ગ્રંથસાર (નવલકથા)

Granthsar YouTube 2048x1152.jpg


ગ્રંથસાર. વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર હવે આપણી ભાષામાં.

એકત્ર ફાઉન્ડેશને વિદ્યાર્થીઓ, વાચકો અને સાહિત્ય પ્રેમીઓ માટે વિશ્વભરની પ્રખ્યાત નવલકથાઓના હૃદયસ્પર્શી સારાંશને ગુજરાતી ઓડિયો-વિડીયો દ્વારા જીવંત કરવાનો પ્રકલ્પ શરૂ કર્યો છે. ‘ગ્રંથસાર’ એ વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો ગુજરાતીમાં શ્રાવ્ય સાર (ઓડિયો સમરી) છે. હવે વિશ્વના મહાન લેખકોની કલમે લખાયેલી ઉત્તમ વાર્તાઓનો ઊંડો અનુભવ કરી શકાશે, અને તે પણ આપણી ભાષા ગુજરાતીમાં!

સાહિત્ય અને સંસ્કૃતિ માટે ઊંડો પ્રેમ હોવા છતાં ભાષા અને સમયની અડચણને કારણે વિશ્વસાહિત્યના અનુભવથી વંચિત રહેવું પડે છે. પણ હવે, આધુનિક AI ટેકનોલોજીની મદદથી, આપણી પાસે વિશ્વની મહાન કૃતિઓના સારાંશ મોટા પાયે તૈયાર કરવાની અને તેમને આપણી પોતાની ભાષામાં સાંભળી શકવાની શક્યતાઓ ઉભી થઇ છે. આનાથી સાહિત્ય વધુ સુલભ અને પ્રસ્તુત બનશે. જેમને પુસ્તકો વાંચવાનો સમય નથી મળતો અથવા જેઓ નવી રીતે સાહિત્યનો અનુભવ કરવા માંગે છે, તેમના માટે આ એક તક છે. ‘ગ્રંથસાર’નો હેતુ એ છે કે વિશ્વભરના ઉત્તમ સાહિત્યની સુવાસ ગુજરાતી ભાષામાં વધુને વધુ લોકો સુધી પહોંચે અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બને.

આ આગાઉ આપણા ઘણા લેખકોએ વિશ્વ સાહિત્યનો અનુવાદ અને પરિચય આપ્યો જ છે. પણ આ પ્રયોગ 7-8 મિનિટના ગુજરાતી ઓડિયો-વિડીયો દ્વારા નવા યુવાન સાહિત્યપ્રેમીઓને મૂળ પુસ્તકના પ્રવેશ માટેની એક નાની બારી બની શકે છે. આ પહેલનો હેતુ વિદ્વાનો કે સાહિત્યકારો માટે નથી. પણ ઑડિઓ દ્વારા પુસ્તકોની દુનિયા સાથે જોડાવા માંગતા, પ્રખ્યાત પુસ્તકોની રોમાંચક વાર્તાઓ જાણવા ઉત્સુક ગુજરાતી વાચકો માટે છે. અહીં સાહિત્યના વિદ્યાર્થીઓ માટે ટૂંકમાં પુસ્તક, લેખક, પાત્રો, શૈલી અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતો પણ સામેલ છે. વિશ્વસાહિત્યની સાથે ભારતીય અન્ય ભાષાઓની કૃતિઓનો પરિચય પણ મેળવીશું. ટોલ્સટોયથી ટાગોર અને માર્ક્વેઝથી મુનશી, સૌની વાર્તાઓ ગુજરાતીમાં સાંભળીએ. તમે પણ નામ સૂચવી શકો છો.

તો આવો, અહીં વિશ્વભરની પ્રખ્યાત નવલકથાઓના હૃદયસ્પર્શી સારાંશ સાંભળીએ અને આપણી સાહિત્ય યાત્રાને વધુ સમૃદ્ધ બનાવીએ.