ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/નાટક (પીએચ.ડી.)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. નવલકથા
૧. શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં એકાંકીનું સ્વરૂપ, ઉદ્ભવ અને વિકાસ
સંશોધક : મફતલાલ અંબાલાલ ભાવસાર
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૫
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૧૯૭૭

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ બાર પ્રકરણોમાં વિભાજિત છે. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યમાં નાટ્યતત્ત્વ વિશે જે વિચારણા રજૂ થઈ છે તેનો અહીં પરિચય કરાવ્યો છે. આ બંને પરંપરાઓમાં એકાંકી સ્વરૂપ અંગે થયેલ ચર્ચાનો પરિચય પણ અહીં રજૂ કર્યો છે. ભારતીય પરંપરાનાં અઢાર જેટલા એકાંકી સ્વરૂપોની પણ ઊંડાણથી ચર્ચા કરી છે. એકાંકીના અન્ય સ્વરૂપો (સંવાદ, વેશ, લઘુનાટક, અને એકાંકી, ટૂંકીવાર્તા, ખંડકાવ્ય) સાથેના સામ્ય-વૈષમ્યની ચર્ચા રજૂ કરી છે. ત્યાર બાદ એકાંકીનાં વિવિધ લક્ષણો જેવાં કે વસ્તુ, સંવાદ, રંગનિર્દેશ, પાત્રાલેખન વગેરેની ઝીણવટપૂર્વક ચર્ચા કરી એકાંકીના પ્રકારો વિશે વાત રજૂ કરી છે. ગુજરાતી સાહિત્યમાં ખેડાયેલ એકાંકી સ્વરૂપની વિકાસરેખા દર્શાવી છે. જેમાં જુદાં-જુદાં પાંચ સ્તબકોમાં માહિતી રજૂ કરી છે. અહીં દલપતરામ, ભટ્ટ કાનજી મા, ગોકળદાસ બાપુજી, માવાણી, ખુરશેદજી, રતનજી માદન, બટુભાઈ, યશવંત પંડ્યા, પ્રાણજીવન પાઠક, રા.વિ. પાઠક, હંસા મહેતા, ઈન્દુલાલ ગાંધી, શ્રીધરાણી, ચં. ચી. મહેતા, મડિયા, દુર્ગેશ શુક્લ વગેરેની એકાંકી રચનાઓનું વિવેચન-વિશ્લેષણ રજૂ કર્યું છે. ઉપરાંત રેડિયો એકાંકીના સ્વરૂપની ચર્ચા રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૨. શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર મૌલિક સામાજિક દીર્ઘનાટકોમાં સ્ત્રીપાત્રો
સંશોધક : કપિલાબહેન પટેલ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૬
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૨૦૦૧

