ગ્રંથ અને ગ્રંથકાર/નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ‘ઉશનસ્'

From Ekatra Wiki
Jump to navigation Jump to search

નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ‘ઉશનસ્'

[૨૮–૯–૧૯૨૦]

કવિશ્રી ઉશનસનો જન્મ મહેસાણા જિલ્લાના દહેગામ ગામમાં તા.૨૮-૯-૧૯૨૦ના દિવસે થયો હતો. એમનું વતન વડોદરા જિલ્લાનું સાવલી ગામ. જ્ઞાતિએ તેઓ શ્રીગૌડ બ્રહ્મણ છે. પિતાનું નામ પંડ્યા કુબેરભાઈ રણછોડભાઈ અને માતાનું નામ લલિતાબહેન. એમનાં લગ્ન ઈ.સ.૧૯૩૮માં શાંતાબહેન સાથે થયાં હતાં. સાવલી ગામની સરકારી ગુજરાતી શાળામાં પ્રાથમિક છ ધોરણ સુધીનો અભ્યાસ કરીને ડભોઈની હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ લીધું, અને ત્યાંથી ઈ.સ.૧૯૩૭-૩૮માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. બરોડા કૉલેજમાંથી ઈ.સ.૧૯૪૨માં સંસ્કૃત મુખ્ય વિષય સાથે બી. એ.ની પરીક્ષામાં બીજા વર્ગમાં ઉત્તીણ થયા. ૧૯૪૪માં ટી. ડી.ની પરીક્ષા પાસ કરી અને ૧૯૪૫માં ગુજરાતી મુખ્ય વિષય લઈને મુંબઈ યુનિવર્સિટીની એમ. એ.ની પદવી પ્રાપ્ત કરી. કેટલાંક વર્ષો નવસારી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું, અને હાલ તેઓ વલસાડ કૉલેજમાં ગુજરાતીના મુખ્ય અધ્યાપક છે. ગાંધીજી, ટાગોર અને અરવિંદની, રામાયણ, મહાભારત અને શેક્સપિયરની કૃતિઓની કવિના જીવન પર પ્રબળ અસર પડી છે. ગીતાંજલિ એમનું પ્રિય પુસ્તક છે, તો ટાગોર એમના પ્રિય લેખક છે. અલબત્ત, સંસ્કૃતમાં કાલિદાસ, અંગ્રેજીમાં શેક્સપિયર અને ગુજરાતીમાં કાન્ત-ઠાકોર, મુનશી-પન્નાલાલ, ઉમાશંકર-સુન્દરમ્ એમને ગમે છે, પરંતુ ટાગોરમાં એમને ગમતા આદર્શો, ભાવનાઓ સુંદરતમ વાણીમાં પ્રગટ થયાં હોઈ એ વિશેષ ગમે છે. કાવ્ય એ એમનો પ્રિય સાહિત્યપ્રકાર પણ છે. શ્રી. ઉશનસે લેખનપ્રવૃત્તિની શરૂઆત ઈ. ૧૯૩૪-૩૫માં પોતાના વતનમાં ઘેર પ્રેમાનંદનાં આખ્યાનો વંચાતાં તેની અસર નીચે ‘પ્રહૂલાદ આખ્યાન' વગેરે આખ્યાન રચીને કરેલી. પછી નિશાળમાં ગુજરાતી ભાષાના શિક્ષણની અસર નીચે ભજનો લખ્યાં; હાઈસ્કૂલમાં સુન્દરમ્-ઉમાશંકરનાં લખાણોના સંપર્કમાં આવતાં કાવ્યમંગલા-ગંગોત્રી જેવી રચનાઓ (૧૯૩૭– ૩૮) કરી અને એ પછી કૉલેજમાં (૧૯૩૮-૪૨) કુમાર-પ્રસ્થાનના વાચનની અસર નીચે. શ્રી બચુભાઈ રાવત, શ્રી સુન્દરમ્-ઉમાશંકર તથા બીજા કેટલાક કવિમિત્રો અને શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાથેનો પરિચય એમના જીવન માટે વિકાસશીલ રહ્યો છે. કવિએ ક્યારેક હેતુપૂર્વક આપણા પ્રશ્નો અંગે લખાણ કર્યું છે, તો ક્યારેક નર્યા પ્રકટીકરણના સ્વાન્ત:સુખાય માટે. લેખનપ્રવૃત્તિની પાછળનો ઉદ્દેશ આત્માની આનંદમય અવસ્થા સાથે જોડાણનો જ છે. ઉત્તમોત્તમ, ગહનતમ, સુંદરતમ શબ્દની પ્રાપ્તિ માટે કવિ મથી રહ્યા છે. કવિ માને છે કે આપણા આત્માની ગહનતા કેટલી છે તે શબ્દ દ્વારા પામી શકાય