ગ્રંથ અને ગ્રંથકાર/સંશેાધન-સંપાદન

સંશોધન-સંપાદન

આપણે ત્યાંના વિદ્વાન સંશોધકોએ પોતપોતાના ક્ષેત્રમાં, આ દાયકે, સ્વાધ્યાયના ફળરૂપ ઉત્તમ કૃતિઓ આપી છે. એમાં પિંગળ અને સંસ્કૃતિ, ઇતિહાસ અને ભાષાશાસ્ત્ર જેવા વિષયોમાંનું અધિકારી વિદ્વાનોનું અર્પણ આપણા સારસ્વત તપની ઉજજવલતા પ્રકટ કરે છે. આ વિભાગમાંનું કેટલુંક સંશોધન માત્ર ગુજરાતને જ નહિ, સમગ્ર ભારતવર્ષને ગૌરવ અપાવે છે. એક જ કૃતિનો નિર્દેશ કરવો હોય તો રામનારાયણ પાઠકના ‘બૃહત્ પિંગલ'ને, વિના સંકોચે, આપણે આગળ ધરી શકીએ. મધ્યકાળનાં સંશોધિત સંપાદનમાંનાં કેટલાંક આપણા વિદ્વાનોના તેજસ્વી અધીતનું દર્શન કરાવનારાં છે. આપણે ત્યાં દલપત-નર્મદથી પિંગળને કંઈક વ્યવસ્થિત અભ્યાસ આરંભે, અને એ પછી રણછોડભાઈએ ‘રણપિંગલ'ના ત્રણ ભાગ આપ્યા. કેશવલાલ ધ્રુવે ‘પદ્યરચનાના પ્રકાર' અને ‘પદ્યરચનાની ઐતિહાસિક આલેચના' આપ્યાં, અને ત્યારબાદ રામનારાયણ પાઠકે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય,’ ‘પ્રાચીન ગુજરાતી છંદો-એક ઐતિહાસિક સમાલોચના,’ ‘ગુજરાતી પિંગલ-નવી દૃષ્ટિએ' અને ‘બૃહત્ પિંગલ’-એ ક્રમે ‘પિંગળનો સુવ્યવસ્થિત શાસ્ત્રીય અભ્યાસ કર્યો. આ દાયકામાં સદ્. પાઠકસાહેબનાં છેલ્લાં બે પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમાંનું પહેલું-‘ગુજરાતી પિંગલ-નવી દૃષ્ટિએ' મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારકની વ્યાખ્યાનમાલાની યોજનામાં અપાયેલાં ત્રણ વ્યાખ્યાનો છે. અક્ષરમેળ વૃત્તો, માત્રામેળ કે જાતિ છંદો અને પદ કે દેશી ઉપરનાં એ ત્રણે વ્યાખ્યાનોમાં યતિ અને સંધિની એમણે તાત્ત્વિક ચર્ચા કરી છે. એ પછી એમના જીવનભરના અભ્યાસના પરિપાકરૂપ ‘બૃહત્ પિંગલ' પ્રકટ થયું. લગભગ ૭૦૦ પાનાંનો એ ગ્રંથ ૧૫ પ્રકરણો અને ૨૦ પરિશિષ્ટોમાં વહેંચાયેલો છે. અવિરત શ્રમ લઈ એકત્રિત કરેલાં અસંખ્ય દૃષ્ટાંતોને તપાસી-ચકાસી એમાંથી જ નિયમ તારવી આપવાની સહજસૂઝભરી વૈજ્ઞાનિક દૃષ્ટિયુક્ત શુદ્ધ શાસ્ત્રીય પદ્ધતિએ લખાયેલો આ ગ્રંથ, છંદોના મુખ્ય પ્રકારો, વૈદિક છંદો, યતિભંગની અદોષતા અને સદોષતા, અનુષ્ટુપનું સ્વરૂપ, સંધિ, માત્રામેળ-જાતિછંદો, પિંગલ, ગઝલ, સંખ્યામેળ છંદ, દેશી, પ્રવાહી છંદ-એમ અનેકની ઝીણુવટભરી સૂક્ષ્મ ચર્ચા કરે છે. આ દશકાના ઉત્તમ ગ્રંથ તરીકે ‘બૃહત્ પિંગલ' આપણા સંમાનનો અધિકારી છે. ‘કચ્છનું સંસ્કૃતિદર્શન'માં રામસિંહજી રાઠોડે કચ્છ વિશે સર્વગ્રાહી