ગ્રંથ અને ગ્રંથકાર/પ્રવાસ

પ્રવાસ

પ્રવાસનું આકર્ષણ એક યા બીજી રીતે હવે વધતું જાય છે અને એ માટેની તકો પણ પ્રમાણમાં વધતી રહી છે. એ ખરું કે વ્યાપારકુશળ ગણાતી ગુજરાતની પ્રજાએ એના વ્યાપાર-પ્રવાસો કે આ ધર્મપ્રિય જનતાએ પોતાની ધાર્મિક યાત્રાઓ ભાગ્યે જ પ્રવાસગ્રંથોમાં શબ્દબદ્ધ કરી છે. કાકાસાહેબ કાલેલકરે આ દ્વાર પૂર્ણપણે ખોલ્યું અને એ પછી ગુજરાતી લેખકો પોતાના પ્રવાસો ગ્રંથસ્થ કરવા તરફ વળ્યા. તેમ છતાં કાકાસાહેબની પ્રવાસકૃતિઓ આ પ્રકારના સાહિત્ય માટે હજી માનદંડ જેવી રહી છે એ હકીકતનો સ્વીકાર કર્યા વિના ચાલે એમ નથી. એટલું જ નહિ, કાકાસાહેબની પ્રથમ પ્રવાસકૃતિ ‘હિમાલયનો પ્રવાસ' આપણા પ્રવાસસાહિત્યમાં જ નહિ, કાકાસાહેબની પોતાની પ્રવાસકૃતિઓમાં પણ હજી વયે અને ગુણે અગ્રજ રહી છે. કાકાસાહેબ એ પછીની પ્રવાસકૃતિઓમાં પોતે પોતાને આંબી શક્યા નથી એ આ સ્વરૂપ માટે પણ ઘણું સૂચક છે. આ દાયકે કાકાસાહેબે સ્પષ્ટ રીતે બે પ્રવાસ-પુસ્તકો આપ્યાં છે. હા, ‘જીવનલીલા'ને ત્રીજી કૃતિ તરીકે એમાં ગણાવી શકાય, પણ એ તો ‘લોકમાતા'ની જ સંવર્ધિત આવૃત્તિ છે. તેમ છતાં એમાં જીવન=જલની લીલાનું વૈવિધ્ય લેખકે વિશેષ દાખવ્યું છે-બીજાં એ પ્રકારનાં ચિત્રો ઉમેરીને આ સરિત્સ્તોત્રો કે જલસ્તોત્રોમાં કાકાસાહેબનો પ્રકૃતિપ્રેમ અને સંસ્કૃતિપૂજા, એમને વિનેાદ અને એમનું ચિંતન, એમની દેશભક્તિ અને એમની રમણીયચારુ શૈલી–આ સર્વનું મનોહર દર્શન થાય છે અને ભાવપ્રેરતાં અને ભાવવહતાં પ્રવાસચિત્રો તરીકે આપણને આકર્ષી રહે છે. ઉપર ઉલ્લેખેલી એમની બે પ્રવાસકૃતિઓ તે ‘પૂર્વ આફ્રિકામાં' અને ‘ઉગમણો દેશ' કેવળ દેશદર્શનના ઉદ્દેશને જ પ્રધાન ગણીને કાકાસાહેબ પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયેલા અને ‘પેલી પારના પાડોશીઓ' સાથે પાડોશીધર્મથી બંધાઈને પાછા આવ્યા. ત્યાં એમણે ધોધ જેવાં પ્રાકૃતિક દૃશ્યોનાં અને ગામડાંનાં દર્શન કર્યાં, વન્ય શ્વાપદોની અને આફ્રિકન નેતાઓની મુલાકાત લીધી, ત્યાંનાં ઘર અને ત્યાંની જનતા, એમના નૃત્યો અને એમની મહેચ્છા-આ અને આવું બધું વિગતે જોયું, માણ્યું. હૈયું ઠારતી નીલોત્રી અને અભયારણ્ય, ગંભીરભવ્ય કિલિમાંજારો અને