ગૃહપ્રવેશ/દ્વિરાગમન
સુરેશ જોષી
બરાબર સાડા છને ટકોરે હર્ષદરાયે હંમેશની જેમ ઓફિસની બહાર પગ મૂક્યો. પછી રાબેતા મુજબ એઓ નજીકના સાર્વજનિક પુસ્તકાલય તરફ વળ્યા. વર્તમાનપત્રની દોઢ ઇંચના અક્ષરોવાળી હેડલાઇનનું એમને જબરું આકર્ષણ હતું. સનસનાટીભર્યાં અપહરણ, આપઘાત અને ખૂનના સમાચારો સૌથી પ્રથમ, ત્યાર પછી પણ્ડિત નહેરુ, વિનોબાજી વગેરે એમના માનીતા નેતાઓનાં વ્યાખ્યાનોનો સાર આવ્યો હોય તો તે અને છેલ્લે આન્તરરાષ્ટ્રીય રાજનીતિના પ્રવાહો – આવો એમનો નિશ્ચિત ક્રમ હતો. બરાબર સાતને ટકોરે પુસ્તકાલયમાંથી નીકળીને એઓ શાકમાર્કેટ તરફ વળ્યા. શાકની ખરીદીમાં આજે એમને વધારે વખત લાગ્યો નહીં. આથી ઘર તરફ જવાનો લાંબો રસ્તો એમણે લીધો ને જ્યારે સાડા સાતને ટકોરે એમણે ઘરમાં પગ મૂક્યો ત્યારે આજે નિયમનો વ્યતિક્રમ પોતે થવા ન દીધો તે બદલ પોતા પ્રત્યે એમને ખુશી ઊપજી.
ઘરમાં પ્રવેશતાં જ બધી ક્રિયાઓ એના ક્રમ પ્રમાણે આગળ ચાલી. પાટલો માંડવાનો અવાજ, પાણી ભરવાનો અવાજ, હાથમોં ધોવા માટેનું પાણી તૈયાર રાખીને મોટી દીકરી રમાનો એમને વાળુ કરવાને બોલાવવાનો અવાજ, એમનો પાવડી પહેરીને રસોડામાં જવાનો અવાજ – આ અવાજો પોતપોતાનો ક્રમ જાળવીને થતા ગયા. માણસના બોલવાના અવાજથી એ ગભરાતા કારણ કે એ અવાજ હંમેશાં કોઈ ક્રમને સ્વીકારે એવું બનતું નથી. આથી એમના ઘરમાં ઓછામાં ઓછી ભાષાનો ઉપયોગ થતો. ઘરની અંદર શાન્તિનું ઊંડાણ જાણે કે પ્રશાન્ત મહાસાગરનાં જેટલું ઊંડું હતું. એના પેટાળમાં રહેતાં આ પ્રાણીઓ કાંઠે આવીને બીજો કશો અવાજ સાંભળવાની કદી હિંમત કરતાં નહીં.
કોઈ આવા વાતાવરણમાં ખડખડ હસી પડે તો ગાંડપણનો વહેમ જાય. કોઈ મોટે સાદે બોલે તો યુદ્ધપર્વ શરૂ થવાની દહેશત ઊભી થાય. બધી જ ક્રિયા શાન્તિના આચ્છાદનની અંદર રહીને સહીસલામતીપૂર્વક થતી ને એમ સંસારનો રથ ચાલતો.
હર્ષદરાય વાળુ કરીને ઊઠ્યા. ત્રીજી ચોપડીમાં ભણતો નરેશ પાટીદફતર લઈને હાજર થઈ ગયો. રસોડામાં એમનાં પત્ની સુમતિ તથા મોટી દીકરી રમા વાળુ પતાવીને બધું સંકેલવામાં ગૂંથાયાં. હર્ષદરાય ઓફિસમાંથી આણેલી ફાઇલ લઈને કામમાં પરોવાયા. ઘડિયાળમાં સાડા આઠના ટકોરા પડ્યા. સામે ઘેર લગ્ન હતાં. ત્યાંથી ચાલુ ફિલ્મોનાં ગાયનોના ઘોંઘાટનો એકાએક આ ઘરની શાન્તિ પર હુમલો થયો: આયે, દિન બહાર કે આયે, સોને કે દિન ઔર ચાંદી કી રતિયાં…
હર્ષદરાય ધૂંધવાયા ને ઊભા થયા. ઘરનાં બધાં જ ચોંક્યાં. બધાંની દૃષ્ટિ એમની તરફ મંડાઈ. ‘હવે શું થશે?’ એવો પ્રશ્ન બધાંનાં મુખ પર અંકાઈ ગયો. હર્ષદરાયની પાવડી ખખડી ને એની સાથે તરત જ જોરથી બારી બંધ થવાનો અવાજ આવ્યો. સંગીતના સૂર બંધ બારી સાથે અથડાઈઅથડાઈને પાછા જવા લાગ્યા.
