ગુજરાતી સૉનેટકાવ્યો/અભિસાર...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨૭. અભિસાર...

આશ્લેષ ત્રિવેદી

પ્રિયે આવો મારાં કવિતસદને મંગલ પદે.
પ્રતીક્ષાના ગાઢા વિમલતમ રંગો કર ધરી
અહીં આશાઓએ મધુજીવનનાં સ્વપ્ન ચીતરી
પૂરી છે રંગોળી મુજ સદનદ્વારે જ વરદે!

અહીં ભક્તિ કેરું અવિરત ઝૂલે તોરણ રૂડું
સજી છે દીવાલો પ્રણય કિરણે ને નયનમાં
જલે શ્રદ્ધા-દીપો, મુજ હૃદયનું આસન કૂંણું
બિછાવી બેઠો છું તદપિ ઢીલ કાં આગમનમાં?

તમે ના આવો કાં? ઊણપ કંઈ આરાધન વિશે?
તમારી મૂર્તિનું નિશદિન તણું પૂજન અને
થતું શ્વાસે શ્વાસે તમ રટણનું નિષ્ફળ જશે?
તમોને ઝંખું હું પ્રતિપળ પ્રિયે એ જ ભૂલ ને?

નહીં આવો તો યે સતત અભિસારે રહીશ હું
તમારાં સ્વપ્નોને યુગયુગ સુધી યે ચહીશ હું.