ગ્રંથ અને ગ્રંથકાર/પ્રસ્તાવના

પ્રસ્તાવના

‘ગ્રંથ અને ગ્રંથકાર'નો દસમો ભાગ ઈ. ૧૯૫૨માં પ્રગટ થયો હતો. ઈ. ૧૯૬૨ લગભગ અમને અગિયારમા ભાગનું સંપાદન-કાર્ય સોંપાયેલું. દરેક દસકે આ ગ્રંથ હવે પ્રગટ થતો રહે તો તેનો ઉદ્દિષ્ટ હેતુ બર આવે એમ અમને પણ લાગે છે. ઈ. ૧૯૫૦થી ૧૯૬૦ના દસકાના સાહિત્યપ્રવાહોનું અવલોકન અને એ ગાળાના લગભગ પચાસ-પંચાવન જેટલા લેખકોનો પરિચય આ ભાગમાં આપવાની અમે યોજના કરી હતી. એ પ્રમાણે ગ્રંથકાર-ચરિતાવલિના બીજા વિભાગ માટે પ્રશ્નાવલી તૈયાર કરીને જે લેખકોની યાદી તૈયાર કરેલી તેમને મોકલવામાં આવી હતી. બીજી બાજુ, દસકાના સાહિત્યપ્રવાહોના અવલોકનનું કાર્ય આરંભ્યું હતું. આ માટે અમે પ્રથમ સહાય ગુજરાત સાહિત્યસભા તરફથી પ્રગટ થયેલી સમીક્ષાઓની લીધી. પરંતુ આ દસકાની સઘળી સમીક્ષાઓ પ્રગટ થઈ નહિ હોવાથી (અને પ્રગટ થયેલી સમીક્ષાઓમાં પણ બધાં પ્રકાશિત પુસ્તકો સમીક્ષાર્થે નહિ આવતાં હોવાથી) દસકાનાં મહત્ત્વનાં પુસ્તકો ખ્યાલ બહાર ચાલ્યાં ન જાય એ હેતુથી ગુજરાત વિદ્યાપીઠના કૉપીરાઈટ પુસ્તકાલયના નોંધપત્રકની સહાય લીધી, અને દસકામાં પ્રગટ થયેલાં સઘળાં પુસ્તકોની નોંધ કરી. એ કાર્ય માટે ઠીક ઠીક સમય ગયો. ઉપરાંત આપણાં સામયિકોંમાં ‘સાભાર-સ્વીકાર'ની નોંધ પામેલાં કે અવલોકાયેલાં પુસ્તકોની પણ યાદી કરી. આ સર્વ દ્વારા પ્રવાહોના અવલોકનની પ્રાથમિક ભૂમિકા પૂરી કરી. ઈ. ૧૯૬૪માં આ ગ્રંથનો પહેલો વિભાગ-દાયકાના સાહિત્યનું પ્રવાહદર્શન-તૈયાર થયો, અને તે અમે વિદ્યાસભાને સોંપ્યો. ગુજરાત સાહિત્ય સભાની વાર્ષિક સમીક્ષાઓ જો દસકાને અંતે પણ એકસાથે ઉપલબ્ધ થાય અને સર્વ પ્રકાશકો પોતાનાં સઘળાં પ્રકાશનો એ સમીક્ષા માટે મોકલે તે આ પ્રકારના કાર્યને ઘણી અનુકૂળતા રહે. કૉપીરાઈટ પુસ્તકાલયમાં પણ દસકાનાં સઘળાં પુસ્તકોની યાદી અદ્યતન હોવી મુશ્કેલ છે. ત્યાં પણ પ્રકાશકો પોતાનાં પ્રકાશનો નિરાંતે મોકલતા હોય એવું બને. આ સંયોગોમાં, પ્રમાદને કારણે નહિ પણ એવાં સાધનોને અભાવે, પૂર્ણ તકેદારી રાખવા છતાં કોઈ મહત્ત્વની કૃતિ ખ્યાલ બહાર રહી ગઈ હોય અને આ પ્રવાહદર્શનમાં ન નોંધાઈ હોય એવું બનવાનો સંભવ છે. ઉપરાંત, સઘળાં પ્રકાશનોનો નામોલ્લેખ કરવો પણ પૃષ્ઠમર્યાદા જોતાં સંભવિત નથી. એટલે તે તે વિભાગનું અવલોકન કરતાં, મહત્ત્વની કૃતિઓનો સંક્ષેપમાં પરિચય આપી, બાકીનીનો નામનિર્દેશ કરી, અંતે 'વગેરે' લખીને સંતોષ માન્યો