ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/આપણા વિવેચનના કેટલાક કૂટ પ્રશ્નો – રામનારાયણ પાઠક, 1887
૮ | |
રામનારાયણ વિ. પાઠક (૮.૪.૧૮૮૭ – ૨૧.૮.૧૯૫૫) |
વર્તમાન યુગના સાહિત્ય ઉપર અંગ્રેજી સાહિત્યના સંસ્કારોની અસર છે એ તો હવે કહેવું પડે એવું નથી. તેથી આપણું સાહિત્ય જાણ્યે અજાણ્યે વસ્તુ લાગણી અને સ્વરૂપમાં તેના જેવું કંઈક અંશે થાય એ સ્વાભાવિક છે. આ અસર જેટલી લલિત વાઙ્મય કે સર્જનાત્મક સાહિત્ય ઉપર થઈ છે તેટલી જ તેના વિવેચન ઉપર પણ થઈ છે. વિવેચન તો સર્જનસાહિત્ય કરતાં વિશેષ કરીને પશ્ચિમના વિવેચનનું ઋણી છે, કારણકે અત્યારે થાય છે એ વિવેચનપ્રકાર તે પહેલાં ગુજરાતી સાહિત્યમાં નહોતો, સંસ્કૃતમાં પણ નહોતો એમ કહી શકાય. આથી આપણા વિવેચનસાહિત્યે આપણા સાહિત્યનું વિવેચન કરતાં અંગ્રેજી વિવેચનના રૂઢ પારિભાષિક શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરવા માંડ્યો. પણ દરેક ભાષામાં શબ્દોના રૂઢ થયેલા અર્થો પાછળ ઇતિહાસ હોય છે અને એ ઇતિહાસજ્ઞાનના સંસ્કારો આપણામાં નહિ હોવાથી આપણે ઘણી વાર એ શબ્દોનો ઉપયોગ આપણા વિવેચનમાં સમજ્યા વિના કર્યો. હું આવી રીતે એકદમ અંગ્રેજી શબ્દો પકડી લેવાની વિરુદ્ધ છું,—સાથે સાથે કહું છું,—માત્ર શબ્દ પકડી લેવાની વિરુદ્ધ છું, અંગ્રેજી સાહિત્યના કે બીજા કોઈ દેશી કે પરદેશી સાહિત્યના સંસ્કારોની કે તેની અસરોની વિરુદ્ધ નથી. આમ પરદેશી અસરની વિરુદ્ધ થવાનું એક જ વાજબી કારણ હોઈ શકે—જો એથી આપણું સર્જકપણું દબાતું હોય કે વિકૃત થતું હોય તો. શબ્દની વિરુદ્ધ હોવાનું કારણ પૂરા નહિ સમજેલા શબ્દોથી ગોટાળા થાય છે, ખોટા પ્રશ્નો ઊભા થાય છે, અને વિચારો અને અભિપ્રાયો ડહોળાય છે એ છે. એક દાખલાથી આ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશ. આપણા વિવેચનમાં અંગ્રેજી વિવેચન પદ્ધતિ અને પારિભાષિક શબ્દોને સૌથી પ્રથમ પ્રવેશ કરાવનાર કવિ નર્મદ. તેણે આપણી કવિતાની અંગ્રેજી વિવેચનપદ્ધતિ પ્રમાણે જાતિઓ કે પ્રકારો કે વિભાગો કરવા માંડ્યા. તેમાં લિરિક (Lyric)ને માટે તેણે ગીતકવિતા શબ્દ વાપર્યો અને એપિક (Epic) ને માટે વીરકવિતા અને ગીતકવિતાની વ્યાખ્યા આપી કે “આવી કવિતા રચવામાં છન્દના નીમ સાથે ગાયનના નીમ પણ પાળવા પડે છે.” અહીં બે સરતચૂકો ભેગી થઈ છે. ગ્રીક લિરિકો ગેય હતાં, પણ અંગ્રેજી સમસ્ત કવિતા અને લિરિક પાઠ્ય છે, અગેય છે. બીજી તરફથી નર્મદ પહેલાંની બધી ગુજરાતી કવિતા, ગુજરાતી એપિકો પણ, ગેય જ છે. આ બધો ગોટાળો એપિકની વ્યાખ્યા કરતાં ભેગો થયો. લિરિકને ગેય કહ્યા પછી એપિકને અગેય જ કહેવાનું રહ્યું! પણ ગુજરાતી એપિકો તો ગેય છે! એટલે નર્મદ ખુલાસો કરે છે: “કોઈ કહેશે કે, આ કવિતાઓ ગાયનને જ અર્થે બનાવેલી છતાં ગીતકવિતામાં કેમ નથી મૂકતા? તો એનો જવાબ એમ કે, ગીત તો તુટક તુટક સંબંધરહિત ન્હાનાં હોય છે ને આમાં એક જ વિષય અથથી ઇતિ સુધી સંપૂર્ણ રીતે રચેલો છે; માટે હું ધારું છું કે, અગર કદાપી તેઓ ગાયનમાં છે, તથાપિ તેઓને આ જાતીમાં ગણ્યાં હોય તો સારું”[2] પછી ગીતકવિતા ગેય છે એ ભેદ ક્યાં રહ્યો? આ ગોટાળો અંગ્રેજી અને ગુજરાતી કવિતાનાં ઇતિહાસમાં સિદ્ધ થયેલાં સ્વરૂપો નહિ સમજવાને લીધે થયો છે. લિરિક સંબંધી જે જે આપણા વિવેચનમાં ચર્ચા થઈ છે તેમાં ઘણી ગેરસમજ લિરિક શબ્દ પરભાષાનો છે તેને અંગે થયેલી છે. તેના ઉપર છેલ્લું પુસ્તક પ્રો. બલવંતરાય ઠાકોરે લખેલું છે અને તેમાં તેનું ઇતિહાસસિદ્ધ સ્વરૂપ બતાવવા પ્રયત્ન કર્યો છે. તેમાં પણ દૃષ્ટાન્તો એકલાં અંગ્રેજી વાઙ્મયનાં જ આપ્યાં છે તે સાથે ગુજરાતી અને તે ન મળે ત્યાં સંસ્કૃતનાં આપ્યાં હોત તો વિષય વધારે વિશદ થાત. તેમ છતાં આપણામાં અંગ્રેજી સંસ્કૃત અને પ્રાચીન ગુજરાતી કાવ્યનો અભ્યાસ વધતો જાય છે એટલે આશા રાખીએ કે તેમના પ્રયત્નથી બધી ગેરસમજૂતો હવે બંધ પડશે. આ સાથે હું માનું છું કે આપણાં અલંકારશાસ્ત્રોનો સારો અભ્યાસ થવાની જરૂર છે. તેથી પશ્ચિમના વિવેચનમાં ઊઠતા ઘણા પ્રશ્નો ઉપર પ્રકાશ પડવાનો સંભવ છે. અને તેમ થતાં બીજી તરફથી આપણા વિવેચનના સિદ્ધાન્તોનો પણ વિકાસ થશે. આના દૃષ્ટાન્ત તરીકે અત્યારે આપણા વિવેચનમાં કૂટ પ્રશ્નનું રૂપ પામેલ એક જ દષ્ટાન્ત હું લઉં છું, અને તે છે Art for at’s sake’ એટલે ‘કલાની ખાતર કલા’ ‘કવિતાની ખાતર કવિતા’. પશ્ચિમમાં આ પ્રશ્ન ઉપર પુષ્કળ ચર્ચા થઈ છે તેને હું સ્પર્શવા માગતો નથી. પણ મારી રીતે આ પ્રશ્નની ચર્ચા કરવા પ્રયત્ન કરીશ. પ્રથમ તો મારે એ કહેવાનું છે કે ‘કલા ખાતર કલા’ એમ કહેતી વખતે તેના પ્રતિપાદકો કંઈક એમ માનતા લાગે છે કે એમ કહેવાથી કાવ્યની દિવ્યતા કે અન્ય સર્વ માનવ પ્રકૃત્તિથી વિલક્ષણતા અદ્વિતીયતા અને જીવન ઉપરનો તેનો કોઈ અદ્ભુત હક સાબીત થઈ જાય છે, અને તેના વિરોધીઓ પણ કંઈક આમ થઈ જશે એ ભયે તેનો સામો પક્ષ લેતા મને જણાય છે. તો મારે કહેવાનું એવું કાંઈ નથી. કાવ્ય દિવ્ય કે અદ્ભુત છે. તેની મારે ના નથી, પણ બીજાં કારણોને લીધે, કલા ખાતર કલા છે માટે નહિ. અને કલા કલા ખાતર છે. એમ કહેવાથી તેનો અન્યથા હોય તે કરતાં સમસ્ત જીવન ઉપરનો હક કે દાવો જરા પણ વધી જતો નથી. માત્ર કલા જ કલા ખાતર છે એમ માનવું એ ખોટું છે. હું છું છું શું જ્ઞાન ખાતર જ્ઞાન નથી?—પછી ભલે જ્ઞાન આપણને ઉપયોગી પણ થાય છે. શું નીતિ ખાતર નીતિ નથી?—પછી ભલે નીતિથી કીર્તિ અને બીજા લાભો પણ મળતા હોય. એટલું જ નહિ શું રમત ખાતર રમત નથી?