ગુજરાતી સૉનેટકાવ્યો/બધું વેચી આવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૭. બધું વેચી આવ્યો

હરિકૃષ્ણ પાઠક

ફરી પાછો આજે ઘરવતનથી દૂર – સમણે
ચડ્યો... ઝોકું આવ્યું : ખડખડ જતી વાટ; વચમાં
બપોરી વેળાનો ઝલમલ વિસામો ઠમકતો
પણે કૂવા-કાંઠો ઝટપટ ધરે લાજ, શરમે;
મને આવ્યો ભાળી. રણઝણ થતી ઝાલર વળી
કશી ગુંજે; શેરી દલદલ થકી જાય ઊઘડી.
પછી ચૌટું, ડેલી, ધમક, ફળિયું; ઓસરી મહીં
ઝગી ઊઠે દીવો, ખટક દઈને ખાટ પગની
હળુ ઠેસે હાલે. હરફર થતો શ્વાસ... હમણાં
મને ઘેરી લેશે ઘર ભર્યું ભર્યું...
– જાઉં ઝબકી!
બધું વેચી આવ્યો. હવડ ઘરનું શું ય કરવું?
ન’તું ગામે કોઈ જણ – મન જહીં સ્હેજ ધરપે.
નહીં ધંધો-પાણી... ફરી ફરી કરું એ જ લવરી.