ગૃહપ્રવેશ/રાત્રિર્ગમિષ્યતિ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાત્રિર્ગમિષ્યતિ!

સુરેશ જોષી

બારણાની ઘંટડી વાગી. લીલાએ ઘડિયાળ તરફ જોયું. દશ વાગવા આવ્યા હતા. ધનંજય હશે? પણ એનો તો હજુ આજે જ કાગળ આવ્યો છે. એ તો બે દિવસ મોડો આવવાનો છે. તો આટલી રાતે કોણ હશે? આવા વિચાર કરતી ધનંજયને જોવાની આશાએ એ બારણા સુધી પહોંચી. એણે બારણું ખોલ્યું.

‘ધનંજય શ્રોફ અહીં જ રહે છે ને?’

‘હા.’

થોડી વાર સુધી એ અપરિચિત આગન્તુકને જોઈ જ રહી. બંને એકબીજાંને જોઈ રહ્યાં. પછી આ પરિસ્થિતિની વિચિત્રતાનો કેમ જાણે બંનેને એક સાથે ખ્યાલ આવ્યો હોય તેમ લગભગ એકસાથે બંને બોલવા ગયાં:

‘શું કામ હતું?’

‘તો હું…’

લીલા અંદર વળી. અંદર જતાં જતાં કહ્યું: ‘આવો ને!’

આગન્તુકે કહ્યું: ‘હું મધુકર, ધનંજયે તમને કોઈ વાર મારે વિશે કહ્યું હશે.’

‘ઓહ, તમે મધુકર? તમારી તો એમણે ખૂબ વાતો કરી છે.’

‘ધનંજયે પણ મને તમારે વિશે ઘણું કહ્યું છે.’

‘આવો, તો આપણે ધનંજયની ગેરહાજરીમાં એકબીજાંની સાચી ઓળખાણ કરી લઈએ.’

આ વાક્ય બોલી નાખ્યા પછી લીલાને પોતાને વિશે જ આશ્ચર્ય થયું. ધનંજયની ગેરહાજરીને એ આવકારે છે એવો અર્થ તો કદાચ એ એમાંથી નહીં કાઢે ને? પણ એને એવું કશું કરવાની તક ન મળે તે માટે તે તરત જ જલદી જલદી બોલી ઊઠી: ‘જુઓ, આ ઓરડો તમને ફાવશે ને? ખાસ કશી તકલીફ નહીં પડે તમને. હા, રાતે એક મોટો ઉંદર પાઇપ પરથી ચઢીને બારીમાં થઈને અહીં આવે છે ખરો! પણ એને તો તમે પહોંચી વળશો, ખરું ને?’

‘ને નહીં પહોંચી વળી શકું તો તમે ક્યાં દૂર છો?’

લીલા સહેજ થંભી ગઈ. આવનારને કશું અસ્વાભાવિક નહીં લાગે? પોતાના હૃદયમાં અણજાણપણે કશીક ભીતિનો સંચાર થઈ રહ્યો છે તેની જાણ કોઈ રીતે એને ન થાય તે માટે એ બને તેટલી આત્મીયતા દર્શાવવા મથી રહી હતી. એને લાગ્યું કે થોડી વાર એ મધુકરની ઉપસ્થિતિમાંથી દૂર થાય, એકલી પડે ને પછી જરાક વધારે સ્વસ્થતાથી પરિસ્થિતિને સાચવી લે તો ઠીક. તેથી એણે કહ્યું: ‘તમે શું લેશો? કાંઈક તો ખાશો ને?

‘ના, આટલી રાતે તકલીફ શા માટે લેશો?’

‘વારુ, તકલીફ નથી લેતી. પણ આ તમારો કરંડિયો સાવ ખાલી તો નથી લાગતો, તમને સંકોચ થતો હોય તો ચાલો, હુંય થોડો ભાગ પડાવું.’ એમ કહીને એ અનુમતિ મેળવ્યા વગર જ કરંડિયા તરફ વળી. મધુકર બેઠો બેઠો જોઈ જ રહ્યો. લીલાએ કહ્યું: ‘આમ બેસી રહેશો તે નહીં ચાલે, ઊઠો.’ ને એનો હાથ પકડીને ખેંચીને લીલા એને કરંડિયા પાસે લઈ આવી.

‘અરે વાહ, કોને ખબર હતી કે નસીબમાં આજે મિષ્ટાન્ન હશે!’ એમ કહીને એ અંદરથી નીકળેલી મીઠાઈ ખાવા લાગી. મીઠાઈ ખાતી ખાતી વિચારવા લાગી: ના, વાત સરળ નથી. આ માણસ હજુ અંદર ભરાઈ બેઠો છે. સાવધ તો રહેવું જ પડશે. ખૂબ વાતો કરવી પડશે. હસવું પડશે. જો સહેજ સરખો અવકાશ ખાલી રહેશે તો…

પછી બોલી: ‘ધનંજય તો કહેતો હતો કે તમે તો ભારે બહાદુર આદમી છો, સભાઓ ગજાવો છો, સાહસો ખેડો છે…’

મધુકરે કહ્યું: ‘તમે મને જોઈને નિરાશ થયાં?’

