ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતા અને રાજકીય સંચલન – નરસિંહરાવ દીવટિયા, 1859

From Ekatra Wiki
Jump to navigation Jump to search


4 NARSINHRAO.jpg
નરસિંહરાવ દીવટિયા
(૩.૯.૧૮૫૯ – ૧૪.૧.૧૯૩૭)
કવિતા અને રાજકીય સંચલન અથવા કવિતાસાહિત્યનું તાત્ત્વિક સ્વરૂપ શું?
 


“રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું?” – આ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો. પ્રશ્ન વિષમ છે અને નથી. આ પ્રશ્ન આપણા ગુર્જર સાહિત્યને અનુલક્ષીને પૂછ્યો હતો તે સાથે ગુજરાતી ભાષામાં કેટલાંક રાષ્ટ્રીય ગીતો ગુજરાતી ભાષાને લજવાવે એવાં ઢંગધડા વિનાનાં છે – એમ પણ વિચાર દર્શાવવામાં આવ્યો. અર્થાત્, આ પ્રશ્ન બહુ અંશે કવિતાસાહિત્યને વિશે જ પુછાયો જણાય છે. તો મારી ચર્ચાની એ મર્યાદા હું સાચવીને ચાલીશ. એટલે રાજકીય વિષયોની ચર્ચા માટે જે ખાસ સાહિત્ય ઉત્પન્ન થાય, એ વિષયોની સાથે સાક્ષાત્ સંબંધ રાખનારું સાહિત્ય, તેનો આ ચર્ચામાં સંગ્રહ અનિષ્ટ જ છે. એ પ્રકારનું સાહિત્ય અવશ્યમેવ રાજકીય સંચલનમાં પ્રવૃત્ત થાય જ. સાહિત્યનો અર્થ ત્યારે ગદ્ય કિંવા પદ્ય રૂપમાં કવિતાને યોગ્ય વાણીમાં ઉદ્ગાર સાથે જ જોડાયલો ગણવાનો છે. આ પ્રશ્ન પુછાયો તેના બે ચાર દિવસ પૂર્વે જ – ના, બેએક અઠવાડિયાં પૂર્વ – અર્ધેન્દ્રકુમાર ગાંગોલીના “રૂપમ” નામના માસિકના જાન્યુઆરી 1922ના અંકમાં ઘનચિન્તક અને રસિક કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરનો એક લેખ – “The Creative Ideal” (“સર્જનપરાયણ ભાવના”) એ વિષય ઉપરનો મારા જોવામાં આવ્યો; તેમાં એક કાવ્ય ઉતારીને તે ઉપર ગંભીર, સંક્ષિપ્ત, ચર્ચા હતી તે અહીં ઉતારીને મારા વિષયમાં એનો વિનિયોગ શી રીતે થાય છે તે પછીથી જોઈશું. કાવ્ય આ હતું:

The sun,
Closing his benediction,
Sinks, and the darkening air
Thrills with the sense of the triumphing night,
Night with her train of stars,
And her great gift of sleep.
So be my passing!
My task accomplished, and the long day done,
My wages taken, and in my heart
Some late lark singing,
Let me be gathered to the quiet West,
The sundown splendid and serene,
Death.
આ અનુપમ કાવ્યનું સૌન્દર્યરહસ્ય પ્રગટ કરવું અશક્ય છે, ભાષાન્તરથી અસાધ્ય છે; છતાં એમાંના સૌન્દર્યમય ભાવની છાયા પાડવાનો પ્રયત્ન કરું છું:
જળ માંહી શમે રવિરાજ પણે,
કંઈ અન્તિમ આશિષ-મન્ત્ર ભણે;
નભ શ્યામલમાં, કંઈ ગૂઢ બળે,
જયિની રજની રોમાગ્-ચ પૂરે;
રજની રમતી નભતારકશું,
વરદાન દિયે શું સુષુપ્તિ તણું!
ઉરમાં અભિલાષ જ એક ધરું,
અવસાન થજો મુજ આમ રૂડું?
