ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિભાવનાવાદ – રસિક શાહ, 1922
૨૪ | |
રસિક શાહ (૨૮.૨.૧૯૨૨ – ૫.૧૦.૨૦૧૬) |
‘વિભાવના’ને ‘અનુભૂતિ’ની સામે વિરોધાવીને, ‘અનુભૂતિ’નું મહત્ત્વ વધારે આંકીને ‘વિભાવના’ને ઊતરતી કક્ષાની અને એક બિનજરૂરી સાધન તરીકે ગણાવી એને ઉતારી પાડવાનું વલણ ક્યારેક દૃષ્ટિગોચર થાય છે. ‘અનુભૂતિ’ના મહત્ત્વની સ્થાપના માટે ‘વિજ્ઞાન’નો કે ‘વિભાવના’નો તિરસ્કાર કરવાની નથી તો કશી જરૂર કે નથી કોઈ અનિવાર્ય શરત. એટલે જ ફ્લિસૂફ એક ડગલું આગળ વધી ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’નો સમ્બન્ધ બતાવવાનું માથે લે છે[1] ત્યારે એ તાત્ત્વિક કાર્યની ગમ્ભીર નોંધ લેવાની સાહિત્યના અભ્યાસીની કદીક ફરજ બની જાય છે. રોજ-બ-રોજની બોલાતી ભાષામાં રહેલું અનુભવમૂલક વિભાવનાઓનું ધૂંધળાપણું, એક પક્ષે ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’ વચ્ચે પાયાનો વિરોધ નથી એ પરિસ્થિતિનું દ્યોતક છે તો બીજે પક્ષે ‘ગણિત’, ‘તર્ક’ અને ‘વિજ્ઞાન’ની બને તેટલી ચોકસાઈભરી વિભાવનાઓની જરૂરિયાતને પણ સૂચવે છે. કૃતિ વિશેની કેટલીક વાત અને સન્નિષ્ઠ વિવેચન ચિંતનના પ્રકાર છે એટલે જ એને ‘વિભાવના’ સાથે સમ્બન્ધ છે અને આ જ કારણે તાર્કિક અભ્યાસ શક્ય છે એવા વિચારનું પ્રતિપાદન થયું છે. સ્ટીફન કોર્નર ‘વિભાવનાત્મક ચિંતન’ની પડછે ‘અવિભાવનાત્મક ચિંતન’ની શક્યતાને નકારતા નથી. કાવ્યના આકલન દ્વારા માનવીય વાસ્તવિકતાનું અથવા કાવ્યમાં રૂપાન્તરિત થયેલી વાસ્તવિકતાના નવા સ્વરૂપનું જ્ઞાન થાય છે અથવા એ વાત પ્રીતીતિપૂર્વક સમજવા-સમજાવવા માટે વિભાવનાઓની ઉપયોગિતાની મર્યાદા સ્વીકારાઈ છે. પરંતુ એટલા જ કારણસર એ ઉદ્દેશ માટે અવિભાવનાત્મક ચિંતનની ઉપયોગિતાની પ્રતિષ્ઠા આપોઆપ સિદ્ધ પણ નથી થતી. ફિલસૂફીની શિસ્તમાં વિશ્લેષણની મદદ લીધા વિના વિશ્વનું સમગ્રતયા દર્શન કરાવી આપે એવી synoptic philosophyના દાવાઓને પણ સ્થાન અપાયું છે. બાહ્ય દૃષ્ટિએ, synoptic philosophy કવિતાની બહુ નજીક આવે છે. પરંતુ બે વચ્ચે પાયાનો ભેદ રહેલો છે. કવિતા ચિંતનની કે જ્ઞાન વિશેની કોઈ શિસ્ત ન હોઈને, એને પોતાના સિવાય કોઈ વિધાનનું પ્રતિપાદન કરવાનું હોતું નથી. પરંતુ અવિભાવનાત્મક ચિંતનને સમજાવતી synoptic philosophyની એક પૂર્વધારણા રહેલી છે: ‘કવિતા જે અંતદૃષ્ટિ આપવાની શક્તિ ધરાવે છે તે પ્રાપ્ત કરવા માટે વિભાવનાત્મક ચિંતન એ પ્રાથમિક આવશ્યકતા છે.’ લેખકે આ ફિલસૂફીના દાવા અને સ્વરૂપની વિચારણા, વિભાવનાત્મક ચિંતનના વ્યાપને અતિક્રમી જતી હોઈ, આ પુસ્તકમાં જાણીજોઈને ટાળી છે. આ પ્રકારના તાર્કિક અભ્યાસનાં તારતમ્યોને જુદાં તારવી લઈ, સારરૂપે આપવાનું કાર્ય અઘરું અને વિચિત્ર હોવાથી એ પુસ્તકના પ્રાસ્તાવિક વિભાગના ચાર પ્રકરણમાંથી પહેલા પ્રકરણનો અનુવાદ આપવાનું વધારે ઠીક થઈ પડે. તાર્કિક તપાસનું સ્વરૂપ અને વ્યાપ’ શીર્ષકવાળું એ પ્રકરણ આવા અભ્યાસની અગત્ય સ્વીકારનારને વિષય પ્રવેશ કરવામાં સહાયભૂત થશે. આ પુસ્તક નિર્દેશાત્મક વિભાવનાઓ વચ્ચે રહેલા તાર્કિક સમ્બન્ધોને તપાસી, પૂર્ણતયા તાર્કિક સમ્બન્ધો સાથે એને સરખાવી, નિર્દેશાત્મક વિભાવનાઓ વચ્ચે રહેલા આદિમ તાર્કિક સમ્બન્ધીને તપાસે છે, આદિમ તાર્કિક સમ્બન્ધોની ઉચ્ચતર શ્રેણીઓનો અભ્યાસ કરે છે, આદિમ નહિ એવા ઉચ્ચતર શ્રેણીના તાર્કિક સમ્બન્ધો અને કહેવાતા ‘વિચારના નિયમો’ (Laws of Thought)નો સમ્બન્ધ તપાસે છે, નિર્દેશાત્મક વિભાવનાના પાયાની પ્રત્યક્ષતા અને પરોક્ષતાનો વિચાર કરી, ક્રમે ક્રમે નિર્દેશાત્મક વિભાવનાઓના અર્થઘટનાત્મક સ્તરોની ઉચ્ચાવચતાના અભ્યાસને આવરી લે છે. આટલે આવ્યા પછી, સાહિત્ય અને કળા વિશે, એમાંથી મળતા જ્ઞાન વિશે વાત કરવા માટે, ‘સૌન્દર્યપરક અર્થ’ (aesthetic meaning) વિશે વિચારણા કરવા માટે અને પ્રતીકોના non-discursive ઉપયોગ વિશે વાત કરવા માટે તાર્કિક આબોહવાયુક્ત નવી મોકળાશ અનુભવાય છે. ફિનૉમિનૉલોજીનો દેખીતી પુરસ્કાર અને વધુ તો એના વિશેના અભ્યાસી કુતૂહલના આ કાળમાં, ફિનોમિનોલોજિકલ વિવેચનના દાવાઓને આ તાર્કિક અભ્યાસ વડે કેવી રીતે તપાસી શકાય એની કેટલીક ચર્ચા પણ પુસ્તકના ત્રીજા વિભાગમાં – ત્રીસમાં પ્રકરણમાં કરવામાં આવી છે, આ હકીકત કદાચ સન્નિષ્ઠ ફિનોમિનોલોજિસ્ટને આ પુસ્તક તરફ અને આવા અભ્યાસ તરફ વાળશે એવી આશા આ અનુવાદ પાછળનું બળ છે. ‘વિભાવનાત્મક ચિંતન’નો અર્થ અંતે તો થોડાંક દૃષ્ટાન્તો આપીને બતાવી શકાય. દૃષ્ટાન્તો સહેલાઈથી અપાય છે અને તરત સમજાઈ જાય છે. મેથેમેટિક્સમાં સાબિતી આપનાર અને એ સાબિતીની વિગતો સમજી શકનાર બન્ને સરખા ‘વિભાવનાત્મક વિચાર’ કરે છે. વર્ગીકરણ કરવાનું માથે લેનાર આમ જ કરતો હોય છે. કોઈક પરિસ્થિતિને વિશે કાયદાની કલમ લાગુ પાડનાર ન્યાયાધીશ પણ આ જ કરે છે. રંગવાચક શબ્દનો સાચો ઉપયોગ કરી શકતું બાળક પોતાને ‘વિભાવનાત્મક વિચારક’ તરીકે જાહેર કરતું હોય છે. જે વિચારો કે તક્કાઓના અર્થ આવી રીતે બતાવવામાં આવે છે તે બધામાં આ કે તે ચોક્કસ વર્ગમાં ન મૂકી શકાય એવાં દૃષ્ટાન્તો પણ મળી આવે છે. ’વિભાવનાત્મક ચિંતન’ વિશે પણ સીમારેખા પર આવતાં ઘણું દૃષ્ટાન્તો છે. સાચેસાચ તો વિભાવનાત્મક ચિંતનની વાત કરવામાં બીજા પ્રકારના ચિંતનની શક્યતાનું સૂચન રહેલું જ છે અને કદાચ કોઈ કોઈ લોકો અથવા કદીક કદીક આપણે સૌ અવિભાવનાત્મક રીતે પણ વિચારતા હોઈએ છીએ. વિભાવનાત્મક ચિંતનમાં માત્રાના વિચારને અપનાવવાની શક્યતા નકારી શકાય એવી નથી. બીજા પ્રકારના ચિંતન છે એટલું જ નહિ, પણ જેને આપણે ‘વિભાવનાત્મક ચિંતન’નાં દૃષ્ટાન્તો કહી ઓળખાવતાં હોઈએ છીએ એમાં પણ ‘અવિભાવનાત્મક ચિંતન’ તરફ વળતાં દૃષ્ટાન્તોની શ્રેણી મળી આવે. સમગ્ર ચિંતન વિભાવનાત્મક હોય કે નહિ, ‘વિચારવા’ની ક્રિયા અને ‘વિચારેતર’ ક્રિયા વચ્ચે ભેદરેખા દોરવા ઇચ્છનારે એ બન્નેની સીમારેખા પર મૂકી શકાય એવાં દૃષ્ટાન્તોનો સ્વીકાર કરવો પડશે. જે લોકોએ આ વિષય પર વિચાર કર્યો છે એ લોકો ચોક્કસ સ્વીકારશે કે વિભાવનાત્મક ચિંતનનાં દૃષ્ટાન્તો ‘બૌદ્ધિક ક્રિયા’માં અને આગળ જતાં વત્તી કે ઓછી માત્રામાં સ્વયંસંચાલિત (automatic) વર્તનમાં સરી પડે છે. આ વિચારણાઓ, આપણી તપાસના ક્ષેત્રની સીમા આંકી આપવામાં રહેલી કેટલીક અસ્પષ્ટતાનું સૂચન કરે છે. ક્રિયાઓ અને વૃત્તિઓ (dispositions), વિભાવનાત્મક ચિંતનના પ્રસંગો અને વિભાવનાત્મક રીતે વિચારવાની વૃત્તિ વચ્ચે રહેલા ભેદનો વિચાર કરીએ છીએ ત્યારે આ છાપ વધારે ઘેરી બને છે. ઓછામાં ઓછું એટલું તો કહેવું જ પડે કે એ બે વચ્ચે રેખા દોરવાનું સહેલું નથી. અત્યાર પૂરતું આ મુશ્કેલીનો સ્વીકાર કરીને જ આગળ ચાલતું રહ્યું. આ મુશ્કેલી આપણી તપાસ માટે આપણને નાહિંમત બનાવે એટલી મોટી નથી. જો સીમારેખા પર આવતાં દૃષ્ટાન્તોની મુશ્કેલી ન હોત તો આપણે ક્યારનાય ‘વિભાવનાત્મક ચિંતન’નું એક આદર્શ માળખું (model) બનાવીને આપી દીધું હોત. સીમારેખા પરનાં દૃષ્ટાન્તો આવું કશું નથી થયું એની સાબિતી બની રહે છે. એવા આદર્શ માળખાને ચોખ્ખાચણક બનવા માટે પૂર્વધારણાઓનો આશ્રય લેવો પડે. ઉપરાંત, જે વિચારોના અર્થ દૃષ્ટાન્તોથી સમજાવવામાં આવે છે એમાંથી કેટલાંક તો સંપૂર્ણ રીતે સ્પષ્ટ હોય છે. જેમ ’લીલો’નો અર્થ સંતોષકારક રીતે લીલી વસ્તુઓમાં બતાવી શકાય એમ, આપણે આગળ બતાવ્યું તેમ, સીમારેખા પર ન આવતાં ‘વિભાવનાત્મક ચિંતન’નાં કેટલાંક કેન્દ્રવર્તી દૃષ્ટાન્તો આ વાતના સમર્થનમાં બતાવી શકાય. હવે આ તપાસના વિષયવસ્તુ પર આવીએ. વિભાવનાત્મક વિચારના નિયમો વિષે, એ નિયમો વચ્ચેના સંબંધો વિષે, અને જે સંદર્ભોમાં એ નિયમો સ્વીકારી શકાય અથવા સંતોષી શકાય એ વિશે આપણે વિચાર કરવો છે. આવી તપાસ ઘટનાપરક (empirical) નથી. પણ કેટલીક ઘટનાપરક હકીકતોને નજરમાં રાખીને એ તપાસ કરવી પડે. વિભાવનાત્મક ચિંતનની વ્યાખ્યાઓ દૃષ્ટાન્તોના સંદર્ભે ખાલી’ નથી એ ખ્યાલથી એ વ્યાખ્યાઓ આપણા માટે રસનો વિષય બની રહે છે. જે શક્યતાઓ આપણું ધ્યાન માગી લે છે એ શક્યતાઓ હકીકત બની રહે છે એવું પણ ઘણી વાર સમ્ભવે. અહીં એક સ્પષ્ટતા કરવી જોઈએ. વિભાવનાત્મક ચિંતન વિશેની તર્ક આધારિત તપાસનો ઉદ્દેશ પ્રકૃતિના નિયમો શોધી કાઢવાનો નથી. એ તપાસ મનોવૈજ્ઞાનિક પણ નથી. આવેગના દબાણ નીચે, અસ્વસ્થતાની પરિસ્થિતિમાં, વૃદ્ધાવસ્થામાં અથવા એવી કોઈ બદલાતી પરિસ્થિતિમાં વિભાવનાત્મક ચિંતકોના ચિંતનમાં કેવા ફેરફારો થાય છે તે વિશેનાં દૃષ્ટાન્તો એકઠાં કરવાનો આ તપાસનો ઉદ્દેશ નથી. વિભાવનાત્મક ચિંતન વિશેના પ્રાકૃતિક નિયમો શોધી કાઢવાનું માથે લેનાર પ્રયોગશીલ મનોવિજ્ઞાની જો એમ ધારી લે કે એના પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તિઓ વિભાવનાત્મક ચિંતનના જે નિયમો સ્વીકારતો હોય અને એ નિયમોને અનુરૂપ પોતાના પ્રયોગોનું સ્વરૂપ ઘડી એનાં પરિણામોનું અર્થઘટન કરતો હોય તો એને પ્રગટપણે એ નિયમો સ્પષ્ટ કરી એની ચર્ચા કરવાની કશી જરૂર નથી. સાચો પ્રયોગશીલ મનોવિજ્ઞાની એમ કરતો પણ નથી. વિભાવનાત્મક ચિંતન વિશેના પ્રાકૃતિક નિયમો શોધી કાઢવાની દિશામાં પ્રવૃત્ત થયેલી ઘટનાઆધારિત તપાસને આપણી આ તાર્કિક તપાસ સાથે નહીંવત્ સમ્બન્ધ છે. પણ ઘટનાઆધારિત એવી એક બીજી તપાસ – વિભાવનાત્મક ચિંતનના ક્ષેત્રમાં આવી જતી તપાસ – એને માટે ખૂબ પ્રસ્તુત