮ માત્રાનાં બે ચરણ; સ્વરૂપ ચોપાઈ–ચોપાયાને મળતું) પસંદ કરે છે. દુહાનો ઉપયોગ અત્યંત મર્યાદિત છે. કોઈક મહત્ત્વનો વિચાર, સૂક્તિ કે સુભાષિતને પ્રસ્તુત સંદર્ભમાંથી જુદા પાડીને ઉપસાવવાને માટે કવિએ વૈવિધ્ય માટે, ઉપચીયમાન ભાવ કે રસના વિશેષ પરિપોષ અર્થે, અને કાવ્યમાં રંગીન તત્ત્વ આણવાને કરે છે. કાવ્યમાં વપરાયેલા બધા છંદ કે ઢાળ તે તે વર્ણ્યમાન પ્રસંગાદિકને સર્વથા અનુરૂપ છે.
વર્ણનો
આ કૃતિનાં સૌથી સવિશેષ સુંદર અને ચેતોહારી અંગ છે એનાં વર્ણનો અને પાત્રનાં આલેખનો. પદ્મનાભે કરેલાં ઉત્સવોનાં, નગરોનાં, યુદ્ધનાં વર્ણનોમાં અસાધારણ સુંદરતા અને તાદૃશતા છે. વીરરસભરિત ધીરગંભીર કથાપટમાં એથી અતીવ સુંદર કલાસ્વસ્તિકો રચાય છે, એટલું જ નહીં પણ એથી એ યુગનો સમાજ, એની રહેણીકરણી, એના જીવનઆદર્શો, ઇ. ઉપર વેધક પ્રકાશ પડે છે.
પાત્રનિરૂપણ
‘કાન્હડદે પ્રબંધ’ની વસ્તુસંકલનાથી પણ ચઢિયાતું છે એનું પાત્રનિરૂપણ. મધ્યકાલીન કવિઓમાં પદ્મનાભનું પાત્રનિરૂપણ એની રસભરિત વાસ્તવદર્શિતાને કારણે અને મુખ્ય પાત્રોમાં ધબકતાં ચેતન અને સુરેખ વ્યક્તિમત્તાને કારણે જુદી જ ભાત પાડે છે. રાજનીતિમાં પ્રવીણ, સદાચારી, ઇન્દ્ર સમી રાજરિદ્ધિવાળો, અશ્વિનકુમાર સમ રૂપવંત, ન્યાયી, અતિ ધીરવીર કાન્હડદે; અને વડીલ બંધુ કાન્હડદે ઉપર અત્યંત પ્રીતિવાળો, અતિ સાહસી, યુદ્ધકુશલ, મતિમંત માલદે; તેમજ રૂપવેશમાં કાન્હકુંવર (કામદેવ) સમ લીલવિલાસ, પૂનમના મયંક સમ મનોહર, જયવંત, ટેકીલો વીરમદે; મહાબળવાન, ગૌરવશાળી સાંતલ, એ સર્વ રાજપૂત વીરોનું આલેખન ખૂબ પ્રાણવંત, તે તે વ્યક્તિઓના વ્યક્તિત્વની રેખાઓ પૂર્ણપણે ઉપસાવતું થયું છે. આ જ પ્રમાણે વિરલ આત્મસમર્પણ કરનાર બતડ કે ભીમપરાક્રમી લખણ સેભટાનું આલેખન એમના વિશિષ્ટ વ્યક્તિત્વને ઉપસાવનારું થયું છે. પ્રતિનાયક પાદશાહ અલાઉદ્દીન અને ઉલુઘખાન જેવા સરદારોના આલેખનમાં પણ કવિએ અપૂર્વ કૌશલ દાખવ્યું છે. સ્ત્રીપાત્રોનું આલેખન પણ આ પ્રધાનપણે વીરરસના કાવ્યમાં શક્ય એટલી સૂક્ષ્મતાથી અને રસિકતાથી કર્યું છે. સોમચંદ્ર વ્યાસ, હીરાદે જેવાં ગૌણ પાત્રો અને ભાઈલુ કે વીકો સેજવાલ જેવાં ખલપાત્રોનાં આલેખનમાં પણ કવિનું સામર્થ્ય અછતું રહેતું નથી. એ સર્વમાં જીવન્ત પ્રાણ ધબકે છે. તેથી જ મુનશીએ નોંધ્યું છે કે : “He (Padmanabha) is perhaps the only one of the many writers of the period who has handled characters and events so well and truly.’[17]
શૈલી
પદ્મનાભની શૈલી સામાન્ય રીતે તેજસ્વિની, પ્રભાવભરી, સુદૃઢ છે.૧૮[18] એ કૂચના વર્ણનમાં વેગવતી અને યુદ્ધના વર્ણનમાં પ્રૌઢ અને ઓજસ્વિની છે. મુસલમાન સેનાની કૂચનું વર્ણન જુઓ :
‘મદિ માતા મયગલ સિણગાર્યા, પૂઠિ ચડ્યા પૂંતાર,
લીધી પાખર નઇ કઠપંજર, ઘંટા રણઝણકાર.