—પછી ભલે શારીરિક રમતથી શરીર સુધરતું હોય, એન માનસિક રમતથી બુદ્ધિ તીવ્ર થતી હોય. હજી આગળ જઈને પૂછું છું, શું કેટલાક અને ઘણાખરા ધન ખાતર ધન મેળવતા નથી? અરે ઘણા ખાવા ખાતર ખાતા નથી! નાનાં છોકરાંને ખાવામાંથી જ, એ વ્યાપારમાંથી જ આનંદ આવે છે, અને ઘણાં માણસો જિંદગીભર એ દશાથી આગળ ગયા હોતા નથી. અને સમજણા માણસો પણ ખાય છે ત્યારે તેમને ખાવામાંથી સ્વતંત્ર સ્વાદ આવે છે તેની ના પડાય તેમ નથી. એટલું જ નહિ, ઘણી વાર એક પ્રવૃત્તિ તેનાથી ભિન્ન પ્રયોજન માટે શરૂ કરીએ અને શરૂ કર્યા પછી તે પ્રયોજન તિરોહિત થઈ આપણે એ પ્રવૃત્તિમાંથી જ રસ લેવા માંડીએ અને એ પ્રવૃત્તિ થોડી વાર એ પ્રવૃત્તિની ખાતર જ ચલાવીએ એમ પણ બને છે. હું પગાર ખાતર શીખવવાનું શરૂ કરું, પણ શીખવવાની ક્રિયા દરમિયાન મને એ ક્રિયામાં જ રસ પડે અને હું શીખવવાની ખાતર શીખવું, એમ બને. ઘણી ક્રિયામાં એમ બને છે અને એતો જીવનયોજનાની એક ધન્યતા છે. એમ ન હોત તો જીવન અસહ્ય થઈ પડત. જેમ અનેક જીવન શક્તિના વ્યાપારમાં ઉપર બતાવ્યા પ્રમાણે રસ આવે છે તેમ કાવ્યમાં અને કલામાં કલ્પનાશક્તિ સ્વૈર પ્રવૃત્તિ કરે છે, અને બીજી કશી બાબતના સંબંધ વિના એ વ્યાપારમાંથી જ આપણને આનંદ મળે છે. એમ થવાથી કાવ્યની કશી ય વિલક્ષણતા સાબિત થતી નથી, તેનો કશો પણ જીવન ઉપરનો હક વધતો નથી. એ વાક્યથી ભડકવાની જરૂર નથી. અને તેમ છતાં હું માનું છું કે કાવ્ય અદ્ભુત કલા છે. અને હું એમ શા માટે માનું છું તે ટૂંકમાં બતાવવા પ્રયત્ન કરીશ. મેં કહ્યું કે કાવ્યમાં કલ્પના સ્વૈર પ્રવૃત્ત થાય છે. પણ સ્વૈર પ્રવૃત્ત થાય છે તેનો અર્થ તે પ્રવૃત્તિના મુખ્ય અવલંબનની બાબતમાં ઉદાસીન હોય છે એમ નથી. કલ્પનાને જેમાં જે પ્રવૃત્તિમાં, જે અનુભવમાં સૌથી વધારે જીવનનું રહસ્ય લાગે તેમાં જ તે સ્વાભાવિક રીતે રાચે, તેમાં જ વ્યાપારવતી થાય. ઉત્તમ કવિને ઉત્તમ રહસ્યવાળા અનુભવમાં જ રાચવું ગમે, અને તેથી એ કલ્પનાની કૃતિ ઉત્તમ અનુભવ કરાવનાર, ઉત્તમ સંસ્કાર પાડનાર નીવડે. અને તેમાં કાવ્યની ઉત્કૃષ્ટતા રહેલી છે. માણસને પોતાના જીવનનો ઉત્તમ, સૌથી રહસ્યવાળો અનુભવ જ કલ્પના દ્વારા ફરી અનુભવવો ગમે છે. એક દૃષ્ટાન્તતી આ સ્ફુટ કરવા પ્રયત્ન કરીશ. ધારો કે બે મિત્રો પંદરેક વરસે ભેગા થયા. બન્ને દિલોજાન મિત્રો છે. બન્ને પાસે પાસે પથારી નાંખી સૂશે અને રાત આખી પોતાના આગલા ભેગાં ગાળેલા જીવનના અનુભવો સંભારવામાં અને પોતાના તે પછી થયેલા અનુભવો કહેવામાં આખી રાતનો ઉજાગરો કરે તો પણ નવાઈ નહિ. હવે વિચારો કે આટલાં બધાં વરસોના આટલા બધા અનુભવોમાંથી તેઓ કયાની વાત કરશે? અલબત્ત તેમને જે અનુભવમાં જીવનનું રહસ્ય સૌથી વધારે અનુભવાયું હશે તેની વાતો કરશે. અત્યંત ભીડના દુ:ખના પ્રસંગોની યાદ કરશે, જ્યારે જીવનની શક્તિઓએ તીવ્રમાં તીવ્ર વેગથી કાર્ય કરવાનું કર્યું હશે! નવા સાહસના પ્રસંગો જ્યારે એકલાં કે ગોઠિયાઓ સાથે જીવનની બહાદુરી હિંમત મૈત્રીના લ્હાવા લીધા હશે! જીવનના અદ્વિતીય પ્રેમ સંપાદન કર્યાના, જ્યારે જીવનમાં નવા ગહન અનુભવો થયા હશે, જીવનનો પ્યાલો હર્ષથી ઘડીભર ઉભરાતો લાગ્યો હશે! એ સામાન્ય મિત્રોની કલ્પના જે રીતે જીવનના રહસ્યને અવલંબીને પોતાના અનુભવો પોતે ભોગવતાં મિત્રને અંગત સમભાવ અને કલ્પના દ્વારા ભોગવાવે છે, તેમ જ કવિ પણ પોતાના અનુભવોમાંથી સૌથી રહસ્યવાળા અનુભવો આખા સમાજને અનુભવાવે છે. મિત્રોમાં સમભાવ હતો, એવો સમભાવ અહીં નથી. એવો સમભાવ નથી એટલે કવિના સંબંધમાં ખરેખર જ વસ્તુ રહસ્યવાળી, સામાન્ય કરતાં લોકોત્તર રહસ્યવાળી હોવી જોઈએ. માબાપને પોતાના છોકરા તરફના મમત્વને લીધે તેનામાં ઓછો ચમત્કાર પણ વધારે મોટો લાગે, પોતાનાં છોકરાંની શક્તિની પરીક્ષામાં તેમને મોહ થાય, તે કરતાં શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓના સંબંધમાં ઓછો મોહ થાય. તેમ જ કવિ અંગતપિછાન વિનાના અનિર્દિષ્ટ સમાજ આગળ બોેલે છે એટલે સ્વાભાવિક રીતે જ તેને માત્ર ઉત્તમ રહસ્યવાળી વસ્તુ કહેવાની જ પ્રેરણા થાય, અને એવી વસ્તુ જ સમાજને રસિક નીવડે. કેવળ અંગતતાને લીધે આવતી વસ્તુ તેનામાં પ્રવેશ જ પામી ન શકે. વળી કવિમાં વિશેષ એ છે કે એ માત્ર કોઈ પણ વાસ્તવિક પરિસ્થિતિનું જ ચિત્ર આપતા નથી પણ એ રહસ્યને અવલંબીને એ રહસ્ય પ્રગટ થાય એવી રીતે પરિસ્થિતિ રચે છે. બીજી અનેક રીતે કવિનો વ્યાપાર પેલા બે મિત્રોના વ્યાપાર કરતાં વધારે જટિલ જીવનની વધારે ઉત્કૃષ્ટ ભૂમિકા ઉપર વર્તનારો હોય છે, અને માટે કાવ્ય અન્ય પ્રવૃત્તિઓ કરતાં ઉત્કૃષ્ટ છે, નહિ કે કાવ્યની ખાતર કાવ્યપ્રવૃત્તિ થાય છે માટે. આ રીતે બે મિત્રોની વાતચીત કરતાં કવિનું વક્તવ્ય વધારે ઉત્કૃષ્ટ હોવાનો સંભવ ઘણો મોટો છે. છતાં જેમ મિત્રોનાં યુગલો યુગલોમાં ફરક પડે તેમ કવિ કવિમાં ફરક પડે. કોઈ બે મિત્રો માત્ર ધનલોભી જ હોય—એવા વચ્ચે મૈત્રી જ બહુ સંભવતી નથી પણ એ વાત જવા દઈએ—તો તેમની વાતમાં ધન મેળવવામાં તેમને ક્યારે ક્યારે મજા પડી એ આવે. બે મિત્રો વિષયલંપટ હોય તો તેમની વાતમાં એવા જ અનુભવો આવે. એટલું જ નહિ, એક ને એક મિત્રયુગલના દૃષ્ટાન્તમાં તેમની અનુભવપકવતાની ભૂમિકાઓ પ્રમાણે એકની એક બાબત તરફ જુદી જુદી દૃષ્ટિમાં તેમને રસ પડશે એમ કલ્પી શકીએ. દાખલા તરીકે તેમાંના એકને ધારો કે તરતમાં કોઈની સાથે વેર બંધાયું હોય તો તે પોતાના મિત્ર આગળ વાત કરતાં પોતાના વૈરીનું ઘસાતું બોલવામાં કચાશ નહિ રાખે. પણ વૈરને લાંબો સમય થઈ ગયો હોય તો કદાચ કહે કે એ વખતે તો