ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/તુલનાત્મક સાહિત્ય (પીએચ.ડી.)
| ૧. | શીર્ષક | : | स्वातंत्र्योत्तर गुजराती, हिन्दी और मराठी कविता में मानव (एक तुलनात्मक अध्ययन) |
| સંશોધક | : | दिवा पाण्डेय | |
| માર્ગદર્શક | : | પ્રો. મોહનભાઈ પટેલ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૮૦ |
ટૂંકસાર :
પ્રસ્તુત મહાનિબંધ બે ભાગ તથા પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં રચાયેલી હિન્દી ગુજરાતી તથા મરાઠી કવિતામાં માનવનું નિરૂપણ એ વિષયને કેન્દ્રમાં રાખી તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં તુલનાત્મક સાહિત્યનું સ્વરૂપ, વિભાવના, કાર્યક્ષેત્ર તથા તેની લાક્ષણિકતાઓની વિગતે ચર્ચા રજૂ કરી છે. પ્રકરણ-૨માં આધુનિકતા એટલે શું? તેની વિભાવના, લાક્ષણિકતાઓ તથા તેની વિકાસરેખા જેવા મુદ્દાઓની ઝીણવટભરી ચર્ચા કરી છે, ઉપરાંત આધુનિક માનવીને પ્રભાવિત કરનારાં પરિબળો વિશે વાત કરી છે. પ્રકરણ-૨માં સ્વાતંત્ર્યોત્તર હિન્દી કવિતામાં માનવને કેન્દ્રમાં રાખી રચાયેલી કવિતાઓનો અભ્યાસ રજૂ કર્યો છે. જેમાં અજ્ઞેયજી, ભવાનીપ્રસાદ મિશ્ર, શ્રીકાન્ત વર્મા, રામદરશ મિશ્ર, જગદીશ ચતુર્વેદી જેવા મહત્ત્વના આઠ હિન્દી કવિઓની કવિતાનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૩, ૪ માં ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં માનવ’ વિષય સંદર્ભે ઉમાશંકર જોશી, નિરંજન ભગત, સુરેશ જોષી, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રાવજી પટેલ, ચંદ્રકાન્ત શેઠ વગેરેની કવિતા તથા મરાઠી ભાષામાં રચાયેલ મર્ઢેકર, વિન્દા કરંદીકર, વસન્ત બાપટ, નારાયણ સુર્વે જેવા કવિઓની કવિતાનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૫માં આ ત્રણે ભાષામાં રચાયેલી કવિતાનો અસ્તિત્વ, નગરસંસ્કૃતિ અને માનવ, જીવન અને માનવ, ભાવશૂન્યતા, હતાશા વગેરેને કેન્દ્રમાં રાખી તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.
| ૨. | શીર્ષક | : | राजस्थानी और गुजराती लोककथाओ का तुलनात्मक अध्ययन |
| સંશોધક | : | शशिबाला पंजाबी | |
| માર્ગદર્શક | : | प्रो. कनुभाई जानी | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૮૭ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધમાં કુલ પાંચ પ્રકરણો છે. આ નિબંધમાં રાજસ્થાની અને ગુજરાતી લોકકથાઓનો તુલનાત્મક અભ્યાસ થયો છે. પ્રકરણ-૧માં લોકસાહિત્યનો પરિચય અને લોકસાહિત્યનાં મહત્ત્વની વાત થઈ છે. તેમ જ લોકકથાઓ, સંસ્કૃતિ અને સાહિત્યની વ્યાખ્યા આપીને તેનાં ક્ષેત્રો સ્પષ્ટ કરવામાં આવ્યાં છે. પ્રકરણ-૨માં લોકસાહિત્યનાં વિશિષ્ટ પ્રકાર, લોકકથા સંદર્ભે ‘લોકકથા’ સંજ્ઞાનો ઉદ્ભવ અને લોકવાર્તાઓ કેવી હોય તેની રજૂઆત થઈ છે. પ્રકરણ-૩માં રાજસ્થાની અને ગુજરાતી લોકકથાઓની વિકાસરેખા અપાઈ છે. અને અંતે કથાઓના પ્રકારો જેમ કે પુરાણકથા, ધર્મકથા, પશુ-પક્ષી અને નીતિની કથા, દંતકથા, પરીકથા અને અન્ય પ્રકારોની વિચારણા કરવામાં આવી છે. પ્રકરણ-૪માં રાજસ્થાની તેમજ ગુજરાતી લોકકથાઓની સમાનતા અને ભિન્નતા દર્શાવાઈ છે. અંતે રાજસ્થાની અને ગુજરાતી લોકકથાની વિશિષ્ટતા દર્શાવીને ઉપસંહાર રજૂ થયો છે.