લીલા બોલી: ‘નિરાશ? ના, હજુ તમારે વિશે છેક આશા છોડી દીધી નથી. દશેક મિનિટમાં જ તમારે વિશે અભિપ્રાય બાંધી લઉં તો કદાચ તમને અન્યાય કરી બેસું.’

મધુકરે પૂછ્યું:, ‘તો મારે કાંઈક સાહસ કરી બતાવવું પડશે, એમ?’

લીલાએ કહ્યું: ‘હા, મારી પાસે બેસીને સાવ નિર્ભીક બનીને મારી જેમ ખાઈ શકશો?’ને એ હસી.

એને લાગ્યું: મધુકરે હસવું જોઈએ, બોલવું જોઈએ, એ જાણીકરીને પાછળ રહીને મનમાં કશુંક ગોઠવે છે. એની જાણ થવા દેતો નથી. એણે મધુકરને ફરી એક વાર દૃષ્ટિથી માપી લીધો: હા, આંખ છેતરામણી છે. એ આંખની પાછળ એક લુચ્ચું મન બેઠું છે. એ મનની પાછળ ધસમસતા લોહીનો પડકાર છે… એ એકાએક અટકી ગઈ. આટલો બધો વખત શાન્ત રહેવું ખતરનાક હતું. પણ આ વખતે પેલી ભીતિને સ્થાને દ્વન્દ્વયુદ્ધમાં ઝંપલાવવાની તત્પરતા પોતાનામાં ઉદ્ભવતી દેખાઈ. કોણ જાણે કેમ આ માણસને હારેલો દયામણો બનેલો જોવાની એને ઇચ્છા થઈ પણ એ સાવધ બની: કદાચ આ પ્રલોભન એની ચાલબાજીનું એક અંગ તો નહીં હોય! ને ફરી ભયનો એક આછો કમ્પ એની શરીરમાંથી પસાર થઈ ગયો.

આખરે એ જ બોલી: ‘મારાથી ગભરાતા હો તો લો, હું આ ચાલી. હું રસોડામાં જઈને ચા બનાવી લાવું છું.’ ને એ રસોડા તરફ વળી. મધુકર કશું બોલ્યો નહીં. પણ લીલાને લાગ્યું કે એની દૃષ્ટિ પાછળ પાછળ આવી રહી છે. આવી રહી છે તો ભલે, હુંયે જોઉં તો ખરી… ને એ ફરી અટકી પડી.

રસોડામાં આવીને એ સ્વસ્થ બની. એ જ પરિચિત સામગ્રીઓ, એ જ પરિચિત સ્ટવનો અવાજ, એ જ પરિચિત ક્રિયાઓ… આ પરિચિતતાની કિલ્લેબંદીની અંદર રહીને ગમે તેટલી મોટી અપરિચિતતાનો એ સામનો કરી શકશે એવું એને લાગ્યું. એ કશુંક ગુંજવા લાગી.

પણ મધુકર ઘેરો ઘાલનાર દુશ્મનની જેમ સ્થિર થઈ રહ્યો. એ દૃઢતાની સામે કશુંક શસ્ત્ર શોધવાની લીલાને જરૂર લાગી. એણે ચા લાવીને મૂકી. મધુકરે ચા પીવા માંડી. એ ક્રિયામાં એ સ્વાભાવિક દેખાયો પણ એ ક્રિયા પણ આખરે તો પૂરી થઈ. લીલા અકળાઈ. એની પાસે એક ખોટું પગલું ભરાવવું જોઈએ તો જ એનું જોર ભાંગી પડશે.

બહાર બધું સૂમસામ હતું. સહેજ સરખો પવન વાતો નહોતો. લીલાએ બારીઓ ખોલી નાખી. શેરીના દીવા, રસ્તા પર રડ્યોખડ્યો દેખાતો કોઈ માણસ, એક ખૂણામાં વાગોળતી બેઠેલી ગાય – રસ્તા પરની સૃષ્ટિની બધી જ વીગતોને એ જાણે પોતાની ઓરડીમાં વસાવવા લાગી. એની ખીચોખીચ વસતીની વચ્ચે એ પોતાની જાતને ખોઈ દેવાને ઇચ્છવા લાગી. ત્યાં મધુકરે કહ્યું: ‘ભાભી!’

