ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પતંગિયું ને ચંબેલી — કૃષ્ણલાલ શ્રીધરાણી
કૃષ્ણલાલ શ્રીધરાણી
‘મળું મળું વ્હાલાને ક્યારે?
વીંટળાઉં ક્યારે?’ ઘેલી,
કોડ ભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી.
મુખ પર પુષ્પ કરે કેલી!
ફૂલરાણી શી ચંબેલી!
આરસનોયે અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ.
સરસ્વતીની વેણીમાંથી,
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
ફૂલડાંને ઊડવા આકાશ!
પાંખ વિના પૂરે શે આશ?
મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,
‘એક જ મારી પૂરશો આશ?
મારો દેહ, તમારી પાંખ –
એક બનીને ઊડશું આભ?’
ચંબેલીનો દેહ રૂડો, ને
પતંગિયાની પાંખ ધરી,
અવની, આભ, અનંતે ઊડે,
મલકંતી મ્હેકંતી પરી.
પતંગિયું ને ચંબેલી!
એક થયાં ને બની પરી!
આવો, એક જાદુ બતાવું
ચંબેલી એટલે ચમેલી, જાસમિન. ‘ચંબેલી' શબ્દ વાતચીતની ભાષા કરતાં કાવ્યભાષામાં વધુ વપરાય છે, જેમ કે અરદેશર ખબરદારનું આ ગીત:
આજે પરણે છે વાડીનાં ફૂલ, ગુલાબ ને ચંબેલી,
જોવા આવજો એ જોડી અમૂલ, ગુલાબ ને ચંબેલી!
ચંબેલી ઉપરતળે થાય છે, વ્હાલાને ક્યારે મળું? તાલાવેલી દર્શાવવા ‘મળું' શબ્દ બેવડાવાયો છે. કવિ ચંબેલીની સરખામણી પ્રોષિતભર્તૃકા (દૂર ગયેલા સ્વામીને મળવા તત્પર એવી) નાયિકા સાથે કરે છે: તે લળે છે, તેને વીંટળાવું છે,ઉરમાં ભરેલા કોડથી તે ઘેલી થઈ ગઈ છે.કેલી એટલે રતિક્રીડાથી પતિને રીઝવવું.આ સરખામણી જોકે અધૂરી રહી જાય છે, કારણ કે કાવ્યમાં હવે પછી ‘વ્હાલા'ની કશી વાત જ આવતી નથી. રસિકો પ્રમાણશે કે કાલિદાસ અને વાલ્મીકિના સમયથી સ્ત્રીની તુલના વેલી સાથે થતી જ આવી છે.હવે દૈવી તત્ત્વોને સાંકળીને કવિ ચંબેલીનું સૌંદર્ય સિદ્ધ કરે છે.બ્રહ્માએ તેને આરસમાંથી નહિ પણ આરસના અર્કમાંથી બનાવી છે. (ધ ઇસેન્સ ઓફ માર્બલ.) તેની સુવાસ સરસ્વતીનાં પુષ્પો-શી છે. બ્રહ્માને જ સાંકળતી પ્રેમાનંદની ઉપમા યાદ આવે- બ્રહ્માએ તેજના પાત્રમાંથી દમયંતીને ઘડી. પછી જે થોડું તેજ વધ્યું હતું, એમાંથી ચંદ્ર ઘડ્યો.
આ ચંબેલીને ઊડવાની ઇચ્છા થઈ,તેણે પતંગિયાને અરજ કરી કે મારા દેહ સાથે તમારી પાંખ જોડો અને આપણે ઊડીએ. એવું એકત્વ સધાતાં પરી સર્જાઈ, જેણે દિનરાત ઊડ્યા કર્યું. કવિએ પતંગિયાની પાંખોને યોગ્ય રીતે મેઘધનુષી કલ્પી છે- ઇન્દ્રચાપ તો આકાશમાં જ ઊઘડે.
આ વિસ્મય-છલોછલ કાવ્ય બાળભોગ્ય છે. કવિએ છંદ જ તેવા પસંદ કર્યા છે.ચાર પંક્તિના અંતરાઓમાં સવૈયા એકત્રીસા પ્રયોજ્યો છે.(સરખાવો- અંધારું લઈ ગઈ રાત ને આભ થયો ઊજળો આખો.) બબ્બે પંક્તિના અંતરા ચોપાયામાં રચ્યા છે. (સરખાવો- કાળી, ધોળી, રાતી ગાય/ પીએ પાણી, ચરવા જાય.)
ટાગોરના કાવ્ય ‘મનની પાંખે' નો આરંભ આમ થાય છે,
‘કેટલાય વખતથી/ફૂલને થતું’તું કે/હું ક્યારે ઊડું?/ મન ફાવે ત્યાં ફરું...એક દિવસ/ફૂલને પાંખ ફૂટી/ને એ બની ગયું પતંગિયું.'
આ પંક્તિઓ ધ્યાનમાં રાખીને જોઈએ, કે કૃષ્ણલાલ શ્રીધરાણીના પ્રસ્તુત કાવ્ય વિશે સુરેશ જોષી શું લખે છે- “આવો, એક જાદુ બતાવું. એક હતું ચંબેલીનું ફૂલ ને એક હતું પતંગિયું. બંને હતાં. અહીં સુધી કશું જાદુ દેખાતું નથી, પણ પતંગિયું ને ચંબેલી!એક થયાં ને બની પરી!” આપણને કહેવાનું મન થાય કે સુરેશભાઈ,અમને તો અત્યારે પણ કશું જાદુ દેખાતું નથી. ટાગોરના ફૂલને પાંખ ફૂટતાં તે પતંગિયું થયું. શ્રીધરાણીના ફૂલે પતંગિયા પાસે એ પાંખો માગી લીધી. પહેલી વાર થાય તેને જાદુ કહેવાય. બીજી વાર કરાય તેને જાદુ ન કહેવાય,પુનરુક્તિ કહેવાય.
***