ઊપરિ ચડ્યા ન અંકુશ માનઇ, એહવા ગજ રોસાલ,
સવે સારસી કરતા ચાલઇ, જેહવા પરબતમાલ.
ઘોડા તણી ફોજ જૂજૂઇ, તેહ ન લાભઇ પાર,
ઊવટ વાટિ ઊપડયા ચાલઇ, ખાન તણા તોખાર.’ (૧: ૪૪,૪૬)
યુદ્ધનું વર્ણન કેવું દીપ્તિમંત છે!
‘તીન્હા તુરી ઊડવઇ રાઉત, ભલા વાવરઇ ભાલા,
માઝિમ રાતિ મ્લેછ મારંતાં દહ દિસિ હીંડઈ ભૂલા.
અંગોઅંગિ પટે અણીયાલે પ્રાણઈ પાખર ફોડઈ,
ખાંડા તણે ઘાઈ સપરાણે સાંધિઇ સાંધિ વિછોડઈ.
માલ તણી પરિ બાથે આવઇ, પ્રાણઇ વિલગઈ ઝૂંટઇ,
ગુડદાપાટૂ દોટ વજાવઇ, ભિડઇ પ્રહારે મોટઈ’. (૧: ૨૦૮, ૨૧૦, ૨૧૨)
મુસલમાનોએ પકડેલાં બાનોનાં આક્રન્દમાં શોકની ઘેરી છાયા પડી છે :
‘એક ભણઈ–અમ્હે જનમિ આગિલઈ હીંડયાં કિસ્યૂં અણરું,
તુરકાં પાસિ પાડીઆ દૈવિ, વઇરી દીધઉં પૂરું.
એહવાં વચન દ્યામણાં બોલઇ, બિહું કરિ પીટઈ આપ,
કેહાં જનમ તણાં ઇણિ વેલાં, આવી લાગાં પાપ.’ (૧: ૧૫૯, ૧૭૪)
પુણ્યપ્રશંસામાં એ યુગની જીવનદૃષ્ટિનું વર્ણન છે. એની મંદ–પ્રશાન્ત શૈલી જુઓ :
‘પુષ્પવંતનાં દુસકૃત ટલઇ, પુણ્યવંતનઈ ચામર ઢલઈ,
પુણ્યવંત સિરિ છત્ર ધરાઈ, પુણ્યવંત નવિ પાલા જાઈ.
પુણ્યઇ મયગલ બાઝઇ બારિ, પુણ્યવંત ભુજ નવાઇ હારિ,
પુણ્યઇ હુઈ નિત નવલા રંગ, પુણ્યઇ સુણીઇ વેણિમૃદંગ.’ (૧: ૨૨૮, ૨૨૯)
સોમનાથના વિધ્વંસ પ્રસંગે કવિનો પુણ્યાત્મા કકળી ઊઠે છે. ધર્મવિધ્વંસના એ નિરૂપણમાં એની શૈલીમાં કેવો પુણ્યપ્રકોપનો આવેશ છે!
‘આગઇ રુદ્ર ઘણઈ કોપાનલિ, દૈત્ય સવે તંઇ બાલ્યા,
તઇં પૃથ્વી માંહિ પુણ્ય વરતાવ્યાં, દેવલોકિ ભય ટાલ્યા.
