ગૃહપ્રવેશ/સેતુબન્ધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સેતુબન્ધ

સુરેશ જોષી

સામાન ઉતરાવીને ઘરમાં પગ મૂકતાં ‘ભાઈ, આવ્યો? શરીર કેમ આમ દૂબળું લાગે છે?’ એવા એની માના વાત્સલ્યભર્યા પ્રશ્નની નીલકણ્ઠને અપેક્ષા હતી પણ કોઈ કશું બોલ્યું નહીં.

બાપુ એક ખૂણે સવારનું પેપર ઉથલાવતા બેઠા હતા. તેમણે ચશ્માંના કાચમાંથી સહેજ આંખ ઊંચી કરીને જોયું ને ફરી પેપર તરફ નજર વાળી લીધી. માંદગીની પથારીમાં પક્ષાઘાતથી પટકાઈને પડેલા દાદાજીની એક આંખ તેના તરફ ફરી, થોડી વાર સુધી નિષ્પલક એના તરફ મંડાઈ રહી ને પછી પાછી વળી ગઈ. નાહવાને માટે બંબો સળગાવાતો હતો તેનો ધુમાડો આંખમાં જવાથી નીલકણ્ઠને ઝળઝળિયાં આવી ગયાં. ક્યાં બેસવું, શું કરવું તેની વિમાસણમાં પડ્યો. એણે ઘરમાં નજર ફેરવી.

એક તરફ એક ખુરશી ખાલી પડી હતી. સાવ ઉદાસીન, પરાઙ્મુખ, આ ઘરની આબોહવાને અનુકૂળ – એના પર જઈને એ બેઠો. ખુરશીના સ્પર્શે જાણે એના પર ગુજારેલા અત્યાચારની ફરિયાદ કરી. એક જગ્યાએ સ્થિર થઈને બેસવાથી એને એક કેન્દ્ર મળ્યું અને એ કેન્દ્રે રહીને એ પોતાની જાતને અહીં શી રીતે ગોઠવવી તે વિચારવા લાગ્યો.

ત્યાં બહારથી દૂધની શીશી લઈને એની નાની બહેન પૂણિર્મા આવી. એના મોઢા પર હાસ્ય ફરકી ગયું ને બીજા ઓરડામાં જઈને એણે માને વધામણી આપી: ‘મા, મોટાભાઈ આવ્યા!’ એના જવાબમાં ઘનીભૂત ઉપેક્ષાના જેવા ‘જાણ્યું, શું છે તેનું?’ શબ્દો સંભળાયા. આમ છતાં પૂણિર્માના હાસ્યથી નીલકણ્ઠને જાણે ટકી રહેવા જેટલું સ્થાન મળી ગયું. એની આશ્રયદાતા બહેનને પુરસ્કાર રૂપે કશુંક આપવાને એણે ટ્રન્ક ખોલી. એમાંથી ફ્રોક અને બ્લાઉઝને માટેનું રેશમી કપડું, કાશ્મીરના નકશીકામવાળા લાકડાના દાબડા, દાદાજીને માટેનું ગરમ કપડું, સૂકો મેવો, બાપુ માટેની શાલ – એ બધું એણે કાઢ્યું. પૂણિર્મા ઉત્સાહથી રેશમી કપડું લઈને બીજા ઓરડામાં માને બતાવવા દોડી. વળી નીલકણ્ઠે પહેલાંના જેવા જ શબ્દો સાંભળ્યા: ‘તેં કેમ જાણ્યું કે એ તારે માટે લાવ્યો છે? એ તો હશે કોઈક બીજી માટે.’

પૂણિર્મા કશું સમજી શકી નહીં. એ કપડું પાછું લાવીને નીલકણ્ઠની ટ્રન્કમાં મૂકી ગઈ. વસ્તુઓનો ઢગલો એમ ને એમ પડી રહ્યો. એ ઢગલા ભેગો પોતે પણ ચારે તરફથી ઘેરી વળતી ઉદાસીનતાથી કચડાતો ઢગલો થઈને બેસી રહ્યો. ત્યાં ચા આવી, ચા પીવાની ક્રિયા યંત્રવત્ પૂરી થઈ, એ જોઈ રહ્યો. દાદાજી આંખો બંધ કરીને મોઢું ખુલ્લું રાખી પૂણિર્મા ચા પાય તેની રાહ જોઈ રહ્યા હતા. પૂણિર્માએ ચમચે ચમચે ચા પાઈ, એ વિધિ પૂરો થયો. દાદાજી પડખું ફરીને સૂઈ ગયા.

