ગ્રંથ અને ગ્રંથકાર/આત્મકથા-અનુવાદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આત્મકથા-અનુવાદો

આત્મકથા

ગાંધીજીની આત્મકથા પછી, એને આંબી શકે એવી કોઈ આત્મકથા હજી સુધી આપણે ત્યાં પ્રગટ થઈ નથી. આ પ્રકારમાં જાણ્યેઅજાણ્યે નવલકથાનાં તત્ત્વોનો વિશેષ સમાદર થતો જતો હોય એવી છાપ પણ આ૫ણી કેટલીક આત્મકથાઓ વાંચતાં પડે છે. ઉપરાંત, આત્મકથાલેખક શુદ્ધ આત્મકથા આપવાને બદલે પોતાનાં સંસ્મરણોનાં જ પ્રતિબિંબ ઉપસાવતો જતો હોય એમ લાગ્યા કરે છે. પરિણામે, એ સ્મૃતિચિત્રો આત્મકથાની પૃષ્ઠસંખ્યાને વધારતાં રહી સ્થૂળ કદમાં જ વૃદ્ધિ કરે છે. અંતર્મુખ બનવાને બદલે જગત તરફ જ એની દૃષ્ટિ સતત મંડાયેલી રહેતી હોવાને કારણે આત્મકથામાં આ૫ણને લેખકના આંતરવિકાસનું સત્યનિષ્ઠાયુક્ત ચિત્ર જોવા મળતું નથી. જીવનકથાના સ્વરૂપ વિશે વાત કરતાં કહ્યું છે તેમ, આ સ્વરૂપમાં પણ પોતાના સમયના સામાજિક-રાજકીય કે સાંસ્કારિક પ્રવાહો એવા વેગબંધ વહેતા હોય છે કે મૂળ તત્ત્વની સરવાણી જાણે દગ્ગોચર જ થતી નથી. આસપાસની કથાનો રસ ઉત્કટ બનતાં આંતરમંથનની પ્રક્રિયા સદંતર બંધ પડેલી વરતાય છે. કોઈ નર્મદ કે કોઈ ગાંધીજી જ એવી તાવણીમાંથી પસાર થઈને પોતાના આત્મમોગરાના દલેદલને પ્રકટ કરી શકે. આ દાયકાની આત્મકથાઓ તરફ એક દૃષ્ટિપાત કરતાં પણ સંતોષની લાગણી જન્મે કે ચિત્ત પ્રસન્ન થઈ ઊઠે એવું વિત્ત અવશ્ય જોવા મળે છે. શ્રી ઇંદુલાલ યાજ્ઞિક, શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી ચંદ્રવદન મહેતા, શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી ધૂમકેતુ જેવા લેખકોની આત્મકથાઓ આ દશકાની મહામૂલી સંપત્તિ છે. શ્રી ઇંદુલાલ યાજ્ઞિકની ‘આત્મકથા' આ દાયકાની આ વિભાગની સુંદર સાહિત્યકૃતિ છે. લેખકનો ઉપક્રમ આત્મકથા નિમિત્તે સમગ્ર પેઢીની ઘડતરકથા આલેખવાનો છે અને નાયકસ્થાને પોતાની જાત કરતાં ગુજરાતની પ્રજાને ગણવાનો છે. લેખકે અર્ધી સદીની આપણે ત્યાંની રાજકીય, સાંરકારિક પ્રવૃત્તિઓને અહીં અચ્છી રીતે ગૂંથી લીધી છે. સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતા પ્રસંગો અને પાત્રોથી તેમ જ લેખકના વ્યક્તિત્વથી અને એની તાજગીપૂર્ણ શૈલીથી આ કથા આપણને આકર્ષી રહે છે. જીવનનાં વૈષમ્ય અને વૈચિત્ર્યને આલેખતો લેખક વાચકના હૃદયને પણ વિષાદથી સભર બનાવી દે છે. નડિયાદના સાક્ષરો અને એમનાં માનસ, શિક્ષણના અનુભવો, પોતાનો રાજકારણપ્રવેશ વગેરે વિષયાલેખનથી આરંભાયેલી આ આત્મકથા પોતાના લગ્નજીવનના અત્યંત ઋજુકરુણ પ્રસંગોને વેધકતાથી રજૂ કરી વાચકને પણ વેદનશીલ બનાવે છે. એમાં ગાંધીજી સાથેના પ્રસંગોનું ઉદાત્ત આલેખન અને કેટલાક પ્રસંગોના નિરૂપણમાં વિરલ કહી શકાય એવો સંયમનો ગુણ એમની આ કૃતિને શોભાવે છે. એમાંનું બીજાઓ સાથે લેખકનું પોતાનું મનોવિશ્લેષણ અને આત્મનિરીક્ષણ પણ કૃતિનું ઉજ્જવળ પાસું છે. બીજી બાજુ, શ્રી નાનાભાઈ ભટ્ટની આત્મકથા ‘ઘડતર અને ચણતર' પણ સમકાલીન સાંસ્કારિક જીવનના પ્રવાહો આલેખે છે અને રસસભર આત્મકથા તરીકે સંતર્પે છે. એમાં આપણ એક ઉચ્ચ કોટિના કેળવણીકારની આત્મશ્રી પ્રતિબિંબિત થઈ છે, જે આપણા હૃદયને બળવંત બનાવી પ્રેરણા આપે છે. એમાંનો કેળવણીમાં નવી દિશા ખોલનાર દક્ષિણામૂર્તિ સંસ્થાના જન્મ-ઘડતરનો ઇતિહાસ અતિ ઉપયોગી છે. શ્રી કનૈયાલાલ મુનશીની અગાઉ પ્રસિદ્ધ થઈ ચૂકેલી ‘અડધે રસ્તે' અને ‘સીધાં ચઢાણ' એ આત્મકથાના બે ભાગના અનુસંધાનમાં આ દાયકે પ્રકટ થયેલો એનો ત્રીજો ભાગ ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં' એની ભાવનામયતાથી જબરું આકર્ષણ જમાવે છે. લેખકનું ધ્યેય જાણે એને સર્જનાત્મક ઝોક આપવાનું હોય એમ સતત લાગ્યા કરે છે. એમાં ઝિલાયેલાં બાહ્ય સૃષ્ટિનાં પ્રતિબિંબો એને સ્મરણોની માળા પણ બનાવે છે. તેમ છતાં ૧૯૨૩થી ૧૯૨૬ના ત્રણચાર વર્ષની જ પોતાની જીવનકથા રજૂ કરતી આ કૃતિ એની વેગપૂર્ણ શૈલીથી, નવલકથા જેવી રસમય કલાત્મકતાથી, નાજુક પ્રસંગોના નિરૂપણમાં જળવાતી ઊંચી કક્ષાથી, હૃદયયુદ્ધના ગૌરવપૂર્ણ આલેખનથી આપણી એક યાદગાર આત્મકથા બની રહે છે. તો એ સાથે જ સ્મરણે ચડી આવે એવી છે શ્રી ચંદ્રવદન મહેતાની આત્મકથા ‘બાંધ ગઠરિયાં' (૧-૨) અને ‘છોડ ગઠરિયાં.’ આપણા એક રસિક સર્જરની આ કૃતિ છે, જે કવિ છે, નાટ્યકાર છે, ગુજરાતી રંગભૂમિના સ્વપ્નશિલ્પી છે. આત્મકથાથી એટલે જ ગુજરાતની રંગભૂમિ અળગી રહેતી નથી, અને એનાં વર્ણનમાં અને એના સંવાદોમાં ચંદ્રવદનનો કવિ-નાટ્યકારનો જીવ ઝળક્યા વિના રહેતો નથી. અહીં પણ લેખકના ઘડતરની કથા છે, એમાં કેટલાક કોમળ પ્રસંગોનું નિરૂપણ છે, આકર્ષક શબ્દચિત્રો છે. વિનોદ છે, વિવિધ રસોનું આસ્વાદન છે, વિગતોનો સંભાર છે અને વિશાળ અનુભવોની સૃષ્ટિ છે. વિવિધ છટાઓ ધારણ કરી. લાડકું બનતું ચંદ્રવદનનું ગદ્ય આ કૃતિનું એક અવિસ્મરણીય અંગ છે. ઈ.