તઇં બાલિઉ કામ ત્રિપુર વિધ્વંસિઉ, પવનવેગિ જિમ તૂલ,
પદ્મનાભ પૂછઇ સોમઇયા! કેથું કરયઉં ત્રિસૂલ.’ (૧: ૧૦૧,૧૦૨)
કવિની બાની યથાપ્રસંગ મધુરકોમલ પણ બને છે. વિજયોત્સવના ધોળમાં એ લલિતકોમલ છે :
‘હાર નિગોદર બહિરષા, સષી નેઉર રણઝણકાર કિ;
જીતઉં સહીય વધામણું એ.
ત્રાટ કરૂ કરિ કનકમઇ, સષી મોતીયડે પુરુ ચુક કિ; જીતઉં.
તિલક કરુ કુંકુમ તણાં, સષી તિણિ રંગિ રાઉ વધાવુ કિ.
જીતઉં૰ (૧: ૨૪૫-૨૪૭)
શાહજાદી પિરોજાના વિલાપમાં એની મર્મવેધી વિરહવેદનાના કરુણગંભીર સૂરો રેલાયા છેઃ
‘કઈ મઈ મનમથ દૂહવિઉ જી, કઈ હૂં નિરગુણ નારિ,
પ્રીયુ પરદેસણિ વીનવઇ જી, આપઈ આપ સંભારિ.
દિવસ દોહિલઇ નીગમૂં જી, રયણિ ઘણેરી થાઈ,
વિરહ વેદન માહરી કહિનિ કહૂં જી, પ્રીયુ વિણ રહિણુ ન જાઈ.
જઉ જલહીણી માછલી જી, જીવઈ નહી જગ માંહિ,
કંત વિહૂણી કામિની જી, તિમ તિમ ષીણી થાઈ.’ (૩: ૨૩૩-૨૩૫)
આમ પદ્મનાભની શૈલી યથાપ્રસંગ સમુચિત સ્વરૂપ ધારે છે. આ પ્રબન્ધમાંનાં ક્ષાત્રતેજે ઝળહળતાં વીરરસનાં કે કુંવરી પિરોજાને અવલંબીને આલેખાયેલાં વિપ્રલંભ શૃંગારનાં સુંદર ચિત્રોની જોડ જડવી આપણા સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં મુશ્કેલ છે.
સામાજિક જીવનનાં ચિત્રો –
‘કાન્હડદે પ્રબન્ધ’માં તત્કાલીન સામાજિક જીવનનાં કેટલાંક સુરેખ ચિત્રો મળે છે. ઈસવી સનના તેરમા સૈકાના અંતભાગ સુધીમાં ગુજરાત અને મારવાડ સમૃદ્ધ હતાં. ગુજરાતનાં મોટાં મોટાં નગરોમાં, ખાસ કરીને તો સાગરપટ્ટીનાં નગરોમાં સોનાં-રૂપાં અને રેશમી વસ્ત્રોની છાકમછોળ હતી. મુસલમાન સેનાએ ગુજરાતનાં નગરોમાંથી અનગળ દ્રવ્ય લૂંટ્યું હતું. એમણે
‘તડીયાં નગર સવે ધંધોલ્યાં, દીઠાં સાયરપૂર,
સોનાં રૂપાં અનઇ સાવટૂ, કાચાં લીયાં કપૂર. (૧: ૬૯)
મારવાડની ભૂમિ પણ એવી જ સર્વથા સમૃદ્ધ હતી. સૌનાં ઘર ધનધાન્ય અને જરિયાન વસ્ત્રોથી સભર હતાં :
‘નવકોટી નામિ ભણૂં મારૂઆડિ ઘણ દેસ;