ઘડીભર પેપર અળગું કરીને બાપુ પાન ખાવાની તૈયારી કરતા હતા. આ તકને ઝડપી લઈને જો કાંઈક બોલવાનો પ્રયત્ન નહીં કરે તો પછી કદાચ લાંબે ગાળે પણ એ તક નહીં આવે એવું એને લાગ્યું. એણે બોલવાનો પ્રયત્ન કર્યો: ‘મોટું ઘડિયાળ કાઢી નાખ્યું?’ ‘પૂણિર્માએ નિશાળ બદલી?’… પણ શબ્દો જાણે હોઠ પરથી આજુબાજુની હવામાં શોષાઈ ગયા. એને ધીમે ધીમે બધું સમજાતું ગયું. સિંધમાં એણે એક વિચિત્ર પ્રાણીની વાત સાંભળી હતી. રાત્રે ધીમેથી પાસે આવીને શ્વાસ સાથે શ્વાસ ભેળવી ઝેર પ્રસારે ને એ રીતે માણસનો ભોગ લે. આ ઓરડીમાં એ પ્રાણી અદૃશ્ય રહીને સર્વત્ર એનો શ્વાસ પ્રસારી રહ્યું છે. ઓરડીમાં હવા નહોતી, હતો કેવળ એ પ્રાણીનો ઝેરી ઉચ્છ્વાસ!

ક્રમિક ક્રિયામાં એ પણ એક અંગ તરીકે સામેલ થઈ ગયો. ધીમે ધીમે એ હવાના કણ એનામાં પણ વ્યાપી જવા લાગ્યા. એ ચુપકીદી એને પણ સદી જવા લાગી ને એ ગભરાયો. અહીં એક શબ્દ બોલવો એ ભારે દુસ્સાહસ હતું. એ શબ્દના ઉચ્ચાર માત્રથી ભારે પ્રયત્ને સમતોલ રાખેલી પરિસ્થિતિ ડામાડોળ થઈ જાય એવી ભીતિ બધાંનાં દિલમાં હતી. ભયંકર કરાડની ધારે આવી પહોંચ્યા પછી સહેજ સરખી ગતિ આપણા ભાવિની નિર્ણાયક બને છે તેવી જ અહીં પણ સ્થિતિ હતી; ને તેથી મરણિયા બનીને, સાવધ રહીને, પળે પળે જંગ ખેલીને બધાં જીવતાં હતાં – ટકી રહ્યાં હતાં. હવે એ જંગ વચ્ચે પોતે પણ આવી પડ્યો હતો. એ જ શસ્ત્રો એના હાથમાં હતાં.

અહીં સમય વહેતો નહોતો પણ પ્રત્યેક પળે અજગર જેમ પોતાના શિકારને ભરડામાં લે તેમ વીંટાતો જતો હતો. એણે ઘડિયાળ તરફ જોયું, ઊભા થઈને ઘડિયાળના કાંટાને જોરથી ઘુમાવવાની એને ઇચ્છા થઈ આવી. પણ તરત જ કશુંક મનની અંદર મોઢું પહોળું કરીને એ ઇચ્છાને ગ્રસી ગયું. કોઈ અત્યન્ત ક્ષુધાતુર પ્રાણી મોઢું પહોળું કરીને જે કાંઈ બહાર પ્રગટ થાય તેને ગ્રસી જવા જાણે ત્યાં ટાંપીને બેઠું હતું. સૌ પોતપોતાની નિત્યનૈમિત્તિક ક્રિયાની ઢાલ લઈને ઝૂઝતાં હતાં માટે સહીસલામત હતાં; પણ એની પાસે એવી કોઈ ઢાલ નહોતી. શત્રુઓની વચ્ચે એકાએક છતા થઈ જવાથી જે ભીતિ ઊપજે તેવી ભીતિ એને ઊપજી ને મરણિયો બનીને ઢાલરૂપ બની રહે એવી કશીક ક્રિયા એ શોધવા લાગ્યો.

