ગૃહપ્રવેશ/પ્રિયતમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રિયતમા

સુરેશ જોષી

બપોરની ચાનાં વાસણ માંજવા શારદા વાડામાં ગઈ. એ વાંકી વળીને બેસવા ગઈ ત્યાં કબજાના ગજવામાં ગડી વાળીને મૂકેલા કાગળે અવાજ કર્યો. શારદાએ તરત જ ગભરાયેલી આંખે ચારે બાજુ નજર ફેરવીને જોઈ લીધું કે એ અવાજ કોઈ સાંભળી તો નથી ગયું ને! વાડામાં કોઢમાં બાંધેલી અર્ધી ઊંઘતી વાછરડી ને આમતેમ દોડાદોડ કરતી બેચાર મરઘી સિવાય બીજું કોઈ નહોતું. છતાં ફરી પેલો અણસમજુ કાગળ અવાજ ન કરે એટલા માટે તેને ધીમેથી ઠપકો આપતી હોય તેમ એ બોલી: ‘ચૂપ.’

વાસણ માંજતાં માંજતાં એના હાથમાંની બંગડીના થતા રણકારને સાંભળીને એનું મન ઓર તરંગે ચગ્યું. કશીક ન સમજાય એવી અધીરતાથી એ વિહ્વળ બની ઊઠી. એ કશુંક અસ્ફુટ સ્વરે ગુંજવા લાગી પણ એના ગુંજવાનો અવાજ સાંભળીને એને પોતાની જાતની જ નવાઈ લાગી, એ ગુંજતી અટકી ગઈ. વાસણ માંજવાનું કામ પૂરું થયું. રસોડામાં જઈને વાસણ ગોઠવ્યાં ને કશું કરવાનું નહીં સૂઝતાં એ વળી વાડામાં આવીને ઊભી રહી. વાછરડી પાસે જઈને વહાલથી પંપાળી. પેલા કાગળમાંની વાત વાછરડીના કાનમાં કહી દેવાને એ લલચાઈ. પણ તરત જ એ પોતાની આ મૂર્ખાઈ પર હસી પડી. એ કાગળમાં શું લખ્યું છે તેની એને પોતાને જ ક્યાં ખબર હતી! ને છતાં વાંચ્યા વગર, મનમાં ને મનમાં કેટલીય વાર પોતાની કલ્પનાથી આખા કાગળમાં શું લખ્યું હશે તેનું એ રટણ નહોતી કરી ચૂકી!

વાડામાંના આંબાની ઓથ લઈને કબજાના ગજવામાંથી કાગળ કાઢીને વાંચી લેવાની એને પ્રબળ ઇચ્છા થઈ. એ તરફ એ વળી પણ ખરી પણ તરત જ મનમાં થયું: ‘એવી ઉતાવળ શી છે?’ ને એ પાછી વળી. એ આનન્દ જતો કરવાની એની ઇચ્છા નહોતી. એણે કોણ જાણે કેટલામી વાર એ દૃશ્યને ફરી મનની આંખ સામે ધારીને જોવા માંડ્યું: ગામને પાદરે, દવાખાનાના વળાંક આગળ, એકસાથે જૂથમાં ઊભેલી આમલીઓ વચ્ચે થઈને એ મલેરિયાથી પટકાઈ પડેલી માની દવા લેવા જતી હતી ત્યારે એકાએક એને કોઈએ ધીમેથી બોલાવી હોય તેવું લાગ્યું. સવારનો વખત હતો છતાં પહેલાં તો એ ચમકી, બીધી ને પછી સાવધ બનીને એણે આજુબાજુ નજર ફેરવી. પછી જોયું તો બલ્લુકાકાનો હેમન્ત! એને શું કામ પડ્યું હશે! એ ઘડીભર સ્તબ્ધ બનીને એની સામે જોઈ જ રહી. ત્યાં અધીર બનીને હેમન્તે એને હાથ કરીને પાસે બોલાવી. શબ્દને બદલે ઇશારાના થતા ઉપયોગથી એ વિચારમાં પડી ગઈ. એ પૂતળાની જેમ આગળ વધી. શિયાળાની સવારે એને શરીરે પરસેવો વળી ગયો. એ હજુ તો હેમન્ત સામે તાકી જ રહી હતી ત્યાં હેમન્તે ઝટ લઈને કશુંક એના હાથની આંગળીઓમાં ભરાવી દીધું. એમ કરવા જતાં હેમન્તનો હાથ એને સ્પર્શી ગયો. એ સ્પર્શથી ફરી ચોંકી ઊઠી ને આપોઆપ એક ડગલું પાછળ હઠી ગઈ. એના હાથમાંથી કાગળ નીચે પડી ગયો. હેમન્ત ધીમેથી પાસે આવીને લગભગ એના કાન પાસે મોઢું લાવીને બોલ્યો: ‘શારદા, કાગળ લઈ લે, જલદી, કોઈ જોઈ જશે!’