મુજ કાર્ય થતાં પરિપૂર્ણ, અને
દિન દીર્ઘ તણો શ્રમ પૂર્ણ બન્યે,
મુજ વેતન લેઈ, અને ઉરમાં
મૃદુ કોકિલગાન ધરું મધુરાં;–
સંઘરી લ્યો મને એમ દિશા પશ્ચિમ શાન્ત જો!
શાન્ત ને ઊજળો અસ્ત મૃત્યુરૂપ મને થજો!
ઉરમાં અભિલાષ જ એહ ધરું –
અવસાન થજો મુજ આમ રૂડું!

આ મૂળ કાવ્ય વિશે રવીન્દ્રનાથ કેટલુંક ઊંડું તત્ત્વદર્શન કરીને કહે છે—આ કાવ્યનો વિષય એના કવિતાસ્વરૂપમાં તદ્દન ઓતપ્રોત થઈ ગયો છે, અર્થાત્ કવિતાસ્વરૂપ એ જ રસ અને સૌન્દર્યનું બીજ છે, આ પછી કહે છે:– “This is why, when some storm of a feeling sweeps across the country, art is under a disadvantage. For in such an atmosphere the boisterous passion breaks through the cordon of harmony and thrusts itself forward as the subject, which with its bulk, and pressure dethrones the unity of creution.” તાત્પર્ય:—“આ કારણથી, દેશ ઉપર કોઈ તોફાની લાગણીનું વાવાઝોડું પસાર થાય છે, ત્યારે રસિક કલાને હાનિ પહોંચે છે. કેમ કે એવા વાતાવરણમાં ઘોંઘાટિયો ભાવોદ્વેગ સંવાદની સંયમમર્યાદાને તોડી પાડે છે અને આગળ ધસીને પોતે જ પ્રધાન વિષય હોય એમ આગળ ઘૂસે છે; અને એ પોતાના જથાને લીધે અને બળને લીધે રસસૃષ્ટિના ઐક્યને પદચ્યુત કરે છે.” રાજકીય સંચલનમાં આપણા સાહિત્યને શા માટે ઘસડવું? એ પ્રશ્નનો ઉત્તર આ ચિન્તકના આ વચનમાં જડશે. અથવા તો, સાહિત્યમાં રાજકીય સંચલનને આ માટે ઘુસેડવું? – એમ પ્રશ્નનો આકાર ઘડાઈ ને એનો ઉત્તર ઉપરનાં વચનોમાંથી જડશે. સ્પષ્ટ જ છે કે આ દૃષ્ટિએ જોતાં શુદ્ધ સાહિત્યને રાજકીય સંચલનમાં વિનિયોગ કર્યાથી એ સાહિત્યની સુન્દર ઘટનાને, રસિક સ્વરૂપને, હાનિ અવશ્ય પહોંચે છે. આ સ્થિતિ માટે પ્રમાણ પ્રત્યક્ષ નજરે પડે છે. અત્યાર સુધીમાં આપણાં રાષ્ટ્રીય ગીતોનાં સ્વરૂપ શાં છે? ઉપર પ્રશ્ન પૂછનારે કહ્યું તેમ એ ગીતો ઢંગધડા વિનાનાં અને આપણી ભાષાને લજાવનારાં શું નથી? એમ નહિ કહેવાય કે એવાં નમાલાં ગીતોના રચનારા નમાલા હોવાને પરિણામે એ સ્થિતિ થઈ છે. કેમકે સમર્થ લેખકોને હાથે પણ રાજકીય વિષયની દાસી કવિતાને બનાવવાની સાથે જ ગુણમાં ઊતરતી રચનાઓ જ પ્રગટ થઈ છે. હાલમાં પ્રગટ થયેલા “રાષ્ટ્રગીતો” નામના પુસ્તકમાં નજર નાખતાં જણાશે કે કવિત્વદૃષ્ટિયે