ધણ કણ ઘરિ સવિકહિ તણઇ કપ્પડ કણય સુવેસ.’ (૧: ૬)
સમૃદ્ધ અને શાંત ગુજરાતમાં ધાર્મિક વાતાવરણ સર્વત્ર પ્રસરેલું હતું – સર્વત્ર યજ્ઞયાગાદિક થતા, દેવપૂજા થતી, વિપ્રોને દાન અપાતાં, શ્રુતિસ્મૃતિપુરાણાદિકની આલોચના થતી, તીર્થયાત્રાઓ કરવામાં આવતી. એનું વર્ણન કરતાં કવિ કહે છે :
‘જિહાં પૂજિજ્યઇ સાલિગ્રામ, જિહાં જપિજ્યઇ હિરનઉં નામ;
જિણિ દેસઇ કરાયઇ જ્યાગ, જિહાં વિપ્રનઈ દીજ્યઇ ત્યાગ;
જિહાં તુલસી પીપલ પૂજીયઇ, વેદ પુરાણ ધર્મ બૂઝીયઈ,
જિણિ દેસઈ સહૂ તીરથિ જાઇ, સ્મૃતિ પુરાણ માનીયઈ ગાઈ.’ (૧: ૧૫-૧૭)
કવિએ સહુ નગરોમાં જાલોરનું વર્ણન અત્યંત ઉમંગથી કર્યું છે. કવિએ જાલોરના અટંકી ગઢનું વર્ણન કેવા સામર્થ્યથી કર્યું છે તે જુઓ :
‘લંક ત્રિકૂટ સિરિષડઉ રે, ગોરિઅડે ગઢ દીઠ;
કનકસકોમળ ફૂદડી એ, વિચિ વિચિ રતન બઈઠ.
તરલ ત્રિકલસાં ઝલહલઇ રે, ધજ ધરીઈ વિસાલ,
રચિયી ચંદ્રૂ આ ચઉફલા એ, માંહિ મોતિયડે જાલ.
કાન્હમેરિ કોઠા ઘણા એ, દીસઈ દીપકમાલ.’ (૩: ૧૫૩-૧૫૭)
‘ગઢ ગિરૂઉ જિસઉ કૈલાસ, પૂણ્યવંતનઉ ઊપરિ વાસ;
જિસઉ ત્રિકૂટ ટાંકણે ઘડિઉ, સપતધાત કોસીસે જડિઉ.
ઘણી ફારકી વીસમા માર, જીણઇ ઠામિ રહઈ ઝૂઝાર;
ઝૂઝબાણની સમદા વલી, વિસમા વાર વહઈ ઢીંકુલી.’ (૪: ૩૩-૩૪)
એ પછી કવિએ જાલોર નગરનું – એનાં ચૌટાં, ચોક, અને હાટોનું, એનાં ગગનચુંબી દેવાલયો અને જિનમંદિરોનું વર્ણન હોંશથી કર્યું છે :
‘નગરિ માંડવી વારૂ પીઠ, આછી ખેરા ચોલ મજીઠ,
ચહુટાં ચઉક ચઉતરાં ઘણાં... ...
સેરી સાંથ મોકલી વાટ, નગર માંહિ છોહપંક્તિ હાટ.’ (૪: ૧૫, ૧૮, ૧૯)
‘આસાપુરી આદિ યોગિની, દેવ ચતુર્મુષ ગણપતિ અની,
કાન્હસ્વામી ગિરૂઆ પ્રસાદ, શિષર તડોવડિ લાગુ વાદ.
આઠ પુહર નિત પૂજા કરઇ, ઈડે ધ્વજાવસ્ત્ર ફરહરઈ.
વલતઇ વારિ હુઇ નિતુ જાત્ર, નાટકનૃત્ય નચવાઈ પાત્ર.
જોઈ જિણાલાં ઠામ વિસાલ, વસહી દેહરાં નઇ પોસાલ.’ (૪: ૨૧,૨૨,૨૩)
જાલોરમાં કેટલી બધી વાવો અને જળાશયો હતાં!