… દૂર દૂરનાં શહેરો, પૅરિસનું લક્સેમ્બર્ગનું ઉદ્યાન, સીન નદીનો પૂલ, નાઇલને કાંઠે સાંજ, બલિર્નનાં ભોંયભેગાં થયેલાં મકાનોનાં ઈંટરોડાના ઢગલા વચ્ચે સહીસલામત રહી ગયેલું બાળકનું રમકડું, શેરી આગળના અંધારા વળાંકમાં ચમકતી ખૂનીની છરી, બારીના પડદાને વીંધીને આવતો પાયલનો રણકાર, મધરાતે સૂમસામ દરિયાકાંઠે સૂસવતો સરુનો અવાજ, અજાણી સ્ત્રીનું વેદનાના ભારથી કોઈના ખભાનો આધાર શોધતું મસ્તક, પાણીના પૂરમાં ઘસડાઈ જતા બાળકની ચીસ… આ બધું છિન્નવિચ્છિન્ન ખણ્ડ રૂપે એના મનમાં ઝબકવા લાગ્યું.

એ બધાંને સાંધીને એમાંથી કશીક ભાતને ઉપસાવવાનો મિથ્યા પ્રયત્ન એણે કરી જોયો. પણ આ હવામાં બધી વસ્તુના સાંધા શિથિલ થઈ જતા હતા, કશું અખણ્ડ રહી શકતું નહોતું. શરીરનું એકે એક અંગ છૂટું પડીને અજાણ્યું બની જઈ રહ્યું હતું. એ પ્રયત્ન છોડી દેવાનો સંકલ્પ કરવાની જરૂર ન પડી. આપોઆપ એનો તન્તુ અજાણપણે હાથમાંથી સરી પડ્યો.

આમ ને આમ બપોર આવી, સાંજ આવી ને રાત પણ આવી. બહાર જવા જેટલો ઉત્સાહ પણ એ એકઠો ન કરી શક્યો. પોતાની આ નિષ્ક્રિયતાને જ એણે બેઠા બેઠા વધાર્યા કરી. પ્રવાસના થાકને કારણે એની આંખ જલદી બિડાઈ ગઈ. સ્વપ્નોને પ્રવેશવા જેટલું નાનું શું છિદ્ર પણ એની ગાઢ નિદ્રાએ રહેવા દીધું નહીં. એકાએક એની આંખ ખૂલી ગઈ. એ ચોંક્યો. પેલું પ્રાણી જાણે છાતી પર બેસીને એના શ્વાસ સાથે શ્વાસ ભેળવી રહ્યું હોય એવી ભ્રાન્તિ થઈ. એના શ્વાસની ગતિ બદલાયેલી લાગી. એ બધું ભૂલીને ફરીથી ઊંઘ મેળવવાનો પ્રયત્ન એણે કર્યો. તન્દ્રાની સ્થિતિ સુધી એ પહોંચ્ચો પણ ત્યાં જ સ્થિર થઈ ગયો. ત્યાંથી આગળ વધાયું નહીં.

ઊંડે ઊંડે, અન્ધકારને તળિયે, ક્યાંક એણે ત્રાડ સાંભળી. એનાથી શરીરની શિરાઉપશિરા ગાજી ઊઠી. દૂરથી છલંગ ભરીને ચાલ્યા આવતા કોઈક પ્રાણીના પડછંદા ગાજી ઊઠ્યા. એણે એક મોટો કાળો પડછાયો જોયો. એ પડછાયો પહોળો પથરાઈને બધે વ્યાપતો ગયો. એ ઓગળીને બધે રેલાતો ગયો. એની બધી શિરાએ શિરાએ એ રેલાઈ રહ્યો. એની શ્વાસનળીમાં એ આગળ ધસ્યો ને એનો શ્વાસ રૂંધાયો. એ બેઠો થઈ ગયો. મહામુશ્કેલીથી એ શ્વાસ લઈ શકતો હતો. કોરડા વીંઝાતા હોય ને એના ફટકાથી જાણે કોઈક અપરાધી એક એક ડગલું આગળ ભરતો હોય તેમ એનો શ્વાસ પરાણે ચાલી રહ્યો હતો. એક ક્ષણથી બીજી ક્ષણ વચ્ચે જાણે અન્તર વધતું જતું હતું. એ વચમાંના અવકાશને કૂદી જવાને માટે જાણે એનો શ્વાસ મરણિયો બનીને ઝૂઝી રહ્યો હતો. ક્યારે એમ કરતાં થાકીને એ પ્રયત્ન છોડી દે એ કહી શકાય એમ નહોતું. ક્યારે એ બે ક્ષણ વચ્ચેના, મોં પહોળું કરીને ઊભેલા શૂન્યના ગર્તમાં ગબડી પડશે તે કહેવાય એમ નહોતું… એમ ને એમ સ્વલ્પ ગતિએ એનો શ્વાસ આગળ વધતો હતો.