હેમન્તનો ઉષ્ણ ઉચ્છ્વાસ એના કર્ણમૂળને સ્પર્શી ગયો. એને કારણે હેમન્તે શું કહ્યું તે સમજવાની સાન એ સાવ ખોઈ બેઠી ને ચિત્રવત્ ત્યાં ને ત્યાં ચકળવકળ જોતી ઊભી જ રહી ગઈ. હેમન્તે સહેજ દૂર સરી જઈને ઇશારો કર્યો, નીચે પડી ગયેલા કાગળ તરફ આંગળી ચીંધી. એ ભાનમાં આવી. એણે કાગળ ઉપાડી લીધો ને ઝટઝટ ગડી વાળીને કબજાના ગજવામાં સેરવી દીધો. પછી નજર કરી તો હેમન્ત નહોતો. એ પણ જલદી જલદી, જાણે કશું જ બન્યું નહીં હોય તેમ દવાખાના તરફ વળી.

એ સન્તોષથી હસી. આખું દૃશ્ય બરાબર ગોઠવાઈ ગયું. કશું બાકી રહી તો નથી જતું ને! એણે ફરી આખા દૃશ્ય પર એક નજર નાખી લીધી. ને ફરી વાર આંગળીને થયેલો પેલો સ્પર્શ સજીવ થઈ ઊઠ્યો, કાન આગળ પેલા ઉષ્ણ ઉચ્છ્વાસનો સ્પર્શ થયો. એને યાદ આવ્યું: મઘમઘતા મોગરાની વેણી પહેરીને એક દિવસ એ સૂઈ ગઈ હતી. પણ મોગરાની સુવાસ એને ઊંઘવા દે જ નહીં. થોડી વાર સુધી તો એને કશું સમજાયું જ નહીં. પછી એણે ગુસ્સે થઈને મોગરાની વેણી ઉતારીને ફેંકી દીધી ને ઘસઘસાટ ઊંઘી ગઈ. પણ આ ઉષ્ણ ઉચ્છ્વાસના સૌરભભર્યા ઉત્તાપને એ શી રીતે ફેંકી દે? એ તો એને શ્વાસે શ્વાસે ઘૂંટાતો જતો હતો. એ વધુ ને વધુ વિહ્વળ બનતી જતી હતી. ગલગોટાનાં ફૂલ ઉપર ઊડી રહેલી પતંગિયાંની હારને એ જોવા લાગી. ત્યાં એકાએક અંદરથી એની માએ બૂમ પાડી ને એ ઘરમાં ગઈ.

માને તાવ ચઢતો હતો, ટાઢ વાતી હતી. એણે માને ધાબળો ઓઢાડ્યો ને પછી ખાટલાની એક કોરે બેસીને માને હાથ ફેરવવા લાગી. મા ચઢતા તાવના ભારથી કણસતી ‘ઓ ભગવાન, હે પ્રભુ’ બોલ્યે જતી હતી. થોડી વાર સુધી શારદા માનું એ રટણ સાંભળતી રહી. પણ તરત માનું એ રટણ સંભળાતું બંધ થયું ને એ તરંગે ચઢી: ‘હવે નન્દિનીને ખબર પડશે. આજ સુધી મને ચીઢવતી હતી. પણ આજે આરતીને વખતે મહાદેવમાં મળશે ત્યારે આ કાગળની વાત કહીશ એટલે એ ઊભી ને ઊભી સળગી જશે. એ જોવાની કેવી મજા આવશે! એ એમ માને છે કે જાણે રૂપ તો એને એકલીને જ મળ્યું છે. હું કંઈ કમ નથી. નહીં તો હેમન્ત –’ હેમન્ત આગળ આવીને એ અટકી. એકાએક શરમાઈ ને નીચું જોઈ ગઈ. એ નામ મનમાં લેતાં પણ એ શરમાઈ જતી હતી. આ શરમના ભારથી મન આગળ ઉપસાવેલી પેલી રેશમી ભાતનો તન્તુ તૂટી ગયો ને ફરી માનું ‘હે ભગવાન, હે પ્રભુ’નું રટણ એને સંભળાવા લાગ્યું. માનો તાવ વધતો જતો હતો. ઘરમાં બીજું કોઈ હતું નહીં.

