ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/લોકસાહિત્ય

૨૫. લોકસાહિત્ય

કનુભાઈ જાની

જેમ હેમચંદ્ર, માણિક્યસૂરિ, નરસિંહ-મીરાં, અખો, પ્રેમાનંદ, દયારામ આદિના, મુખ્યત્વે હસ્તપ્રતોમાં પડેલા આપણા પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના પરિચય-વિવેચન-સંપાદનની પ્રવૃત્તિ, એટલે કે અભ્યાસની પ્રવૃત્તિ, અર્વાચીનકાળે થઈ તેમ દયારામ સુધી ને તે પછી પણ કંઠોપકંઠ વહેતા રહેલા આપણા લોકસાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની જોગવાઈ આ કાળે થઈ. અર્વાચીન ઉચ્ચ કેળવણીના પ્રચારપ્રસારથી જેમ મધ્યકાલીન સાહિત્ય-સંપાદન-વિવેચનમાં શાસ્ત્રીય દૃષ્ટિનો આગ્રહ રખાયો તેમ આમાં પણ બન્યું છે. અલબત્ત, લોકસાહિત્યને ક્ષેત્રે આગ્રહ ઉપદેશાયો એટલું જ; પળાયો છે તો અપવાદરૂપે જ! કેટલાક સામાજિક રીતિરિવાજો રહ્યા છે તેને કારણે, ગામડાં હજી પૂરાં નથી તૂટ્યાં તેને કારણે, નાના પ્રકારનાં ભાતીગળ સમાજજૂથો હજી છે તેને કારણે, દર સાતેક માણસે એકના પ્રમાણમાં ગુજરાતમાં આદિવાસી વસતી છે તેને કારણે, દરિયાખેડુ ને હળખેડુને કારણે, પરિશ્રમ-પ્રધાન કેટલાંક જૂથોને કારણે, ટીપણી-દળણાં-લણણી જેવી શ્રમપ્રથાઓ હજી છે તેને કારણે, નવરાત્રી જેવા લોકઉત્સવો અને મેળાઓની પ્રથા હજી છે તેને કારણે, કંઠ પર કાગળનો પૂરો પ્રભાવ હજી જામ્યો નથી તેને કારણે — આમ અનેક કારણોએ આપણું લોકસાહિત્ય હજી વહેતું રહ્યું છે. પણ સંગીત-નૃત્ય-ચિત્ર જેવી કળાઓ સામાન્ય માણસના રોજિંદા જીવનના સહજ અંગ તરીકે હવે રહેવા પામી નથી. ત્યારે, અને વાંચવા, યાદ રાખવાનોય કંટાળો આવે એવો યંત્રોની સગવડનો ને માસમીડિયાનો પ્રભાવ-સ્વભાવ વિસ્તરતો જાય છે ત્યારે, કંઠસ્થ લોકસાહિત્ય માટે ખરેખર કટોકટીનો, કસોટીનો, કાળ આરંભાયો છે એ ચિંતા સાથે આપણે આપણા લોકસાહિત્યની મુખ્ય મુખ્ય બાબતોને અહીં ઝડપથી, યથાવકાશ યાદ કરી લઈએ.

વિભાગો

૧૮૪૬માં વિલિયમ જ્હૉન થોમસે, એનીયે પહેલાં પુરાતત્ત્વવિદો અને ગ્રિમબંધુઓ જેવાઓએ આરંભેલાં લોકજીવનનાં જુદાંજુદાં પાસાંના અભ્યાસક્ષેત્રને ‘ફોકલોર’ નામ આપ્યું. એ ‘લોકવિદ્યા’ની એક શાખા તે ‘ફોકલિટરેચર’, ‘લોકસાહિત્ય’ (oral art). એ પરંપરાગત મૌખિક કળાના બે વિભાગો : અશાબ્દિક ઉચ્ચારણોની કળા અને શાબ્દિક કળા. પહેલા પ્રકારમાં આવે હર્ષ-શોક-આશ્ચર્ય-આદિના પરંપરાગત ધ્વનિઓ –ડચકારા, ઢોરને હાંકવા-બોલાવવા-ટપારવા-પાણી પાવા કે ખડ ખાવાનું સૂચવતા વાંભ વગેરે સાદ, હાલરડાંના હળોળોળો, મહાદેવના મંદિરે પેસતાં થતા બોમ્ –બોમ્...’, મરણસૂચક પોક, ઠૂઠવા, હોંકારા, પડકારા, બુચકારા, સંમતિ-અસંમતિ કે ગમાઅણગમાસૂચક ધ્વનિઓ, અનેક પ્રકારના સંકેતધ્વનિઓ વગેરે. બીજામાં શબ્દની કળા કે સાહિત્ય’. એના ‘કથ્ય’ ને ‘ગેય’ એવા બે મોટા વિભાગો પડે. પ્રત્યેકના ભિન્નભિન્ન દૃષ્ટિએ, પાછા, વિભાગો પાડી શકાય – વિષય, દેશ, જાતિ, જૂથ, જ્ઞાતિ, ભાષા કે બોલી, પ્રદેશ, ઋતુ, વ્રત, ક્રિયા, કર્મ, વિધિઓ, રસો વગેરેની દૃષ્ટિએ. છતાં સ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તો સાત મોટા વિભાગો પડેઃ ૧ લોકકથા; ૨ લોકનાટ્ય; ૩ કહેવત, રૂઢિપ્રયોગો, મહેણાં–ટોણાં; ૪ ટુચકા, લોકવ્યુત્પત્તિ; ૫ ગીતકથા (Ballad); ૬ લોકગીત અને ૭ મુક્તકઃ ઉખાણાં, દુહા, સુભાષિત, વગેરે પ્રકીર્ણ. આમાં ૧ થી ૪ તે કથ્ય પ્રકાર અને ૫થી ૭ તે ગેય પ્રકારો છે.