એણે જોયું તો બાજુમાંના કબાટની નીચેથી એક વંદો એની તરફ આવી રહ્યો હતો. એના પગની આંગળીના ટેરવાને એ ધીમે ધીમે કોતરી રહ્યો હતો. તે છતાં એ કશું કરી શકે એમ નહોતો. કશુંક કરવા જતાં એનો શ્વાસ એક ક્ષણ પરથી બીજી ક્ષણે ઠેકવા જતાં શૂન્યના ગર્તમાં ગબડી પડે તો… ને તેણે મદદ માટે આજુબાજુ નજર કરી. ઓરડામાં અંધારું હતું. એક ખૂણે પથારીમાં દાદાજીની નિષ્પલક આંખ ખુલ્લી તગતગી રહી હતી. એ આંખ જાણે નિશ્ચલ બનેલ શરીરમાંથી ધસી જઈને ક્યાંક જવાને તલસી રહી હતી. એ નિષ્પલક આંખમાં ગતિ ઘૂમરી ખાતી હતી, એ તરફ એ વધુ જોઈ શક્યો નહીં. દિવસના પ્રકાશમાં એની ને એ આંખની વચ્ચે સેતુ બંધાયો નહોતો. પણ અત્યારે એ સેતુ બંધાઈ જાય એવી એને ભીતિ લાગી ને એણે જલદી જલદી એની આંખ ફેરવી લીધી.

બીજે ખૂણે મા જાગતી નિસાસા નાંખી રહી હતી. આ તરફ બાપુ ડી.ડી.ટી.નો પમ્પ લઈને ઊભા થઈને ખૂણેખાંચરે ભરાયેલા વંદા સામે યુદ્ધ માંડી રહ્યા હતા. એમની એ યુયુત્સુનિદ્રામાં એઓ અત્યન્ત સ્વાભાવિક લાગતા હતા. બધાં જ જાગતાં હતાં, બધાં જ ઝઘડતાં હતાં. એ યુદ્ધ ક્યારે થંભ્યું તેની એને ખબર ન પડી કારણ કે કદાચ એ યુદ્ધ થંભ્યું જ નહોતું. નીલકણ્ઠનો શ્વાસ સવાર થતાં એની સ્વાભાવિક ગતિને પામતો ગયો. પેલું પશુ ત્રાડ નાખતું ફરી એની બોડમાં ચાલ્યું ગયું. માત્ર નીલકણ્ઠની આંખમાં એના નહોર ઉઝરડા મૂકી ગયા.

ને સાંજે એ મન્દાકિનીને મળવા તૈયાર થયો. એણે પત્રમાં લખ્યું હતું: ‘રસ્તે ખીલેલાં કેસૂડાં પાસેથી તારી સ્તુતિની ભાષા શીખતો આવ્યો છું.’ એ ભાષા એણે શોધવા માંડી. મન્દાકિનીને ખૂબ ગમતો રેશમી સૂટ પહેરીને એને મળવા જવાની ઇચ્છા હતી. એ પહેરવાની એની હિંમત ચાલતી નહોતી. ને છતાં સાહસ કરીને એ એણે પહેરી લીધો – વિમાની નીચે ઝંપલાવતાં પહેલાં પૅરશૂટ બાંધે તેમ. પણ પહેર્યા પછી એ વસ્ત્ર તરવાનું ન જાણનારને જેમ પાણી ચારે તરફથી ઘેરીને નીચે ખેંચે છે તેમ એને જાણે ખેંચવા લાગ્યું. ને આખરે એ નીકળ્યો.