‘ગઢ ઉપરિ જલઠામ વિસાલ, ઝાલર વાવિ કુંડ જાબાલિ,
વારૂ વાવિ માંડહી તણી, સાહણ વાવિ અતિ સોહામણી,
રાણી તણી વાવિ ગંભીર, નટરષ વાવિ નિરમલ નીર.’ (૪: ૨૪, ૨૫)
એના પવિત્ર કુંડોમાં પર્વસ્નાનનો મહિમા હતો. જાલોરમાં અનેક પરબો અને અન્નક્ષેત્રો હતાં :
‘પાણી તણી પર્વ અપાર, સહૂ કો માંડઇ સત્રૂકાર.’ (૪: ૨૯)
જાલોરમાં ઉત્તમ વર્ણનો વાસ હતો. અઢારે વર્ણના લોકો ત્યાં રહેતા હતા. ત્યાં વેદ-પુરાણ-શાસ્ત્રનો અભ્યાસ કરનારા બ્રાહ્મણો વસતા હતા :
‘વેદ પુરાણશાસ્ત્ર અભ્યસઇ, ઇસ્યા વિપ્ર તિણિ નયરિ વસઇ.’ (૪: ૯)
ત્યાંના બત્રીસલક્ષણા રાજપૂતો સદાય ગોબ્રાહ્મણનું અને અબળાનું પ્રતિપાલન કરનારા હતા :
‘રાજવંશ વસિ છત્રીસ, છિન્નૂ ગુણ લક્ષણ બત્રીસ,
અબલા વિપ્ર માનીઇ ગાઈ.’ (૪: ૧૦-૧૧)
વેપારી વાણિયાઓ ન્યાયપુરઃસર વેપાર કરતા હતા. એમનો દેશાવરમાં પણ વેપાર ચાલતો હતો :
‘વિવહારીયા વસઇ વાણીયા,
વુહરઇ વીકઇ ચાલઇ ન્યાય, દેસાઉરિ કરઈ વિવસાય.’ (૪: ૧૨)
વાણિયાઓમાં કેટલાક દસા કે વીસા હતા તો કેટલાક શ્રાવક અને માહેશ્વરી હતા. એમાંના કેટલાક વ્યવસાયે કરીને દોશી, ફડિયા, ઝવેરી કે નેસ્તી હતા. નગરમાં નાણાવટી, કંસારા, કાગળ ને કાપડના વેપારી, કંદોઈ વગેરે વસતા હતા. જેને જે જોઈએ તે ચીજવસ્તુ નગરના બજારમાંથી મળી રહેતી. નગરમાં ઘાંચી, મોચી, દરજી, ગાંછા, છીપા વગેરે વ્યવસાયી વર્ગ પણ હતો. આ સર્વનું કવિએ વર્ણન કર્યું છે.
‘વીસા દસા વિગતિ વિસ્તરી, એક શ્રાવક એક માહેસરી,
ફડીયા દોસી નઇ જવહરી, નામિ નેસ્તી કામઈ કરી.
વિવિધ વસ્તુ હાટે પામીઇ, છત્રીસઇ કિરીયાણાં લીઈ,
કંસારા નટ નાણુટીઆ, ઘડિયા ઘાટ વેચઈ લોહટીઆ.
કાગલ કાપડ નઇ હથીયાર, સાથિ સુદાગર તેજી સાર.’ (૪: ૧૩–૧૬)
એ કાળે ભિન્નમાળ જેવાં કેટલાંક નગરોમાં બ્રાહ્મણોનું પ્રાધાન્ય હતું. એવી નગરીઓને બ્રહ્મપુરી કહેતા. બ્રાહ્મણો અતિ પવિત્ર અને સારસ્વત જીવન ગાળતા. અંગ સહિત ચારે વેદ એમને કંઠસ્થ હતા. ચૌદ વિદ્યા, અઢારે પુરાણ અને શાસ્ત્રો એમને અવગત હતાં. પૃથ્વી ઉપરના દેવ જેવા એ બ્રાહ્મણોનાં દર્શન પાવનકારી ગણાતાં. પદ્મનાભે ‘કાન્હડદે પ્રબન્ધ’માં મધ્યકાલીન સાહિત્યમાં વિરલ એવું બ્રાહ્મણોના સારસ્વત જીવનનું અસાધારણ સુરેખ, સુંદર ચિત્ર આપ્યું છે :
‘બ્રાહ્મણ સહિસ પંચતાલીસ, પૃથિવી દેવ અવતરીયા જૈસ,
અંગ સહિત છઇ ચ્યારઈ વેદ, જિહાં વરતઇ આઠઇ વ્યાકરણ.