છે. પ્રવાહદર્શન કરાવતાં જે વિભાગો પાડ્યા છે એ અવલોકનની સગવડ ખાતર. કેટલાંક પુસ્તકો, જેમકે ધર્મ કે નિબંધ, વ્યાકરણ કે સંપાદન, ચરિત્ર કે વિવેચન-એમ બંને વિભાગોમાં આવતાં હોય, પણ કોઈ એક વિભાગમાં નિર્દેશ કરીને સંતોષ માન્યો છે, અને ત્યાં એ અંગે ખુલાસો કરવાનો પણ યત્ન કર્યો છે. અનુવાદનો જુદો વિભાગ કરવાને બદલે અનુવાદોનો નિર્દેશ તે તે વિભાગને અંતે જ કર્યો છે. તેમ છતાં, કાવ્યઅનુવાદો, મુખ્યત્વે સંપાદનો હોવાથી એમને 'સંશોધન-સંપાદન' વિભાગમાં સ્થાન આપ્યું છે. આટલું આ ગ્રંથના પહેલા વિભાગ અંગે. હવે ગ્રંથકાર-ચરિતાવલિના બીજા વિભાગ અંગે. અમે લેખકની વય અને એમનું પ્રદાન-એ બે મુદ્દાઓને લક્ષમાં રાખીને લેખકોને પ્રશ્નાવલી મોકલી હતી. એમાં દસમા ગ્રંથની સૂચિની ભૂલને કારણે, પૂર્વેના ગ્રંથોમાં જેમનો પરિચય આવી ગયેલો તેમાંના કેટલાકને પણ એ પ્રશ્નાવલી ભૂલથી પહોંચેલી. એમણે અમને એ પ્રશ્નાવલી ભરીને મોકલી આપેલી. એમાંના કેટલાકનો પરિચય પણ અમે લખી નાખ્યો હતો. પણ સાથે સાથે આ ગ્રંથોના ત્રીજા વિભાગ ‘સૂચિ'નું કામ ચાલતું હતું એ નિમિત્તે જૂના દસે ગ્રંથો જોવાનું થયું, અને એ ગ્રંથોમાં આ લેખકોનો પરિચય આવી ગયેલો જોયો, એટલે એમનો પરિચય આ ગ્રંથમાં ફરીથી આપ્યો નથી. એ સર્વ લેખકોને પડેલી તકલીફ માટે અમે ક્ષમા માગીએ છીએ. આ કાર્યમાં એથી ઊલટોયે અનુભવ થયો છે. કેટલાક લેખકોએ અમને પ્રશ્નાવલી ભરીને મોકલેલી નહિ. એમને વારંવાર વિનંતી કરી એટલે કેટલાકે તે મોકલી આપી, પણ થોડાક ખ્યાતનામ ગ્રંથકારોની માહિતી તો અમારે અન્યત્રથી વાંચીને કે મળીને એકઠી કરવી પડી છે. તેમણે પ્રશ્નાવલી ભરીને મોકલી હોત તો અમારું કામ વિશેષ સરળ બન્યું હોત. સ્વ. કવિ ભાનુશંકર વ્યાસ 'બાદરાયણ' અને સ્વ. કવિ 'સાલિક' પોપટિયા માટે અમને શ્રી રમણભાઈ વકીલ અને શ્રી જમિયત પંડ્યા તેમજ શ્રી કિસ્મત કુરેશીએ સહાય કરી છે. એ માટે અમે એમના આભારી છીએ. શ્રી રસિકલાલ છો. પરીખનો પરિચય અગાઉના ગ્રંથોમાં નથી આવી ગયો એ જાણીને આશ્ચર્ય અનુભવેલું. ઉપલબ્ધ સામગ્રી અને એમની રૂબરૂ મુલાકાત દ્વારા એમનો પરિચય તૈયાર કર્યો છે. સદ્. કવિ ‘મોહિનીચંદ્ર', સદ્. નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદી અને સદ્. શ્રી ભદ્રકુમાર યાજ્ઞિકે એમના અવસાન પૂર્વે પ્રશ્નાવલી ભરીને મોકલી દીધી હતી. વિનંતીપત્રો મોકલવા છતાં જેમના તરફથી પ્રશ્નાવલીના ઉત્તરો ન મેળવી