લોકસાહિત્યની ઓળખ

લોકસાહિત્યની ઓળખ આમ આપી શકાય : તળપદી ભાષામાં તળપદા સંસ્કાર મૂર્ત કરતી, અજ્ઞાત કર્તૃત્વવાળી, પેઢી-દર-પેઢી મુખપરંપરાએ ઊતરી આવેલી, સર્જકની સભાન વ્યક્તિમત્તાનાં લક્ષણો વિનાની, લોકસમાજની મુગ્ધ નિર્વ્યાજતા ને નૈસર્ગિકતાવાળી, ગીત હોય તો ક્યારેક ટેક-ઠેક-નૃત્ય-રમતને સાથે લાવતી, સહેજે યાદ રહી જાય તેવા શબ્દપ્રયોગોની રચના કે શબ્દલાઘવ-વાળી, ઉપદેશવૃત્તિના અભાવવાળી, જે તે સમાજના પ્રાણધબકારવાળી, નિર્દંભસરળ ને ભાવસુંદર, મોટે ભાગે સંઘોર્મિઓ વહતી, મોટે ભાગે નિરલંકૃત છતાં જો હોય તો લોકકલ્પનાને જ સૂઝે એવા અલંકારોથી ઓપતી, જે રચનામાં લોકસમૂહમાંના કોઈને પણ ઘટાડવા-વધારવાની અનુકૂળતા ને છૂટ હોય ને એથી જેનાં પાઠાંતરો અનેક કે અગણ્ય હોય તેવી અથવા જેનો એક નિશ્ચિત અફર પાઠ ન જ હોય તેવી, શબ્દના કે ભાવ-વિચાર-લાગણીના પ્રભુત્વમાત્રથી ધ્યાન ખેંચે તેવી નહિ બલકે જેમાં ઉપરથી લદાતું કોઈ જ પ્રભુત્વ-કોઈ દેખાડો ન હોય-હોય Complete absence of all officialdom, all influence exercised from above તેવી, સૂક્ષ્મ અંગત સંવેદનો કે વિચાર-મંથન-આત્મનિરીક્ષણ-પરીક્ષણ-પૃથક્કરણ આ બધું ન હોય ને તરત પરખાઈ જાય તેવી ઘેરી લાગણીઓ હોય તેવી, આંટીઘૂંટી વિનાની અત્યંત સરળ રચનાવાળી, મૂળમાં લિખિત કે લિપિબદ્ધ નહિ પણ મુખપરંપરાગત કથ્ય કે ગેય વારસારૂપે સાંપડેલી શબ્દકળા તે લોકસાહિત્ય. એક સ્પષ્ટીકરણ અહીં જરૂરી છે. કેવળ અનામી અને/અથવા લોકપ્રચલિત હોવાને કારણે જ કોઈ કૃતિને લોકસાહિત્યની કૃતિ નહિ કહી શકાય. રાષ્ટ્રપ્રેમના વિચારભારથી લદાયેલું ઇંગ્લંડનું રાષ્ટ્રગીત અનામી છે ને લોકપ્રચલિત પણ છે, છતાં એ ‘લોકગીત’ નહિ કહેવાય. ‘હવે આપ લોકગીતો સાંભળશો’ એવી જાહેરાત આકાશવાણી પરથી થયા પછી, દુલાકાગનું કે રાયચુરાનું ગીત ઠઠાડાય તો, ભલે એ લોકઢાળ ને સંપૂર્ણતયા તળપદી બાનીમાં હોય પણ ‘લોકગીત’ નથી જ. કવિની સ્વકીય મુદ્રા એના ગીતમાં ક્યાંક ને ક્યાંક આવી જાય જ. નારીજીવનની એક વેદનાને પકડતો ‘કાન્ત’ જેવો કોઈ કવિ એના નારીપાત્ર પાસે કહેવડાવેઃ ‘લગ્નના દિવસમાં નવી હતી ઠીક તેથી રમણીય લાગતી.’ પણ લોકવાણીએ આ જ વેદનાને જે રીતે મૂકી તેમાં આ બે-‘શિષ્ટ’ અને ‘લોક’ સાહિત્ય વચ્ચેનું સામ્ય સ્પષ્ટ થાય છે:

નળીયું હતીયું નકોર તે દી બોલાવતો બરડાના ધણી!
હવે જાંગે ભાંગ્યાં જોર; જાતાં કીધાં જેઠવા!

સહજ-સોંસરવાપણું, તળપદી બાની, તળપદાં ઢાળ-ઢોળ-લઢણ, ખોટી લાજમર્યાદાનો અભાવ, આવાં બધાં લક્ષણોથી આ સાહિત્ય પણ આકર્ષે છે. ‘It can not possess the right to literature’ કે ‘આ તો મનુષ્યની પ્રારંભિક દશાના ગુણોવાળું ને તેથી સંસ્કારી સર્જકો પર અવળી અસર કરનારું’, ‘આ તો ‘અસંસ્કારી અને બિનકેળવાયેલી જાતિનું સાહિત્ય’, એવાં નરસિંહરાવ-મુનશી જેવાનાં નિંદાવચનો કે ઠાકોર-નાનાલાલ-કાલેલકર જેવાની સ્તુતિ બન્નેથી નિશ્ચિંત રહીને જનકલ્પના એની શબ્દકલા કર્યે જાય છે. ક્રૅપ સાચું કહે છે: ‘I conceive of folk-tales and folk-songs as purely Literary manifestations of the popular genius, acting under the same impulses as the productive mind of literary men, scholars and artists.’ રુચિ અને નિરૂપણરીતિ એ બેથી ‘શિષ્ટ’ ને ‘લોક’ એ જુદાં પડે એટલું જ. બાકી, શિષ્ટ સાહિત્યમાં જેમ સારું-નરસું સાહિત્ય હોય તેમ આમાં હોય. જેમ શિષ્ટમાં પણ ઉત્તમ-કનિષ્ટ કહી શકાય તેમ આમાં પણ. આપણું લોકસાહિત્ય કેટલું જૂનું? એ કંઠોપકંઠ વહેતું રહ્યું એટલે ભાષા બદલાતી રહી; પણ કૃતિમાંના સંસ્કારો ને હાડ-માળખું ચાલુ રહ્યાં, એ પરથી પ્રત્યેક કૃતિનો કાળનિર્ણય કરી શકાય. એમાં ‘સંસ્કારો’ એટલે સામાજિક સંદર્ભ, રીતરિવાજ, ભાષાલઢણો, ધર્મમતો વગેરે અનેક બાબતો. લોકસાહિત્યની જાણીતી કૃતિઓના કાળનિર્ણયના પ્રયત્નો હજી આપણે ત્યાં થયા નથી. લોકમાનસ કાળેકાળે સર્જન કરતું જ રહ્યું છે. આપણી પ્રજાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો તે પહેલાંના લોકધર્મોના અવશેષો આપણી વ્રતકથાઓમાં છે. ત્યાંથી માંડીને ગઈ સદી ને આ સદીમાંના સંતો–વીરો–બહારવટીઆ પર, અંગ્રેજો પર તથા તેમની મોટરને જોઈને ભૂંકણગાડીનો રાસડો રચવા સુધી, ગાંધી ને એમની લડતો સુધીની લોકરચનાઓ થયે ગઈ છે. એકની એક રચનામાં કાળે કાળે, પ્રદેશે-પ્રદેશે, જ્ઞાતિએ-જ્ઞાતિએ કશુંક વધારાતું ઘટાડાતું રહ્યું છે. એક જ અંતિમ પાઠ લોકકૃતિને ન ખપે. એ અર્થમાં એ સાંઘિક રચના છે. મધ્યકાળ સુધી તો શિષ્ટસાહિત્ય પણ ભલે ‘લખાતું’ છતાં મુખ્યત્વે ‘કથ્ય’ પ્રકારનું રહેતું તેથી, અને મુદ્રણયંત્રે કથન-શ્રવણસ્મરણની ત્રિવિધ શક્તિઓનું હરણ નહોતું કર્યું તેથી, ‘શિષ્ટ’ સાહિત્ય ને લોકસાહિત્યની પ્રવૃત્તિઓ પરસ્પરને પોષકપ્રેરક હતી. લોકસાહિત્યની પ્રેરણાથી કેટકેટલી શિષ્ટકૃતિઓ નીપજી ! માણિકયસૂરિનું ‘પૃથ્વીચન્દ્ર’ કે પ્રેમાનંદના ચન્દ્રહાસ જેવાં આખ્યાનો એનાં સારાં ઉદાહરણો છે. પછીથી ‘શિષ્ટ’ તે ‘લિખિત’ અને ‘પાઠ્ય’ –વાંચવા માટેનું બન્યું ત્યારથી લોકસાહિત્યથી એ વધારે છેટું ગયું. વધારામાં લોકનું સ્મૃતિતંત્ર યંત્રોએ ભૂંસી નાંખ્યું! એ રીતે લોકસાહિત્ય ઘસારો ને જુદારો બન્ને પામ્યું. એમાંથી આપણા લોકસાહિત્યને બચાવવા એન્ટીક્વીટી-ફોકલોરનાં મંડળો-જર્નલોથી માંડીને ‘ગુજરાત રાજ્ય-લોકસાહિત્ય સમિતિ’ સુધી, ફાર્બસ ફ. બ., મહીપતરામ, રણજિતરામથી મેઘાણી-કારાણી સુધી સૌ મથે છે. સવાસોક વર્ષથી એ પ્રવૃત્તિ ચાલે છે. એનો અભિગમ મુખ્યત્વે સમજ-પ્રચારભર્યા સંરક્ષણનો રહ્યો છે. સામાજિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, ભાષાકીય વગેરે સંદર્ભોવાળા અભિગમોવાળો અભ્યાસ હવે ક્યાંક ક્યાંક દેખાય છે. સંપાદકો-અભ્યાસીઓ ઉપરાંત હેમુ ગઢવી ને દિવાળીબહેન ભીલ જેવા લોકઢાળોના વાહકોએ પડને જીવતું રાખ્યું છે. કેટલાક વાર્તાકારોએ – ચારણોએ પણ પરંપરાને સજીવ રાખી છે. આ બધાંના પ્રયાસોને કારણે આપણા લોકસાહિત્યનો પરિચય મેળવવો આજે મુશ્કેલ નથી.

દુહા–સોરઠા

૯મી–૧૦મી સદીથી છેક આજ સુધી, સતત હજારેક વર્ષથી, આપણા જુદા જુદા થરના લોકોને આકર્ષતું રહેલું કોઈ સૌથી વધુ લોકભોગ્ય સ્વરૂપ હોય તો તે દુહો છે. આમ તો એ છંદનું નામ છે, પણ આજે જાણે સ્વરૂપવાચક બની ગયું છે! બહુ અઘરું રૂપ છે કારણકે એમાં સહજ–સરળતા સાથે કોઈ ઘનીભૂત પ્રતીતિને સાંકળવાની હોય છે. પાઠકસાહેબ (‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં પાંચમા વ્યાખ્યાનમાં) એક જૂના દુહાને યાદ કરીને કહે છે, “આ ભાષાનું બળ, રસની ઘનતા, પ્રસાદ, સદ્યઃપ્રકાશ, એકદમ યાદ રહી જાય એવો આકારઉચ્ચાર, સદ્યોહારિતા, મસ્તી, શબ્દલાઘવ, હજી આપણી ભાષાએ સાધવાં બાકી છે’. ને કારણ આપે છે: ‘આવી રીતનાં ટૂંકાં મુક્તકો નથી થતાં તેનું કારણ આપણને જ્ઞાનનો આકાર સિદ્ધ થયો નથી એ છે. આકાર એટલે ભાષાને વારંવાર સાફ કર્યા કરવી એ હું નથી કહેતો. એની પણ જરૂર છે, પણ હું તો જ્ઞાનનું શુદ્ધ ટૂંકું અસંદિગ્ધ વિશદ સ્વરૂપ કહું છું. જેમ કોઈ બેડોળ માટીનો લોંદો લઈ તેને વારંવાર ફેરવ્યા કરીએ તો અમુક વખતે તે બરાબર ગોળ થઈ જાય, તેમ સત્યનો વારંવાર પરામર્શ કરવાથી તેનું સુંદર સ્વચ્છ સ્વરૂપ મનને મળે છે.’ ‘સુજાણ’ બેઠા હોય ત્યારના તડાકામાં આવા દુહા ટાંકવાનો એકવાર તો ચાલ હશે:

દુહો તિહાં કહિજ્જઇ જિહાં બેઠા હોય સુજાણ;
અધૂરે પૂરો કરે, પૂરો કરે વિખાણ.

આસપાસના પરિચિતો તે ‘શેરીમિત્રો’, આનંદ-અવસરે જ સાથે રહીને પછી છૂ થઈ જતા તે ‘તાળીમિત્રો’, ને જેના પર સુખદુઃખ ઓળઘોળ કરી નિશ્ચિંત થઈ શકાય તેવા તે સાચા મિત્ર–એની વાત કરતા દુહા પર આપણા કવિ ઉમાશંકર (‘શૈલી અને સ્વરૂપ’, ૧૯૬૦, પૃ. ૧૪૮) વારી ગયા છે:

શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક;
જેમાં સુખદુઃખ વારીએ, તે લાખોમાં એક.

લોકમેળામાં દુહાસ્પર્ધા થતી. ક્યારેક એક એક ચરણની પાદપૂર્તિ પણ થતી. એમ શીઘ્રરચના પણ થતી. એ માત્ર છંદપ્રભુત્વથી થતી હશે? પહેલે-ત્રીજે ચરણે ૧૩-૧૩ અને બીજે-ચોથે ૧૧-૧૧ માત્રાઓ જાળવી, વિષમ ચરણોમાં આદિમાં જગણ ટાળ્યો, પાદાન્તે યતિ યોજ્યા – એટલું કર્યે દુહો થાય? મનમાં એક ઘનીભૂત વિચાર પણ હોય કે ઊર્મિ હોય, દુહાનું બંધારણ પણ ચિત્તગત હોય, ખાવાનું ખોઈમાં જ હોય, પણ ભૂખ જ ન લાગી હોય તો?

ખાવું ખોઈમાં ને ભૂખ વિના ભાવે નહિ;
દુહો દિલમાં ને ઉલટ વિના આવે નહિ.

કોઠે ઊગીને આવે તો અલંકારો પણ જીવન સાથે વણાયેલા હોય તે જ સહજરૂપે આવે. ‘સોરઠી ગીત-કથાઓ’ (પૃ. ૧૩૭)માં પ્રેયસી પ્રિયતમને કહે છે કે નાગરવેલને તો ફરતી ગોડીગોડીને પોચી જમીન કર્યે જઈને જતનથી ઉછેરવી પડે એમ પ્રેમનુંય તેઃ

નાગડા, નાગરવેલ્ય, થડમાંથી લઈ થૂંણીએ;
કાંક કાંક કૂંપળ્ય મેલ્ય, (અમે) આશા ભરીઆં આવીઆં.

