ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/તુલનાત્મક સાહિત્ય
| ૧. | શીર્ષક | : | ’સાત પગલાં આકાશમાં’ અને ‘પ્રથમ પ્રતિશ્રુતિ’ નવલકથાનો તુલનાત્મક અભ્યાસ |
| સંશોધક | : | જિજ્ઞા જે. વ્યાસ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૨૦૦૦ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગુજરાતી ભાષાની કુન્દનિકા કાપડિયાકૃત ‘સાત પગલાં આકાશમાં’ તથા આશાપૂર્ણાદેવી રચિત બંગાળી નવલકથા ‘પ્રથમ પ્રતિશ્રુતિ’નો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. બંને નવલકથામાં સ્ત્રીજીવન અને તેની સમસ્યાઓ કેન્દ્રમાં છે. પ્રારંભમાં તુલનાત્મક સાહિત્યની વિભાવના, કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરી છે. બંને નવલકથાના વસ્તુનો સાર આપી બંને લેખિકાઓનો પરિચય આપ્યો છે. ત્યાર બાદ વસ્તુસંકલના, પાત્રાલેખન, વાતાવરણ તથા સામાજિક સંદર્ભની દૃષ્ટિએ બંને નવલકથાનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.
| ૨. | શીર્ષક | : | ’ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ અને ‘સમુદ્રાન્તિકે’ નવલકથા : એક તુલનાત્મક અભ્યાસ |
| સંશોધક | : | રતિલાલ સી. રાઠવા | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૦૬ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત છે. પ્રથમ પ્રકરણમાં તુલનાત્મક સાહિત્યની સંજ્ઞા, અર્થ અને વિવિધ વિદ્વાનોએ આપેલી વ્યાખ્યા તથા વિચારણા, તુલનાત્મક સાહિત્યની વિભાવના, વિવિધ મંતવ્યો તથા તેની પરિભાષાની ટૂંકમાં ચર્ચા થઈ છે. બીજાં પ્રકરણમાં અમેરિકન નવલકથાકાર અર્નેસ્ટ મિલર હેમિંગ્વેના જીવન-કવનનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે. ત્રીજાં પ્રકરણમાં ગુજરાતી સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનાં જીવન-કવન, જન્મ, અભ્યાસ તેમ જ સાહિત્યસર્જનનો પરિચય આપવામાં આવ્યો છે. ચોથાં પ્રકરણમાં ‘ધ ઓલ્ડ મેન એન્ડ સી’ને ઘટનાતત્ત્વોને આધારે તપાસવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. પાંચમાં પ્રકરણમાં ‘સમુદ્રાન્તિકે’ નવલકથાને સ્વરૂપની દૃષ્ટિએ તપાસવાની સાથે જ દરિયાકિનારે વસતા લોકોની સામાજિક વાસ્તવિકતાનો અભ્યાસ પણ રજૂ થયો છે. છઠ્ઠા પ્રકરણમાં બંને નવલકથાઓનો તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ થયો છે, તેમ જ બંને નવલકથાની તુલના દ્વારા પશ્ચિમની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો પરિચય રજૂ થયો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ થઈ છે.
| ૩. | શીર્ષક | : | ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોશ : એક તુલનાત્મક અધ્યયન |
| સંશોધક | : | ભરત ઠાકોર | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૦૮ | |
| પ્રકાશન | : | ઈ.સ. ૨૦૦૯ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ છ પ્રકરણમાં વિભાજિત છે. આમાં ગુજરાતીના ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ અને હિન્દીના ‘प्रामाणिक हिन्दीकोश’નો તુલનાત્મક અભ્યાસ રજૂ થયો છે. પ્રથમ પ્રકરણમાં કોશવિજ્ઞાન સંદર્ભે સંજ્ઞા, અર્થ, વ્યાખ્યા અને પ્રકારોની વિચારણા થઈ છે. ગુજરાતી ભાષામાં થયેલાં કોશકાર્યને ઐતિહાસિક ક્રમમાં મૂકી અહીં તેનું મૂલ્યાંકન થયું છે. બીજાં પ્રકરણમાં તુલનાત્મક સાહિત્યની સંજ્ઞા, અર્થ, વિભાવના અને વિદ્વાનોના મંતવ્યોની ચર્ચા થઈ છે. ત્રીજાં પ્રકરણમાં ગુજરાતીના ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’નો પરિચય અપાયો છે. તેમાં ગાંધીજીએ પ્રગટ કરાવેલી પ્રથમ આવૃત્તિને ધ્યાનમાં રાખીને ૪૩,૭૪૩ જેટલા શબ્દો સંદર્ભે અભ્યાસ થયો છે. ચોથાં પ્રકરણમાં હિન્દીના ‘પ્રામાણિક હિન્દી કોશ’નો પરિચય અપાયો છે. તેમાં રામચંદ્ર વર્મા સંપાદિત પ્રથમ આવૃત્તિને ધ્યાનમાં રાખીને ૩૧,૫૬૭ શબ્દો સંદર્ભે અભ્યાસ રજૂ થયો છે. પાંચમાં પ્રકરણમાં હિન્દી તથા ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દકોશોનું સામ્ય-વૈષમ્ય તપાસી તુલના કરી છે. છઠ્ઠાં પ્રકરણમાં ગુજરાતી-હિન્દી સાર્થ જોડણીકોશના સામ્યવૈષમ્યને આધારે તેમાં રહેલી વિશેષતા અને મર્યાદાઓ દર્શાવતા તારણો આપ્યા છે. અંતે સંદર્ભગ્રંથ સૂચિ અપાઈ છે.
| ૪. | શીર્ષક | : | ’અરવલ્લી’ અને ‘આરણ્યક’ નવલકથા : તુલનાત્મક અધ્યયન |
| સંશોધક | : | ગિરીશ ગોહિલ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૦૯ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ છ પ્રકરણમાં વિભાજિત છે. શોધકર્તાએ શોધનિબંધમાં ‘અરવલ્લી’ અને ‘આરણ્યક’ નવલકથાને કેન્દ્રમાં રાખીને તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. પ્રથમ પ્રકરણમાં તુલનાત્મક સાહિત્યની સંજ્ઞા, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વિશે ચર્ચા થઈ છે. બીજાં પ્રકરણમાં નવલકથાનાં સ્વરૂપ અને પ્રકારની સંક્ષિપ્ત વિચારણા કરીને ગુજરાતી તેમજ બંગાળી નવલકથાની સંક્ષિપ્ત વિકાસરેખા અપાઈ છે. ત્રીજાં પ્રકરણમાં કિશોરસિંહ સોલંકી અને વિભૂતિભૂષણ બંદોપાધ્યાયના વ્યક્તિત્વ અને વાઙ્મયનો પરિચય અપાયો છે. ચોથાં પ્રકરણમાં ‘અરવલ્લી’ અને ‘આરણ્યક’ બંને નવલકથાઓનો આસ્વાદમૂલક પરિચય આપ્યો છે. પાંચમાં પ્રકરણમાં ‘અરવલ્લી’ અને ‘આરણ્યક’ બંને નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ રજૂ થયો છે. છઠ્ઠાં પ્રકરણમાં તારણો અને ઉપસંહાર અપાયા છે, જેમાં બંને નવલકથાની વિશેષતા અને મર્યાદાની ચર્ચા કરી છે. અંતે પરિશિષ્ટમાં સંદર્ભગ્રંથોની સૂચિ રજૂ કરી છે.