લીલા એ ‘ભાભી’ શબ્દને મનમાં ને મનમાં ચારે તરફ ફેરવીને તપાસવા લાગી. એને પોતાનામાં પ્રવેશ કરાવતાં પહેલાં એની નિરુપદ્રવતાની ખાતરી કરી લેવી એને જરૂરી લાગી. મધુકરે ફરીથી કહ્યું: ‘ભાભી!’

આ વખતે ઉચ્ચારેલા એ જ શબ્દમાં કશોક અજાણ્યો સંકેત છુપાયો હોય એવો એને સન્દેહ થયો. પણ એ પોતાના જ નબળા મનની આશંકા તો નહીં હોય?

ને એ બારીએથી પાછી વળી. એણે કહ્યું: ‘શું?’

મધુકરે કહ્યું: ‘તમને ઊંઘ નથી આવતી?’

‘તમે આવ્યા ન હોત તો અત્યાર સુધીમાં ક્યારની ઘોરતી હોત.’

‘ભાભી, તો તમે નાહક મારે ખાતર થઈને શા માટે જાગી રહ્યાં છો?’

લીલાને લાગ્યું કે એ પકડાઈ ગઈ છે. આ જાગતા રહેવાની પાછળ કશીક ભીતિ છે તે એ કળી ગયો છે. આથી એ સહેજ ધૂંધવાઈને બોલી: ‘તમારે ખાતર? ના રે ના…’ પણ પોતાના શબ્દોમાં એને પોતાને જ વિશ્વાસ ન બેઠો એટલે એણે વાક્ય અર્ધેથી છોડી દીધું.

પછી કહ્યું: ‘વારુ, તો તમને બીજું કશું જોઈતું કરતું તો નથી ને?’

મધુકરે કહ્યું; ‘ના.’

ને લીલાને એકાએક વિચાર આવ્યો: ચાની અંદર થોડું બ્રોમાઇડ નાંખી દીધું હોત તો એય.. ને એને હસવું આવ્યું.

પછી ફરી એક વાર પૂછ્યું: ‘વારુ, તો હું જાઉં?’

મધુકરે કહ્યું: ‘હા.’

ને એ પોતાના ઓરડા તરફ વળી. પોતાના ને મધુકરના ઓરડા વચ્ચેના બારણાનો આગળો વાસવા જતી હતી ત્યાં એને થયું: એથી તો હું જાણે મારી હાર કબૂલ કરી લઉં છું. ના ના, હું તો એને કહીશ કે લો, બારણું ખુલ્લું છે, હું – એક સ્ત્રી – અહીં છું ને છતાં મને કશી ભીતિ નથી.

એણે એના ઓરડામાં આવીને કહ્યું: ‘કાંઈ જોઈએ કરે તો મને ઉઠાડજો, આ બારણું અમથું જ વાસ્યું છે.’

લીલાએ દીવો બુઝાવી નાખ્યો. બાજુના ઓરડામાંનો દીવો પણ થોડી વાર પછી બુઝાઈ ગયો. અન્ધકાર અને નિસ્તબ્ધતા વચ્ચે ઘડીભર એ પોતાને શોધતી રહી. ધીમે ધીમે અન્ધકારમાંથી ઓરડામાંની વસ્તુના આકાર આછા આછા વરતાવા લાગ્યા. એણે પોતાના ટોઇલેટ ટેબલ પર નજર કરી. એ હતું છતાં એનો અડધાથીય ઉપરનો ભાગ અન્ધકારમાં ભળી ગયેલો હોવાથી એ જાણે નહોતું. એણે પોતાના તરફ નજર કરી. અવકાશની વચ્ચે થોડીક ઊપસી આવેલી આકૃતિ, નિસ્તબ્ધતાના પટ પર અંકાતી હૃદયના ધબકારની ભાત, એ ધબકાર ચારે બાજુની સૃષ્ટિના સ્પન્દનથી જુદો વરતાતો નથી, એ આકૃતિને ચારે બાજુના અવકાશમાં વિસ્તરેલા અર્ધસ્પષ્ટ આકારોથી જુદી પાડીને વિશેષ સંજ્ઞા આપવાનું કશું પ્રયોજન રહ્યું નથી. નિવિર્શેષતામાં ધીમે ધીમે એ પોતાની આકૃતિને ઓગળતી જોઈ રહી, ઓગળીને વહી જતી જોઈ રહી. એમાં એક છાયા પડે છે, એ છાયા એ પ્રવાહમાં ઓગળતી નથી: બીજી છાયા પડે છે, એ પણ ઓગળતી નથી. આખરે એ છાયા ભુંસાઈ જાય છે – કેવળ પ્રવાહ વહેતો રહે છે. એ આવીને ભુંસાઈ જતી છાયાઓને જોઈ રહે છે.

