ગુજરાતી સૉનેટકાવ્યો/પાલ્યાની લગ્નતિથિએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨૯. પાલ્યાની લગ્નતિથિએ

કેશુભાઈ દેસાઈ

દૂરે બેઠી બેઠી પળ પળ ઊગે આંગણ મહીં–
કદી દીવીજ્યોતે, ક્વચિત તુલસી-ફોરમ વળી
ગુલાબી ખુશ્બૂની મઘમઘ બનીને ધૂપસળી...
દીસે કંકુ કેરાં અણદીઠ પગેરાં સીમ લગી!
સૂના ખોળે કેવાં મધુવન ખીલ્યાં રે અવનવાં :
અમારા માળામાં ઊડું ઊડું થતી સોનલપરી!
ઊઠી ચાલું તારી સૂનમૂન સૂતેલી રૂમ ભણી,
ખરે આંખો માં તું સ્મરણરજ ભીની ક્ષણક્ષણે.

–પથારીમાં મારું કદીક તહીં સૂતું ગલૂડિયું :
મધુરું, સુંવાળું, ક્ષિતિજ સમ રૂપાળું–સૂરજની
સવારી સાથે એ હળુ હળુ સરે ઝાકળ સમું;
કદી ખોળામાં તો ક્વચિત મુજ સ્કંધે વળગતું!

અજાણ્યું ખેલે ત્યાં કબૂતર હવે કોઈ નમણું,
ખૂલી બારીમાંથી સરકી પડતું એક સમણું...