મેં બહુ વૈર રાખેલું પણ હવે લાગે છે કે એમ ન કર્યું હોત તો સારું. એક વખત વૈરમાં જીવનનું રહસ્ય લાગતું હતું તે હવે ક્ષમામાં ઉદારતામાં તટસ્થતામાં લાગે. તેમ જ કવિએ કવિએ,અને કવિની પોતાની વિકાસભૂમિકા પ્રમાણે, કાવ્યકલ્પના જુદી જુદી વૃત્તિમાં રાચે, અને તે પ્રમાણે જુદી જુદી કવિતા થાય. કવિ હલકી નિકૃષ્ટ વસ્તુમાં રસ લેતો હોય તો તેની કલ્પના નિષ્કૃષ્ટ વિષયમાં રાચે અને તેનું ફળ કાવ્ય એવું નિષ્કૃષ્ટ વસ્તુ વ્યક્ત કરે. ત્યાં કલાની કૃતિ નિષ્કૃષ્ટ જ ગણાય. ઉત્કૃષ્ટ ભૂમિકાએ વસતા ભાવકને તેમાં રસ ન આવે, નિષ્કૃષ્ટ ભૂમિકાવાળાને જ તેમાં રસ આવે, અને કલાની ખાતર કલા હોવા છતાં એવી કૃતિનો બચાવ ન થઈ શકે. અને અહીં જ ‘કલાની ખાતર કલા’ના સિદ્ધાન્ત તરફની શંકાની નજરનું કારણ સમજાય છે. આપણે જોયું કે કાચા કે વિકૃત સંસ્કારવાળા કલાકારની કલ્પના હીન વૃત્તિમાં રાચે અને તેની કૃતિ હીન થાય. હવે ‘કલા ખાતર કલા’ કહેનારા એમ માને છે કે કલ્પનાના વ્યાપારમાં જ એની કૃતાર્થતા હોવાથી કોઈ પણ કલાની કૃતિને હીન ન કહી શકાય. અહીં મને એક દૃષ્ટાન્ત યાદ આવે છે. ગુજરાતીના એક અભ્યાસીએ કોઈને કહ્યું કે પ્રેમાનન્દના ઓખાહરણની કેટલીક પંક્તિઓ અશ્લીલ છે. ખરી રીતે તો એ પંક્તિઓ જોઈને, તેની મન ઉપર શી અસર થાય છે અને એ અસર અશ્લીલ અને એ તરીકે રસમાં ક્ષતિકર છે કે નહિ એ જોઈને ને વિચારીને, આ પ્રશ્નનું નિરાકરણ કરવું જોઈએ. તેને બદલે પેલા ભાઈએ એમ કર્યા વિના જ પરભાર્યું કહી દીધું: “તમે ‘કલાની ખાતર કલા’નો સિદ્ધાન્ત માનતા નથી શું?” કેમ જાણે કલાની ખાતર કલા કહ્યા પછી કલામાં અશ્લીલતા એ દોષ જ અશક્ય થઈ જતો હોય! પણ એમ નથી. ઉપર કહ્યું તેમ કલા તરફ બન્ને દૃષ્ટિ રહે છે. હલકી વૃત્તિમાં કલ્પના વિહરવાથી ઉચ્ચ સંસ્કારવાળાને તેમાં રસ ન લાગે, અથવા અન્યથા સારા કાવ્યમાં અમુક જગાએ અશ્લીલતાનો દોષ જણાય. અને ખરી રીતે જોતાં એમ બનતું આવ્યું છે. ભવાઈમાં પણ જોઈએ તો ઘણી જગ્યાએ કલ્પનાનો વિહાર હોય છે જ, પણ અશ્લીલ વિષયમાં કલ્પના જતી હોવાથી સંસ્કારી સમાજે તેને છોડી દીધી. શેક્સપિયરનાં નાટકોમાં ઘણી જગ્યાએ અશ્લીલ ઇબારતો આવતી હોવાથી પછીના સંસ્કારી સમાજે તેનું વિશોધન કર્યું. કલ્પનાનો સાચો વિહાર હોવા છતાં જે રહસ્યમાં કલ્પના રાચતી હોય તે રહસ્યની દૃષ્ટિએ સાહિત્ય ઉચ્ચાવચ હોઈ શકે, અને એ જ કારણથી એ અધમ અને હાનિકર્તા હોઈ શકે. અને એમ હોય ત્યારે તેનું નિયન્ત્રણ કરવું પણ પડે. હું તો એમ માનું છું કે ઉચ્ચ રહસ્યના અવલંબનમાં જ કલ્પના વધારે વખત અને વધારે વૈવિધ્યથી રાચી શકે છે, આપણા સર્વ ચિત્તંત્રનો સ્વામી આત્મા કે જીવ એક જ હોય તો એમ જ બને, પણ એ માન્યતા એક તરફ રાખતાં પણ, ‘કલા ખાતર કલા’નો સિદ્ધાન્ત માનનાર પણ ખરાબ કલાનું નિયન્ત્રણ તેમ જ નાશ પણ કરી શકે, પછી કોઈ વાર અને ઘણીવાર પણ, કલાપરીક્ષામાં ભૂલ થાય એ જુદો સવાલ છે; નીતિનાં ધોરણો બદલાય, માણસ જાતની દૃષ્ટિ બદલાય, એ જુદો સવાલ છે. અહીં એક પ્રશ્ન તરફ સાથે સાથે ધ્યાન ખેંચું છું. આપણા કાવ્યશાસ્ત્રકારોએ સ્પષ્ટ કહેલું છે કે કાવ્ય રસનિષ્પત્તિ માટે છે. એમાં જ Art for art’s sake, કલા ખાતર કલાનો સિદ્ધાંત આવી જતો નથી? રસનો કોઈ પારિભાષિક અર્થ ન કરીએ ને ભાષામાં તે જે રીતે રૂઢ થયો છે તે રીતે કરીએ, તો તેટલાથી પણ તરત સમજાય કે રસ શબ્દમાં જ આપણે કલાની સ્વતંત્રતા અને અનન્યપરતા સ્વીકારી લીધી છે. રસ શબ્દ મૂળ તો જીભના સ્વાદ માટે વપરાય છે. તેને લીધે જીભને રસના પણ કહીએ છીએ. અન્નકોષમાં જે અનાજ જાય છે તેના માર્ગમાં તેને જીભનો સ્પર્શ થાય છે અને તેમ થતાં સામાન્ય સ્પર્શથી સ્વતંત્ર એક અનુભવ થાય છે તેને રસ કહીએ છીએ. એની ઇન્દ્રિય જ સ્વતંત્ર છે. તેવી જ રીતે વસ્તુઓના અનુભવો, માનસ અનુભવકોષમાં જતાં એક સ્વતંત્ર સેન્દ્રિયને લીધે અનુભવનો સ્વાદ, અનુભવનો રસ આવે છે. આ અર્થમાં રસ એ અંગ્રેજી taste નથી, તેમજ એ sentiment પણ નથી. સદ્ગત રમણભાઈએ એક વાર કહેલું કે ગુજરાતીમાં spirit (i. e. spirit of law)નો સમાનાર્થ શબ્દ નથી, અને અંગ્રેજીમાં રસનો સમાનાર્થ શબ્દ નથી. તેના પૃથક્કરણમાંથી aesthetic joy અર્થ આવે છે પણ એ પદ રસનું સમાનાર્થ નથી. પછીથી આલંકારિકોએ રસનો પારિભાષિક અર્થ કર્યો છે, અને તે વિષે અનેક ચર્ચાઓ થઈ છે, તે ઉપરથી લાગે કે રતિ હાસ ક્રોધ જેવી લાગણીઓ એ જ એનો અર્થ છે, પણ આવા પારિભાષિક અર્થો થતાં પણ, સ્વાદ સાથે સંબંધ ધરાવતા અને તેના તત્ત્વને અવલંબીને વિસ્તાર પામેલો ઉપર કહ્યો તે મૂળ અર્થ ક્યાંઈ દૃષ્ટિ બહાર ગયો હોય એમ હું માનતો નથી. આપણે ગુજરાતીમાં કરુણ રસ વગેરે શબ્દો પારિભાષિક અર્થમાં વાપરીએ છીએ પણ સામાન્ય ભાષામાં રસ રસિકતા સરસ સરસતા રસજ્ઞતા અરસિકતા વગેરે શબ્દોમાં પ્રતીત થતો રસનો અર્થ, મૂળ રસના અર્થ સાથે જ સંબંધ ધરાવે છે. પણ રસનો પારિભાષિક અર્થ લેતાં પણ કાવ્યની અનન્યપરતા તો જણાઈ જ આવે છે. આપણા આલંકારિકોએ કદી એમ કહ્યું નથી કે કાવ્ય નીતિની ખાતર છે. તેમણે બુદ્ધિ અને નીતિ બન્નેથી આ રસિકતાને જુદી પહેલેથી જ ગણેલી છે. બુદ્ધિ અને નીતિના વિચારને મળતી મતિને તેમણે એક વ્યભિચારી ભાવ ગણેલો છે જે બતાવે છે કે કલ્પનાવ્યાપારને ગૌણ રહીને મતિ વ્યાપારવાળા બની શકે, જેમ બીજી અનેક વૃત્તિઓ બને છે તેમ. ખરું તો કલ્પના માનસતંત્રની અનેક શક્તિઓને અવલંબીને વિહરે છે. પણ તે કેવળ સ્વતંત્ર વિહારને માટે અવલંબે છે, અને તેમાંથી કાવ્ય બને છે. એટલે એ પ્રવૃત્તિ સ્વતંત્ર