નાગવાળો ને નાગમદે, મેહ-ઊજળી, સોન-કંસારી, સુહિણી-મેહાર, ઢોલા-મારુ, વીજાણંદ-શેણી, ઓઢા-હોથલ, દેવરા-આણલ, ખીમરો-લોડણ જેવી અનેક કથાઓમાં, આમ, વચમાં વચમાં દુહા આવે છે – વારતાના થાંભલા બનીને, કથાનાં અંગ બનીને. તો ક્યાંક ઉપરના શણગાર બનીને પણ આવે. એકના એક દુહા થોડા પાઠભેદે અનેક કથાઓમાં વપરાય. મધ્યકાલીન ગ્રંથકારો પણ પોતાની કૃતિમાં જનપ્રસિદ્ધ દુહા વચમાં વચમાં વેરતા. હૈમ વ્યાકરણમાંના દુહાઓ અતિપ્રસિદ્ધ છે. ‘પ્રબંધચિંતામણિ’, ‘રસમંજરી’, ‘માધવાનલ... કથા’, શામળની વારતાઓ – એ બધાંમાં આવા દુહા છે. માણિક્યસૂરિકૃત ‘પૃથ્વીચન્દ્રચરિત’માં પણ બે સરસ દુહા વચમાં મુકાઈ ગયા છેઃ

સવ્વે ભલ્લા માસડા પણ વઈસાહ ન તુલ્લ,
જે દિવ દાધાં રૂખડાં તીહ માથઈ ફુલ્લ.
0
છાસિઈં કેરઉ આફરુ, દાસિઇ કેરઉ નેહુ;
કંબલ કેરઉ મોલીઉં, ખિસંત ન લાગઇ ખેવ.

પ્રેમાનંદ જેવાએય આવા તરતા દુહાઓનો ઉપયોગ કર્યો છે. ‘ઓખાહરણ’ના સોળમા કડવામાં જે દુહાઓ છે એ ‘સોનહલામણ’માંય છેઃ

આજકો સાગર ઊલટ્યો (મલી) રતન રેલાયાં જાય;
કરમહીણો કર વાવરે, શંખલે મૂઠ ભરાય.

આ સ્વરૂપ એવું છે કે જે એક સ્વતંત્ર કેન્દ્રસ્થ વિચાર કે ઊર્મિ કે ભાવને માટે અનુકૂળ પડે. પ્રત્યેક દુહો સ્વતંત્ર મુક્તક હોય. વિષય ગમે તે હોય–શૃંગારચિત્ર હોય, નર્મમર્મોક્તિ હોય, વીરતાની કે વૈરાગ્યની વાત હોય, પ્રાદેશિક કે જ્ઞાતિની કે જાતિની વિશેષતા દર્શાવી હોય, ઋતુચિત્ર હોય, ઉપદેશ કે વિચાર હોય, વિરહ કે મિલનની વાત હોય, ઉલ્લાસ હોય કે વિલાપનો મરસિયો હોય. આપણા વિદ્વાનોએ મહાસંસ્કૃતના ત્રિષ્ટુભ, સંસ્કૃતના અનુષ્ટુપ, સંસ્કૃત પ્રાકૃતના આખ્યાનકી ને ગાથા જેટલા મહત્ત્વનો અપભ્રંશના આ છંદને ગણ્યો છે. દુહો વિભિન્ન પ્રકારનો છે. એના ૧૩-૧૧ ચરણને ઉલટાવવાથી સોરઠો કે સોરઠિયો દુહો થાય. એના ચોથા ચરણને પુનરુક્ત કરી, દુહાને દોઢાવવાથી દોઢિયો કે છકડિયો દુહો થાય. સોરઠાનું ઉત્પત્તિસ્થાન સોરઠ.

સોરઠિયો દોહો ભલો, ભલી મરવણરી બાત;
જોબનછાયી ધણ ભલી, તારા-છાયી રાત.
0
ભાણુ ભાંગ્યું હોય તો રેણ દઈને રાખીએ
(પણ) કાળજ ફાટ્યું કોઈ, (એને) સાંધો ન મળે સૂચના!

એ સોરઠાનું સારું ઉદાહરણ છે. પ્રાકૃત પિંગળમાં દોહાના તેવીસેક પ્રકારો દર્શાવાયા છે. ૮મી કે ૯મી સદીના આરંભના સિદ્ધ કવિ સરહપાને દોહાનો આરંભક માનવામાં આવતો હતો. જોકે તે પહેલાંના દુહા પણ હવે સુલભ છે. રાજસ્થાનીમાં બડો દુહો, અનમેલ દુહો, તૂંવેરી દુહો, મધ્યમેળ દુહો એવા પ્રકારો છે. એ આપણે ત્યાં પણ જોવા મળે છે. રાજસ્થાન-ગુજરાત વચ્ચે દુહાની સારી આવનજાવન રહી છે. દુહામાં ગૂંથેલો એક પ્રસંગ છે. વનમાં દવ લાગ્યો, ચંદન વૃક્ષો બળવા લાગ્યાં. એક વૃક્ષ પર એક હંસ; તે ન ઊડ્યો! ત્યારે ચંદન એને પૂછે છે, એનો રાજસ્થાની દુહો છેઃ

આગ લગી વનખંડમેં, દાઝ્યાં ચંદણવંસ,
હમ તો દાઝ્યા પંખવિણ, તું ક્યોં દાઝે હંસ?

ને હંસનો ઉત્તર છે:

પાન મરોડ્યાં, રસ પિયાં, બૈઠ્યાં એક જ જળ;
તુમ જળો, હમ ઊઠ ચલે, જીણા કિતોક કળ?

એ જ દુહા ગુજરાતીમાં છેઃ

ઊડો, ઊડો, પંખીઓ ! મ કરો મોટી આશ;
હમ જલત હૈ પાંખ વિણ, તુમ જલત હૈ કાય?

પાંદ બગડ્યાં, ફળ ચર્યાં, બેઠાં શીતળ છાંય;
(આજ) તુમ જલો, અમ ઊડીએ, (તો) જીવનકા ફલ કાય?

આમાં સંવાદ છે. એમ સામસામા બે પાત્રોને નામે પણ દુહા ચાલ્યા છે. દા. ત. આણંદ-કરમાણંદઃ

આણંદ કે કરમાણંદા, માણહે માણહે ફેર?
એક લાખું દેતાં નવ મળે, એક ટકાના તેર!