હર્ષદરાય ફરી કામે વળગ્યા. નરેશનો અભ્યાસ આગળ ચાલ્યો, રસોડાનું કામ આગળ ચાલ્યું. વાસણ ધોવાનો અવાજ, નરેશની પાટી પર ચાલતી પેનનો અવાજ – આ અવાજ ફરી ઘરની શાન્તિને ખોળે ઘૂમવા લાગ્યા. નરેશને શ્રુતલેખન લખવાનો સમય થયો. હર્ષદરાયે ચોપડી હાથમાં લીધી ને બોલ્યા: સીતાજીને અશોકવનમાં એકલાં એકલાં ગમતું નહોતું (એમણે અનુસ્વારનું અત્યન્ત સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું). એમની આજુબાજુ બિહામણી રાક્ષસીઓ વીંટળાઈને બેસતી. રામચન્દ્રજી તો ખૂબ દૂર હતા. વચ્ચે મોટો સાગર હતો. સીતાજી સાગરના પર મીટ માંડીને કશું બોલ્યા વિના ગુપચુપ બેસી રહેતાં. એમ કરતાં કરતાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ – ઘણા દિવસ ને મહિના વીત્યા તોય રામચન્દ્રજીના કશા સમાચાર આવે નહીં ને સીતાજી રાક્ષસીઓની વચ્ચે અશોકવનમાં એકલાં એકલાં ઝૂર્યાં કરે.
શ્રુતલેખન પૂરું થયું. એને તપાસવામાં આવ્યું. ભૂલ બતાવવામાં આવી. ભૂલ સુધારવામાં આવી. નવનો ટકોરો થયો. નરેશનો અભ્યાસ પૂરો થયો. એ જઈને પથારીમાં સૂતો.
રસોડાનું કામ પૂરું થયું. સુમતિ વચલા ઓરડામાં આવ્યાં. એ દેવના દીવા માટે ઘીનાં પૂમડાં બનાવવા બેઠાં. રમા વાંચવા બેઠી. હર્ષદરાય ઓફિસના કામમાં આગળ વધ્યા. સંગીતના સૂર બંધ બારી સાથે અથડાતા ગયા. સમય આ ઘરમાં ચોરપગલે ચાલતો ચાલતો આગળ વધ્યો.
ઘડિયાળમાં સાડા નવના ટકોરા પડ્યા. આજે શુક્રવાર હતો. આજે ઘડિયાળને ચાવી આપવાનો દિવસ હતો. હર્ષદરાય સ્ટૂલ ઉપર ચઢીને ચાવી આપવા લાગ્યા. એ ચાવી ફરવાનો અવાજ આખા ઓરડામાં ઘૂમી વળ્યો. એથી જાણે આ આખા ઘરના જીવનને પણ ચાવી અપાઈ ગઈ. હવે અઠવાડિયા સુધી નિયમિત ક્રમે બધું ચાલ્યા કરશે, કશો વાંધો આવશે નહિ એવી તૃપ્તિની ભાવના હર્ષદરાયના મુખ પર અંકાઈ ગઈ. એઓ નીચે ઊતર્યા.
રમાને સૂવાનો સમય થયો. હવે હર્ષદરાય ને સુમતિ – બે બાકી રહ્યાં. પાણ્ડવોના સ્વર્ગારોહણની જેમ આ ઘરમાં સવારથી તે રાત સુધી જાણે કે સમયના શિખર પર આરોહણ ચાલતું. એમાં એક પછી એક વ્યક્તિ બાદ થતી જતી ને આખરે યુધિષ્ઠિર ને એના કૂતરાની જેમ હર્ષદરાય અને એમની ફાઇલ – બે જ બાકી રહી જતાં. સુમતિએ થોડી વાર સુધી સુકાયેલાં કપડાંની ગડી કરી, આવતી કાલને માટેનું શાકભાજી ચૂંટી રાખ્યું, દાળચોખા તૈયાર કર્યાં, સવારના દૂધ માટેનું વાસણ મૂકી રાખ્યું. ને આખરે દશને ટકોરે એ પણ પથારીમાં પડ્યાં.
હર્ષદરાયે ફાઇલમાં કાગળિયાં વ્યવસ્થિત ગોઠવ્યાં, ડાયરીમાં આજના દિવસનો ખરચ લખી લીધો, આવતી કાલે કરવાનાં કામોની યાદી કરી લીધી. બધું વ્યવસ્થિત ગોઠવી દીધું ને થોડી વાર આરામખુરશીમાં પડ્યા પડ્યા માળા ફેરવી. સાડા દશનો ટકોરો થતાંની સાથે એઓ પથારીમાં પડ્યા.