બન્ને મળ્યાં – પરાંના એક સ્ટેશન પરના ઇલેક્ટ્રિક ઘડિયાળની નીચેની બેન્ચ પર, માથે ઝઝૂમી રહેલી સમયની છાયામાં. ઘડિયાળનો મોટો કાંટો આંચકા સાથે ખસતો હતો. ખસતો નહોતો પણ જાણે પ્રત્યેક પળે ધક્કો મારીને કહી રહ્યો હતો: ખસ, આઘો ખસ.. એ મન્દાકિની સાથે વાત કરવા ઇચ્છતો હતો. કૂણાં સ્વપ્નોની, કલ્પનાલોકની, કાવ્યની, પ્રણયની … પણ એ શબ્દોની આડે ગઈ રાતે જે બધું અંદર તૂટી પડ્યું હતું તેનો ભંગાર પડ્યો હતો ને એ ભંગારની ઉપર રમકડાની ઢીંગલીની જેમ મન્દા બેઠી હતી. એ હસતી હતી, એની લટમાં ગુંથાયેલી ચમેલીનાં ફૂલની વેણી હસતી હતી, એના હાથમાં બકુલનાં ફૂલની માળા હસતી હતી. એ માળા નીલકણ્ઠને માટે એ લાવી હતી. વિયોગના બધા દિવસોની બધી ક્ષણો એમાં ગૂંથી લીધી હતી. નીલકણ્ઠના કણ્ઠમાં આરોપાઈને એ બધી જ મહેકી ઊઠશે એવી એને પ્રતીતિ હતી, એ મુગ્ધ હતી. સમય પણ મુગ્ધ બનીને એને જોયા કરે એવી એ મુગ્ધ હતી; ઉલ્લાસથી ભીંજાતી હતી.

ઘડિયાળનો કાંટો એક આખું ચક્કર ફરી વળ્યો હતો એ જોઈને મન્દાકિનીએ કહ્યું; ‘ચાલ હવે હું જાઉં. આ કાંટાએ માત્ર સાત પગલાં જ નહીં, બાર પગલાં આપણી વતી ભરી લીધાં.’

નીલકણ્ઠ ફરીથી એ ઘડિયાળ તરફ જોઈ રહ્યો. એમાંથી દાદાજીની પેલી બિલકુલ નિષ્પલક દૃષ્ટિ એના તરફ તાકી રહી. નાનો કાંટો સ્થિર હતો – પોતાનું લોહી પીતાં સ્થિર થઈ ગયેલા વંદાના જેવો. ને છૂટા પડતાં એણે મહામહેનતે કશું બોલવાનો પ્રયત્ન કર્યાે: ‘મન્દા, તું તો આકાશની વસનારી, તને અવનિ ઉપર ઉતારીને ઝીલવી એ ભગીરથનું કામ.’ મન્દાએ આ ઉક્તિને ચાટુ ઉક્તિ જ લેખીને કહ્યું: ‘મને અત્યારથી જ તારે સ્વર્ગવાસી બનાવી દેવી છે! તું ઝીલવા તૈયાર હોય તો હું તો ક્યારની ઝિલાવા તૈયાર છું!’ ને એમ કહીને એણે ચારે બાજુની ભીડ વચ્ચે જરાય સંકોચ વિના પેલી બકુલની માળા એના કણ્ઠમાં આરોપી દીધી. ટાંપીને બેઠેલું પેલું પ્રાણી જાણે અંદરથી એ તરફ લોલુપ દૃષ્ટિથી જોઈ રહ્યું. ગાડી આવી, પોતાની આંગળીમાં પરોવાયેલી મન્દાકિનીની આંગળી શિથિલ થઈ ને વચ્ચે પડેલા એ છિદ્રમાંથી દૂરતાનો સાગર ઘૂઘવી રહ્યો. એ સાગરની પેલે પારથી જાણે એ દૂર દૂર એ બંનેને સાથે ગૂંથતી પેલી બકુલની માળાને વિસ્તરતી જોઈ રહ્યો.