ગુજરાતી સૉનેટકાવ્યો/સીમાડે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦૨. સીમાડે

ભાનુપ્રસાદ પંડ્યા

ભૂરા ભૂરા ઉદધિ સમ આ ઝાકળે નાહી ભોર
ઊઠે, ગાડાં ગલી ગજવતાં ઉપડે ઝૂલ-ઓઢ્યાં
સીમામાંથી નજરની સરે ક્યાંય નાની તરી શાં
સીમે, મોઢાં બીડીની સટ લૈ જાય બૂકાની-બાંધ્યાં!

છાંયા છોડી દઈ તડકીને આશરે જૈ બુઢાપો
નાખે ધામા, ઘઉં તલ ચણા સૂંઘી ઝૂલી કપાસે
તેડાં આવ્યાં અતિ સૂસવતા વાયરાનાં નિહાળી
પાંદે યાચી અવ અલવિદા ડાળખીની ધ્રૂજીને!

આવ્યા એવા તરત સરકી જાય ઝાંખા બપોર!
ઊભી વાટે બધી ખટમીઠી બોરડી ચાખી છોરાં
ચાલ્યાં, વ્હેલાં ખગ પણ નીડે, ધોરી ઉતાવળા થૈ
પાછા! વાંસે ચૂપ થઈ ઊભો ચાડિયો સાવ થીજી!

સીમાડે તો ભડ ભડ બળે રાત સૌ તાપણામાં!
વ્હેલું આવે નહિ ભળકડું આભનાં આંગણામાં!