સુસંકલિત માહિતી રજૂ કરીને એને કચ્છનો આકરગ્રંથ જ બનાવ્યો છે. એમાં એના ઇતિહાસનું, એની વિવિધ કલાઓ અને સાહિત્યનું, એના સામાજિક જીવનનું-એમ પ્રદેશસંસ્કૃતિના સર્વાંગી સુભગ ચિત્રને એમણે ઉપસાવ્યું છે. દુર્ગાશંકર કે. શાસ્ત્રીએ ‘આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો’માં સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક એમ વિવિધ વિષેયો પરના લેખો આપ્યા છે, તો ‘સ્વ. રામલાલ ચુ. મોદી લેખસંગ્રહ'માં સ્વર્ગસ્થના સંશોધનલેખોમાંથી ગુજરાતના ઇતિહાસ અને જૂનું ગુજરાતી સાહિત્ય-એ બંને વિષયો પરના કેટલાક અભ્યાસનિષ્ઠ લેખો ગ્રંથસ્થ થયા છે. ભાલણ અને ભીમ, પ્રેમાનંદનું શિષ્યમંડળ, ઐતિહાસિક નવલમાં ઇતિહાસનિરૂપણ, ચાવડાઓની વંશાવળી અને સોલંકીયુગને લગતા એમના લેખો ખૂબ ઉપયોગી છે. એમ તો દી. બ. કૃષ્ણલાલ મો. ઝવેરીના લેખસંગ્રહમાંના કેટલાંક લખાણો પણ મૂલ્યવત્તાવાળાં છે. ‘મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો' એ ડૉ. ભોગીલાલ સાંડેસરાનો ગ્રંથ ગુજરાતની સાહિત્યિક-સાંસ્કૃતિક ભૂમિકા સાથે વસ્તુપાલ અને તેના સાહિત્યમંડળ વિશેની સારી માહિતી અને પરિચય આપી તેમના વિવિધ ક્ષેત્રોના ફાળાને અવલોકે છે. શ્રી ઉપેન્દ્રરાય જ. સાંડેસરાએ ‘મહાભારત અને ઉત્તરાધ્યયનસૂત્ર'માં કેટલાક વિષયોને લગતાં બંનેનાં ઉક્તિરત્નો તુલના માટે રજૂ કર્યા છે અને બૌદ્ધ ગ્રંથોમાંથી પણ ‘સ્વાધ્યાય’માં એવાં વચનો ટાંક્યાં છે. ડૉ. છોટુભાઈ નાયકનું સૂફીમત વિશેનાં થયેલાં સંશોધનોને આધારે સમજ આપતું પુસ્તક ‘સૂફીમત', અને ડૉ. મણિભાઈ શિ. પટેલનું ‘મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી’-આવાં પુસ્તકો તે તે વિષયનાં અભ્યાસી અને માહિતીપ્રદ પુસ્તકો છે. ઈશ્વરલાલ ૨. દવેએ ‘દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓ'માં ભારતના દક્ષિણ પ્રદેશમાં વસેલા સૌરાષ્ટ્રીઓ વિશેનો ખંતભર્યો અભ્યાસ રજૂ કર્યો છે, જયંતીલાલ મલકાણાએ ‘પંચમહાલના આદિવાસીઓ'માં ભીલ જાતિની સામાજિક-આર્થિક તપાસનું પરિણામ આપ્યું છે, ત્રિભુવન વ્યાસે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક આલોચના કરી છે, ગોવિંદલાલ ગો. શાહે ‘શ્રી બારનાત મહાજનનો ઇતિહાસ'માં, મહારાષ્ટ્રમાં વસીને વેપાર કરતા ગુજરાતીઓના મહારાષ્ટ્રના ઉત્કર્ષમાંના ફાળાની વાત કરી છે. ડૉ. ભોગીલાલ સાંડેસરાનાં 'જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' 