સંબોધન એ કેટલાક દુહાની વિશેષતા પણ છે. ઐતિહાસિક પ્રસંગોના દુહાઓમાં ક્યારેક સંબોધનમાં ‘ફ્લાણાના પુત્ર’, હાદાના પુત્ર – ‘હાદાઉત’, ‘ભીમાઉત’, ‘કશ્યપરાઉત’ એમ આવે. ક્યાંક ‘પૌત્ર’-‘હર’ કે ‘હરો’ એમ પણ આવે—જેમ કે ‘જોગાહર’, ‘આલણહરો’. દુહા માટે મેઘાણી લખે છે: ‘દુહો તો સુવર્ણકાંટા સમો સૂક્ષ્મ કાવ્યાકાર છે... મિતાક્ષરી ન હોય તો ચાલે નહિ. એમાં વર્ણસગાઈ હોવી જોઈએ. જે વર્ણથી પંક્તિ મંડાય તે જ વર્ણથી પૂરી થાય; એનાં પાંખીઆં એટલે કે અનુપ્રાસ મળવા જોઈએ. એમાં Antithesis આવવું જોઈએ. સામસામે પલ્લે બે ભાવ, બે વિચાર, બે કલ્પનાઓ સમતુલાએ તોળાવી જોઈએ. એનું લાઘવ જરીકે ખંડિત ન થવું જોઈએ.’ (‘ચારણો અને ચારણી સાહિત્ય’, ૧૯૪૩, પૃ. ૧૩૯) આવા દુહાનો શબ્દ લોકોને મન વેદ જેટલા મહત્ત્વનો છેઃ

દુહો દસમો વેદ, સમજે તેને સાલે;
વિયાંતલની વેણ્ય, વાંઝણી શું જાણે?

દુહા સોરઠા ઉપરાંત, ભ્રામક રીતે ‘ગીત’ કહેવાતા જાંગડુ, સપાખરું, સિંહચલુ વગેરે ૮૪ પ્રકારના ડિંગળી છંદો પણ આપણા ચારણી લોકસાહિત્યમાં વપરાયા છે. ‘ડિંગળ’ તે એક પ્રકારની ઉત્તર અપભ્રંશોત્તર મારુગુર્જર કાવ્યભાષા-ચારણોએ એને વિકસાવી–અપનાવી તેથી કેટલાક એને ‘ચારણી’ પણ કહે છે. આજેય ગુજરાત-મારવાડમાં સ્વલ્પભેદે સમાન રીતે વહેતું રહેલું આ ભાષાનું લોકસાહિત્ય આ બે પ્રદેશોના સહોદરત્વની શાખ પૂરે છે. ચારણી છંદો ઉપરાંત ચોપાઈ, છપ્પા વગેરેમાં પણ લોકમુક્તકો છે.

લોકમુક્તકોના અન્ય પ્રકારો : લોકમુક્તકોનો એક બીજો લોકપ્રિય પ્રકાર છે ‘હરિયાલી’ કે ‘હિયાલી’ કે ઉખાણાં કે સમસ્યા. સંસ્કૃત પ્રહેલિકાનો જ એ વંશજ. અમુક વસ્તુનાં લક્ષણો એવી પરોક્ષ રીતે આપ્યાં હોય કે એ વસ્તુ તે કઈ તે પકડી પાડવા બુદ્ધિ કસવી પડે એ સમસ્યા. હેમચન્દ્રે પ્રથમ પંક્તિમાં પ્રશ્ન ને બીજામાં ઉત્તર, એવા દુહા આપ્યા છે. પ્રશ્ન છેઃ

સપુરિસ કંગુહે અણુહરહિ, ભણ કજ્જેં કવણેણ?

કહે જોઇ, સુપુરુષ કાંગનું અનુસરણ કેમ કરે છે? ઉત્તર છેઃ

જિંવ જિંવ વહતણુ લહહિં, તિંવ તિંવ નવહિં સરેણ.

જેમ જેમ મોટાઈ મળતી જાય તેમ તેમ શિર નમતું જાય, નમ્રતા આવતી જાય. આવું પ્રશ્નોત્તર મુક્તક લોક-કથામાં તો ક્યારેક આખી કથાના પાયામાં આવે. સોનહલામણની કથામાં સોને પ્રતિજ્ઞા લીધી છે કે જે સમસ્યા ઉકેલે એને વરું. સોનનો પ્રશ્ન છેઃ ‘ઘણવિણ ઘડીઆં, એરણ આભડીઆં નહિ;’ એ શું? જેને ઘણ-એરણ અડ્યાં જ ન હોય એ આભૂષણ કયું? હલામણનો ઉત્તર છે, સ્વાતિનાં મોતી: ‘સરવડ સ્વાંત તણ મળે તો મોતી નીપજે.’ અહીં એક પંક્તિમાં છે પણ ક્યાંક બેય પંક્તિમાં થઈને પ્રશ્ન હોય છે; તો ક્યાંક માત્ર વિધાન જ હોય. ભીલી ઉખાણાં છેઃ

રાતી માટલી ને સળીનો ડાટો. (મરચું)
અમણી ખમણી મા કુંવારી ને બેટી પરણી સાલી. (નદી)
ભીંતમાં ભીંત, પસીતમાં પાણી, (નાળિયેર)
નાનહની જનાવરી રાજા ભેગી જમે. (માખી)
નાહનુંક સોરું રાજાની પાગડી ઉતરાવે. (જૂ)
હોઠ પકડીને જાય ને પેટ પકડીને આવે. (માટલું)

અંગ્રેજી ‘એપિગ્રામ’ને મળતો આ પ્રકાર. उपाख्यानकम् પરથી ‘ઉખાણું’ શબ્દ આવ્યો હશે. પ્રાકૃતમાં आहायणम् અને જૂની ગુજરાતીમાં ચૌદમી સદીમાં ‘ઉઅહાણઉ’ વપરાયા છે. એમાં લોકાનુભવ સચોટ રૂપે વ્યક્ત થાય છે. ‘પ્રબોધબત્રીશી’માં માંડણે કર્યું છે તેમ ઘણા મધ્યકાલીન કવિઓએ પોતાના જમાનાનાં ઉખાણાં સંગ્રહ્યાં છે. માંડણને તો અવની આખી ઉખાણાંથી ઊભરાતી લાગે છે, એટલે એને પકડીને સંઘરવાં શક્ય નથીઃ અવની રહી ઉખાણાં ભરી, તે કિમ સકાઇ પૂરા કરી?’ આ ઉખાણાના જ ગોત્રજ તે સમસ્યા-હરિયાળી, ઘાવ, વર, વરત, કોયડા વગેરે. આજેય આવી બુદ્ધિપ્રેરક રમતો પ્રચલિત છે.

કાકા કહે મેં કૌતુક દીઠું, ભર્યાં તળાવમાં તરતું દીઠું,
પાણી છે પણ પીતું નથી, ઘાસ છે પણ ચરતું નથી,
એ જનાવર મરતું નથી.

અથવા માત્ર આટલું જ:

એક જનાવર ઇંવું ઇ પૂંછડે પાણી પીતું. (દીવેટ)

આ પ્રકારને મળતો પ્રકાર તે લોકોક્તિઓ, કહેતી કે કહેવતો ને રૂઢિપ્રયોગો:

બાપ તેવા બેટા, વડ તેવા ટેટા.
ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાને આટો!
જેણે રાખ્યો વટ તેને વાણીઓ ધીરે ઝટ!
ગુજરાત શેરી સાંકડી.
જાત પર ભાત, ને કામળ પર બીબું.