ભિન્નમાલનૂં કિસ્યૂ વષાણ, વિદ્યા ચઉદ અઢાર પુરાણ.
આયુર્વેદ ભરહ સંગીત, જ્યોતિષ પિંગલ વિષય વિનીત.
વાજી નાટક વિદ્યા ઘણી, બ્રહ્મપુરી ચહૂઆણા તણી.
શ્રીમાલીનાં ગિરુઆં ગોત્ર, ઘરિ ઘરિ અવસથ અગ્નિહોત્ર.
સ્મૃતિવિચારના જાણઇ મર્મ, નિતુ નિતુ આચરીઇ ષટકર્મ.
ઇંદ્રાદિક દેવનઉ વિભાગ, ભિન્નમાલિ નિતુ કીજઇ જ્યાગ.
ભેટ્યાં પાતિક જાઇ નાસિ, ધોતી ઊગાઇ આગાસિ.
સહસ અઠ્યાસી અગાઈ સર્યા, જાણે વલી તેહજિ અવતર્યા. (૩: ૨૨-૨૮)
રાજપૂતો નીતિમાન, શૂરવીર, ઉદાર, ધર્મપ્રતિપાલક, સ્વામીનું પ્રાણાંતે પણ કાર્ય કરનારા હતા. પહેલી ‘ભડાઉથિ’ (ભટાવલી, અર્થાત્, ‘સુભટપ્રશસ્તિ’)માં પદ્મનાભે ક્ષત્રિય યોદ્ધાઓનું તાદૃશ ચિત્ર આપ્યું છે :
‘કિસ્યા ખિત્રી... લઘુસંધાનીક, વીરાધિવીર, આકરણાંત
મૂંછ, નાભિપ્રમાણ કૂંચ, ઉદાર ઝૂઝાર, હઈઇ સુવિચાર, થોડું બોલઇ,
..., પરનારીસહોદર, સંગ્રામિ સધર, બોલાવી મારઈ, મારી મરઈ,
આપણા સ્વામી તણૂં કાજ કરઇ, છત્રીસઇ દંડાયુધ ધરઈ...’ (ખંડ ૧: ભડાઉલિ)
રાજસભામાં શ્રીગરણા, વઈગરણા, સાણહિતા, નગરતલાર, મસાહણી, ભંડારી, કોઠારી, વગેરે રાજસેવકો હતા. જીતની વધામણી લઈને વેગવંત સાંઢણી ઉપર જનારા રબારીઓના ઉલ્લેખો પણ પ્રબન્ધમાં મળે છે. લગ્નવિધિના બેએક ઉલ્લેખો પણ આ કાવ્યમાં મળે છે, તે ઉપરથી એ વખતની લગ્નપ્રથાનો ખ્યાલ આવે છે. અંત્યેષ્ટિ વિધિઓનું નિદર્શન પણ ‘કાન્હડદે પ્રબન્ધ’માં સચવાયું છે. એ યુગનું જમણ પણ કૌતુક ઉપજાવે તેવું છે. કાન્હડદેના ભોજનનું વર્ણન કરતાં કવિએ એ સમયનાં મિષ્ટાન્નો અને અન્ય વાનીઓ ગણાવી છે :
સેવ સૂંહાલી લાડૂ ગલ્યા, આછા માંડા પાપડ તલ્યા,
ખાજે ખડક સાલણે વડી, કૂરકપૂર તલી પાપડી.
પંચધાર લાપસી કંસાર, ધાન રસોઈ ભાવ અઢાર.
અતિ ઊજલાં ઢેપાલાં દહી, ભુંજાઇ એ રાઉલ લહી.
પાન કપૂર દીઇ થઇઆત, ચોઆ સુર તુર ચોલીઇ હાથ.’ (૪: ૫૦, ૫૧, ૫૨)
મુસલમાન લશ્કરે પકડેલાં બાનોનાં આક્રંદ નિમિત્તે કવિએ એ યુગની પાપપુણ્યની માન્યતાઓનું વિગતે નિરુપણ કર્યું છે. બાન પકડાયેલા લોકો આક્રંદ કરે છે કે ‘અમે કોઈ પૂર્વજન્મે આવાં પાપ કર્યાં હશે તેથી તુર્કીના હાથમાં આવી પડ્યા છીએ’ :
‘કૂડી સાખિ કઇ અમ્હે દીધી, કઇ ચડાવ્યાં આલ;
કઇ જણણી ઉછરંગિ રમંતાં થાનવિછોહ્યાં બાલ.