જે ઉત્તમ પ્રતિનાં કાવ્યો છે તે વસ્તુત: રાજકીય વિષય ચર્ચનારાં નથી; પરંતુ વીરરસની ઊંચી ભાવનાને ઝીલનારાં જ છે; ઉદાહરણ રા. ન્હાનાલાલ કવિનું “મારા કેસરભીના કંથ હો! સિધાવાsજી રણવાટ” – એ ગીત. વધારે વિગતમાં ઊતરી અનેક ગીતો તપાસવાનું આ સ્થાન નથી. પરંતુ આ પ્રમાણદર્શન કરતાં પણ વિશેષ ઊંડી દૃષ્ટિ નાખીએ. કવિતાસાહિત્યનું તાત્ત્વિક સ્વરૂપ શું? કાવ્યનાં લક્ષણો અનેક અપાયાં છે, તે સર્વને બાજુએ ખસેડી નાખીને પ્રિન્સિપલ આનંદશંકર ધ્રુવે એક ઉત્તમ લક્ષણ-કાવ્યશાસ્ત્રના ગ્રંથમાંથી નહીં, પણ કાવ્ય-નાટક-ગ્રંથમાંથી પોતાની રસિક દૃષ્ટિ વડે જોયું છે અને આપણને જણાવ્યું છે. ભવભૂતિના ‘ઉત્તર રામચરિત’ નાટકના મંગલાચરણમાંથી એ લક્ષણ એમણે ઉપજાવી કાઢ્યું છે: —

इदं कविभ्य: पूर्वेभ्यो नमोवाकं प्रशास्महे-
वन्देम देवतां वाचाममृतामात्मन: कलाम् ।।

આ સુંદર રસદર્શી વચનમાંથી રા. આનંદશંકરે કવિતાનું લક્ષણ ઘટાવ્યું છે તે — “આત્માની અમર કલા.” (‘વસન્ત’, ચૈત્ર સં. 1978 પૃષ્ઠ 86). આ લક્ષણમાં વાગ્દેવીને આત્માની એટલે માનવના સ્વરૂપમાંની દિવ્ય અંશ પ્રગટ કરનારી પરમાત્માની ‘કલા’ કહી છે; (વાગ્દેવી તે અહીં કવિતાની અધિષ્ઠાત્રી દેવી જ). દિવ્ય આત્મિક તત્ત્વની પૂર્ણ પ્રતિમા તો આ માનવવ્યાપારમાં પ્રગટ ના જ થઈ શકે; માત્ર ‘કલા’ – ચન્દ્રની સોળ કલામાંની એક કલાની પેઠે, અંશ માત્ર – પ્રગટ થાય છે તે માનવની કવિતાપ્રવૃત્તિ. પરંતુ એ ‘કલા’નું મૂળ દિવ્યતામાં હોવાને લીધે, આત્મતત્ત્વમાં હોવાને લીધે, એ અમૃત, અમર, કલા કહી છે. એ ‘કલા’, દિવ્ય આત્માની પરમાત્માની – અમર કલા, શી સામગ્રીનો ઉપયોગ કરે? અસ્થિર, સંકુચિત, બાહ્યઘોષી, ભાવોનો એ કદી પણ સ્પર્શ કરે? નહીં જ. એના વિલાસ તો માનવજીવનનાં ગંભીર, સનાતન, સ્વરૂપો સાથે, મનુજહૃદયનાં ઊંડાણોમાં નજર નંખાવનારાં તત્ત્વો સાથે સંભવે. આત્માની આ અમર કલા અને આજ છે અને કાલ નથી એવી સંકુચિત વૃત્તિઓને વિકસાવનારી, રાજકીય ‘ભાવના’, એ બેનો સંયોગ કરવામાં એ अमृता आत्मनः कला કેવા ગર્તમાં ઘસડાય તે રસતત્ત્વના દ્રષ્ટાઓને સમજાવવાની જરૂર જ નથી. માટે આ અમર આત્મકલાસ્વરૂપિણી વાગ્દેવીને રાજકીય સંચલનમાં ઘસડી જનારા, દ્રૌપદીને દીન અવસ્થામાં રાજસભામાં ઉપાડી જનારા દુ:શાસનનું જ સ્મરણ મને તો કરાવે છે. એવા દુ:શાસનોને તે શાસન આપનાર ભીમસેન ક્યારે પ્રગટ થશે

