ગુજરાતી સૉનેટકાવ્યો/વળાવી બા આવી
Jump to navigation
Jump to search
૪૦. વળાવી બા આવી
ઉશનસ્
રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘરમહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરલ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં;
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડયા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
૨૮-૧૧-’૪૩