છે અને કેવળ સ્વપર છે. આમ સમજ્યા પછી ‘કલા ખાતર કલા’ કે એવું કશું કહેવાની જરૂર રહેતી નથી. હું માનતો આવ્યો છું કે આપણે આપણાં કાવ્યશાસ્ત્રોનો અભ્યાસ વધારવો જોઈએ. એમ કરવાથી પશ્ચિમના કેટલાક પ્રશ્નો ઉપર પ્રકાશ પડે છે, અને એ પ્રશ્રોને ધ્યાનમાં લઈ આપણા જૂના સિદ્ધાન્તો વિચારવાથી એ સિદ્ધાન્તનું અંતસ્તત્ત્વ વિકાસ પામે છે. બીજી રીતે કહીએ તો આપણી કલામીમાંસા પોતાની વિચારસરણીએ વિકાસ પામે છે. અર્થાત્ મારી દૃષ્ટિએ તો ‘કલા ખાતર કલા’ અથવા અહીં પ્રસ્તુત ‘કાવ્ય ખાતર કાવ્ય’ના સિદ્ધાન્તથી કાવ્યની કશી વિલક્ષણતા સિદ્ધ થતી નથી. કાવ્યની અપૂર્વતા તેના વક્તવ્યમાં અને તે વક્તવ્ય કહેવાની શક્તિમાં રહેલી છે અને કાવ્યમાં કલ્પનાવ્યાપાર હોવા છતાં વક્તવ્યના રહસ્યની દૃષ્ટિએ કાવ્યો ઉચ્ચાવચ હોઈ શકે, અધમ પણ હોઈ શકે, અને તેમ હોય ત્યારે તેનું નિયન્ત્રણ પણ કરવું પડે. વળી રસદૃષ્ટિએ જોતાં આ ચર્ચા આપણે ત્યાં અસ્થાને છે. એ આપણી ચર્ચામાં નકામો કૂટ પ્રશ્ન થઈ બેઠેલો છે. હું હવે એક બીજા કૂટ પ્રશ્નની ચર્ચા હાથમાં લઉં છું. Realism એટલે વાસ્તવવાદ વિરુદ્ધ Idealism એટલે આદર્શવાદ અથવા ભાવનાવાદ. આપણે પ્રથમ અહીં વાપરેલા શબ્દોનો જ અર્થ સમજવાનો અને તેને સ્ફુટ કરવાનો પ્રયત્ન કરીએ. આપણે કહીએ છીએ કે કાવ્ય લાગણી કે ભાવ જ છે. સામાન્ય રીતે જગતના અનુભવમાં ન આવતી, અથવા જગતના સામાન્ય અનુભવમાં આવે છે તે કરતાં ઉચ્ચતર લાગણી કે ભાવ, જેમ કે ભક્તિ, ઉદારતા, ઉન્નત વિશુદ્ધ પ્રેમ, તે જ ભાવના છે. એ ભાવના આદર્શભૂત હોવાથી ભાવનાવાદને આદર્શવાદ પણ કહે છે. આદર્શવાદમાં પણ ભાવના એટલે લાગણી અભિપ્રેત છે કારણકે કાવ્યનું કામ લાગણી પ્રેરવાનું, કે અનુભવાવવાનું, અહીં આદર્શ માટેની ઉચિત લાગણી પ્રતીત કરાવવાનું છે, બીજી રીતે કહીએ તે આદર્શનો રસ ચખાડવાનું છે. વાસ્તવવાદ, ભાવનાવાદ કે આદર્શવાદની સામેના પલ્લામાં મુકાય છે પણ તેનો અર્થ ભાવના કે આદર્શ અવાસ્તવિક એટલે ખોટો છે એ નથી. ભાવનાનો સ્થૂલ અનુભવ વ્યવહારમાં ભવ્ય વિરલ રહ્યો, પણ તેથી તે જરા પણ અવાસ્તવિક બનતો નથી. જગતમાં જે વધારે વાર બનતું હોય તે વધારે વાસ્તવિક અને વિરલ બનતું હોય તે ઓછું વાસ્તવિક એવો કોઈ નિયમ નથી. એથી ઊલટું કશી જ અવાસ્તવિક વસ્તુથી રસનિષ્પત્તિ થઈ શકે નહિ. આપણું આખું ચિત્તંત્ર એમ કહે કે આ તો આમ જ બને ત્યારે જ રસનિષ્પત્તિ થાય. કલામાં, આપણને અજ્ઞાત રીતે, આપણા ચિત્તંત્રનાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ વલણો અનુસરાયાં હોય છે. કલા સાચી હોવાની કસોટી, કૃતિમાં વર્ણવેલું બરાબર બહારની દુનિયામાં બને છે કે નહિ એ નથી, પણ જગતના અનુભવોથી ઘડાયેલું આપણું માનસ—આખું ચિત્તંત્ર—તેને અત્યંત અનુકૂલતાથી સ્વીકારી શકે છે કે નહિ એ છે. આ વાત માત્ર ભાવનાને માટે જ સાચી છે એમ નથી, બધા રસો માટે સાચી છે. અરેબિયન નાઇટ્સમાં એક સ્ત્રી પોતાના પતિને મૂઠ મારી, તેનું નીચેનું અરધું અંગ પથ્થરનું કરી નાંખે છે, અને આ રીતે તેને અપંગ કર્યા પછી હંમેશાં ખાસડાં મારે છે અથવા એવું કંઈક અપમાન કરે છે. અહીં કોઈ ને આવી રીતે અપંગ કરી લાચાર કરી અપમાન કરવું એ કોઈ ભાવના કે આદર્શ નથી, તેમ જ અરધું અંગ પથ્થરનું કરી નાખવાની હકીકત વ્યવહારના અનુભવ બહારની છે અને છતાં સ્ત્રીની પતિ તરફની રીસ એ કોઈ ખોટી વસ્તુ નથી. આપણું માનસ અત્યાર સુધીના અનુભવથી સ્વીકારી શકે છે કે સ્ત્રીને પતિ તરફ એટલો કાળો ક્રોધ ચડે કે જેથી આટલે સુધી તે તેને અપંગ કરી અપમાન કરે,—છેવટ અરેબિયન નાઈટ્સ જ્યાં અને જ્યારે લખાયું ત્યાં તે કાળનું સમાજમાનસ સ્ત્રીનું આવું માનસ સ્વીકારી શકે તેમ હતું. હાસ્યમાં તો આવા દાખલા વધારે બતાવી શકાય.
જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે;
બકરી બાઈનો બેટડો પરણે છે આજે.
એમાં વ્યવહારની દૃષ્ટિએ કશું જ વાસ્તવિક નથી, અને છતાં તેમાં વ્યકત થતી ગુજરાતીઓની ગમે તેવાં કજોડાનાં લગ્નોમાં દેખાતી વેવલાઈ ઘેલછા, એ મનની કોઈ પણ બીજી વૃત્તિ જેટલી જ સાચી છે. અને કાવ્યને જે જાતના સત્યનું અવલંબન જોઈએ છે તે આ જાતના રત્યનું! કવિ એ સત્ય વ્યક્ત કરવાને ગમે તેવી બાહ્ય સૃષ્ટિ કલ્પે, ગમે તેવી અતિશયોક્તિ કરે, પણ તેથી કાવ્ય જો સાચું કાવ્ય હોય, તો એવી અતિશયોક્તિથી તેને જરા પણ ક્ષતિ થતી નથી. ભાવનાવાદમાં પણ અતિશયોક્તિ આવે છે, ને દુનિયાનાં વ્યવહારમાં ભાવનાકૃતિમાં વર્ણવેલ બનાવો દૃશ્યમાન થતા નથી એ વાંધો સાચો નથી. હવે વાસ્તવવાદનો અર્થ તપાસીએ. દલીલમાં વાસ્તવવાદ કેવા ખોટા અર્થમાં કોઈવાર વપરાય છે તે પછી જોઈશું. પણ પહેલાં તો તેનો સાદો અર્થ જોઈએ. વાસ્તવવાદી એવો આગ્રહ કરે છે કે દુનિયામાં જે દેખાય છે તે પોતે કલામાં રજુ કરવા ઇચ્છે છે. હવે આ પ્રતિજ્ઞા ગમે તેટલી સાચી હોય છતાં એક બાજુએ કહેવું જોઈએ કે કલા માત્ર અનુકરણ નથી, તે ફોટોગ્રાફી પેઠે, માત્ર છે તેનું છે તેવું જ ચિત્ર રજુ કરવા ઇચ્છતી નથી, અને ફોટોગ્રાફીમાં પણ દૃષ્ટિકોણની પસંદગી તો થાય જ છે. કલામાં છે તેવી જ દુનિયાં પ્રગટ કરી પણ ન શકાય, કારણ વાસ્તવિક દુનિયાં તે અતંત કાલ વહે છે, અને આપણી કલાની કૃતિમાં અનંતને પ્રગટ કરીએ એ ભલે, પણ એ કૃતિ તો સાદિ અને સાન્ત છે. આ જગત કહો, કે આપણો અનુભવ કહો, જે કહો તે અનાદિ, અનંત, અરૂપ, નિરવધિ વહ્યે જાય છે. આપણા વિજ્ઞાનશાસ્ત્રીઓ (scientists) તેને કારણકાર્યની શૃંખલાથી સમજે છે ને તેમાંથી વિજ્ઞાનશાસ્ત્રો રચાય છે, અને આપણા કવિઓ તેમાંથી રહસ્ય સમજે છે, તેને વ્યક્ત કરવા પ્રયત્ન કરે છે, તેમાંથી કલાની કૃતિઓ થાય છે. એ અનાદિ અનંત અરૂપ વહેતા પ્રવાહને જેમ વિજ્ઞાનશાસ્ત્રીઓ કારણકાર્યના રૂપમાં જ સમજી શકે અન્યથા નહિ, તેમ આપણા કવિઓ તેને રહસ્યથી જ ગ્રહણ કરીને વ્યક્ત કરી શકે, અન્યથા નહિ. આ નિરવધિ વહેતા અનંત પ્રવાહમાં હેય શું ગણવું ઉપાદેય શું ગણવું, તેની પસંદગી રહસ્યને અવલંબીને જ થઈ શકે. અને એ રહસ્ય, કોઈ સમસ્ત જીવનભાવનાના મધ્યબિન્દુએ સ્થિત થઈ અમુક વસ્તુ તરફ કરેલી દૃષ્ટિથી જ જોઈ શકાય છે. ભાવના વિના રહસ્ય પારખી શકાતું નથી. તમે લોભ કે વિષયલંપટતા તરફ ત્યારે જ હસી શકો, કે જ્યારે ઉદારતા, દૃષ્ટિવિશાલતા, અનુચિત વિષયાસક્તિથી ઊર્ધ્વતાથી તમારામાં ભાવના હોય. નિર્બળતા કે ક્ષુલ્લકતા માટે આખી માણસ જાતને ધિક્કારતાં પણ તમારાં મનમાં તમે કલ્પેલ કોઈ સબળતા કે ઉદારતા હોય તો હોય જ છે. કોઈ માણસ ઉપર વિશ્વાસ ન રાખવો, સ્ત્રીજાતિ ઉપર વિશ્વાસ ન રાખવો, કે એવું કાંઈ કહેતી વખતે પણ તમારા મનમાં કોઈ ભાવના તો હોય જ છે. એ ભાવનાથી જોયેલા રહસ્યને અવલંબીને પછી કલાની સૃષ્ટિ રચાય છે. એ રહસ્યને વ્યક્ત કરવાની પ્રતિજ્ઞાથી કલામાં હેય ઉપાદેય સમજાય છે. અર્થાત્ વાસ્તવવાદમાં ભાવના હોય જ નહિ એમ ન બને. એટલે તત્ત્વત: વાસ્તવવાદ અને આદર્શવાદ જ ભાવનાવાદમાં કશો ફેર નથી. કાવ્યમાં એવું ઘણી વાર બને છે કે સામાન્ય રીતે મનાતા ભેદો તત્ત્વત: ભિન્ન ન હોય અને છતાં એવા ભેદોથી વિવેચનમાં એક પ્રકારની સગવડ આવે. વાસ્તવવાદ અને ભાવનાવાદનું પણ હું એમ સમજું છું. તત્ત્વદૃષ્ટિએ તેમાં ભેદ નથી છતાં અમુક પ્રકારના સાહિત્યને વાસ્તવવાદી કહેવાથી કેટલીક સગવડ પડે. હવે તેનો ભેદ સમજવા પ્રયત્ન કરીએ. એક ભેદનું સૂચન તો પહેલાં કરેલું છે. ભાવનાવાદનું સાહિત્ય જગતમાં વિરલ દેખાતી ઉન્નત ભાવનામાં રાચે છે તેને પડછે વાસ્તવવાદી સાહિત્ય જગતમાં જે દેખાય છે તે સ્થિતિનું નિરૂપણ કરવા પ્રયત્ન કરે છે. ખરી રીતે આ સમસ્ત જીવન તરફના બદલાયેલા દૃષ્ટિકોણનું પરિણામ છે. મધ્યયુગ સુધી ધર્મ જ જીવનનું મુખ્ય બળ હતું અને ધર્મ ઉચ્ચ ભાવનાનો પ્રચારક અને માત્ર તે તરફ જ લક્ષ આપનારો હતો. તે પછી જેમ જેમ વિજ્ઞાન અને ખાસ કરીને પ્રાણિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, વગેરે તરફ ધ્યાન વધતું ગયું તેમ તેમ ઐહિક વસ્તુનું જીવનમાં મહત્ત્વ વધ્યું, અને તેની અસર સાહિત્ય ઉપર પણ થઈ. કેવલ ઉચ્ચ ભાવના સિવાયની ઐહિક અને માનવ વૃત્તિઓનું કૌતુક વધ્યું. બીજી તરફથી એક ને એક ઉચ્ચ ભાવનાઓનું નિરૂપણ નીરસ થયું હતું, તેમાંથી નવીનતા ચાલી ગઈ હતી, અને તેનું વાસ્તવિકતાનું બલ પણ કમી થતું હતું. સમાજની વાસ્તવિક સ્થિતિમાં નવો રસ દેખાયો તે સાથે પુષ્કળ વૈવિધ્ય દેખાયું અને કવિમાનસ તે તરફ આકર્ષાયું. આ ફેરફાર કાવ્યના સૂક્ષ્માં સૂક્ષ્મ અંગ સુધી પહોંચ્યો. નાટકો, પદબંધ છોડી ગદ્યમાં લખાયાં અને જૂના અલંકારો, મુખકમલ કે પાદારવિંદ જેવા છોડાઈ, મુખનું વધારે આબેહૂબ વર્ણન કરવાનું વલણ થયું, વગેરે આ દૃષ્ટિપરિવર્તનની જ એક કે બીજી રીતની અસર છે. આમાં એક પ્રકારનો સત્ય તરફનો આગ્રહ પણ છે. કલાની દૃષ્ટિએ એ રીતે કેટલીક વિગત મૂકીને વાસ્તવવાદી સાહિત્ય ચિત્રોને વધારે હૂબહૂ અને મૂર્ત્ત કરી શકે છે. આને મર્યાદા હોય તો તે એક બાજુ કાવ્યના વિષયની અને રીતિની, અને બીજી બાજુ શબ્દશક્તિની. કોઈ કોઈ કાવ્યનો વિષય જ એવો હોય છે અથવા તેની રીતિ જ એવી હોય છે કે અમુક બાબતની વિગતો તેમાં ન આવી શકે: દાખલા તરીકે બીભત્સ વિષયમાં વિગતો આવે તેટલી ભવ્યતામાં ન આવે, ગદ્યમાં આવે તેટલી પદ્યમાં ન આવે, નવલકથામાં જે અમુક આવે નાટકમાં ન આવે. બીજી બાજુ શબ્દો અમુક સુધી જ દૃશ્યોને મૂર્ત કરી શકે છે, અને ઘણીવાર અનેક વિગતો આપ્યાથી દૃશ્ય વધારે સ્પષ્ટ થવાને બદલે ઊલટું ગૂંચવણવાળું અને તેથી અસ્પષ્ટ બને છે. ઘણીવાર અનેક નાની વિગતોથી અસર થાય છે તેના કરતાં એક જ કૌશલથી પસંદ કરેલી વિગતથી આખું દૃશ્ય વધારે સારું દર્શાવી શકાય છે. આ વાસ્તવવાદી વલણમાં કશો દોષ નથી. એ સાહિત્યની સમૃદ્ધિ વધારનારું છે. પણ વાસ્તવવાદી સાહિત્યનો સામાન્ય રીતે એક બીજો પણ અર્થ થાય છે. ભાવનાવાદી સાહિત્ય સુંદર વસ્તુનું નિરૂપણ કરે તો વાસ્તવવાદી બેડોળ અને ગંદી વસ્તુનું નિરૂપણ કરે. અને વધારે પ્રચલિત તો આ જ અર્થ છે. આવા નિરૂપણ સામે એક વાંધો તરત ઊઠે. કલાનું કામ તો રસમય અને સુંદર વસ્તુઓ રજુ કરવાનું હોય, તેની પાસે ગંદી વસ્તુઓ શા માટે નિરૂપાવવી? જગતમાં ગંદવાડો છે જ તેને કલામાં શા માટે પ્રગટ કરવો? એ તો તદ્દન નીરસ બને! પણ એ દલીલ તત્ત્વત: સાચી નથી. આને મળતી દલીલ કરુણરસની સામે મૂકાઈ હતી. જગતમાં દુ:ખ તો ભરેલું જ છે, તો તેને કલામાં શા માટે લઈ આવવું? એમાં રસ શો? અને આનો જવાબ આપણા કાવ્યશાસ્ત્રકારોએ આપેલો છે. તેઓ કહે છે કે કરુણથી ભલે આંસુ આવે છતાં તેમાં રસ તો છે જ કારણકે કરુણરસનું કાવ્ય પણ વારંવાર વાંચવાનું મન થાય છે. એટલે વ્યવહારમાં જે અનુભવ દુ:ખમય હોય તે પણ કલામાં આવી, રસપ્રદ થઈ શકે છે. અને એ જ યુક્તિ જુગુપ્સાકારક વસ્તુઓની બાબતમાં ખરી છે. બીભત્સને પણ રસ ગણ્યો છે એ આપણા કાવ્યશાસ્ત્રકારોની ઊંડી દૃષ્ટિ બતાવે છે. જગતમાં જે ખરેખર જુગુપ્સાકારક છે તેને જુગુપ્સાકારક સમજવું, જે દુ:ખકારક છે તેને દુ:ખકારક સમજવું એમાં રસ રહેલો છે. એટલે બીભત્સ રસ સામે વાંધો લઈ શકાય નહિ. બીજી તરફ સાહિત્ય જગતની ગંદી કે બેડોળ ચીજો નિરૂપવાનો