ગુજરાતી સૉનેટકાવ્યો/વર્ષાની એક સુંદર સાંઝ
Jump to navigation
Jump to search
૫. વર્ષાની એક સુંદર સાંઝ
બ. ક. ઠાકોર
શાંતી! શાંતી! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,
અંધારી નીરવપદ ગિરિશ્રંગથી જો ઉડી આ!
ઊંચો દીપે ઘુમટ ફરિથી વ્યોમ કેરો વિશાળો,
જેમાં મુક્તાતુરણ-ભગણે ઓપતી અભ્રમાળો.
બેઠો બેઠો સખિસહિત હૂં માલતીમંડપે ત્યાં
ધારા જોતો, શ્રવણ ભરતો નૃત્યથી બુદબુદોનાં;
ત્યાં ગૈ ધારા, શમિ પણ ગયા બુદ્બુદો, ને નિહાળ્યા
શૈલો, વચ્ચે સર નભ સમૂં, મસ્તકે અભ્ર તારા.
ને કોરેથી સલિલ ફરક્યૂં, શુભ્ર ચળક્યૂં,અ ને જ્યાં
વૃક્ષો ટીપાં ટપકિ ન રહ્યાં ડાળિયોનાં ભુમીમાં,
ત્યાં એ નીલૂં સર લસિ રહ્યું દિવ્ય ઝાંયે રસેલું.
પાછૂં જોતાં,-ગિરિ પર સુધાનાથ હાસે મધૂરૂં!
‘વ્હાલા, જોયૂં?’ વદિ તું લહિ ત્યાં ચંદ્રને દૃશ્યસાર,
ટૌકો તારો, અલિ, સર ગિરિ વ્યોમ ગુંજ્યો રસાળ! ૧૪