: 2 :

કોઈ શંકા કાઢશે કે આ રીતે તો વીરરસને કવિતાના પ્રદેશમાંથી બહિષ્કાર જ આપ્યા જેવું થયું; રાજકીય વિષયનો કવિતામાં સંગ્રહ કર્યાથી સંકુચિતપણું આવે છે એમ કહીને ઊલટા કવિતાનો અર્થ સંકુચિત કરી નાંખ્યા જેવું થયું. આ બેમાંની બીજી શંકાનો ઉત્તર પ્રથમ દઉં; કવિતાનો અર્થ ભલે સંકુચિત ભાસે; અર્થમાં નિર્દિષ્ટ વૃત્તિ-ભાવ સંકુચિત નહીં પણ ઉદાર કરવાનો હેતુ અમારો છે. રાજકીય વિષયમાં ભાવની સંકુચિતતા આવે છે: જીવનનાં માનવજાતિને સાધારણ ઊંડાં તત્ત્વો ઇત્યાદિને કવિતાની વિલાસભૂમિ કરવાથી એ સંકુચિતતા જઈને વિશાળતા, ઉદારતા આવે છે. અને, હવે પ્રથમ શંકાનો ઉત્તર આવશે; આ વિશાળતામાં વીરરસનો – ખરા વીરરસનો-સંગ્રહ અશક્ય નથી, એ સંગ્રહ કર્યાંથી કવિતાની વિશાળતા જળવાશે; કારણકે વીરરસનો વિષય જુદો છે, અને આ રાજકીય સંચલનનો વિષય જુદો છે. આ વચનનું પૂર્ણ રહસ્ય તપાસીએ. વીરરસનો સ્થાયી ભાવ શો? ઉત્સાહ. તે રસસ્વરૂપ ક્યારે બને? કવિતાને યોગ્ય ક્યારે બને! અલૌકિક ચમત્કાર એમાં પુરાય ત્યારે. એ ચમત્કાર ક્યારે પુરાય? એ ભાવને idealize કરાય ત્યારે, ભાવનાની દીપ્તિ એના ઉપર પ્રગટે ત્યારે; અને તે દીપ્તિ માત્ર બાહ્ય નહીં, પણ અન્ત:સ્વરૂપમાં ભાવનામય ચેતન પ્રવિષ્ટ થાય ત્યારે અન્તરબહાર ભાવનાનો જ્યોતિ વ્યાપે; ‘ઉત્તર રામચરિત’ નાટકમાં ભવન્મુતિએ લવ અને કુશના વીરરસનું દર્શન કરાવ્યું છે તે ઉદાહરણથી આ સમજાશે. રા. ન્હાનાલાલનું “વીરની વદાય” એ ગીત વાંચ્યાથી ગાયાથી આ વાત સમજાશે, તેમ જ મિ. ખબરદારનું ‘હળદીઘાટનું યુદ્ધ’નું કાવ્ય પણ સારું ઉદાહરણ આપશે. આ સર્વના પડછામાં નમાલાં રાષ્ટ્રગીતોની ગણના કરાવું તો વ્યક્તિગત આક્ષેપનો દોષ આવે. માટે એ પ્રત્યુદાહરણો વાચકે જ જોઈ લેવાં એમ વિનંતી કરું છું. જે કાવ્યનો હું બહિષ્કાર કરું છું તે વીરરસનાં નથી. વીરરસાભાસનાં છે. અનાચિત્યથી રસ પ્રવર્તે ત્યાં રસાભાસ થાય; શાસ્ત્રનું અને લોકવ્યવહારનું અતિક્રમણ કરીને વિષયમાં પ્રવૃત્તિ થાય – તે અનૌચિત્યનો પ્રસંગ; એ અનૌચિત્યનું પૃથક્કરણ અશક્ય છે; સમાજની સૂક્ષ્મ સંવેદનાને જ સમજાય એમ છે. વીરરસને સંબંધે અનૌચિત્ય વિશે કાવ્યશાસ્ત્રકારો કહે છે કે પિતા, ગુરુ ઇત્યાદિને આલમ્બન