માએ કહ્યું: ‘ શારદા, દવાનો ભાગ આપ તો.’

એ દવા લેવા ઊઠી. કબાટના ધુમાડાથી ઝાંખા બનેલા કાચમાં એણે પોતાનું પ્રતિબિમ્બ જોયું ને એ સહેજ ઊભી રહી ગઈ. હેમન્તની આંખે એ પોતાને જોવા લાગી. ને એને નન્દિનીના શબ્દો યાદ આવ્યા: ‘તારી સામે કોણ જુએ? જોને તારું નાક? કેટલું પહોળું થઈને પથરાયું છે! ને તારી આગળ ધસી આવેલી દાઢી ને આ ઝીણી ઝીણી આંખ…’ એ અટકી. નન્દિનીની વાત ખોટી નહોતી. પણ તેથી શું? હેમન્તને જો એ ગમતી હોય તો પછી નન્દિની ભલે ને ગમે તે કહે! ને એ ફરી પોતાના પ્રતિબિમ્બને ધારીધારીને જોવા લાગી. ત્યાં માએ બૂમ પાડી: ‘શારદા, ઓ શારદા! વળી ક્યાં ટળી? છોકરીનું કશામાં ચિત્ત જ નહીં ને! લાવ, દવા લાવ.’

શારદાએ પોતાની જાતને કબાટ આગળથી ખસેડી. દવા લીધી ને માને પાઈ. દિવસ નમવા આવ્યો હતો. જો મા થોડી વાર જંપે તો અંધારું થાય તે પહેલાં ઉપર મેડીએ જઈને કાગળ વાંચી લેવો એવું એણે મન સાથે નક્કી કર્યું. ને એ વળી ખાટલાની ધારે બેઠી બેઠી માને માથે હાથ ફેરવવા લાગી. માનું કણસવાનું ચાલુ જ રહ્યું. એકાએક એના મનમાં વિચાર આવ્યો: ‘ધારો કે એણે મને સાંજ પહેલાં ક્યાંક મળવાનું લખ્યું હોય તો! ને મેં મૂરખીએ હજુ તો કાગળ ખોલ્યો સરખો નથી!’ આ વિચારથી એ વળી ખૂબ અધીર બની ઊઠી. એનાથી ઊભા થઈ જવાયું. એ ફરી વાડામાં ગઈ. જઈને જોયું તો ગલગોટા સાંજના પવનથી લહરીના લયે ઝૂલતા હતા, વાછરડીની નજર ઝાંપા તરફ હતી, ગાયને આવવાનો વખત થયો હતા. દૂરનાં છાપરાંઓમાંથી ધુમાડો નીકળતો હતો. સાંજના ચૂલા સળગી ચૂક્યા હતા ને એણે તો હજુ કશું કર્યું નહોતું. એક વાત યાદ રાખવા જાય તો બીજી ભુલાઈ જતી હતી. પહેલાં શું કરવું તેનો વિચાર કરતી વળી એ થોડી વાર ઊભી રહી ગઈ. ત્યાં તો ગાય આવી. વાછરડીએ કૂદાકૂદ કરી મૂકી. ગાયને એણે બાંધી, દૂધ દોહવાની તામડી અંદરથી લઈ આવી ને વાછરડીને છોડી. વાછરડી માથું મારતી જાય ને ધાવતી જાય. શારદા મુગ્ધ બનીને એ જોઈ રહી. પછી એકાએક એને ભાન આવ્યું. વાછરડી બધું દૂધ ધાવી જશે તો! ને એણે વાછરડીને ખેંચીને ફરી બાંધી. દૂધ દોહવા માંડ્યું. દૂધની પહેલી સેર તામડીમાં પડતાં જે અવાજ થયો તેને એ કાન દઈને સાંભળી રહી. એ અવાજથી ફરી એ વિહ્વળ બની. ઘડીઘડીએ પોતાની જાત પરથી કાબૂ જતો રહેશે કે શું એવી એને ભીતિ લાગવા માંડી. એણે દૂધ દોહવાનું પૂરું કર્યું ને વાછરડીને ફરી છોડી. વાછરડી ગેલમાં આવી ગઈ ને ધાવવા લાગી. ફરી એને બાંધવા ગઈ ત્યારે વાછરડી એને ગાંઠી નહીં. વાછરડી એના હાથમાંથી દોરડી છોડાવીને આખા વાડામાં કૂદાકૂદ કરવા મંડી. એની અડફડમાં આવતાં મરઘીઓએ કકલાણ મચાવી મૂક્યું. શારદા વાછરડીની પાછળ દોડી, પણ વાછરડી એના હાથમાં આવતી નહોતી. એક વાર તો દોરડી માંડ હાથમાં આવી ને છૂટી ગઈ. વાછરડીની પાછળ શારદા પણ કૂદાકૂદ કરવા મંડી. એનામાં કોણ જાણે ક્યાંથી નવું બળ આવ્યું. વાછરડીને પકડવાની વાત એ લગભગ ભૂલી ગઈ. સાંજના પવનની લહેર સાથે એ ફેરફુદરડી ફરવા લાગી, આકાશની તારામઢી ચૂંદડી એને અંગે લપેટાઈ ગઈ, નદી એની સહિયર બનીને ગરબે ઘૂમવા લાગી, વાંસના વનમાં શરણાઈ બજી ઊઠી, એનાં કર્ણમૂળ આગળ હજારો મોગરા મહેકી ઊઠ્યા…