છે. વિભાવનાત્મક ચિંતનના કયા નિયમો બધા લોકો વડે અથવા અમુક વ્યક્તિઓ વડે સાચેસાચ સ્વીકારવા છે એ આ બીજી તપાસનો ઉદ્દેશ છે. આ બીજી તપાસને આપણે મનોવૈજ્ઞાનિક કહીએ, માનવવંશશાસ્ત્રીય કહીએ કે વિજ્ઞાનની બીજી કોઈ શાખાનું નામ આપીને ઓળખાવીએ, પણ તેથી કશો ફેર પડતો નથી. આ તપાસ તાર્કિક વિધાનો (propositions) ઉપજાવી નથી આપતી, પરંતુ છદ્મ સ્વરૂપે રહેલી સર્વસ્વીકાર્ય એવી બૌદ્ધિક પ્રતિબદ્ધતાને પ્રગટ કરી આપે છે આ કારણસર, દાર્શનિક પ્રણાલી પ્રમાણે એને વિવેચનાત્મક ફિલસૂફી’(critical philosophy)નો જ ભાગ ગણવાનું ઔચિત્યપૂર્ણ ગણાશે ઉપર કહેલી ઘટનાપરક તપાસનો સંબંધ આપણા ઉદ્દેશ સાથે શો છે તેની ચર્ચા કરતાં પહેલાં, ‘એક વ્યક્તિ અમુક એક નિયમને સ્વીકારે છે’ એ ઘટનાપરક વિધાન (એ વિભાવનાત્મક ચિંતન વિશે હોય કે અન્ય પ્રકારના ચિંતન વિશે હોય) અને એ વ્યક્તિ અમુક પ્રાકૃતિક નિયમ પ્રમાણે વર્તે છે’ આ બે વિધાનો વચ્ચે ભેદ પાડવાની અને સમજવાની જરૂર છે. આ ભેદ દૃષ્ટાન્તથી સ્પષ્ટ કરી શકાય. એક બાજુ આ ઘટનાપરક વિધાન જુઓ: ‘જો પોલીસનો માણસ ગાડીના ડ્રાઇવરને થોભવાનો સંકેત કરે તો વૈજ્ઞાનિક અનિવાર્યતા અથવા કાર્યકારણની જરૂરિયાતના સમ્બન્ધે ડ્રાઇવર હંમેશાં અટકે છે.’ બીજી બાજુ આ વિધાન જુઓ: ‘બધા ગાડી હાંકનારા પોલીસના માણસનો થોભવાનો સંકેત જોઈને, એમણે અટકવું જોઈએ તે નિયમનો સ્વીકાર કરે છે.’ એક ત્રીજું વિધાન જુઓ: ‘અમુક પ્રસંગે પોલીસના માણસે થોભવાનો સંકેત કર્યો અને ગાડી હાંકનાર અટક્યો નહિ.’ પહેલાં બે વિધાન વચ્ચેનો તફાવત, એ બન્ને આ ત્રીજા ઘટનાપરક વિધાન સાથે જે સંબંધ ધરાવે છે તેના પરથી જોઈ શકાય છે. વૈજ્ઞાનિક અનિવાર્યતા સાથે આ ત્રીજું વિધાન સુસંગત નથી અથવા અપ્રસ્તુત છે. પરંતુ ગાડી હાંકનાર નિયમનો સ્વીકાર કરે છે એ વિધાન સાથે આ ત્રીજું વિધાન અસંગત અથવા અપ્રસ્તુત નથી. એક વ્યક્તિ જે નિયમનો સ્વીકાર કરે છે એ જ વ્યક્તિ નિયમનો ભંગ કરતી જોવામાં આવે છે એ વિરોધાભાસી વાત નથી. ‘એક નિયમ સ્વીકારાયો છે’ એ વિધાન અને નિયમ દર્શાવતા ઘટનાપરક વિધાન વચ્ચે પણ ભેદ પાડવાનું જરૂરી બને છે. કોઈક વ્યક્તિ અથવા બધા લોકો અમુક નિયમને સ્વીકારે છે એમ શોધી કાઢવું એ ઘટનાપરક હકીકત શોધવા બરાબર છે. પણ કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, નિયમ પોતે ઘટનાપjક વિધાન નથી. ફલિતાર્થ (entailment) તાર્કિક વિધાન છે. નિયમો દર્શાવતાં ઘટનાપરક વિધાનો અને તાર્કિક વિધાનો બન્નેથી જુદાં પડે છે. નિયમ સ્વીકારાયા પછી પાળી શકાય છે અથવા એનું ઉલ્લંઘન થઈ શકે છે. એ ખરું કે નિયમ સાથે જ એમ થઈ શકે. ઘટનાપરક વિધાન અથવા તાર્કિક વિધાન સાથે એમ ન થઈ શકે. ઘટનાપરક અને તાર્કિક બન્ને પ્રકારનાં વિધાનો વિશે વાત કરતી વખતે ‘સ્વીકારવું’, ‘સંતોષવું’, ‘ઉલ્લંઘવું’ વગેરે શબ્દો ન આવે એવું કહેવાનો અર્થ નથી. શબ્દો ભલે એના એ રહ્યા, એમના ઉપયોગ વિશેના નિયમો બન્ને પ્રસંગે જુદા જુદા છે એટલું હરકોઈ સ્વીકારશે. જે પદ્ધતિ વડે, અમુક વ્યક્તિએ કયો નિયમ સ્વીકાર્યો છે એ શોધી કઢાય છે એ જુદા જુદા સંયોગોમાં જુદી જુદી હોઈ શકે. કયા નિયમો સ્વીકારાયા છે એ અચૂક શોધી કાઢી શકાય એવી કોઈ એક પદ્ધતિ અસ્તિત્વ ધરાવતી નથી. વ્યક્તિ નિયમને સંતોષવાની ઇચ્છા ધરાવતી હોય અથવા ઇચ્છાપૂર્વક નિયમ પાળતી હોય તો તે એ નિયમ સ્વીકારે છે એમ કહેવાય. વ્યક્તિને આવી ઇચ્છા છે એના વત્તેઓછે અંશે આધારભૂત એવાં કેટલાંક નિદર્શનો છે. નિયમ સ્વીકારનાર પોતાની (નિયમ પાળવાની) ઇચ્છાને વ્યક્ત કરી શકે (અને એમ કરીને જે નિયમ પોતે ઇચ્છાપૂર્વક પાળે છે અથવા પાળવાની ઇચ્છા ધરાવે છે એ પણ ઘડી આપે) તો તે એ વ્યક્તિની ઇચ્છાની સાબિતી ગણાય. આના કરતાં ઓછી અસરકારક એક બીજી સાબિતી પણ છે, દા.ત. નિયમનો ભંગ કરતી વખતે નિયમ સ્વીકારનાર કંઈક ધૂંધળી રીતે પણ જો એવું જોઈ શકે કે એણે અમુક નિયમનો ભંગ કર્યો છે તો તે આ પ્રકારની સાબિતી થઈ. સ્વીકૃત નિયમોમાંથી તાર્કિક રીતે ફલિત થતા નિયમો પણ સ્વીકૃત જ કહેવાય, પછી ભલે એ નિયમનો સ્વીકાર કરનાર એ વિશે અજાણ હોય. બીજાં ક્ષેત્રોમાં જેવું કામ નિગમન (deduction) કરે છે તેવું જ કામ કયા નિયમો પાળવામાં આવે છે એ શોધી કાઢવાના વ્યાપારમાં પણ એ કરે છે. નિગમન આપણને મૂળ ઉપપત્તિ અથવા પ્રતિજ્ઞા (premise) નથી આપતું પણ પ્રચ્છન્ન રહેલાં પરિણામોને ખુલ્લાં પાડી આપે છે. સ્વીકૃત નિયમો જો પ્રતિજ્ઞા તરીકે લીધા હોય તો નિગમન બીજા સ્વીકૃત નિયમો આપી શકે. સ્વીકૃત થયેલા નિયમોના શોધકે – એ માનવવંશશાસ્ત્રી હોય કે મીમાંસક તત્ત્વજ્ઞાની હોય – નિર્નિગમનાત્મક (non-deductive) પદ્ધતિની મદદથી કેટલાંક ઘટનાપ2ક