ગુજરાતી સૉનેટકાવ્યો/ઘરે આવું છું હું –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. ઘરે આવું છું હું –

ઉમાશંકર જોશી

ઘરે આવું છું હું, નવ કદી રહ્યો દૂર ઘરથી..
ધસે હૈયું તે તો બળદ ઘરઢાળા જ્યમ ધસે.
ઘરે બેઠાં ચાહી નહિ જ જનનીભૂમિ ગરવી,
વસી દૂરે જેવી. કદીક નભવાણીથી ઘરનું
સ્ત્રવ્યું જો સંગીત, શ્રવણ ચમક્યા, તૃપ્તિ હૃદયે
લહી ગાઢી; ઘેરી રજનિ મહીં ક્યારેક સપનાં
તણા તાણાવાણા મહીં જતી વણાઈ જ રટણા
વિલાતી માતાની ખટકભર...! રે દર્દ-કથની!

ઘરે લાવું છું શું? હૃદય, નવ એ પ્રશ્ન કર તું.
ન ઉદ્યોગે બુદ્ધિ, વણજ સમજું ના જરીય તે.
નથી ખાલી હૈયે પણ હું ફરતો છેક જ, નવી
કંઈ આશાઓ ને સ્મિતરુદનના મર્મ નવલા
ઘરે લાવું છું હું–ખરું જ કહું? આવું કવિજન
હતો તેનો તે હા! પણ કંઈક શાણો વિરહથી
૧૩-૧૨-૧૯૫૨