ગાઈ તણાં કઇ ગોચર ખેડ્યાં, કઇ લોપ્યા આઘાટ;
કઇ અમ્હે જઇ જંગલિ મુધ લીધાં, કઇ કિહાં પાડી વાટ.
કઇ અમ્હે કુલઆચાર લોપિઉ, કઈ સંભેડા લાયા.
કઇ પરનારીગમન આચાર્યાં, કીધાં પાતિક પંચ,
ખાધાં ધાન ઉલવઇ બઈસી, છોરૂ કીધાં વંચ.
ભર્યાં સરોવર પાલિ ઊસાસી, પીપલિ દીધા ઘાઉ,
દેવ તણા પ્રાસાદ પડાવ્યા, કઇ હરિ લાઉ પાઉ.
લાખ લૂણ તિલ વુહર્યાં વીક્યા, કન્યાવિક્રય કીધા;
સોમ સૂર કઇ રાહુ ગિલંતઇ મહાદાન કો લીધાં.
કઇ વિશ્વાસઘાત અમ્હે કીધા, કઇ અવગુણીયાં પાત્ર;
કઇ ધન પ્રાણિ પિયારાં ઝૂંટી પામર પોષ્યાં ગાત્ર.
કઇ અમ્હે સ્વામિદ્રોહ આચરીયા, કીધાં આસવપાન,
કઇ અમ્હે બ્રહ્મ ઘાત કો કીધા, કઇ પાડ્યા બંધાન.
તુરક તણઈ બંધાનઈ પડીયાં, કહઉ અમ્હે કેહઈ પાપિ?’ (૧: ૧૬૦–૧૭૦)
આ જ રીતે પદ્મનાભે પ્રથમ ખંડના અંતભાગમાં સવિસ્તર પુણ્યપ્રશંસા કરી છે. એમાં પુણ્યવંત જન કેવી રીતે આરોગ્ય, ઐશ્વર્ય, સુખસમૃદ્ધિ, ઉત્તમ સ્વજનો, રાજમાન, ભોગવિલાસ ઇ. પામે છે એનું વર્ણન કર્યું છે. આમ આ પ્રબન્ધના પટમાં કવિએ તે સમયની સામાજિક પરિસ્થિતિ અને રીત-રિવાજોનું ભાતીગળ ચિત્ર ખૂબ કૌશલથી વણી લીધું છે...
ભાષાદૃષ્ટિએ મહત્ત્વ
‘કાન્હડદે પ્રબંધ’નું ભાષાદૃષ્ટિએ પણ અસાધારણ મહત્ત્વ છે. વિ.સં. ૧૩૦૦ થી ૧૫૦૦ સુધીનો પ્રાચીન ગુજરાતીનો ઊગમકાળ વટાવીને મધ્યકાલીન ગુજરાતી ભાષા પોતાનાં સર્વ વિશિષ્ટ લક્ષણો ખિલવતી, બલવતી, ચારુ બાલ્યાવસ્થા વટાવીને, કિશોરીરૂપને છોડી દીધું છે એવી અનુપમ રૂપવતી મુગ્ધા સમી સોહે છે.
ઉપસંહાર :
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આ અસાધારણ પાણીદાર રત્ન મધ્યકાલીન સાહિત્ય-ભંડારનું મહામૂલું ધન છે. પાંચસો વર્ષે એની દીપ્તિ એવી જ ઝળહળતી રહી છે, એટલું જ નહીં પણ જેમ રાજમુકુટમાં જડેલાં કે દેવમૂર્તિએ પરિધાન કરેલાં રત્નો સમય જતાં વિશેષ ને વિશેષ બહુમૂલ્ય બને, તેમ આ પ્રબંધરત્નનું મૂલ્ય સુદીર્ઘ કાલાવધિમાં એમાં અંતર્ગત ભાષા-ઇતિહાસ-સામાજિક જીવન ઇત્યાદિની અધ્યયન-સામગ્રીની વિરલ સમૃદ્ધિને કારણે નિરતિશય વધ્યું છે.