કહેવતો લોકોની કોઠાસૂઝનાં મોતી છે. ગુજરાતી કહેવતો પર ૧૯૦૨માં જીજીભાઈ મિસ્ત્રીએ, પિતિત ‘કહેવતમાળા’ પ્રસિદ્ધ કરતાં, સારો અભ્યાસલેખ આપ્યો છે. કહેવતો સાથે સંકળાયેલી કહાણીઓના સંગ્રહો પણ થયા છે. અન્ય ટચૂકડાં લોકસાહિત્યસ્વરૂપોને યાદ કરીએ તો ભડળીવાક્યોય કેમ ભૂલાય? પ્રાચીન કાળથી એ તરતાં રહ્યાં છે. જૂની ગુજરાતીમાં છેઃ

જિહિં નખત્તિહિં ભડ્ડલી, કાંઇ હોઇ અરિટ્ટ;
તિહિ નવિ વરસઇ અંબરહ, સો જાણિજ્જિ વિણટ્ટ.

મધ્યકાળમાં પણ છે:

આથમતી તાણે કાચબી, જો ઊગમતે સૂર;
ભડલી કે’ વાછરુ વારજો, નીકર જાશે પાણીને પૂર.

આજે યે છે : ‘જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો. ૧૮૮૨માં ‘ભડળીવાક્ય’ની ૪૫ પાનાંની નાની પુસ્તિકામાં ૨૭૭ દુહા-ચોપાઈ-છપ્પા-બદ્ધ ભડળીવાક્યો પ્રસિદ્ધ કરીને કઠલાલના હરજીવન પુરુષોત્તમ શુકલે આ દિશામાં વ્યવસ્થિત પહેલ કરી ગણાય. એની પ્રસ્તાવનામાં ભડળી વિષેની દંતકથાઓ પણ છે. સુરત તરફનાં ખાયણાં ય ‘લોકસાહિત્યમાળા’ના મણકાઓમાં તેમ જ અન્ય સંગ્રહોમાં પણ સુલભ છેઃ

રામ રુએ ને લખમણ આંસુ લૂછે;
ભરત આવી પૂછે: ‘સીતાભાભી ક્યાં ગયાં?’

એ જ રીતે એ તરફના ભરવાડોની લાવણી પણ નોંધપાત્ર છે. દુહાની જ એ બહેન. ગોઠડીમાં ગવાય, સામસામી ચડસાચડસીએ લેવાય, તેમ લગ્નાદિ પ્રસંગોએ ઢોલ સાથે નાચીકૂદીને સમૂહમાં લલકારાયઃ

ઠેકો દેજે ઠેકાણે જેમ પિપૂડીના બોલ,
વગાડતો હોય વગાડ દીકરા, ભાંગશે તારા ઢોલ.

એમાં ક્યારેક સારાં પ્રકૃતિચિત્રો મળે છે. વાદળનાં દળ હાંકી લાવતા મેઘ અસવારને કેવા પ્રેમથી ‘નાવલિયો’ કહીને લડાવ્યો છે!

ડુંગર ઉપર દવ બળે ને નદી કરે પોકાર;
બસેં ઘોડાની પક્ષા બાંધી મારો નાવલિયો અસવાર.

ઝેરિયાં, હાલરડાં, ટચૂકડાં રમત ગીતો, ‘નર્સરી રાઇમ્સ’–બાળ કૂદકણાં, અને જોડકણાંનોય પાર નથી. ‘ગોરમાનાં ગીતો’માં ઈશ્વરલાલ વીમાવાળાએ નોંધ્યું

છેઃ

દાળ રાંધી, ભાત રાંધ્યો,
ઉપર મેલ્યો કાંદો;
–બહેન, તમારી ઓઢણીમાં
વાંદો, બાવા! વાંદો
અહીં પારસી છાંટ છે.

ગીતો

સોરાબજી હોરમસજી ચીકને ૧૮૬૦ની આસપાસ પારસી લગ્નગીતો આપ્યાં છે, ને એ બોલીની ખાસિયત જાળવવાનો પ્રયત્ન કર્યો છેઃ

માઆલનરીની છોઓકરી રે,
હાતમાં છે તોઓપલી રે,
મોહોગરા ચૂતવા ચાઆલેઆ રે!
ચૂઉતતાં ને વીનતઆં રે,
રાઆજે રાઆએ દીઇથાઆ રે,
અગાશી છે હેરાં જાહાલેઆ રે!

ઊઠ રે દોસી ભરક દઇ,
તાહારી ખાતલી ભાંગી કરક દઈ!
નવું નારીએર ને જૂણો ગોર,
જીવસું ઓણ તો આવસું પોર.

આવાં જ્ઞાતિ-ભેદે સેંકડો ગીતો સંગ્રહાયાં-વણસંગ્રહાયાં છે, એમ સોરઠી, નળકાંઠી, ઉત્તરગુજરાતી, કચ્છી, ચરોતરી, મેવાસી, સુરતી, પંચમહાલી–એમ પ્રદેશભેદે પણ સેંકડો છે.

વંકા કુંવર ને વિકટ ભડ, વંકા વાડીએ વચ્છ,
વંકા કુંવર ત’ થિયેં જ’ પાણી પીએ કચ્છ.

સુરતી દરિયાખેડુની અબાવાણી છે. માછલાં પકડ્યા પછી, એના ઢગમાંથી ઉમદા પ્રકારનાં મોટમોટાં બૂમલાં છૂટાં કરાતાં હોય ને ગવાતું હોયઃ

શહેરીનું આવે હે ઝાલ્લા હે!
જોબન લાવે રે હે ઝાલ્લા હે!
જોબનમાં કાઠું રે હે ઝાલ્લા હે!

આવાં ‘હોબેલાં’ કે શ્રમગીતો પણ પાછાં જાતજાતનાં હોય. હલેસાં મરાતાં હોય ને ગવાતું હોયઃ

મલબારી વા’ણ હોબેલાં!
હલ્લેસાં માર હોબેલાં!
મલબારી વા’ણમાં ઊંડા કૂવા, હોબેલાં!
ખારવા તેટલા બધા મૂવા, હોબેલાં!
ત્રણ મૂવા, ત્રણ માંદા પઇડા, હોબેલાં!

આવી જ ‘ભામણી’ સૌરાષ્ટ્રને સાગરકાંઠે પણ લેવાય છે. વેરાવળ બાજુ એને ‘લોથાર’ કહે છે. મધદરિયે હલેસાં દેતો ત્યાંનો સાગરખેડું ગાય છેઃ

ધણીને નામ, હૈયાર હેલે!
આપડો ધણી, હૈયાર હેલે!
હિંમત ઘણી, હૈયાર હેલે!
હિમતે રસૂલ, હૈયાર હેલે!
ખારવા ખેરે, હૈયાર હેલે!
સાંજના કબૂલ, હૈયાર હેલે!