શક્યા તે સર્વશ્રી સુરેશ જોશી, મકરંદ દવે, સ્વ. બકુલેશ, અશોક હર્ષ, પ્રહલાદ બ્રહ્મભટ્ટ, નીરુભાઈ દેસાઈ, સ્વ. વજુભાઈ કોટક, અસીમ રાંદેરી, 'બેકાર', અવિનાશ વ્યાસ વગેરેના પરિચયનો આમાં સમાવેશ કરી શકાયો નથી. કેટલાક લેવાવા જોઈતા લેખકો, અનવધાન દોષને કારણે રહી ગયા હોય એમ પણ બને. કેટલાકનાં ફોર્મ્સ એટલાં મોડાં આવ્યાં કે એમનો પરિચય આ ગ્રંથમાં લઈ શકાયો નથી. શ્રી સ્વામી આનંદને ૫ણ પ્રશ્નાવલી મોકલેલી, પણ જવાબમાં એમણે આ યોજનામાંથી પોતાને ‘બાતલ રાખવા' જણાવ્યું. કેટલાક લેખકમિત્રોએ સામેથી પોતાનો પરિચય આ ગ્રંથમાં લઈ શકાય કે કેમ એમ પુછાવેલું, પરંતુ અમે નક્કી કરેલી નીતિયોજનામાં જે લેખકો નહોતા આવતા એમને અમે દિલગીરીપૂર્વક નકારાત્મક ઉત્તર આપ્યો છે. એ માટે અહીં ફરીથી દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અલબત્ત, તેમનો સમાવેશ આગામી ગ્રંથમાં થઈ શકશે. ઘણાખરા લેખકોનો પરિચય અમે 'પ્રવાહદર્શન’ પછી તરત જ લખી નાખ્યો હતો, પરંતુ 'પ્રવાહદર્શન'ના પહેલા વિભાગનું છાપકામ મોડું શરૂ થયું એનો લાભ લઈ ૧૯૬૫ લગભગ જે લેખકોની કૃતિઓ પ્રગટ થઈ હતી તેમને પરિચયમાં ઉમેરી દીધી છે, અને એ પરિચયને અદ્યતન બનાવવાનો યત્ન કર્યો છે. તેમ છતાં સર્વ લેખકો માટે એ શક્ય બન્યું નથી. ઘણા લેખકોને વિનંતી કરવા છતાં એમની કૃતિઓનાં પ્રકાશન-વર્ષ તેમ જ અન્ય સામગ્રી પૂરી પાડેલ નથી. અમે બને એટલી માહિતી એકત્રિત કરીને અહીં રજૂ કરવાનો યત્ન તો કર્યો છે, છતાં જે લેખકોની માહિતી- ખાસ કરીને એમનાં છેલ્લાં પ્રકાશનો અંગેની-અધૂરી રહી ગઈ હોય તે માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. છેલ્લે આ ગ્રંથના ત્રીજા વિભાગ 'સૂચિ' વિશે થોડુંક. અત્યાર સુધીનાં ગ્રંથ-ગ્રંથકારનાં બધાં પુસ્તકોમાં જેમનો પરિચય આવી ગયો છે તે લેખકોની જન્મતારીખ અને લેખક વિદ્યમાન ન હોય તો અવસાનતારીખ આ ગ્રંથની 'સૂચિ'માં અપાય તો આ ગ્રંથની ઉપયોગિતા વધે, અને સંદર્ભગ્રંથ તરીકે તે વિશેષ ઉપયોગી બને એવા મુ. શ્રી ઉમાશંકરભાઈ જોશીના ઉપયોગી સૂચનને સ્વીકારીને શક્ય તેટલા લેખકોની તારીખો (કે છેવટે વર્ષો) મેળવીને અહીં આપેલ છે. આ વિશેની ટૂંકી નોંધ અમે 'સૂચિ'ના આરંભે મૂકી છે. સઘળાં સંવત્ વર્ષો અને તિથિઓ, પંચાંગ જોઈ, ઈસ્વીસનનાં વર્ષો અને તારીખોમાં ફેરવી નાખ્યાં છે. તારીખો મેળવવા માટે અમે ત્રણસો ઉપરાંત ૫ત્રો લખ્યા હતા, અને ઘણાંખરાંએ અમને