ગુજરાતી સૉનેટકાવ્યો/રીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૧. રીસ

જયન્ત પાઠક

તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા,
અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો
કહ્યો ના પ્રીતિનો, ખબર સહુની જેમ જ પૂછી;
તમે ચાલ્યા, સૌની જ્યમ દઈ દીધી મેં પણ વિદા.

ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈયે કારણ ન’તું,
સ્વભાવે તીખી તે જરી જરીમાં વાંકું પડતું;
હવે આ હૈયું તે નથી વશ મને-સાચું કહું છું,
છતાં વ્હાલા, મારા મનની કહી દૌં વાત તમને?

તમે પાસે આવી રીસનું હત જો કારણ પૂછ્યું;
બધાંથી સંતાડ્યું નયનનીર જો હોત જ લૂછ્યું
તમારા રૂમાલે, લગીર ભજી એકાન્ત, ટપલી
ધીમે મારી ગાલે કહ્યું હત : અરે ચાલ પગલી

હું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર-ગલી-
સજીને બેઠી’તી; તરત પડી હું હોત નીકળી.
૯-૭-૧૯૭૦