સ. ૧૯૪૯માં જીવનસ્મરણોની આપકથા ‘જીવનપંથ' આપ્યા પછી શ્રી ધૂમકેતુએ ૧૯૫૬માં એનો બીજો ખંડ ‘જીવનરંગ' નામે પ્રકટ કર્યો છે. પોતાનો અભ્યાસકાળ, નવલિકાની પ્રાપ્તિ અને એ ક્ષેત્રે થયેલી પ્રગતિ, ‘તણખા'નું પ્રકાશન અને એને મળેલો આવકાર વગેરેનું નિરૂપણ સંસ્મરણોની ભૂમિમાં કરેલા લેખકના પર્યટન સમાન તાજગીપ્રદ છે. આ સિવાય પણ નાનીમોટી કેટલીક આત્મકથાઓ આ દાયકે પ્રકટ થઈ છે. અડગ ધ્યેયનિષ્ઠાવાળા શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીનું ‘સ્મૃતિસંવેદન', શ્રી ભરતરામ મહેતાનું ‘મારી સાહિત્યસેવા’, શ્રી મથુરદાસ ત્રિકમજીની આંતર મનોમંથનને વિશેષ મહત્ત્વ આપતી લધુ આત્મકથા ‘આત્મનિરીક્ષણ’, શ્રી છોટાલાલ ન. ભટ્ટનું ‘આત્મવૃત્તાન્ત’, શ્રી રાવજીભાઈ પટેલનાં ‘જીવનનાં ઝરણાં-૨', શ્રી. છ. હ. પંડ્યાનો ‘મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત', શ્રી વીરજી ગં. માહેશ્વરનું ‘હિલોળા'-આ સઘળી કૃતિઓ વૃત્તાંત કે સ્મરણરૂપે લખાઈ છે. જોકે શ્રી ચાંપશીભાઈની આત્મકથા અકબંધ આત્મચરિત્ર જ છે, પણ એનો પથારો મોટો છે, અને એ એની મર્યાદા પણ બની રહે છે. આ સઘળી આત્મકથાઓમાં, આગળ કહ્યું છે તેમ, ગાંધીજીની આત્મકથાને માનદંડ તરીકે લઈએ તો, બધી ઊણી ઊતરે છે. તેમ છતાં પોતપોતાની રીતે એ સર્વ લેખકોએ પ્રવાહદર્શન કરાવવા સાથે કે સમાજચિત્ર આલેખવા સાથે પોતાના ભીતરને પણ સંનિષ્ઠાપૂર્વક પ્રકટ કરવા પ્રયત્ન કર્યો છે. જ્યાં એ પ્રગટ થઈ શક્યું છે ત્યાં લેખક વિજયી બન્યા છે. જ્યાં કથારસ અને નાટકીય તત્ત્વો પ્રતિ વિશેષ ઝોક દેવાયો છે ત્યાં આત્મકથાનું શુદ્ધ સ્વરૂપ કથળ્યું છે. રાજકારણ, શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજજીવન– એમ અનેકવિધ ક્ષેત્રોની વ્યક્તિઓએ લખેલી આ દાયકાની આત્મકથાઓ આપણા જીવનપ્રવાહોની વિવિધ સેરો દર્શાવવા સાથે માનવજીવનના ખમીરનું પણ અચ્છું ચિત્રણ આપે છે.

અનુવાદો

આપણા ચરિત્રવિભાગમાં સ્થાન પામતા અનેક ભાષાઓમાંથી પ્રાપ્ત થયેલા અનુવાદોની સંખ્યા, તેમ ચરિત્રનાયકો અને આત્મકથા-લેખકોની સૃષ્ટિનું વૈવિધ્ય પણ ઓછું નથી. સાહસિક યંત્રવિદ્નો ચિતાર આપતી ‘યંત્રરસિયો હેન્રી ફોર્ડ' (અનુ. મગનભાઈ નાયક), રશિયાની પરિસ્થિતિ આલેખતી ‘લેનિન' (શ્રીકાન્ત ત્રિવેદી), અમેરિકાના રાજકારણમાં ભાગ ભજવનાર ‘જેફરસનની જીવનકથા', ‘જ્યૉર્જ વૉશિંગ્ટન (શ્રીકાન્ત ત્રિવેદી), અબ્રાહમ લિંકન (જયા ઠાકોર), ‘માનવતાની દેવી' (શ્રીકાન્ત ત્રિવેદી) અને માદામ ક્યૂરી (બળવંતરાય મહેતા) –આ સર્વ જીવનકથાઓના અનુવાદો આપણા ચરિત્રસાહિત્યમાં આવકારપાત્ર ઉમેરણો છે. એમાં જુદા જુદા લેખકોએ લખેલાં એકની એક વ્યક્તિઓનાં ચરિત્રો પણ પ્રકટ થયાં છે. ઉ. ત. જ્યોર્જ વૉશિંગ્ટનના ફોસ્ટર ગીનીવીએચકૃત ચરિત્રનો અનુવાદ શ્રીકાન્ત ત્રિવેદીએ આપેલો છે; તો એ જ વ્યક્તિના જેનેટ ઈટનકૃત ચરિત્રનો અનુવાદ ત્ર્યંબક મહેતાએ પ્રકટ કર્યો છે. પૂર્વની વ્યક્તિઓ વિશે પશ્ચિમના લેખકોએ લખેલી ચરિત્રકૃતિઓમાં રોમાં રોલાંનું ‘રામકૃષ્ણ પરમહંસ' (અનુ. ચંદ્રશંકર શુકલ) ધ્યાન ખેંચે છે. લૂઈ ફીશરની ‘ગાંધીજીની જીવનકથા'ને શ્રી સોમાભાઈ પટેલ અને શ્રી મગનભાઈ નાયકે અનુવાદ સુલભ કરી આપ્યો છે; અને ગાંધીજીવનને કેટલાક અતિ મહત્ત્વના પ્રસંગોથી આપણને પરિચિત કર્યા છે. ટૉલ્સ્ટોય સાથેનો પત્રવ્યવહાર કે રોમાં રોલાંની મુલાકાત એનાં આગવાં આકર્ષણો છે. ઘનશ્યામલાલ બિરલાકૃત 'મહાત્માજીની છાયામાં’ (અનુ. મણિભાઈ દેસાઈ) સ્વાતંત્ર્ય લડતના અંતિમ તબક્કાનો વિગતપ્રચુર આલેખ આપે છે. હિંદીમાંથી ‘બાપુની છાયામાં' (લે. બલવંતસિંહ)નો અનુવાદ ગાંધીજી સાથે ગાળેલાં સ્મરણો વર્ણવે છે, તો ‘બાપુને પગલે પગલે' (લે. રાજેન્દ્રપ્રસાદ-અનુ. કરીમભાઈ વોરા) પણ ગાંધીજીનાં પુનિત સંસ્મરણો, પોતાની જાતને વચ્ચે લાવ્યા વિના, આલેખે છે. હિંદીમાં લખેલાં શ્રી રામનારાયણ ચોધરીનાં ગાંધીજી વિષયક સંસ્મરણોનો બીજો અનુવાદ ‘બાપુ-મારી નજરે'માં પ્રાપ્ત થાય છે. શ્રી ગુરુદયાલ મલ્લિકની ‘ગાંધીજી સાથે જીવનયાત્રા' પણ પ્રેરક બને એવી કૃતિ છે. ગુજરાતીમાં જ નહિ, જગતની ભાષાઓમાં વિલસતી મહાપુરુષ ગાંધીજીની છબિ, અંતે તો પુણ્યાત્માના આભ જેવા ઊંડાણની જ ઝાંખી કરાવે છે ને! ધર્માનંદ કોસંબીકૃત ‘ગૌતમ બુદ્ધ'(અનુ. ગોપાળરાવ કુલકર્ણી)નો મરાઠીમાંથી થયેલો અનુવાદ કેટલીક દૃઢ માન્યતાઓને પાયા વિનાની ઠેરવી એ સમયની શ્રદ્ધેય માહિતી પૂરી પાડે છે. આપે ગુરુજીકૃત ‘સ્વરાજ્યના માર્ગદર્શક ટિળક'(અનુ. ગોવિંદદાસ ભાગવત)નો અનુવાદ ટિળકના. જીવનનાં અનેક પાસાંને રજૂ કરે છે; તો ‘સાક્ષાત્કારને પંથે તુકારામ' (વા. મ.. જેશી) સંતનો વિકાસક્રમ રજૂ કરે છે. સુશીલા નય્યર લિખિત ‘અમારાં બા' (અનુ. વનમાળા પરીખ), ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન (શારદાપ્રસાદ વર્મા), સ્વામી ભાસ્કરાનંદ (સુરેન્દ્રનાથ મુખોપાધ્યાય-અનુ. નાજુકલાલ ચોકસી), કેળસ્કર લિખિત 'શિવાજી છત્રપતિ'નો ચૂ. વ. શાહનો અનુવાદ તેમ જ આત્મકથાઓમાં હેલન કેલરની આત્મકથા (અનુ. જયંતી દલાલ), ક્રાઇસ્લરની આત્મકથા, (અનુ. વાસુદેવ મહેતા), જીવનસ્મૃતિ (ટાગોર-અનુ. રમણલાલ સોની), અબ્રાહમ લિંકનના ચરિત્રલેખકની આત્મકથા ‘રણવગડે ઉછરેલો છોકરો', અખબારનવીસની આપવીતી (વિલિયમ. એલન વ્હાઈટ)--આ સઘળી અનૂદિત કૃતિઓ આપણી પ્રજાને એક યા બીજી રીતે પ્રેરક બનશે. કેટલીક નાનકડી કૃતિઓ અને તદ્દન ખૂણેખાંચરે રહી ગયેલા અનુવાદોની પૂર્ણ યાદી આપવી શક્ય નથી.