‘ભાભી!’

નિસ્તબ્ધતાના ઘુમ્મટમાં ઘૂમરાઈને એક અવાજ એની પાસે આવે છે. એને એ ધ્વનિ તરીકે જ ઓળખે છે. એ ધ્વનિના સંકેત બધા ઓગળી ગયા છે. એને ફરી ઘડવાનો શ્રમ કરવાની એને ઇચ્છા નથી.

ફરી એ ધ્વનિ ‘ભાભી’ એની પાસે આવે છે. એ ધ્વનિ છાયાનું રૂપ ધારણ કરે છે. અવકાશમાં અન્ધકારના અણુઓમાંથી એક આકૃતિ ઊપસતી હોય એવું એને લાગે છે – માતાના ગર્ભના અન્ધકારમાં જેમ શિશુની આકૃતિ ઊપસતી જાય તેમ. એ પોતે ચારે બાજુથી ઢાંકીને રહેલા સંરક્ષક અન્ધકારની જેમ એ આકૃતિને પોતાની અંદર લઈને સંરક્ષી રહી છે. એને ચારે બાજુથી ઘેરી લઈને એની આકૃતિની રેખાને ફૂટતી જોઈ રહી છે. જેમ જેમ રેખાઓ ફૂટતી જાય છે તેમ તેમ અવકાશ અને અન્ધકાર જાણે ઘટ્ટ બનતા જાય છે. વધુ ને વધુ ઘટ્ટ… સૃષ્ટિના આદિ કાળનાં જળનો ઘુઘવાટ, આદિ વનસ્પતિના મર્મરનો છન્દ, નક્ષત્રોની નિષ્પલક દૃષ્ટિનું સ્થિર તેજ, પૃથ્વીની ધરી પરની ગતિનો લય – આ બધું એમાં મળતું જાય છે ને કશોક સંચાર એની નાડીમાં થાય છે. એ સંચારનો કોઈ નિશ્ચિત સંકેત નથી, એ સંચારમાંથી ગતિ માત્રને જાણે એનો લય પ્રાપ્ત થાય છે. એ લયની બહાર કશું નથી. એ લયના પ્રચણ્ડ આકર્ષણે બધું એક કેન્દ્ર તરફ ઘસડાઈ આવે છે, ઘસડાતું જ આવે છે, એના પ્રસારેલા બાહુની વચ્ચે બધું સમાતું જાય છે, એની બહાર કશું નથી, કોઈ નામ કોઈ સંજ્ઞા – કશું એની બહાર નથી…

ધીમે ધીમે બે નાનકડી હસતી આંખો ને દાંત વિનાના હોઠ ને એની વચ્ચેનું ફૂલગુલાબી હાસ્ય એ લયના પ્રચણ્ડ આવેગમાંથી કંડારાઈને દેખા દે છે. ભરતી ઓસરે છે, બધું યથાસ્થાને પાછું વળે છે, ધીમે ધીમે… ધીમે ધીમે…

લીલાએ ધીમેથી આંખો ખોલી… ચારે બાજુથી ઓસરતા જતા પૂરની વચ્ચે એ જાણે સ્થિર ઊભી છે, જે કોઈને સ્થિર થવું હોય તેને નિમન્ત્રતી, આધાર આપતી એ સ્થિર ઊભી છે… ને એની આ સ્થિરતાની છાયામાં સાવ વિશ્વસ્ત બનીને, નિ:શંક નિર્ભીક બનીને મધુકર સૂઈ રહ્યો છે. એને મધુકર કહો કે ન કહો, એનો કશો ઝાઝો અર્થ નથી. પણ જો કહેવું જ હોય તો ભલે કહો મધુકર. ને એ મધુકર છે તો લીલાને લીલા પણ ભલે કહો… એનો કશો ઝાઝો અર્થ નથી. અથવા તો એનો અર્થ એટલો પ્રશસ્ત છે, વિસ્તૃત છે કે એમાં ધનંજય પણ છે, દ્ધ છે, દ્દ છે, ક્ છે..

લીલાએ અવાજ સાંભળ્યો: ‘ભાભી!’

ને એણે કહ્યું: ‘મધુકર!’ એના મુખમાંથી ફૂલની હળવી સુવાસના જેવો, દૂરદૂરના અજાણ્યા તારાની ક્ષીણ પણ સ્થિર પ્રકાશરેખાના જેવો એ શબ્દ… એને કેવળ પોતાનામાં સમાવી દેવાનું એને મન થયું નહીં. એને એણે વિસ્તરવા દીધો, વ્યાપવા દીધો… ધનંજય સુધી દૂર દૂર, પ્રભાતના પ્રકાશનાં કિરણોની સાથે એને વિસ્તરવા દીધો.