પ્રયત્ન કરે તેમાં તત્ત્વત: અહીં બતાવ્યું તેમ, કશું નવું પણ નથી. પણ દરેક રસને પોતપોતાનાં સ્થાનો હોય છે. હાસ્યને ક્ષુલ્લકતા, ઠોળિયાપણું, અશ્લીલતાનું ભયસ્થાન છે તે જાણીતું છે. શૃંગારને અશ્લીલતાનું ભયસ્થાન છે તેમ બીભત્સ રસને પણ પોતાનું ભયસ્થાન છે, રસની ચર્ચામાં વિશ્વનાથ કહે છે કે દરેક રસમાં અદ્ભુત અનુસ્યૂત હોવો ઇષ્ટ છે. એનો બીજો અર્થ એ છે કે કવિના વક્તવ્યમાં કંઈક નવીનતા, અપર્વતા હોવી જોઈએ. એટલે ગંદી વસ્તુ પણ એવી જ નિરૂપવી જોઈએ જે ગંદી હોવા છતાં સામાન્ય રીતે સામાન્ય માણસ હજી સમજતો નથી કે સમાજજીવનમાં અહીં ગંદવાડ છે. જે ગંદવાડ બધા જ જાણે છે તે નિરૂપવાનો કશો અર્થ નથી. ઇબસેને અનેક નાટકોમાં પોતાના સમાજમાં ક્યાં ક્યાં છૂપો સડો રહેતો હતો, તેની નીચે કયું માનસ કામ કરતું હતું, સમાજમાં એ સડો કયા દંભથી ટકતો હતો, અને એ દંભ ફાવવાની પાછળ કઈ સામાજિક પરિસ્થિતિ રહેલી હતી તે બતાવેલું છે, અને તેના તરફ સામાજિક ઘૃણા તેણે પ્રેરી છે, એટલું જ નહિ, કોઈ કોઈ જગાએ તો એ દંભી પાત્રો પાસે જ પોતાનું પાપ કબૂલ કારવી, બતાવેલું છે કે માણસે પોતે પોતાની મેળે સુધરવું જોઈએ, ત્યાં વાસ્તવવાદ યોગ્ય રીતે ઊતરેલ છે. આવી વાસ્તવવાદી કૃતિઓની સામે વાંધો લેવાનું કાંઈ કારણ હોઈ શકે નહિ. પણ ઘણી વાર એવી અપૂર્વતા હોતી નથી. ઘણી વાર અતિપ્રસિદ્ધ ગંદકીવાળું, જેમાં કશું જ નવું હોતું નથી, જેમાં ગંદકીના માનસ ઉપર કશો જ નવો પ્રકાશ નાંખેલો હોતો નથી, એવું સાહિત્ય સર્જવામાં આવે છે. વિશેષ તો એ છે કે આવા સર્જનની નીચે સર્જકનો હેતુ ગંદકી તરફ જુગુપ્સા ઉપજાવવાનો હોતો નથી, પણ તેને પોતાને તેમાં રસ પડે છે એ હોય છે. ઇંગ્લંડના કેટલાક માણસો અશ્લીલ વસ્તુના રસથી છૂટાછેડાના કેસો વાંચે છે, એ પ્રસિદ્ધ છે. હું જાણું છું, થોડાં વરસો પહેલાં આપણા એક ગુજરાતી પુસ્તકપ્રકાશક અત્યંત ગંદી વસ્તુઓવાળા કેસો સત્ય પ્રકાશ કરવાના નામે પ્રસિદ્ધ કરતા. તેમ આપણો કહેવાતો વાસ્તવવાદી સાહિત્યસર્જક પણ સત્ય કે વાસ્તવિકતા રજુ કરવાને બહાને ગલીચ વસ્તુની પોતાની વાસના તૃપ્ત કરતો હોય છે. અને સાહિત્ય તેના સર્જક કરતાં પણ વધારે સાચાબોલું હોય છે! દલપતરામે ફાર્બસવિલાસમાં એક મશ્કરી કરી છે. એક માણસ ઢૂંઢિયા ધર્મના બે સાધુઓને કહે છે કે અમદાવાદમાં જોવા જેવી જગાઓ કઈ? સાધુઓએ કહ્યું કે અમે ધામ બતાવીએ તો તમે ત્યાં જાઓ ને પગતળે જીવજંતુ કચરાય તેનું પાપ અમને લાગે. પણ અમારા ધર્મનું એક કવિત અમે તમને શીખવીએ તે શીખો તો તે તમારા અર્થનું છે. એ કવિત પછી નીચે પ્રમાણે આપેલું છે:
અંજનશલાકા, સ્વામીનારાયણની હવેલી
કાંકરીયું સરોવર જોવું નહિ કોઈએ;
શાહઆલમ, કે શાહીબાગ ન સિધાવીએ તો,
મકબરો કે જુમામસીદ શીદ જોઈએ?
સૂતરના સાંચા, કન્યાશાળા કે પુસ્તકશાળા,
વાવ દાદા હરિની જોતાં વખત ખોઈએ;
આવી અમદાવાદમાં એવું નહિ જોવું કશું,
સાધુ પાસે ધરમ શુણીને પાપ ધોઈએ.
એટલું જ નહિ સાધુઓ આગળ કહે છે;
સાત ગાઉ પર સરસ છે, જોવા લાયક જેહ;
વાવ અડાળજ આગળે, જશો ન જોવા તેહ.
અહીં ન જવાનું કહીને અમદાવાદનાં સ્થળો તો કહ્યાં પણ સાત ગાઉ પરના અડાળજની વાવની પણ વાત કરી, તેમ ઘણી વાર કુત્સિવસ્તુમુગ્ધ લેખક વાસ્તવવાદને ઓઠે વાસ્તવિક જગતમાં હોય તે કરતાં પણ વધારે ખરાબ વસ્તુ વધારીને બતાવે છે, અને તે પણ કેવળ ખરાબની ખાતર ખરાબ વસ્તુ બતાવે છે—જાણે કે ‘કલા ખાતર કલા’ના સિદ્ધાન્તનું વેર વાળતો હોય નહિ! અને કેવળ જુગુપ્સિત બતાવવામાં એક અંતર્ગત દોષ રહેલો છે. જેમ કોઈ માણસને આપણો સમાજ જોવો હોય ને તેને સમાજના નમૂના તરીકે દવાખાનું કે ફોજદારી ગુનાની કોર્ટો બતાવવી એ અસત્ય છે, તેમ સાહિત્યને જો ખરા જીવનનું પ્રિતબિંબ કરવું હોય તો તેમાં માત્ર જુગુપ્સિત વસ્તુઓ બતાવવી એ અસત્ય છે. ભાવનાવાદી સાહિત્યમાં, ભાવનો ઉત્કર્ષ કે વિજય બતાવવા માટે પણ જગતનું અનિષ્ટ મૂકવાની આવશ્યકતા રહેતી હતી. પણ જુગુપ્સિત વસ્તુ બતાવવાને માટે સુંદર વસ્તુ બતાવવાની એવી કોઈ જરૂર રહેતી નથી. એટલે જુગુપ્સિત વસ્તુઓનું નિરૂપણ વધારે એકાંતિક થઈ જવાનો સંભવ છે અને એમ થાય છે. એ રીતે વાસ્તવવાદ ખોટી દિશાએ જઈ, પોતાને જ ખોટો પાડે છે. ખરું તો આ કવિતા ખાતર કવિતા, વાસ્તવવાદ પરસ્પર આક્ષેપ માટે સગવડવાળાં પદો છે. કોઈ બે માણસોને લેવડદેવડને અંગે તકરાર થાય,અને બન્ને માણસો ન્યાય શો છે તે જોવાની કે સમજાવવાની દરકાર કર્યા વિના જેમ પરસ્પર આક્ષેપો કરવા માંડે, એક બીજાને સામસામા કહે કે તમે વાણિયા તો આવા જ કે તમે કાઠિયાવાડી તો આવા જ, જેમ અંગ્રેજો કહે કે તમે પૌરસ્ત્યો તો આવા જ: એમ એક માણસ બીજાની કૃતિની ટીકા કરે કે તમારી કૃતિ અશ્લીલ છે તો તેની સામે તમે ‘કલા ખાતર કલા’ સમજતા નથી, કે તમે નવીન વાસ્તવવાદ સમજતા નથી. એમ તૈયાર પદો ઘા કરવાને સગવડવાળાં છે. બાકી ઉપરની વાણિયાઓ કે કાઠિયાવાડીઓ વિશેની ઉક્તિઓમાં સત્યકથન કરતાં ગાળ ભાંડવાની વૃત્તિ જ વિશેષ હોય છે, તેમ આ ‘કલા ખાતર કલા’ કે ‘વાસ્તવવાદ’ વિશેના ઝગડામાં પણ મૂળ પ્રશ્નને એક બાજુ રાખી લડવાની વૃત્તિ જ હોય છે. ખરો પ્રશ્ન અમુક કૃતિ કલા છે કે નહિ એ છે. જો કલા નહિ હોય, તો કોઈ પણ વાદ તેને કલા બનાવી શકવાનો નથી. એટલા માટે જ કેટલાક અંગ્રેજ વિવેચકો આવી શબ્દજાળમાં પડવાની ના કહે છે. જેમ અખો ધર્મવાદોમાં પડવાની ના કહે છે: ખટ દર્શનના જુજવા મતા, માંહોમાંહી ખાધા ખતા; એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધકો ગણે; અખા એ જ અંધારો કુવો, ઝઘડો