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. જેમાં સંશોધનકર્તાએ ઈ.સ. ૧૯૪૭ થી ઈ.સ. ૧૯૯૦ સુધીના સમયગાળામાં રચાયેલાં દીર્ધનાટકોમાં આવતાં સ્ત્રીપાત્રોને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નાટ્ય પરંપરાનો ખ્યાલ, ગુજરાતીમાં પ્રથમવાર નાટક રચના, તેની ભજવણી તથા ગુજરાતી નાટ્યસર્જનની વિકાસરેખાની ચર્ચા કરેલી છે. સંશોધનકર્તાએ ગુજરાતી નાટકોમાં નિરૂપાયેલાં સ્ત્રીપાત્રોનાં આંતર-બાહ્ય સ્વભાવનિરૂપણનું કેટલીક કૃતિઓને કેન્દ્રમાં રાખી વિશ્લેષણ રજૂ કર્યુ છે. ૪૬ નાટ્યકારોની ૧૪૮ જેટલી નાટ્યરચનાઓને આ સંદર્ભે તપાસી છે. આ નાટકોમાં નિરૂપાયેલાં સ્ત્રીપાત્રોની સમસ્યાઓ, વિલક્ષણતાઓ, વિચિત્રતાઓ, ખાસિયતો, વિશેષતાઓ, મર્યાદાઓ વગેરે રજૂ કર્યાં છે. નારીજીવનને સ્પર્શતી ઘણી બધી બાબતોને આ અભ્યાસ દ્વારા નિરૂપવાનો પ્રયાસ થયો છે. આ નાટકોમાં નિરૂપાયેલાં સ્ત્રીપાત્રોના પુરુષપાત્રો સાથેના, પરિવાર સાથેના, અન્ય સામાજિક સંબંધો તથા તેમની પ્રકૃતિ, વાણી-વર્તન- માનસિક સ્થિતિ વગેરેનું વિશ્લેષણ રજૂ કર્યું છે. આ માટે ચં.ચી. મહેતા, ધનસુખલાલ મહેતા, પ્રાગજી ડોસા, શિવકુમાર જોષી, ગુણવંતરાય આચાર્ય, ધીરુબહેન પટેલ, પ્રબોધ જોષી, વજુ ટાંક, પન્નાલાલ પટેલ, હરીન્દ્ર દવે, રઘુવીર ચૌધરી, મધુ રાય, હસમુખ બારાડી, શ્રીકાંત શાહ, ચિનુ મોદી વગેરે નાટ્યકારોની રચનાઓને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૩. શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી મૌલિક પ્રહસનો : એક અધ્યયન
સંશોધક : ઉરેશકુમાર ર. ગામીત
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૧૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. આ શોધકાર્યમાં ઈ.સ.૧૯૪૭ થી ઈ.સ.૨૦૦૨ દરમિયાન પ્રકાશિત થયેલી પચીસ પ્રહસનાત્મક કૃતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રકરણ ‘નાટ્યપરંપરામાં પ્રહસનનું સ્વરૂપ’માં હાસ્યરસ, પ્રહસનની વિભાવના અને કૉમેડીની વિભાવનાને ધ્યાનમાં લઈને પ્રહસનનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બીજાં પ્રકરણમાં લોકનાટ્ય ભવાઈ, તેમાં પારસીઓનું પ્રદાન, ગુજરાતી પ્રહસનનો વિકાસ તેમ જ આ વિકાસમાં અવરોધક પરિબળોનો સવિસ્તાર અભ્યાસ રજૂ થયો છે. ત્રીજાં પ્રકરણમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી મૌલિક પ્રહસન સંદર્ભે કૃતિવિષયક ભૂમિકા અને નાટ્યકૃતિઓનું મૂલ્યાંકન થયું છે. ચોથાં પ્રકરણમાં સમગ્ર શોધનિબંધનાં ત્રણે પ્રકરણોનો નિષ્કર્ષ સંક્ષેપમાં રજૂ થયો છે. અંતે સંદર્ભસૂચિ આપવામાં આવી છે.

૪. શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટકોમાં ગાંધીપ્રભાવ
સંશોધક : મિનેશકુમાર બી. ડામોર
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૧૧

ટૂંકસાર :

આ શોધનિબંધને ચાર પ્રકરણમાં રજૂ કરવામાં આવેલ છે. પ્રથમ પ્રકરણ ‘ગુજરાતી સાહિત્યને અસર કરનારાં પરિબળો’માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઉપર અસર કરનારાં પરિબળો વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. જેમાં ધાર્મિક, સામજિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પરિબળોની અસરની ચર્ચા થઈ છે. બીજાં પ્રકરણ ‘ગાંધીજીનું વ્યક્તિત્વ, વાઙ્મય અને ગુજરાતી સાહિત્ય ઉપર તેનો પ્રભાવ’માં ગાંધીજીનાં જન્મ, ઘડતર પરિબળો, શિક્ષણ, તેમનું કતૃત્વ, તેમના આદર્શો, સિદ્ધાંતો અને વિચારોની ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપો જેવાં કે કવિતા, નવલકથા, નવલિકા, નાટક, નિબંધ વગેરે ઉપર કેવી અસર થઈ તેની છણાવટ કરવામાં આવી છે. ત્રીજાં પ્રકરણ ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટકોમાં ગાંધીપ્રભાવ’માં ઈ.સ.૧૯૫૩થી ઈ.સ.૨૦૦૫ સુધીનાં જે-જે ગુજરાતી નાટકોમાં ગાંધીપ્રભાવ દેખાય છે તેનો અભ્યાસ રજૂ કર્યો છે. આ નાટકોને ગાંધીજીના કાર્યો, આદર્શો, સિદ્ધાંતો, મૂલ્યોને આધારે હકારાત્મક કે નકારાત્મક દૃષ્ટિકોણથી તપાસ્યાં છે. આ અભ્યાસમાં ૨૨ નાટકોનો સમાવેશ કર્યો છે. (‘ભૂદાન’ – જયમલ્લ પરમાર, ‘અંધારા ઊલેચો’ – શિવકુમાર જોશી, ‘સુમનલાલ ટી. દવે’ – સુભાષ શાહ વગેરે) ચોથાં પ્રકરણ ‘ઉપસંહાર’માં સમગ્ર અભ્યાસનો ઉપસંહાર રજૂ થયો છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.