ગુજરાતી સૉનેટકાવ્યો/તમે આવ્યાં ને આ......

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૫. તમે આવ્યાં ને આ......

માધવ રામાનુજ

તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું,
ગયાં ગોરંભીને ઘન વરસી, આકાશ ઊઘડ્યું,
થીજ્યાં આંસુ ઓથે સ્મરણ; અધરે સ્મિત ઊઘડ્યું.

– યુગોથી વેંઢારી નરી અલગતા ચંદ્ર ફરતો
રહે, મારું યે આ જીવતર વીત્યું એ જ ગતિમાં;
તમારા આવ્યાનો કલરવ ભરી યાન ઊતર્યું
અને રુંવે રુંવે પ્રથમ પળનું દર્દ ઊઘડ્યું!

અષાઢી રાતોનાં રિમઝિમ બધાં ગીત ફણગે
તમારાં આછેરા કુમકુમ ડગે – સ્તબ્ધ ફળિયે;
ઝરૂખે ટાંગેલી નીરવ ઠીબની પાંખ ફરકે
તમારી કીકીના સજલ ટહુરે; મુગ્ધ નળિયે
ઝમે આળો આળો દિવસ; ઘરમાં રાત રણકે!

ઘડી ઊભાં રે’જો ઉંબર પર સિંદૂરવરણાં,
તમારા સેંથામાં મિલન-પળનું મૌન ભરી દૌં.
૧૯૭૦