છે, અને તે પણ રમણીય લયમાં. આપણા પ્રાચીન અને અર્વાચીન જીવનમૂલ્યો સાથે શબ્દને જોડવો એમને હંમેશાં ગમ્યો છે. અલબત્ત, સ્વાધીનતા, વ્યક્તિસ્વાતંત્ર્ય, સામાજિકતા, લોકજાગૃતિ વગેરે પણ એમને ગમે છે. ગાંધીજી, ટાગોર અને શ્રી અરવિંદની વિચારણાએ પણ એમના પર અસર કરી છે. અંગ્રેજી-ગુજરાતી કાવ્યો અને વિવેચનગ્રંથો તેઓ વાંચે છે, અને પ્રશિષ્ટ રચનાઓ અમુક ગાળે ફરીને તપાસી જાય છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન' ૧૯૫૫માં પ્રગટ થયો ત્યારે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમની કવિતાનું, ‘ઉત્થાનશ્રી' કહીને, સ્વાગત કર્યું હતું. એ પછી ‘પ્રાચીના'નું સ્મરણ કરાવતાં સંવાદકાવ્યોનો સંગ્રહ ‘નેપથ્યે' અને બીજા બે કાવ્યસંગ્રહો- ‘આર્દ્રા' અને ‘તૃણનો ગ્રહ' એમણે આપ્યા છે. એમના કાવ્યસર્જન માટે ૧૯૫૯નો એમને મળેલો ‘કુમાર ચન્દ્રક’ અને બાકીના લગભગ બધા જ સંગ્રહોને મળેલાં સરકારી પારિતિષિક એમને કવિતાક્ષેત્રે મળેલી સિદ્ધિને કંઈક ખ્યાલ આપશે. કલ્પનાલીલા અને જીવનપ્રવાહનું યથાર્થદર્શન એમની કવિતાને નવતર કવિઓમાં આગલી હરોળમાં સ્થાન અપાવે છે. શ્રી ઉશનસે પ્રીતિ અને પ્રકૃતિ, રાષ્ટ્રપ્રેમ અને અધ્યાત્મના વિવિધ ભાવો પોતાની કવિતામાં ગાયા છે. નિરંજન ભગતની જેમ, ‘મુંબઈ' તથા ‘અમદાવાદ' વિષયક કાવ્યોમાં શહેરસંસ્કૃતિને પણ પોતાની કૃતિઓમાં વણી લીધી છે. આ યુગના અન્ય કવિઓની જેમ ભારતદર્શનનાં કેટલાંક કાવ્યોમાં નૂતન ભારતની ગાથા પણ ગાઈ છે અને વિનોબાજીની નવીત ભાવનાને પણ વ્યક્ત કરી છે. એમનાં વાત્સલ્યભાવ નિરૂપતાં કુટુંબચિત્રો, મનભર ભાણેલી ગ્રીષ્મ અને વર્ષાનાં પ્રકૃતિવર્ણને, કેટલાંક ચિંતનકાવ્યો અને ‘કર્ણકુન્તી’ જેવાં સંવાદકાવ્યો– શ્રી ઉશનસનું ગુજરાતી કવિતાને મોઘેરું અર્પણ છે. સૉનેટનો સાહિત્યપ્રકાર કવિને વિશેષ રુચી ગયો લાગે છે. પણ ગીતોએ એમને યારી આપી હોય એમ લાગતું નથી. એમની પદાવલિ ઘણીવાર ઠાકોરનું સ્મરણ કરાવે છે. એમના રૂપમેળ છંદો પ્રમાણમાં બલવંત લાગે છે અને એમાંયે હરિણી અને શિખરિણી પર કવિની નિજી મુદ્રા પડેલી અનુભવી શકાય છે. એમનાં કલ્પનો અને પ્રતીકોનો વ્યાપ પણ ઘણો મોટો છે. શ્રી ઉશનસે કાવ્યો ઉપરાંત કેટલાક સાહિત્ય-સ્વાધ્યાયના લેખો પણ લખ્યા છે. ‘રૂપ અને રસ' નામે વિવેચનસંગ્રહમાં એ ગ્રંથસ્થ થયા છે. એમાં ચિંતક-વિવેચક ઉશનસનું સુભગ દર્શન થાય છે. અંગ્રેજીમાં પણ એમણે કેટલાંક ગદ્યકાવ્યો લખ્યાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી અધ્યાપક સંઘ, કવિલોક અને પી. ઈ. એન. સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા છે. વલસાડથી પ્રગટ થતા 'મિલન' નામક અનિયતકાલિકના તેઓ સંપાદક છે. નવસારી સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે ઇતિહાસપુરાતત્ત્વ વિભાગના મંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપેલી.