શાંતિધામ દારેસ્સલામ અને બીજાં અનેક આ પ્રવાસગ્રંથમાં રુચિર રીતે વર્ણવાયાં છે. આરણ્યક કાકાસાહેબનું દર્શન તૃપ્તિકર છે. ધર્મચિંતન અને વિનોદ આ પ્રવાસગ્રંથમાં પણ પોતાનું વિશિષ્ટ સ્થાન જાળવી રાખે છે. ‘ઉગમણો દેશ’ એ જાપાનનો પ્રવાસગ્રંથ છે, અને લેખકે ત્યાંની સંસ્કારયાત્રા અહીં વર્ણવી છે. જાપાની પ્રજાની વિશેષતાઓ અને ત્યાંના સૌંદર્યધામોનાં વર્ણનો, હળવાં ફેરાં જેવું ચિંતન અને પ્રવાહી કાવ્યાસ્વાદ કરાવતી ગદ્યશૈલી ‘ઉગમણો દેશ'ને આપણા પ્રવાસસાહિત્યમાં માનવંતું સ્થાન આપે છે. આ દાયકાની ત્રીજી આકર્ષક પ્રવાસકૃતિ તે ડૉ. ભોગીલાલ સાંડેસરાની ‘પ્રદક્ષિણા.' આ કૃતિ કોઈ એક જ દેશના પ્રવાસ પૂરતી સીમિત નથી. આ પ્રવાસનો ઉદ્દેશ નર્યા દેશદર્શનનો પણ નથી. સાચી રીતે તો આ વિદ્યાયાત્રા છે, અને લેખકે એ નિમિત્તે યુરોપ, અમેરિકા, જાપાન અને અગ્નિ-એશિયાના દેશોનો કરેલો પ્રવાસ અહીં અત્યંત રસમય રીતે વર્ણવ્યો છે. પ્રાચ્યવિદ્યા, પ્રવાસના કેન્દ્રબિંદુમાં હોઈ એની ફરફર સમગ્ર પુસ્તકને વિશિષ્ટ વાતાવરણથી રસાર્દ્ર બનાવે છે. શ્રી અંબુભાઈ પુરાણની ‘ઇંગ્લેન્ડની સંસ્કારયાત્રા’ અને ‘પથિકનો પ્રવાસ', શ્રી રવિશંકર મહારાજની ‘મારો ચીનનો પ્રવાસ', શ્રી દાદુભાઈ પટેલની ‘યુરોપની વાટેથી,' શ્રી કપિલાબહેન મહેતાની ‘મારી યુરોપયાત્રા,' શ્રી મણિલાલ પુરાણીની ‘બ્રહ્મદેશદર્શન' જેવી પ્રવાસકૃતિઓ આ૫ણા પ્રવાસસાહિત્યને સમૃદ્ધ કરે છે. એમાંની કેટલીકમાં ભારતીય દૃષ્ટિએ થયેલું અન્ય દેશોનું દર્શન માહિતીપ્રદ અને રુચિર છે. એમાં મહારાજશ્રીનો ચીનનો પ્રવાસ નૂતન ચીનદર્શનનો અચ્છો ખ્યાલ આપે છે. શ્રી રવિશંકર રાવળે કરેલો વિયેના અને મોસ્કોનો પ્રવાસ -‘દીઠા મેં નવા માનવી',- આ૫ણને એક કલાકારના સંસ્કારદર્શનનો પરિચય કરાવે છે, અને ત્યાંના શિક્ષણ તેમજ સંસ્કાર જેવા પ્રશ્નોના નિરૂપણ સાથે રશિયાના ક્રાંતિકારી વિકાસનું પણ રેખાદર્શન કરાવી રહે છે. શ્રી કાળુભાઈ બસિયાની પ્રવાસકૃતિ ‘જગત પ્રવાસ-પ્રસાદી' લેખકની રશિયા, અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોની આનંદયાત્રા મુગ્ધભાવે આલેખે છે અને તે તે દેશની માહિતી સંકલિતરૂપે રજૂ કરે છે. પરંતુ લેખક પાસે