ગુજરાતી સૉનેટકાવ્યો/સુધા પીવી?
૧૮. સુધા પીવી?
સુન્દરમ્
સુધા પીવી? ના, ના. નથી અમર થાવું, નહિ નહીં
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી,
યયાતિ શા થૈ વા અણખૂટ યુવામાં ગટકવી
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્રસમહીં.
નહીં આ પાર્થિવ્યે મલિન મન ને પ્રાણ તનના
અધૂરાં અંધાર્યાં રસબલતણા પંકિલ પથે
સદાના બાઝી ર્હૈ મન મનવવું વસ્તુ વિતથે;
અહો, એવી લીલા કૃમિ શી રચવે લેશ મન ના.
મને દેવા ઇચ્છે યદિ અમરતા-તો પ્રથમતઃ
મિટાવી દે સંધાં પ્રકૃતિ-તમસો, ઇન્દ્રિયતણાં
ભૂંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન સમણાં–
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ.
ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કર તું દિવ્ય અનલ,
પછી પીશું સ્હેજે અમૃત રસ ને મૃત્યુ ગરલ.