વાર, પહોર, તિથિનાંય ગીતો છે. જનોઈ, અઘરણી, લગ્ન આદિ પ્રસંગેપ્રસંગની બધી વિધિઓનાં મબલખ ગીતો ખૂબ જાણીતાં છે. ઘરમાં ખાંડતાં, દળતાં, ટીપતાં, પારણું ઝુલાવતાં, શેરીમાં રમતાં, ખેતરે લણતાં-વાઢતાં-વાવતાં, એમ સ્થળે સ્થળે પ્રસંગેપ્રસંગે અનેક ક્રિયાઓ સાથે ગીતો પરંપરાથી ગવાતાં આવ્યાં હતાં. પ્રત્યેક ક્રિયાપ્રસંગના અલગ સંગ્રહો થઈ શકે. ભાતભાતનાં ભજનોનુંય વિપુલ સાહિત્ય છે. પંથ પ્રમાણે, સંત પ્રમાણે કે ભાત-સ્વરૂપ પ્રમાણે એને સંઘરવાનું-તપાસવાનું કામ પડ્યું જ છે. લગ્નગીતોમાં તો ગુજરાતની નારીએ ગૃહજીવનનાં સંવેદનો ને એષણાઓનો શગ કર્યો છે.

આની કોર ઊગેલા ભાણ.
આની કોર હરણ્યું હમહમે –

એવા પ્રભાતિયાથી માંડીને કન્યાને લઈ જતા વરપક્ષના ઉમંગ ગીત–

અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો!

કે કન્યાવળામણીના વેદનાગંભીર –

માંડવ આજ અણોહરો’ કે
દાદાને આંગણ આંબલો, આંબલો ઘેરગંભીર જો

–ત્યાં સુધીનાં ગીતો અતિપ્રસિદ્ધ છે. લગ્નોત્તર જીવનની તડકીછાંયડીનાં ગીતોય છે: ‘દાદા તે દીકરી...’ જેવી ફરિયાદો છે.

ગરબા-રાસઃ

શેરીમાં ને ગોંદરે સ્ત્રીઓ એકલી કે પુરુષો એકલા કે બન્ને, તાળી કે દાંડિયા સાથે રાસની જમાવટ હજીયે ક્યાંક ક્યાંક કરે છે. ગરબો તો ગુજરાતની વિશેષતા છે. કાંઈક લાંબો ને પ્રસંગાત્મક તે ગરબો ને ટૂંકી રચના તે ગરબી એવા ભેદ ચર્ચાયા છે છતાં આ બે શબ્દો પર્યાય જેવા થઈ ગયા છે. નવરાત્રીની પ્રથાએ ગરબીને આજેય જીવતી રાખી છે. કોરેલો ગરબો આખા નગરનું આકર્ષણ છે. રાય ને રંકનો ભેદ ગરબા આગળ ન હોય. લોક ગાય છેઃ

મારો ગરબો રે, રમે રાજાને દરબાર,
રમતો રમતો રે ગયો છે કુંભારીને બાર.
અલી કુંભારીની નાર્ય,
તું તો સૂતી હોય તો જાગ્ય,
મારે ગરબે રે રૂડાં કોડિયાં મેલાવ્ય.

આવા ગરબાના આરંભે માતૃસ્તુતિ, હશે, પણ પછી અનેક વિષયો આવ્યા છે. તેમાંય રાધાકૃષ્ણને વિષે પ્રણયગાન ઠીકઠીક પ્રમાણમાં થયું છે.

હું તો મૈયારણ રે, ગોકુળગામની!
ગલ વાવ્યો રે, રાધાજીને આંગણીએ!
સોના ઈંઢોણી રૂપાં બેડલું હો નાગર, ઊભાં રો રંગરસિયા!

આમાં રંગ ને મસ્તી છે, તેમ ક્યારેક ભવ્ય કલ્પના પણ છેઃ

પ્રથમીથી પાવાગઢ મોટો રે!
મા, તમે શાના લીધેલ વાદ?
વીંઝણો રમણ ચડ્યો રે લોલ!

મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં!

કે રસિયા મોરા, ચાંદલિયો ઊગ્યો રે
કે આજ મને સૂરજ થઈ લાગ્યો!

આંગણે રંગનો છોડ...
વાયા વાયા રે કાંઈ ઓતરદખણા વાય રે.
ચૂંદડીના છેડા ફરુકિયા!

વા વાયા ને વાદળ ઊમટ્યાં!

આની ખરી મજા તો સાંભળવામાં. ભજનોનો પણ એક આગવો વૈવિધ્યસભર પ્રકાર છે. એનું સંગીત પણ આગવું છે. લોકગીતોને આગવા ઢાળો, આગવા લહેકા છે. સંગીતથી આ રચનાઓને અળગી કરીને કેવળ શાબ્દિક રચનાઓ તરીકે જોવા-મૂલવવામાં એનું અડધું સૌંદર્ય હરાઈ જાય છે.

ગીતકથાઓઃ

આવા રાસ-ગરબામાં ક્યારેક આખા પ્રસંગો આલેખાયા છે. એને Ballad પ્રકારના ગણી શકાય. ગુજરીનો ગરબો પુતળીબાઈ કાબરાજીએ સુરત-અમદાવાદ બે સ્થળેથી મેળવીને ‘ઇન્ડિયન એન્ટિક્વેરી’માં આપેલો –એને આ પ્રકાર તરફ ધ્યાન ખેંચવાનો પ્રથમ ગંભીર પ્રયાસ કહેવાય. હળવદના વેલા રાવળ વિશેનો, સગી બહેને ભાઈને ઝેર દીધેલ તે પ્રસંગનો (વીરમલ), નવલખા ગરાસણીનો, સાંઢા સંબરાનો, ગવતરી ને અંજનાસતીનો, ‘બારબાર વરસે નવાણ ગળાવ્યાં’ એ જળબલિદાનનો, તેજમલનો, વણઝારાનો ને વેરણ ચાકરીનો–એમ અનેક ગરબા યાદ કરવા ગમે એવા છે. એવી અઢળક ગીતકથાઓ (Ballads) આપણે ત્યાં છે. એમાં ઐતિહાસિક કે સામાજિક પાત્રપ્રસંગો છે તેમ સીતા-રામ-રાધાકૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રોના પ્રસંગોય છે. ભરથરી, ગોપીચંદ, જેસલ-તોરલ જેવા સંતોની કથાઓય છે, તેમ વીરોની પરાક્રમગાથાઓય છે. ધર્મભાવનાની વ્રતકથાઓ છે, તો સાંસારિક વ્યથાની કે આનંદોલ્લાસની કથાઓ પણ છે.