અંધારું થતાંની સાથે આખાય દિવસના, આ બંધ ઘરના મૌનના ભારથી દબાયેલા અવાજ બહાર નાસી જવાને તરફડી ઊઠ્યા. બહાર શરણાઈ વાગતી હતી, હવાનો વેગ વધ્યો હતો. હર્ષદરાયના ઘોરવાના અવાજ સાથે એનો અવાજ અથડાઈને બહાર ફેંકાતો હતો.
એકાએક અવાજ વધ્યો. વરઘોડો આવ્યો. હર્ષદરાયની સુષુપ્તિનો કિનારો તૂટું તૂટું થઈ રહ્યો. એમણે જાણે કોઈક અવાજ એની પીઠ પર બેસાડીને ભગાડી લઈ જવા લાગ્યો. એમણે અસહાય બનીને પાછળ નજર કરી, હાથ લંબાવ્યો. પણ એ ફાઇલ, એ ઘડિયાળ, એ પાવડી – બધાં દૂર ને દૂર સરતાં જતાં હોય એવું એમને લાગ્યું ને એઓ સફાળા બેઠા થઈ ગયા. આંખો ચોળીને જોયું તો પોતે નવી જ દુનિયામાં આવી ચઢ્યા હોય એવું એમને લાગ્યું. ખુલ્લી બારીમાંથી ચાંદની સ્વેચ્છાએ ઘરમાં વિહાર કરતી હતી, સાથે ફાગણની હવા પણ હતી. એ હવા વર્ષોની જવનિકાને ઠેલ્યા કરતી હતી, ને ઊગમણી બારીની પાસે આ કોણ? જ્યોત્સ્નાધૌત નારીદેહ કોઈ અજાણી માયાવિની શોભા ધારીને ઊભો હતો. હર્ષદરાય પાવડી પહેરવાનું ભૂલી ગયા. હળવે પગલે એઓ નારીદેહ તરફ આગળ વધ્યા. ઘરના મોભની પાછળથી થોડો વખત પહેલાં ઉચ્ચારેલા એમના શબ્દો ઘવાયેલા કૂતરાના ઘા પર માખી બણબણે તેમ એમના કાન આગળ સંભળાવા લાગ્યા: સીતાજીને અશોકવનમાં એકલાં એકલાં ગમતું નહોતું. એમની આજુબાજુ બિહામણી રાક્ષસીઓ વીંટળાઈને બેઠી હતી. રામચન્દ્રજી તો ખૂબ દૂર હતા. વચ્ચે મોટો સાગર હતો. સીતાજી સાગરના પર મીટ માંડીને કશું બોલ્યા વિના ગુપચુપ બેસી રહેતાં. એમ કરતાં કરતાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ – ઘણા દિવસ ને મહિના વીત્યા. તોય રામચન્દ્રજીના કશા સમાચાર આવ્યા નહીં. સીતાજી રાક્ષસીઓની વચ્ચે અશોકવનમાં એકલાં એકલાં ઝૂરતાં રહ્યાં…
હર્ષદરાય દૂર દૂર મીટ માંડીને ઊભા રહેલા નારીદેહને જોઈ રહ્યા ને એમના કાન આગળથી જાણે હાથ વડે પેલા ઘૂમ્યા કરતા અવાજને દૂર હઠાવવા લાગ્યા.
હર્ષદરાયે પાસે જઈને એ નારીદેહના ખભા પર હાથ મૂક્યો. સુમતિ ચોંકી, કશુંક ખરાબ કરતાં પકડાઈ ગયાની ભીતિ એના ચહેરા પર દેખાઈ; પણ હર્ષદરાયના ચાંદનીમાં રંગાયેલા મુખ પરનો ભાવ જોઈને એ પાંત્રીસ વર્ષની પ્રૌઢા જાણે બે દાયકાના ભારને ને વર્ષોના મૌનના ખડકલાને ખંખેરીને ષોડશી બની ઊઠી ને પ્રિયતમના સ્પર્શથી પુલકિત થઈ ગઈ. એ ચાંદનીમાં એના લજ્જારુણ કપોલ ઉદ્ભાસિત થઈ ઊઠ્યા. હર્ષદરાયનો ખભો હજાર પાંખડીના કમળના ભારથી ઝૂકી ગયો.
સામે ઘરે લગ્નવિધિ પૂરો થયો હતો. કંકુના થાપા કરીને નવવધૂએ પતિના ઘરમાં પ્રવેશ કર્યો ને એની સાથે જ જાણે કશુંક ઘરમાંથી ગભરાઈને બહાર નીકળી ગયું.