તરત જ ઉત્તર આપીને આ કાર્યમાં સહાય કરી છે. જેમણે આવી સહાય કરી છે એ લેખકોનાં સર્વ સ્વજનો અને મિત્રોના અમે અંતરથી આભારી છીએ. એ સર્વેનો નામનિર્દેશ કરવો પણ અહીં શક્ય નથી. પણ સર્વશ્રી બચુભાઈ રાવત, ભૃગુરાય અંજારિયા, લક્ષ્મીનારાયણ પંડ્યા, વિનોદિનીબહેન નીલકંઠ, ચિનુભાઈ પટવા, રતિલાલ દેસાઈ, ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી, દર્શક, આઈ. વી. ત્રિવેદી, પ. કુ. ત્રિપાઠી, રામલાલ નવનીતલાલ, ચંદ્રવિદ્યાનંદ પંડિત, રા. ના. પાઠક, દલસુખભાઈ માલવણિયા, ઉપેન્દ્રભાઈ પંડ્યા, ધીરુભાઈ ઠાકર, સી. જી. રાવલ, નવીનભાઈ શાહ, નિમિષાબહેન શુક્લ, ‘મધુરમ્' તેમ જ ‘સસ્તું સાહિત્ય’ અને 'કરસનદાસ ઍન્ડ સન્સ'ના, આ કાર્યમાં સહાય કરવા માટે અમે આભારી છીએ. વિદેહ થયેલા લેખકોની અવસાન-નોંધો આ૫ણાં સામયિકોમાં લખાય છે ખરી, પણ એમાંની કેટલીક નોંધોમાં અવસાનની તારીખો આપવામાં આવતી નથી. એ નોંધોમાં જે ચોક્કસ તારીખો અપાય તે ભવિષ્યમાં આ પ્રકારના કાર્ય માટે તે ખૂબ ઉપયોગી થાય. પ્રવાહદર્શન, ગ્રંથકાર-ચરિતાવલિ અને ગ્રંથ-ગ્રંથકારના અગિયારે ગ્રંથોના લેખકોની તારીખવાળી 'સૂચિ'-આ ત્રણે વિભાગોવાળું આ પુસ્તકનું સંપાદન સાહિત્યરસિકોને ઉપયોગી થશે એવી આશા છે. દસકામાં વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા ઉત્તમ લેખોની સૂચિ આમાં ઉમેરી શકાઈ હોત તો અમને આનંદ થાત. જોકે હવે એ પ્રકારના લેખો, આપણે ત્યાં વિવેચનસંગ્રહોનું પ્રકાશન ઝડપી બન્યું હોઈ, ગ્રંથરૂપે સુલભ થવા માંડ્યા છે એટલે 'ગ્રંથ-ગ્રંથકાર'ના એ ઉપયોગી અંગને અહીં સ્થાન ન આપીએ તો ખાસ ગેરલાભ થાય તેમ નથી. આ કાર્યમાં અમને કેટલાક મિત્રોએ સહાય કરી છે. ખાસ કરીને પ્રા. હરિવદન મઝૂમદારે સહસંપાદક જેટલા ઉત્સાહથી, કેટલાક લખાણકાર્યમાં પણ મદદ કરી છે. એ માટે એમના ખૂબ આભારી છીએ. ગુજરાત વિદ્યાસભાએ આ કાર્ય અમને સોંપીને દાયકાના સાહિત્યનું દર્શન કરવાની અને ગ્રંથકારોના માનસિક પરિચયમાં આવવાની ઉમદા તક આપી છે તે માટે અમે એ સંસ્થાના ઉપકૃત છીએ. વિદ્યાસભાના કાર્યાલયમંત્રી શ્રી જેઠાલાલ ગાંધીએ આ ગ્રંથના સંપાદનમાં આવશ્યક માહિતી પૂરી પાડવામાં અને સાધનો સુલભ કરવામાં જે સહકાર આપ્યો છે તેની નોંધ લીધા વિના રહી શકતા નથી. ઉપરાંત, આદિત્ય મુદ્રણાલયના સહકાર માટે તેમ જ સુઘડ છાપકામ માટે અમે આભારી છીએ.

અમદાવાદ
૧-૧૨-૧૯૬૬
પીતાંબર પટેલ
ચિમનલાલ શિ. ત્રિવેદી