વાર્તાસાહિત્યઃ

જેમ આ ગીતસમૃદ્ધિ મોટે ભાગે નારીહૈયે સચવાઈ ને સંતો, નાથબાવા, રાવણહત્થાવાળા ને ભાટચારણાદિ વડે વહેતી રહી તેમ આપણું વાર્તાસાહિત્ય પણ આ ટેકીલા, શૌર્યપ્રશંસક, આખાબોલા, નીડર ચારણ-ભાટ-મીર-મોતીસર-ઢાઢી-રાવળ જેવાઓથી જળવાયું ને વહેતું રહ્યું. આમાંથી ભાટ ને ચારણ જેવી જાતિએ તો પોતે વાર્તા-કવિતાનું સાહિત્ય સર્જ્યું છે, પણ એથી વિશેષ તો પરંપરાગત સાહિત્ય જાળવ્યું છે. એમણે જાળવેલ દુહાબદ્ધ કથાઓનો નિર્દેશ આગળ થઈ ગયો. આ ભાટચારણોએ ગદ્યવાર્તા કહેવાની એક અનોખી કળાપરંપરા વહેતી રાખી. એ પરંપરા ઠીકઠીક પ્રાચીન હોય એમ લાગે છે. ૧૫મી સદીના માણિક્યસૂરિ જેવા લેખકની વાર્તાની લઢણમાં આજ સુધી ભાટચારણોએ જાળવેલી કથ્યશૈલીનાં ઘણાં લક્ષણો છે. વર્ણનપ્રચુરતા, વર્ણનોમાંય શબ્દટીપો કે વર્ણકસમુચ્ચયો, પ્રાસાનુપ્રાસનો શોખ. વચમાં વચમાં સુભાષિતો, બોધવચનો, અવાન્તર કથાઓ, ઘોડા, રાજદરબાર, સરોવર, પુરુષ કે સ્ત્રી, વગેરેનાં વર્ણનમાં ચિત્રાત્મકતા; નિગૂઢ પ્રશ્નોત્તરો ને રહસ્યાત્મક ખુલાસા; અદ્ભુત પ્રસંગો; પરકાયાપ્રવેશાદિ ચમત્કારો; વાર્તામાં વળી વાર્તા આવ્યે જાય, જન્માન્તર કથાઓય આવે, ને એવી બધી સામગ્રીથી વાર્તા સારી પેઠે લંબાય. તળપદી બળકટ બાની, નાટ્યાત્મકતા, આવાં બધાં લક્ષણો આ વાર્તાઓનાં છે. એનો પ્રિય વિષય પ્રેમ અને પરાક્રમ. ઉજેણીનો પરદુઃખભંજન વીર વિક્રમ, મનસાગરો, વૈતાળ, પશુપંખી, પરી, ભૂતપ્રેત, બોલતી પૂતળીઓ, નાગ–એમ ઈહ–પર બધા લોકની સામગ્રી એમાં આવે. મેઘાણીસંપાદિત ‘રંગ છે બારોટ’માં આના કેટલાક સારા નમૂના છે. વણઝાર-વેપારી-વહાણવટીની જળસ્થળની ખેપો સાથે, પ્રવાસીઓના પ્રવાસ સાથે વાતો પણ દેશવિદેશ ગઈ ને આવી. એટલે વસ્તુદૃષ્ટિએ અનેકોના આદાનપ્રદાનનું આ પરિણામ હોઈ, તુલનાત્મક અભ્યાસનું બહોળું રસિક ક્ષેત્ર પૂરું પાડે છે. એનો પહેલો વ્યવસ્થિત અભ્યાસ કરી, ‘ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વારતા’ના ત્રણ ભાગો આપનાર હતા ફરામજી બહમનજી માસ્ટર (ફ. બ.); જોકે આ કામમાં આરંભ કરનાર ગણાય કવિ રૂસ્તમ ખુરશેદ ઈરાની. એમને નામે ચડેલાં ચાળીસ પુસ્તકોમાંથી એકનું તો શીર્ષક જ છે ‘લોકકથા’ (૧૮૮૫). એ રીતે ‘લોકકથા’નો પહેલવારકો પ્રયોગ કરનાર એ છે. બાળવાર્તા, દંતકથા, વ્રતકથા, ટુચકા, પાળીઆઓ ને અન્ય સ્થળો સાથે સંકળાયેલી કથાઓ, પશુકથાઓ, પરીકથાઓ, પ્રેમપરાક્રમની કથાઓ, ઉપદેશની કથાઓ, કેવળ વિનોદની કથાઓ, એમ આપણી લોકવાર્તામાં સારી પેઠે વૈવિધ્ય છે. હજીયે આદિવાસી કથાઓને યથાતથ ઉતારવાનું તો બાકી જ છે. આ દિશામાં શાન્તિલાલ આચાર્યે કરેલો પ્રયત્ન નોંધપાત્ર છે. તુલનાત્મક દૃષ્ટિએ, રચનાની દૃષ્ટિએ, સમાજનાં લક્ષણો તારવાની દૃષ્ટિએ, કાળને સંસ્કારનાં પડો ઉકેલવાની દૃષ્ટિએ, મોટીફ વગેરે તત્ત્વોની દૃષ્ટિએ, એમ વિવિધ દૃષ્ટિએ અભ્યાસ થવા હજી બાકી છે. આજે તો વાર્તાઓ ગમે તેમ ફેરફાર સાથે સંગ્રહાય છે! ત્રણ-ચાર સ્થળેથી વારતાને સાંભળી-નોંધી, પાઠાંતરો સાથે, કહેનારનાં નામઠામ સાથે, તટસ્થતાથી યથાતથ રૂપ મળે, યથાતથ ભાષા-લહેજા મળે એમ, મૂકવાની દૃષ્ટિને અભાવે મૂળનાં રૂપાન્તરો ને વિકારો થવાં માંડ્યાં છે. આ રીતે મબલખ સામગ્રી બગડી રહી છે. લોકસાહિત્યનાં આપણાં ગેય-પાઠ્ય ને કથ્ય સ્વરૂપો આપણે યાદ કર્યાં. અભિનેય સ્વરૂપ છે ભવાઈ. એ લોકનાટ્યનો આપણો આગવો પ્રકાર છે. અમસ્તુંયે આ લોકસાહિત્ય ગમી જાય એવું તો છે જ; પરંતુ આપણા સમાજના સાંસ્કૃતિક ઇતિહાસના એક સાધન તરીકે, આપણે ત્યાંની વિવિધ પ્રજા-જાતિ-જ્ઞાતિના અભ્યાસના એક સાધન તરીકે, ભાષાને સમૃદ્ધ કરનાર એક બળ તરીકે, શિષ્ટ સાહિત્યનાં નાટક-વાર્તા-ગીત જેવાં સર્જનાત્મક સાહિત્યમાં સ્વરૂપગત કે વસ્તુગત કે ભાષા-શૈલીગત પ્રયોગો સૂચવતી ખમતીધર સામગ્રી તરીકે, એમ વિવિધ રીતે લોકસાહિત્ય ઉપયોગી છે. માત્ર મનોરંજનાર્થે સેવન નહિ પણ ઉચ્ચ અભ્યાસની એક સ્વતંત્ર વિદ્યાશાખાની પ્રતિષ્ઠાને પાત્ર ગણાય એટલો સમૃદ્ધ આપણો આ સંસ્કારવારસો છે.