લઈ ને વીરરસની પ્રવૃત્તિ થાય ત્યાં અનૌચિત્ય આવે. આપણે એ ‘ઇત્યાદિ’ શબ્દમાં હાલના અનુચિત વિષયનાં રાષ્ટ્રગીતોનો સંગ્રહ કરી શકીશું. આ ઉપરાંત એક વિચારવાનું છે. દેશભક્તિ એ ભાવના ઉત્તમ છે, પરંતુ ઉત્તમતા એ અન્યસાપેક્ષ વસ્તુ છે; કવિતાના શુદ્ધ ભાવનારૂપ પદાર્થ જોડે સરખાવતાં એ દેશભક્તિની ભાવના સંકુચિત જ છે, અને તેટલે અંશે સમર્થ કવિને હાથે પણ દેશભક્તિ વિષયનાં કાવ્યો શુદ્ધ ઉદાર ભાવદર્શી કાવ્યોની સરખામણીમાં ઊતરતા ગુણવાળાં નીવડે છે. સરોજિની નાયડુએ કવિતાની પ્રવૃત્તિનો ત્યાગ કરીને રાજકીય સંચલનમાં પ્રવેશ કર્યો તેથી અનેક રસજ્ઞોને ખેદ થયો છે તેનું બીજ આ. એ પ્રતિભાશાલિનીનાં બીજાં કાવ્યો વાંચો અને ‘Mother” એમ સંબોધતી પંક્તિઓની પરંપરાવાળું માતૃભૂમિને વિશે રચેલું કાવ્ય વાંચો; ભેદ તરત જણાશે, – એ મધુર વાણી અને છટાથી બોલે છે તે શોભાનો ગુણ ઉમેરાયા છતાં. વર્ડ્સ્વર્થ વગેરેનાં કાવ્યોમાં પણ વિષયભેદે આમ ગુણભેદ પ્રત્યક્ષ છે. દેશભક્તિની ભાવના ઉત્તમ છતાં સંકુચિત છે તે વિશે આજથી દશ વર્ષ ઉપર મેં વિચાર દર્શાવેલા તે ફરી ઉતારવા અસ્થાને નહીં ગણાય: “દેશાભિમાન વગેરે સંકુચિત ભાવોનાં ગાનો લોકોનાં અંત:કરણને ખુશામદની મારફત, આકર્ષણ કરતાં થયાં છે. દેશાભિમાનનો વિષય કવિત્વ વ્યાપારમાં પ્રવિષ્ટ ના થાય એમ કહેવાનો હેતુ નથી. પરંતુ પરમ પિતાની વિસ્તીર્ણ માનવપ્રજાનાં જીવનતત્ત્વોની આગળ એ વિષય નિર્વિવાદ રીતે સંકુચિત જ ગણાશે; તેમ કવિતા એ વિષયને સમર્થ રીતે છેડી શકે તે પ્રસંગો અને પ્રકારો વિરલ જ છે; કવિતાના ચિરસ્થાયી વિ,યો –માનવહૃદયનાં અને સૃષ્ટિનાં ઊંડાણો અને સંચલનો – તે તો કવિત્વનાં સનાનત તત્ત્વો જોડે નિરંતર જોડાયેલાં હોઈ એ વિષયની કવિતા સર્વકાલીન થવાને પાત્ર ગણાશે.” – (‘કુસુમમાળા’ આવૃત્તિ 4થીની પ્રસ્તાવના.) આ સ્થિતિનું કારણ નવરસની પરસ્પર સરખામણી કર્યાથી પકડાઈ આવશે. વિસ્તારથી અન્વેષણ કરવાને માટે આ સ્થાન નથી. પરંતુ સંક્ષેપમાં સારતત્ત્વ એ છે કે – કરુણ, અદ્ભુત, શાન્ત, શૃંગાર એ ચાર રસ અન્ય રસના કરતાં ગુણક્રમે ચઢિયાતા છે, અને એ ચારમાં પણ દર્શાવેલા ક્રમે ગુણપ્રમાણ છે; અર્થાત્ કરુણ સર્વોત્તમ, કે પછી અદ્ભુત, તે પછી શાન્ત, અને તે પછી શૃંગાર; શૃંગારરસમાં જ્યારે કરુણરસની છાયા ભળે છે