ભાંગી કોઈ ન મુવો. તેમ જ આ મતો કે વાદો પણ ઘણી વાર આડે રસ્તે ચઢાવનારા છે. અને આ જમાનામાં જેમ રાજ્ય-પ્રકરણમાં ખોટું ખરું સમજીને સોશિયાલિઝમ અને કૉમ્યુનિઝમની, સામાન્ય વાતચીતમાં જે સાઈ કો-એનૅલિસિસ કે માનસપૃથક્કરણશાસ્ત્રના પારિભાષિક શબ્દોની વાતો કરવાની ટેવ પડી છે તેમ જ કાવ્યચર્ચામાં કલા ખાતર કલા, વાસ્તવવાદ વગેરે શબ્દો પકડીને વલાતો કરવાની ટેવ પડી છે. આવા અર્ધ સમજેલા શબ્દોની વાત કરે છે તે કરતાં કોઈ કાવ્યને કાવ્ય તરીકે સમજે, તેનું વક્તત્વ સમજે, અને એ વક્તવ્ય તે કવિએ કેવી રીતે પ્રગટ કરેલું છે તેની ખૂબી, આવો કોઈ પણ શબ્દ વાપર્યા વિના સ્ફુટ કરતા ંશીખે, તો કાવ્યચર્ચાને અને કાવ્યના અભ્યાસીને વધારે લાભ થાય એની મને ખાત્રી છે. આવો ત્રીજો કૂટ પ્રશ્ન પ્રગતિવાદી સાહિત્યનો છે. હમણાં પ્રગતિશીલ લેખકોનો સંઘ સ્થપાયો છે અને તેમાં ઘણા જુવાન લેખકો ભળ્યા છે તેથી આ તરફ સારું ધ્યાન ખેંચાયું છે. આ સંઘની સ્થાપના નીચે રહેલાં બળો તપાસવાથી એનું સ્વરૂપ સમજાશે. મહાન યુરોપીય યુદ્ધ પછી રશિયામાં બોલશેવિક પક્ષનો વિજય થયો અને અત્યાર સુધીના ઇતિહાસમાં નહિ થયેલી એવી રાજકીય અને સામાજિક ક્રાન્તિ થઈ. આ ક્રાન્તિએ હિંદના યુવાનનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે. આ ક્રાન્તિનાં મુખ્ય મન્તવ્યો હિંદમાં પણ થોડે ઘણે અંશે સ્વીકારાવા લાગ્યાં છે. એ આદર્શની ફિલસૂફી એ છે કે ઇતિહાસના બનાવોનું ખરું પ્રવર્તક કારણ સમાજની ભૌતિક પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ પ્રમાણે જેમ બનાવો બને છે તેમ જ એ પરિસ્થિતિ પ્રમાણે ધર્મ અને સમાજરૂઢિઓ રચાય છે. આ મત પ્રમાણે આપણી ઈશ્વરની શ્રદ્ધા, નીતિનું બંધારણ, રાજ્યબંધારણ, સામાજિક બંધારણ, એ પરિસ્થિતિમાં જેમને લાભ મળતો હતો તેમણે જાણ્યે અજાણ્યે એ લાભ ટકાવી રાખવા ઉત્પન્ન કરેલાં. એનો ફલિતાર્થ એ થયો કે ધર્મ અને સમાજબંધારણ બન્નેમાં તત્ત્વત: કશું સત્ય નથી. ધર્મને તેમણે દુ:ખી જનોને દુ:ખ અને અન્યાય ભુલાવવાનો માદક પદાર્થ ગણ્યો. સમાજમાં દરેક માણસને જીવનનો અને વિકાસ પામવાનો સરખો હક હોવો જોઈએ એમ ગણી, રાજા, અમીર ઉમરાવો, ધર્મોપદેશકો, મૂડીદારો, એ સર્વની સ્થિતિ તેમણે સમાજને દ્રાહ કરનારી ગણી. સ્ત્રીપુરુષોનો લગ્નસંબંધ, બન્ને પક્ષે તલ્લાકના એક સરખા સંપૂર્ણ હકવાળો હોવો જોઈએ એમ ગણ્યું. સમાજની આજ સુધીની ઊંડામાં ઊંડી બે ભાવનાઓના મૂળ પર આથી આઘાત થયો. એક ધર્મની અનેબીજી લગ્નસંબંધની અપૂર્વતા કે દિવ્યતા કે અલૌકિકતાની. આ બે ભાવનાઓ જ મુખ્યત્વે આજ સુધીના સાહિત્યની પ્રેરક હતી. ક્રાન્તિવાદીઓ આ ક્રાન્તિને જગતનાં બધાં વર્તમાન અનિષ્ટોનો એક જ અમોઘ ઉપાય માને છે અને તેથી ધર્મ અને મૂડીવાદ સામે ઝુંબેશ ઉઠાવે છે પ્રગતિવાદી લેખકો પણ ધર્મ અને મૂડીવાદના વિનાશનો અને સ્ત્રીપુરુષ સંબંધની ઐહિકતા તથા સુલભ વિચ્છેદનો આદર્શ પ્રેરતા સાહિત્યને જ પ્રગતિવાદી માને છે. સાહિત્યનો એ જ આદર્શ હોવો જોઈએ એમ માને છે, એવું જ સાહિત્ય પ્રગતિશીલ છે એમ માને છે, અને એવું સાહિત્ય ઉત્પન્ન કરવાનાં પગલાં યોજવા પ્રયત્ન કરે છે. હવે આ પ્રગતિશીલ સાહિત્યના પ્રચારમાં અનેક પ્રશ્નો ગૂંચવાયેલા છે. તેને એકે એકે ઉકેલવા પ્રયત્ન કરીએ. પ્રથમ તો એ કે જે માન્યતાઓ ઉપર પ્રગતિવાદીઓને શ્રદ્ધા છે તે માન્યતા કંઈક અંશે તત્ત્વદર્શનની છે, કંઈક અંશે સમાજશાસ્ત્રની છે. કંઈક અંશે રાજ્યપ્રકરણની છે, અને તે સર્વ ઉપરાંત આપણે માટે તો આપણી વ્યાવહારિક સ્થિતિનો પ્રશ્ન છે. આ માન્યતામાં રહેલા મુદ્દા એટલા બધા ગંભીર છે કે તેમાં બધાની સંમતિ હોઈ શકે નહિ. આ મતની તુલના કે પરીક્ષાનો આ પ્રસંગ નથી કારણકે આ માનવું કે ના માનવું એ વિવેચનનો પ્રશ્ન નથી. ઉપર કહ્યું તે તે શાસ્ત્રનો અને વ્યવહારનો છે. વિવેચનમાં તેને સ્થાન નથી. વિવેચન સાથે આને બે રીતે સંબંધ છે. એક તો એ કે સાહિત્યસર્જકોને એમ કહી શકાય ખરું કે તમારે ઉપરની શ્રદ્ધાવાળું જ સાહિત્ય સર્જવું અને બીજું ન સર્જવું? અને બીજો પ્રશ્ન એ કે આવું જ સાહિત્ય સર્જવું જોઈએ એવી પ્રતિજ્ઞાથી કરેલું સાહિત્ય પ્રચારક બનવાથી તે કલા તરીકે નિકૃષ્ટ કે અકલાત્મક બની ન જાય? બન્ને પ્રશ્નોનો જવાબ એક જ છે. સાચા વિવેચનમાં ઉપરના બન્ને પ્રશ્નોે અપ્રસ્તુત છે. આપણી પાસે રજુ થયેલી કૃતિ કલાની છે કે નહિ એ એક જ પ્રશ્ન વિવેચનનો છે. જીવનના કોઈ અપૂર્વ રહસ્યના અનુભવને અવલંબીને કલ્પના સ્વૈર વ્યાપાર કરે તો કલાની કૃતિ જન્મે. અમુક કૃતિમાં એવો સ્વૈર વ્યાપાર હોય તો તે કલા છે. એ વ્યાપારની પછવાડે ઉપરની માન્યતા છે કે કોઈ બીજી એ હકીકતનો પ્રશ્ન છે, સિદ્ધાન્તનો નહિ. ઉપર કહી તેવી માન્યતા કવિના સૂક્ષ્મ રહસ્યમય અનુભવમાં ઊતરી હોય ત ો તેવી માન્યતાવાળું કાવ્ય રચાય. અને કવિનો ગહન અનુભવ એવો હોય તો તેને એવી વસ્તુ ઉપર કાવ્ય રચવાની ભલામણ કરવાની જરૂર પણ ન રહે. માબાપના અવગુણોનું પરિણામ પ્રજાને ભોગવવું પડે છે એવું શરીરશાસ્ત્રથી પ્રતિપાદિત થયું પછી તે પ્રગટ કરવાના કોઈ પણ ખાસ આગ્રહ વિના ઈબસેને અનેક નાટકોમાં એ સત્ય પ્રગટ કરી બતાવ્યું. બીજી બાજુ નવા જમાનાનાં બળો ક્યાં ક્યાં છે તેનોે વિચાર કરી તે ઉપર લખવાની પ્રતિજ્ઞા કરવા છતાં ઈબસેનનાં નાટકો બગડ્યાં નથી. તેવી જ રીતે નવું માનસપૃથક્કરણશાસ્ત્ર પ્રગટ થયું તેણે સાહિત્યકારોમાં કશા પણ પ્રચાર વિના, સાહિત્ય ઉપર ઘણી અસર કરી છે. ઘણું સાહિત્ય એ શાસ્ત્રનાં વિધાનોની માન્યતા ઉપર લખાય