ત્યાં માએ અંદરથી બૂમ પાડી: ‘શારદા, આ શી ધમાચકડી મચાવી છે? મારો જીવ જવા બેઠો છે ને તું આવડી મોટી ઢાંઢા જેવી થઈ છે તોય…’ આટલું બોલતાં મા હાંફીને અટકી ગઈ.

શારદાએ વાછરડીને બાંધી માને સુવડાવી. પછી રસોડા તરફ વળી. બાપુને સીમમાંથી આવવાનો વખત થયો હતો. સાંજના છની બસ આવી ગઈ હતી. એ તુલસીના ક્યારા આગળ ઘીનો દીવો કરવા ગઈ. દીવો કરીને એણે હાથ જોડ્યા, આંખ બંધ કરી, મહાદેવનું ધ્યાન ધર્યું પણ આંખ સામે જુદી જ મૂતિર્ દેખાઈ. એણે ગભરાઈને આંખો ખોલી નાખી ને કોઈ ન જુએ તેમ કબજાના ગજવામાંથી કાગળ બહાર કાઢ્યો. એની ગડી ઉકેલતાં એની આંગળી કમ્પવા લાગી. સાંજના ઝાંખા અંધારામાં ઘીના દીવાને અજવાળે એ કાગળ વાંચવા લાગી:

‘પ્રિયતમા…’

આ શબ્દ વાંચીને એ શરમાઈ ગઈ. એ શબ્દને એણે પાસાદાર હીરાની જેમ ચારે બાજુથી ધારીધારીને જોયા જ કર્યો, મનમાં રમાડ્યા જ કર્યો, થાબડ્યા જ કર્યો. ત્યાં મન્દિરની આરતીનો અવાજ સંભળાયો ને એ આગળ વધી:

‘કાલથી તને મળવાની તક શોધું છું. પણ તું ભારે ચાલાક છે. બે વાર તો તું હાથતાળી આપીને છટકી ગઇ. તું રિસાઈ છે? રિસાઈ હોય તો તું કહે તેવી રીતે તને મનાવી લઉં. તારા સિવાય કશામાં મારું મન ચોંટતું નથી. આવી ચાંદની રાતે તારા ખોળામાં સૂતાં સૂતાં એકસાથે બે ચન્દ્રનાં દર્શન કરવાનું મને મન છે. નદીને કાંઠે પેલા પથ્થરોની વચ્ચે તું આવીને મારી રાહ જોજે. તારે રાહ જોવી નહી પડે, હું ત્યાં હોઈશ જ. તું દૂરથી મારા તરફ ચાલી આવતી હોય છે ત્યારે તું ન જાણે તેમ હું તને લપાઈને જોયા કરું છું, એ મને ખૂબ ગમે છે. તો તું આવીશ ને? આ કાગળ તને શારદા મન્દિરની આરતી વખતે આપશે. એ બાઘી બરાબર સમજી નહીં હોય એવું મને લાગ્યું પણ શું કરું? નન્દિની, નન્દિની, નન્દિની, જલદી આવ.

– હેમન્ત’

કાગળ શારદાની પહોળી થયેલી આંગળી વચ્ચેથી સરી ગયો. શારદા રસોડા તરફ વળી. ચૂલામાં લાકડાં સળગાવ્યાં. ધુમાડાથી એની રાતી આંખોમાં પાણી ભરાયાં. સાંજના છેલ્લા કિરણની શિખાએ આંસુ સળગી ઊઠ્યાં.