વિધાનો એણે સ્થાપિત કરી આપવાં જોઈએ. એ પદ્ધતિ અને આમ કરવાની ફરજ, લોકો શું કહે છે અથવા કરે છે, પોતે શું કરે છે અને કહે છે, લોકો અને પોતે પણ જુદા જુદા સંજોગોમાં શું કહેશે અને શું કરશે એની કલ્પના કરવાના વ્યાપારમાં એને છેવટે સંડોવે છે. નિયમની સ્વીકૃતિ વિશેની ધારણા જેને માટે કરવામાં આવી હોય તેણે એનાથી વિપરીત અથવા વિરોધી (contrary) નિયમ સ્વીકાર્યો છે એમ ધારીને અનુમાન પદ્ધતિનો વિનિયોગ એ ધારણા પરત્વે કરવો એ, કયો નિયમ સ્વીકારાયો છે એ શોધી કાઢવાની એક અસરકારક રીત છે. વિભાવનાત્મક ચિંતન વિશેની તાર્કિક તપાસને ઘટનાપરક હકીકતો સાથે સીધું લાગતુંવળગતું નથી એવી ટીકા મેં પહેલેથી જ કરી છે. છતાંય એટલું કહી દઉં કે વિભાવનાત્મક ચિંતન વિશે કેટલીક હકીકતો એવી છે જે એને માટે પ્રસ્તુત હોય અને એ વિચારણાને વધુ રસિક બનાવે. વિભાવનાત્મક ચિંતન વિશે કેટલાક નિયમોનો સ્વીકાર એ આવી હકીકતો છે. હમણાં આપણે વર્ણવી તેવી ઘટનાપરક તપાસથી એમને પ્રકાશમાં લાવી શકાય. વિભાવનાત્મક ચિંતન વિશે જેનો સ્વીકાર કરી શકાય એવા નિયમો, સાચું પૂછો તો, અસંખ્ય છે એ હકીકત જ એવી ઘટનાપરક તપાસ આપણા ઉદ્દેશ માટે કેટલી પ્રસ્તુત છે એ બતાવી આપે છે. એ નિયમોની સૂચિને અર્થહીનતા અથવા તુચ્છતામાંથી ઉગારી લેવી હોય તો મહત્ત્વના લાગતા નિયમોની પસંદગી માટે આપણી પાસે એકાદ અથવા એક કરતાં વધારે સિદ્ધાન્તો હોવા જોઈએ. હું આ પ્રમાણે સિદ્ધાન્તો સૂચવું છું: આપણે (શક્ય હોય ત્યાં સુધી) જે નિયમો માનવીએ સર્વત્ર અથવા લગભગ સર્વત્ર સ્વીકાર્યા હોય તે નિયમોની પહેલાં ચર્ચા કરીએ. બીજું, વિભાવનાત્મક ચિંતનના જે નિયમો તાત્ત્વિક સમસ્યાઓની સાથે એવી રીતે જોડાયેલા હોય જેમને વિશેની ચર્ચા આપણા પ્રશ્નો પર પ્રકાશ પાડી શકે તેમને વિશે કંઈક કહીએ. સર્વત્ર સ્વીકાર પામેલા નિયમોની કોઈ તૈયાર સૂચિ નથી હોતી. આપણે જેને માનવવંશશાસ્ત્રીય અથવા વિવેચનાત્મક કહીએ છીએ એવી ઘટનાપરક તપાસ વડે એ નિયમો શોધી શકાય. હું માનું છું કે બધા જ અથવા લગભગ બધા જ માનવો (એમના વિકાસના અમુક તબક્કાઓ) હું જેને ‘નિર્દેશાત્મક નિયમો’ કહું છું તે સ્વીકારતા હોય છે એ હકીકત આપણને જડી આવશે. કોઈક આંગળી ચીંધીને અથવા યોગ્ય હાવભાવ વડે કહે છે કે ફલાણી, ઢીંકણી, અમુક, તમુક અને એના જેવી સર્વ બીજી