જેટલું ઉત્સાહનું બળ છે તેટલી નિરૂપણની ચોટ નથી.. ભારતનાં વિવિધ સ્થળોની યાત્રાવિષયક કે પ્રવાસવિષયક કૃતિઓનું પ્રમાણ પણ ઠીક કહી શકાય એવું છે. શ્રીમતી શાન્તાબહેન ચિમનલાલ કવિએ ‘કાશ્મીર'માં ત્યાંના પ્રકૃતિવૈભવનો ખ્યાલ આપવા સાથે ઘણી ઉપયોગી માહિતી રજૂ કરી છે અને જોવાલાયક સ્થળોનું માહિતીપ્રદ ‘પરિશિષ્ટ' પણ સાથે આપ્યું છે. શ્રી પ્રણવતીર્થનાં ‘દક્ષિણકૈલાસદર્શન,' ‘ઉત્તરાપથ' અને ‘ચલો બદ્રિકેદાર', શ્રી મણિલાલ પુરાણિકનું ‘કેદારબદ્રિયાત્રા,' શ્રી નવનીત પારેખનું આલમોડાથી કૈલાસ સુધીના માર્ગનું, માહિતીસભર છતાં વિવિધ પ્રકૃતિદૃશ્યોના વર્ણનથી સોહતું, ઝીણવટવાળું છતાં રસિક ‘કૈલાસદર્શન’, અન્ય આબુવિષયક કેટલીક માહિતીપ્રદ પુસ્તિકાઓ તેમ જ શ્રી રસિકલાલ પરીખનો ‘મારો હિમાલયનો પ્રવાસ' અને શ્રી હિંડિયા સુધાકરનું ‘હિમાલયયાત્રાનાં સંસ્મરણો,' શ્રી રમણલાલ શાહનું ‘એવરેસ્ટનું આરોહણ, ‘શ્રીદલપતરામ મહેતાનું ‘ભારતયાત્રા,' નવાં નગરો અને બંધયોજનાઓ વિશેનું પીતાંબર પટેલનું ‘ભારતનાં નવાં યાત્રાધામો,' શ્રી વજુભાઈ દવેનાં ‘પ્રવાસપરાગ’ અને ‘પ્રવાસપ્રસાદી' ઉપરાંત શ્રી છોટુભાઈ અનડાના ‘પ્રવાસપત્રો,' શ્રી યશોધર મહેતાનાં ‘શ્રીનંદા' અને ‘૪૪ રાત્રિઓ'-આ સર્વ પ્રવાસપુસ્તકો પ્રવાસીઓને એમાંની વિગતપૂર્ણ માહિતીથી ખૂબ ઉપયોગી થઈ પડે એમ છે. એમ તો, શુદ્ધ પ્રવાસકૃતિ ન કહેવાય છતાં ‘રેવાને તીરે તીરે'માં શ્રી મંજુલાલ મજમુદારે પણ નર્મદાના રમણીય પ્રદેશની વિગતભરી માહિતી આપી છે. ‘સંસ્કૃતિ'માં પ્રગટ થયેલા શ્રી ચુનીલાલ મડિયાના ‘એટલાંટિકનું ઉલ્લંઘન' તેમ જ શ્રી ઉમાશંકર જોશીના ‘પશ્ચિમયાત્રી'ના પ્રવાસલેખોનો અત્યારે તો ઉલ્લેખ કરીને જ સંતોષ માનીએ. આમ, આ દાયકાની પ્રવાસસ્કૃતિઓમાં વૈવિધ્ય ઘણું છે. આફ્રિકા અને જાપાન, ચીન અને રશિયા, ઇંગ્લેન્ડ અને અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, બ્રહ્મદેશ અને ભારત: લગભગ સમગ્ર જગતને આવરતા પ્રવાસો આપણે ત્યાંથી થયા છે. એમાં કોઈક વિદ્યાયાત્રા છે તો કોઈક સંસ્કારયાત્રા, કોઈક ધર્મયાત્રા છે તો કોઈક આનંદયાત્રા, પ્રવાસ પાછળની દૃષ્ટિનો વ્યા૫ કેવો વિસ્તર્યો છે. એની આથી કંઈક ઝાંખી થાય છે.