ગ્રંથ અને ગ્રંથકાર/ઉમેદભાઈ મોતીચંદ મણિયાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉમેદભાઈ મોતીચંદ મણિયાર

[૨૩-૪-૧૯૦૯]

શ્રી ઉમેદભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૯ની એપ્રિલની ત્રેવીસમી તારીખે વતન જામનગરમાં થયો હતો. એમના પિતાનું નામ મોતીચંદ અને માતાનું નામ મણિબેન. ઉમેદભાઈ બી. એ. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં થયા અને ૧૯૩૬માં મુંબઈ યુનિવર્સિટીની એમ. એ.ની ઉપાધિ મેળવી. બી. એ. થયા પછી તેઓ ઝેવિયર્સ કૉલેજમાં ફેલો તરીકે નિમાયા હતા. તેઓ વર્ષોથી મુંબઈની કર્વે વિદ્યાપીઠમાં અંગ્રેજીના અધ્યાપક છે અને અત્યારે એ જ સંસ્થામાં અંગ્રેજીના રીડર અને વાઈસ પ્રિન્સિપાલનું પદ શોભાવે છે. એમનું લગ્ન શ્રી વિદ્યાબહેન સાથે થયું છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃત, હિંદી અને મરાઠી તેઓ જાણે છે. અંગ્રેજીમાં તેમણે વિદ્યાર્થીભોગ્ય સમીક્ષાઓ સારી સંખ્યામાં પ્રગટ કરેલ છે. વાર્તાઓ અને વિવેચન એમને પ્રિય છે. ૧૯૩૫ પછી એમણે લેખનપ્રવૃત્તિનો આરંભ કર્યો. ટૂંકી વાર્તાઓનો એમનો પ્રથમ સંગ્રહ ‘પાંખ વિનાનાં’ ઈ.સ. ૧૯૪૫માં પ્રગટ થયો. એની પ્રસ્તાવના શ્રી ઉમાશંકર જોશીએ લખી હતી. એ પહેલો જ સંગ્રહ આ૫ણા ટુંકી વાર્તાક્ષેત્રે અનેખી ભાત પાડી ગયો હતો. અંગ્રેજી સાહિત્યનું અધ્યયન અને અધ્યાપન એમને સર્જનપ્રવૃત્તિમાં ખૂબ પોષક અને પ્રેરક નીવડ્યું છે. ‘પાંખ વિનાનાં' વાર્તાસંગ્રહની બીજી આવૃત્તિ ૧૯૫૪માં થઈ હતી. શ્રી ઉમેદભાઈ સામયિકમાં અવારનવાર લખે છે. સાહિત્ય ઉપરાંત સંગીત પ્રત્યે એમને ઊંડી અભિરુચિ છે. તેઓ એક સારા ગાયક પણ છે. ‘પાંખ વિનાનાં'માં કુલ ૧૩ વાર્તાઓ છે, એમાંની ત્રણ વાર્તાઓ વાર્તાકલાની દૃષ્ટિએ નહીં પણુ વિષયદૃષ્ટિએ નોંધપાત્ર છે. એમાં કિશોર-માનસનું નિરૂપણ થયું છે. એમણે કરુણરસ-પ્રધાન વાર્તાઓ ઠીક ઠીક આપી છે. માનવીની દુષ્ટતા, હૃદયહીનતા, ઈર્ષ્યા, ગેરસમજ આદિનું આલેખન કરતી એમની વાર્તાઓમાં કરુણની વેધકતા કે ઊંડાણ પ્રગટ થતાં નથી. ખરું જોતાં કરુણ નહીં પણ હાસ્યરસના આલેખનવાળી વાર્તાઓમાં શ્રી મણિયાર સફળ થયા છે. સંગ્રહની ઉત્તમ વાર્તાઓ હાસ્યની જ છે. સંગ્રહની છેલ્લીવાર્તા ‘હું એકલી છું' સૌથી વધુ સુંદર બની છે. બૈરક બોલીનો પણ એમણે વાર્તામાં સફળ પ્રયોગ કરેલો છે. પાત્રના માનસમાં ઠીક ઠીક ઊંડે જવાનું કૌશલ, જીવનનાં હાસ્ય-કારુણ્યને નિરૂપવાની ફાવટ, ચબરાક લખાવટ શ્રી મણિયારની વાર્તાઓને એકંદરે સફળ બનાવે છે. એમનાં કાવ્યવિવેચનો અને અંગ્રેજી સાહિત્યવિષયક અભ્યાસલેખો પણ આપણે ત્યાં સારો આદર પામ્યાં છે.

કૃતિઓ
‘પાંખ વિનાનાં' : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૪૫ (પ્રથમ આવૃત્તિ); ૧૯૫૪ (બીજી આવૃતિ).
પ્રકાશક : પ્રથમ આવૃત્તિ: ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ; બીજી આવૃત્તિ: વોરા, મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
  ‘પાંખ વિનાનાં’ ની શ્રી ઉમાશંકર જોશીએ લખેલ પ્રસ્તાવના.

સરનામું : એ/૧૫, તારાબાગ એસ્ટેટ, ચર્ની રોડ, મુંબઈ-૪.