સંદર્ભનોંધ :
- ↑ ૧. મજમુદાર, મંજુલાલ રણછોડલાલ, ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’ (પદ્ય–વિભાગ), (પ્રથમ આવૃત્તિ, ૧૯૫૪), પૃ. ૮૨.
- ↑ ૨. મજમુદાર, મં. ર., એ જ, પૃ. ૮૩.
- ↑ ૩. અંબદેવસૂરિ રચિત, समरारासु (प्राचीन गुर्जर काव्य संग्रह અંતર્ગત પૃ. ૨૭-૩૮); સંપાદિત, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ; ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ, નં. ૧૩, ૧૯૨૦.
- ↑ ૪. મજમુદાર, મં. ર., એ જ, પૃ. ૯૫.
- ↑ ૫. ધ્રુવ, કે. હ. સંપાદિત, पंदरमा शतकनां प्राचीन गुर्जर काव्य (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૨૭), પૃ. ૯૬-૧૪૪.
- ↑ ૬. શાહ, ધીરજલાલ ધનજીભાઈ સંપાદિત, विमलप्रबन्ध (પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫), ‘અધ્યયન’, પૃ. ૪૨ (પાદટીપ.૧૦).
- ↑ ૭. મજમુદાર, મં. ર., એ જ, પૃ. ૮૯-૯૨; મજમુદાર મે. ર. माधवानलकामकन्दला प्रबन्ध, ગા. ઓ. સીરીઝ, ૧૯૪૨.
- ↑ ૮. સાંડેસરા, ભોગીલાલ જ., ‘અમૃતકલશકૃત हम्मीर प्रबन्ध - એક સંક્ષિપ્ત પરિચય નોંધ’, ‘સ્વાધ્યાય’, પુસ્તક ૨, અંક ૧; દીપોત્સવી, ૨૦૨૦.
- ↑ ૯. શાહ, ધી. ધ. विमलप्रबन्ध ‘અધ્યયન’, પૃ. ૩૪-૩૫.
- ↑ ૧૦. વ્યાસ, કાન્તિલાલ બળદેવરામ સંપાદિત, कान्हडदे प्रबन्ध (‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા’, ગ્રંથાંક ૧૧), આચાર્યશ્રી જિનવિજ્યજી મુનિનું પ્રાસ્તાવિક વક્તવ્ય’, પૃ. ૨.
- ↑ ૧૧. વ્યાસ, કા. બ. એ જ, પ્રાસ્તાવિક વક્તવ્ય’, પૃ. ૨.
- ↑ ૧૨. મેરુતુંગરચિત, विचारश्रेणी, (‘જૈન સાહિત્ય સંશોધક’, મે ૧૯૨૫.)
- ↑ ૧૩. જિનપ્રભસૂરિરચિત विविधतीर्थकल्प (‘સિંધી જૈન ગ્રંથમાલા’, ગ્રંથાંક ૧૦, ૧૯૨૪), પૃ. ૩૦.
- ↑ ૧૪. Elliot and Dowson, ‘History of India, as told by Its own Historians’ Vol. III, (૧૮૭૧) pp. ૭૪, ૧૬૩; and ‘Cambridge History of India,’ Vol. II, ૧૯૨૮, pp.૧૦૦-૧૦૧, ૧૧૪.
- ↑ ૧૫. मुहणोत नैणसी की ख्यात, भाग-१ (૧૯૨૬), પૃ. ૧૫૮-૫૯
- ↑ ૧૬. દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ સંપાદિત, ‘कान्हडदे प्रबन्ध’ (બીજી આવૃત્તિ, ૧૯૨૬), ‘પુરોવચન’, નરસિંહરાવ દિવેટિયા, પૃ. ૧૯-૨૪.
- ↑ ૧૭. Munshi, K.M., ‘Gujarat and Its Literature’ (1935), પૃ. ૧૧૦.
- ↑ ૧૮. દેરાસરી, ડા. પી., એ જ, ‘પુરોવચન’, પૃ. ૧૯