છે. મને પોતાને લાગે છે કે ગાન્ધર્વવિવાહનું અનિષ્ટ લોકોને બતાવવું એવો સ્પષ્ટ વિચાર કાલિદાસને શાકુન્તલ લખતાં હશે પણ એ વિચારથી ક્યાંઈ તેની કલા બગડી હું માનતો નથી. એટલું જ નહિ, કલાની ઉત્તમ કૃતિ કોઈ ને કોઈ અપૂર્વ રહસ્યને અવલંબે છે અને એવા કાવ્યથી એ રહસ્યના સંસ્કારો વાચકના ચિત્તમાં દૃઢ થાય છે એ સામાન્ય અનુભવ છે. અર્થાત્ કાવ્યથી રહસ્યનો પ્રચાર થાય છે એમ કોઈ કહે તો ના કહી શકાય નહિ. એટલે ભલામણ કે પ્રતિજ્ઞા કાવ્ય સર્જનની પછવાડે હતી કે નહિ એ કાવ્યને અને વિવેચનને અપ્રસ્તુત છે. એ કવિમાનસના ઇતિહાસનો બનાવ છે, વિવેચનનો નહિ. એવી ભલામણ કે પ્રતિજ્ઞાથી કવિની કલ્પના ઉત્તેજાઈ હોય અને કલ્પનાનો ખરેખરો સ્વૈર વ્યાપાર થયો હોય તો કાવ્ય બને. તેમ જ એ ભલામણ કે પ્રતિજ્ઞા કલ્પનાના સ્વૈર ઉડ્ડયનમાં આડી આવે, ભાનપૂર્વક કવિ કલ્પનાને સ્વૈર ઊડવા ન દેતાં અમુક દિશાએ વાળે, તો કાવ્ય થાય જ નહિ અથવા તેમાં કૃત્રિમતા આવી જાય. કાવ્યસર્જનમાં કવિની પોતાની પણ જરા પણ ડખલ ન જોઈએ. ઉપદેશક કાવ્યો સામે આટલો બધો અણગમો થવાનું કારણ એ જ છે કે ત્યાં કવિની ભાનપૂર્વકની ડખલથી ઘણી વાર કાવ્યમાં કૃત્રિમતા આવી જાય છે. પણ એવી કૃત્રિમતા આવી છે કે નહિ એ વિવેચકે પ્રત્યક્ષ અનુભવથી નિર્ણય કરવાનો છે. આવી પ્રચારની ભલામણ કે પ્રતિજ્ઞા હતી માટે કાવ્ય ખોટું જ થાય એવું અનુમાન ન કરી શકાય. મારે શુદ્ધ કાવ્ય કરવું છે, તેને ઉત્તમ કરવું છે, એવી પ્રતિજ્ઞાથી જેમ કાવ્ય ઉત્તમ નથી થઈ જતું, તેમ જ સર્જન બહારના પ્રચારના ઉદ્દેશથી તે અવશ્ય બગડી પણ નથી જતું. કાવ્યની કસોટી કાવ્યમાં જ છે, કાવ્ય પોતે જ છે. કાવ્ય બહારની કોઈ વસ્તુ તેની કસોટી થઈ શકે નહિ. આટલું કહ્યા પછી મારે કહેવું જોઈએ કે પ્રગતિવાદના આગ્રહથીકલા બગડવાનો સંભવ છે અને ઘણી જગાએ પ્રગતિવાદના પક્ષપાતથી કોઈ કૃતિનાં ખોટાં વખાણો થાય છે એવી ફરિયાદ પણ થઈ છે.[3] પ્રગતિવાદનું રહસ્ય કવિના ઊંડા અનુભવમાં ઊતરવું જોઈએ ને પછી કલામાં પ્રગટ થવું જોઈએ, તેને બદલે ઘણી વાર લેખક પ્રગતિવાદ એટલે મૂડીદારો અનીતિવાળા જ હોય, વિષયલંપટ જ હોય, નિર્દય જ હોય, સ્ત્રી તરફ વિશ્વાસઘાતી જ હોય, એમ પકડી બેસવાથી કલા બગડે છે. ઉપર કહી તે વાત તે રીતે સાચી નથી જ, ઘણા મૂડીદારો એવા હોતા નથી, મૂડીદાર ન હોય એવા ઘણાય માણસોમાં એજ પાપવૃત્તિઓ હોય છે; પણ ઉપરનાં મૂડીદારોની સામેનાં વિધાનો સાચાં જ હોયતોપણ જ્યાં સુધી મનુષ્ય સ્વભાવમાં રહેલાં તેના ગૂઢ કારણો સુધી પ્રતિભા પહોંચી ન હોય ત્યાં સુધી તેનું રહસ્ય લેખકને જણાયું નથી જ. અને રહસ્ય જણાયું ન હોય ત્યાં સુધી તેનાથી કાવ્યની કૃતિ બને નહિ. આવાં વાક્યો કે વિધાનો પકડી લઈ તેનો છુટ્ટે હાથે ઉપયોગ કરવો એ સૂક્ષ્મ કે સંસ્કારી બુદ્ધિનું લક્ષણ નથી. આપણે ધર્મમાં ધૂનોનો ઉપયોગ કરતા, તે ગમે તેમ પણ નિર્દોષ હતો. રાજ્યપ્રકરણે, તેનું જાણે અજાણે અનુકરણ કરી નવી ધૂનો (slogans) ઉપજાવી. રાજ્યપ્રકરણમાં એ ચાલતું હોય તો ભલે ચાલે, તેમાં કદાચ માનસ તરફ ધ્યાન આપ્યા સિવાય અમુક ક્રિયા તત્કાલ કરી લેવાની જરૂર હોય તેથી એમ કરવું પડે. પણ કાવ્યસર્જન,કાવ્યભાવન, કાવ્યવિવેચનમાં એ ન ચાલે. કશું પણ રહસ્ય સુધી ગયા વિના પકડી લેવું એ માનસજડતા છે. અને કલાનો જડતા જેવો બીજો કોઈ શત્રુ નથી. શુદ્ધ કલાનો આદર્શ કેવલ શુદ્ધ ચૈતન્યવિલાસ છે. ગમે તેવું ઊંચું સત્ય પણ સમજ્યા વિના પકડી રાખ્યું હોય તો, તે માત્ર એક બંધન જ છે, એ ચૈતન્યનું અવલંબન નથી. અવલંબન એ પણ મારે ભાષાને લીધે કહેવું પડે છે, ખરું તો સત્ય સંપૂર્ણ જીવન્ત બનતાં, ચૈતન્ય સાથે તેનું તાદાત્મ્ય થતાં, ચૈતન્યના વિલાસમાંથી જ કલા પ્રસરે છે, એમ હું કહું. પણ અહીં હું આથી વધારે દૂર કે ઊંડે જવા માગતો નથી. સત્ય અને કલાનો સંબંધ શો છે એ જુદો જ પ્રશ્ન છે અને સ્વતંત્ર નિરૂપણ માગે છે. અત્યારે તો કલા સંબંધી અમુક અમુક સર્વમાન્ય સિદ્ધાન્તોને આધારે અમુક કૂટ મનાતા પ્રશ્નોની બને તેટલી સ્પષ્ટ અને બને તેટલી સર્વને સમજાય તેવી ભાષામાં ચર્ચા કરવી એટલો જ મારો ઉદ્દેશ છે. મારે મુખ્ય કહેવાનું એ છે કે આવા વાદોને લીધે વિવેચનનો મુખ્ય પ્રશ્ન કે અમુક કૃતિ કલાત્મક છે કે નથી, હોય તો કઈ રીતે છે, એ ધૂમાયિત થાય છે. કોઈ વાદથી કોઈ અકલા કલા બનતી નથી. એક પણ વાદનું નામ દીધા વિના, કે તેની પંચાત કર્યા વિના, કલાની સાચી કૃતિઓ થઈ છે, અને એક વાર કૃતિને સમસ્તરૂપે અને તેનું એકેએક સૂક્ષ્મ અંગ-પ્રત્યંગ જોઈને તે કલા છે એમ પ્રતીત થયા પછી, વાદના શબ્દોથી તેની ટીકા કરવાની સગવડ મળે, પણ તે સર્વ એ કૃતિ સમજવા માટે છે. કૃતિ એક બાજુ પડી રહે ને એકલીવાદની ચર્ચા થાય એ મિથ્યાચેષ્ટા છે.
સંદર્ભસૂચિ
- ↑ કરાંચીમાં તેરમા સાહિત્ય સંમેલનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન
- ↑ જૂનું નર્મગદ્ય, પૃ. 339-40
- ↑ 1 આનો અર્થ એવો નથી કે પ્રગતિવાદી મંડળ ન બની શકે કે કોઈએ તેમાં ન જવું જોઈએ. મેં ઉપર કહ્યું તેમ મંડળ હોય ન હોય એ તરફ વિવેચન તટસ્થ છે. કોઈ પણ અમુક મતવાળા માણસો કે લેખકો કે સર્જકો કે વિવેચકો મળે ચર્ચા કરે તે વિશે સાહિત્યની દૃષ્ટિએ કશું કહેવાનું હોઈ શકે નહિ. એથી સાહિત્ય સુધરશે કે બગડશે એ આખા મંડળની તેમાંની સર્જક વ્યક્તિ ઉપર શી અસર થાય છે તે ઉપર જ આધાર રાખે છે. કારણકે સાહિત્ય ઉપર બહારના સમાજની ગમે તેટલી અસર હોય તોપણ છેવટે સાહિત્ય સર્જાય છે તે તો વ્યક્તિ દ્વારા જ.
માગસર સં. 1994
[‘સાહિત્યવિમર્શ’, 1939]