ત્યારે વિશેષ ચારુતા થાય છે; સંભોગશૃંગાર કરતાં વિપ્રલમ્ભશૃંગાર વિશેષ હૃદયસ્પર્શી થાય છે—એ વાતનું કારણ પણ કરુણ રસના અંશની છાયાનું મિશ્રણ. બીજી દૃષ્ટિથી પ્રશ્ન તપાસીએ: अमृता आत्मनः कला, એ કવિતાનુ સુંદર લક્ષણ આપણે જોયું. आत्मनः એટલે પરમાત્માની, બ્રહ્મની; બ્રહ્મનું સ્વરૂપ એક रसो वै सः એ વચનમાં સુઘટિત રીતે બતાવાયું છે; રસનું બીજ સૌન્દર્ય; સૌન્દર્યનું નિયામક તત્ત્વ નિયમસંયમ; અર્થાત્ રાજકીય સંચલનના ઉચ્છુંખલ ઘોષાતિઘોષ આ નિયમસંયમના વિરોધી હોવાથી સૌન્દર્ય, રસ, आत्मनः कला કવિતા એ સર્વની જોડે ઉચિત રીતે જોડાશે નહીં. કવિતાનાં પ્રયોજનમાં એકદમ પરમ આનન્દ ઉત્પન્ન કરવો, सद्य: परनिर्वृत्ति। – એ પ્રયોજન બીજાં સર્વ પ્રયોજન કરતાં ઉત્તમ છે; મમ્મટ એને सकलप्रयोचानमौलिभूत કહે છે; रसास्वाद न समुद्भूतविगलितवेद्यान्तर આનંદ કહે છે; મોક્ષકાલના બ્રહ્માનંદના સરખો આનંદ કહે છે. રસના સ્વરૂપના અન્વીક્ષણમાં પણ रह्मास्वादभिवानुभावयन् अलौकिकचमत्कारकारी रस: એમ તત્ત્વદર્શન કર્યું છે. જગન્નાથ પંડિત પણ કાવ્યલક્ષણના આવશ્યક અંશ રમણીયતા – વિશે લોકોત્તર આહ્લાદજનક જ્ઞાનગોચરતા, એમ કહે છે. રસને પણ निचास्वरूपानन्देन सहगोचरीक्रियमाण: અને ब्रह्मास्वादसविधवती કહે છે. આ અલૌકિક આનન્દ — आत्मन: अमृता कलाને છાજતો આનન્દ-રાજકીય સંચલનના ઘોષપૂર્ણ ઉદ્દામ ભાવપ્રવાહો સાથે કદી સંગત થઈ ના શકે; કલાવિધાનના અસાધારણ ચાતુર્યથી એ ભાવને ભાવનામય જ્યોતિમાં બોળી શકાય ત્યારે કાંઈક એ દિવ્ય પરમાત્માની કલાની સમીપ આવે તો આવે, ઉપર નવ રસમાં ગુણપ્રમાણની સૂચના કરી તે તે રસમાં આ આનન્દની દિવ્યતાના અંશના પ્રમાણને લક્ષીને જ. છેવટે, એક વિચારિયે: કવિતા પાર્થિવ ભાવનાની ક્ષુદ્રતામાં હોળી રમતી નથી: દિવ્યભૂમિમાં વિહાર કરે છે; તેટલું ના બને તોપણ એ ભૂમિના આંગણામાં જઈ અમૃતની ઝાંખી કરે છે; અને કાંઈ નહીં તો એ ભૂમિના બારણા આગળ જઈ કંકુના થાપા મારી આવે છે. કવિતાની આ ભાવના સ્વીકાર્યા પછી આપણે રાજકીય સંચલનના અતિ કનિષ્ઠ વાતાવરણમાં आत्मन: अमृता कलाને શી રીતે ઉતારી શકીશું? હું તો એ ભાવનાનો ભક્ત થઈ એટલું જ કહીશ કે – वन्देऽं देवतां वा चममुतामात्मनः कलाम्।

1922
[મનોમુકુર-4, 1938]
[કવિતાવિચાર, સંપા. ભૃગુરાય અંજારિયા, 1969]