કૃતિઓ
૧. પ્રસૂન : મૌલિક, કાવ્ય: પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : વોરા એન્ડ કું., મુંબઈ.
૨. નેપથ્યે : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : પોતે.
૩. મનોમુદ્રા : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : ચેતન પ્રકાશનગૃહ, વડોદરા.
૪. આર્દ્રા : મૌલિક, કાવ્ય: પ્ર. સાલ ૧૯૬o.
પ્રકાશક : કવિલોક, મુંબઈ.
૫. ચાર અધ્યયનો : મૌલિક, વિવેચન; પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : ધી પોપ્યુલર બુક સ્ટોર, સૂરત.
૬. તૃણનો ગ્રહ : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : હરિહર પુસ્તકાલય, સૂરત.
૭. રૂપ અને રસ : મૌલિક, વિવેચન; પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : ધી પોપ્યુલર બુક સ્ટોર, સૂરત.
અભ્યાસ-સામગ્રી :
(૧) ‘પ્રસૂત' માટે પ્રા. વિષ્ણુપસાદ ૨. ત્રિવેદીની પ્રસ્તાવના. ‘ઊર્મિ અને નવરચના’ (અનંતરાય રાવળ); ‘કવિલોક' (સુરેશ દલાલ) ‘ગાર્ડિયન' (જયંત જોશી) ‘ગુજરાત’-સૂરત (જયંત પાઠક); ‘જનશક્તિ' (હરીન્દ્ર દવે).
(૨) ‘નેપથ્યે' 'માટે શ્રી પ્રજારામ રાવળની પ્રસ્તાવના ગુ. સા. સભાની કાર્યવહી (૧૯૫૬); ‘સંદેશ’ (નિરંજન ભગત).
(૩) ‘મનોમુદ્રા' માટે ‘ક્ષિતિજ' (પ્રાસન્નેય); અનંતરાય રાવળનું. અવલોકન; ‘જનશક્તિ' (હરીન્દ્ર દવે).
(૪) ‘આર્દ્રા' માટે દિલાવરસિંહ જાડેજાનું અવલેકન; ગુ. સા. સભાની કાર્યવહી (૧૯૬૧).
(૫) ‘તૃણનો ગ્રહ' માટે ‘સંસ્કૃતિ', સપ્ટેમ્બર ૧૯૬૪.

સરનામું : લક્ષ્મીશેરી, મદનવીડ, વલસાડ.