ગુજરાતી સૉનેટકાવ્યો/સર્ગફૂલો
Jump to navigation
Jump to search
સર્ગફૂલો
રતિલાલ છાયા
સ્રગ્ધરા
આવે જ્યારે વહેતા ધસમસ કરતા પૂર કેરા પ્રવાહો,
વીંઝી દેવા ગતિથી અગણિત નમતી પૂલની કૈં કમાનો,
ભીડે ના ભોગળોને, સકલ સલિલદ્વારો ઉઘાડાં મૂકીને,
જાવા દે ચંડ રેલો, જલનિધિ-તટને ખૂંદવા માર્ગ આપે.
કિન્તુ જ્યારે શમે એ પ્રબળ વહનની આંધળી વેગચક્કી,
ને સૌ ઠેલાય પાછી, ખળખળ કરતી રેતીથી ધૂંધવાતી
રેલો ઘેલી અધીરી, ત્વરિત કરી દઈ પૂલનાં બંધ બારો
બાંધી લે એક પાસે રસકસ ઝમતી વારિની કંદરાઓ. ૮
ડોળાએલાં સલિલો નીતરી રહી પછી સૌમ્યતા રમ્ય ધારે,
છોળે શાં ભાવલ્હેરે ગગનતલ તમી નીલિમાને ઝુલાવે;
ને વારિનાં ઠરેલાં સભર હૃદયથી પદ્મનાં વૃન્દ ખીલે;
ખેડૈયા ધાન્ય કેરા સરિતતટ પરે ન્હેરનાં વારિ ઝીલે.
સ્રષ્ટ, હૈયે વહેતાં પ્રબળ ગતિભર્યાં ઊર્મિનાં મત્ત પૂરો,
જાવા દે એક વેળા, પછી જ જિરવીને કેળવે સર્ગફૂલો. ૧૪
(‘સોહિણી’ (પૃષ્ઠ ક્રમાંક ૭૦)