વસ્તુઓને ‘લીલી’ કહેવી જોઈએ તો એ સંજ્ઞા ત્યાર પછી ‘નિર્દેશાત્મક વિધેય’ (ostensive predicate) કહેવાય અને વિશેષો(particulars)ને એ ચીંધી બતાવે છે એ એના ધારક અથવા પાયા (bases) કહેવાય. નિર્દેશાત્મક નિયમોનો આવી રીતે વિચાર કરવો એટલે નિર્દેશાત્મક વિધેયોનો એમના ધારક સાથે સંબંધ તપાસવો તદુપરાંત, વિભાવનાત્મક ચિંતન કરનારા વિચારકો એક કરતાં વધારે નિર્દેશાત્મક નિયમો સ્વીકારતા હોય છે એ હકીકત જુદા જુદા નિર્દેશાત્મક વિધેયો વચ્ચેના શક્ય સંબંધોનો પ્રશ્ન પણ ઊભો કરે છે. આપણે આગળ ઉપર અમુક હદ સુધી નિર્દેશાત્મક નિયમોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે અથવા એમનો સ્વીકાર શા માટે કરવામાં આવે છે તેનો પણ વિચાર કરવો પડશે. આ વિચારણા આપણને ઘણી વાર આપણે પહેલાં વિચારવા ધારેલ ક્ષેત્ર – સાર્વત્રિક સ્વીકૃત નિયમોના ક્ષેત્ર – ની બહાર પણ લઈ જાય. પરંતુ એ વિચારણા તાત્ત્વિક સમસ્યાઓની દૃષ્ટિએ જે નિયમો મહત્ત્વના છે એની વિચારણાના ક્ષેત્રમાં આપણને લાવી મૂકે છે. એનું એક અગત્યનું કારણ છે: હેતુઓની વિચારણામાં ઉપયોગી થાય એ માટે નિર્દેશાત્મક નિયમોનો વિનિયોગ અને સ્વીકાર થાય છે. એ વિચારણા ફિલસૂફીના કેટલાક પ્રશ્નો – ખાસ કરીને નોતિશાસ્ત્ર અને રસમીમાંસાના પ્રશ્નો – પર પણ પ્રકાશ નાખતી જોવામાં આવે છે. નિર્દેશાત્મક સિવાય, વિભાવનાત્મક ચિંતનના બીજા કેટલાક નિયમો પણ આપણે વિચારવા પડશે. એટલે બીજા પ્રકારનાં વિધેયો, એમના ધારક સાથેના એના સંબંધો (જેટલે અંશે વિધેયોને ધારકો હોય એટલે અંશે), એવા પ્રકારનાં બીજાં વિધેયો સાથે એમના સંબંધો અને એ સંબંધો સંતોષાતા હોય એવા કેટલાક સંદર્ભો પણ આપણે વિચારવા પડશે. આ કરતી વખતે આપણે જે બે ક્ષેત્રોની વાત કરી એમાંથી ઓમાં ઓછા એક અને કદીક બન્ને ક્ષેત્રોમાં વિહરતા હોઈશું. અહીં નિર્ધારેલી તપાસની ઇતિ હોય એવું દૃઢ રીતે ન કહી શકાય એ સ્પષ્ટ કરવું અંતમાં બહુ જરૂરી છે. કેટલાક આ વિષય સાથે પ્રસ્તુત એવા વિષયોની ઉપેક્ષા થઈ હોય એમ પણ બને. સંભવિતતા સિદ્ધાંત (probability theory) આવો એક વિષય છે. બીજાઓએ એ વિષે ન કહ્યું હોય એવું કશું મારે એ અંગે કહેવાનું છે નહિ.
સંદર્ભસૂચિ
- ↑ * Conceptual Thinking: A Logical Enquiry - Steven Korner, 1958
[‘અંતે આરંભ’ (ભાગ: 1), 2009]