'અને 'ઉત્તરાધ્યયનસૂત્ર' પૈકી પહેલું આગમસાહિત્યમાં ગુજરાત વિશેની માહિતી આપે છે, અને બીજાનું સુંદર સંપાદન તેમની વિદ્વત્તા અને સંશોધનશક્તિનો પરિચય આપે છે. એમનું વર્ણક-સમુચ્ચય' ૧-૨ વિશેષ ધ્યાન ખેંચે છે. એમાં 'વર્ણક' નામક વિશિષ્ટ ગદ્યપ્રકારનું સંપાદન છે. રચનાઓના મૂળ પાઠ સહિત ગદ્યવર્ણકસમુચ્ચયનું સાંસ્કૃતિક અધ્યયન કરાવતું હોઈ એ પુસ્તક, વર્ણકો અંગેનો અધ્યયનગ્રંથ બની રહે છે. આચાર્ય જિનભદ્રના ‘ગણધરવાદ’નો દલસુખભાઈ માલવણિયાનો અનુવાદ પણ અહીં સ્મરવો જોઈએ. જ્યમલ્લ ૫રમારે ‘આપણી લોકસંસ્કૃતિ'માં લોકસંસ્કૃતિનાં તત્ત્વોની અભ્યાસપૂર્ણ માહિતી આપી છે. એમાંની રાસ-ગરબા વિશેની વિચારણા તેમ જ લોકનૃત્ય અને સંતવાણી વિષયક સમીક્ષા ગમી જાય એવી છે. આ દાયકામાં આપણે ત્યાં અનેક સુંદર કાવ્ય-સંપાદનો પ્રગટ થયાં છે. એમાંના કેટલાંકની શાસ્ત્રીય સંપાદનપદ્ધતિ નમૂનેદાર છે, અને આ૫ણા અભ્યાસીઓને પ્રેરક થઈ પડે એવી છે. મધ્યકાળના સાહિત્યની અનેક કૃતિઓ વિવિધ સંપાદકો દ્વારા સંપાદિત થઈ છે. એમાં શ્રી કાન્તિલાલ બ. વ્યાસનું ‘કાન્હડદે પ્રબંધ' (અંગ્રેજી આવૃત્તિ) એક આદર્શ શાસ્ત્રીય સંપાદન છે. આ સંપાદન સંપાદકની ઊંડી અભ્યાસનિષ્ઠા અને વિદ્વત્તાના નમૂના તરીકે સદૈવ સ્મરણમાં રહેશે. એ જ કૃતિના પ્રથમ બે ખંડોનું એમનું ગુજરાતી-સંપાદન અને ‘પંદરમા શતકનાં ચાર ફાગુ કાવ્યો'નું સ્વચ્છ સંપાદન પણ આપણાં મહત્ત્વનાં સંપાદનો છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ સ્વયમ્ભૂ કૃત ‘પઉમચરિઉ’-નવમી શતાબ્દીનું જૈન રામાયણ વિષયક અપભ્રંશ સંધિબંદ્ધ મહાકાવ્ય-વિસ્તૃત ભૂમિકા સાથે પ્રથમવાર સંપાદિત કર્યું છે. સંપાદકની શાસ્ત્રીય દૃષ્ટિનો પરિચય આપતું આ સંપાદન એમાંની વ્યાકરણ-કોશવિષયક ચર્ચા અને શબ્દકોશ તેમ જ અંગ્રેજી સારને પરિણામે સમૃદ્ધ બન્યું છે. આ જ સંપાદકે આ૫ણને ‘ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો' (રેવંતગિરિરાસ, નેમિનાથ ચતુષ્પદિકા અને સ્થૂલિભદ્રદફાગુ)નું સવ્યુત્પત્તિક કેશ સાથે સુંદર સંપાદન આપ્યું છે. એમનાં ‘રુસ્તમનો સલોકો' તેમ જ શામળકૃત ‘સિંહાસન બત્રીશી'ની પદ્યવાર્તાનાં શાસ્ત્રીય સંપાદનો પણ અહીં ઉલ્લેખવાં જોઈએ. બીજા સંપાદનમાં એમણે સિંહાસન બત્રીશીની પૂર્વપરંપરા અને કથાઘટકો વિશે અત્યંત ઉપયોગી અને નવીત વિચાર કર્યો છે એ નોંધપાત્ર છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ સંપાદિત ‘પ્રાચીન ફાગુસંગ્રહ' પણ આપણાં ૪૦ ફાગુઓનું શાસ્ત્રીય અને ઉપયોગી સંપાદન છે. એનો વિસ્તૃત શબ્દકોષ એનું મોટું આકર્ષણ છે. ડૉ. સાંડેસરાનાં ‘યષ્ટિશતક પ્રકરણ' અને ‘નલદવદંતીરાસ' (મહીરાજ)નાં સંપાદનો પણ સુંદર છે. બળવંતરાય ઠાકોર સંપાદિત ‘વિક્રમચરિત્રરાસ (ઉદયભાનુકૃત) અને ‘અંબડવિદ્યાધરરાસ’ (મંગલમાણિક્ય) પણ અહીં સ્મરવાં જેઈએ. ભાલણકૃત ‘નળાખ્યાન'નું કેશવરામ કા. શાસ્ત્રીનું ભાષાભૂમિકા અને વ્યાકરણના વિસ્તૃત પરિચય અને નલકથાના તુલનાત્મક અભ્યાસયુક્ત સંપાદન, ‘પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન', તેમ જ કે. હ. ધ્રુવ સંપાદિત ભાલણુકૃત ‘કાદંબરી' નો ઉત્તરાર્ધ પણ આપણા આ વિદ્વાન સંપાદકોની શ્રમનિષ્ઠાનાં દ્યોતક સંપાદનો છે. શ્રી કે. કા. શાસ્ત્રીએ મહાભારત પદબંધની સંપાદનપ્રવૃત્તિના ૬ઠ્ઠા ગ્રંથમાં નાકર, વિષ્ણુદાસ, દ્વિજકવિ હરજીસુત કહાનનાં કેટલાંક પર્વો પ્રકાશમાં આણ્યાં છે. રમણલાલ ચી. શાહસંપાદિત ‘નલદવદંતીરાસ' (સમયસુંદરકૃત), બિપિન ઝવેરી સંપાદિત ‘દેવકીજી છ ભાયારો રાસ', જશભાઈ પટેલસંપાદિત ‘જાલંધરાખ્યાન’, ‘પરીક્ષિતાખ્યાન ‘પરીક્ષિતાખ્યાન' અને ‘ચિત્રસેનનું આખ્યાન' પણ આપણી નવી પેઢીના પેઢીના સંપાદનરસની ઝાંખી કરાવે છે. જશભાઈ પટેલ અને હસિત બૂચે ‘સિદ્ધહૈમ' ના અપભ્રંશ વિભાગનો પદ્યાનુવાદ પણ આપ્યો છે. ઉમાશંકર જોશીનું ‘અખાના છપ્પા'નું શાસ્ત્રીય સંપાદન એ જ્ઞાનના ગરવા વડલા સમા કવિ અખાનું સમુચિત સંતર્પણ છે. સંશોધક ઉમાશંકરની મૂલગામી અને વિવેચક ઉમાશંકરની તેજસ્વી દૃષ્ટિનું એમાં દર્શન થાય છે. બળવંતરાય ઠાકોરનાં ૧૫૦ ઉપરાંત સૉનેટનું એમનું સંપાદન ‘મ્હારાં સૉનેટ' પણ એવું જ તેજસ્વી છે. મધ્યકાળના અન્ય કવિઓની કૃતિઓના થયેલાં સંપાદનોમાં ‘નળાખ્યાન' અને ‘મદનમોહના'નાં સંપાદનો વિવિધ રીતે આકર્ષે છે. પ્રેમાનંદના ‘નળાખ્યાન'નું મગનભાઈ દેસાઈનું અને અનંતરાય રાવળનું એમ બંને સંપાદનો પોતપોતાની રીતે ઉપયોગી છે. મગનભાઈની શાસ્ત્રીય સંપાદનરીતિ અને અનંતરાયની અભ્યાસનિષ્ઠ સમાલોચના એ બંને સંપાદનોની તરી આવતી વિશેષતાઓ છે. એ જ રીતે કવિ શામળની વાર્તા ‘મદનમેહના'નું ડૉ. હરિવલ્લભ ભાયાણીનું શાસ્ત્રીય સંપાદન અને અનંતરાય રાવળનું રસિક સંપાદન એક જ કૃતિનાં એકમેકને પૂરક બનતાં સુભગ સંપાદનો છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસમાં મધ્યકાળની શિષ્ટ કૃતિઓને સ્થાન મળતાં આ પ્રકારનાં ઘણાં સંપાદનો આ ગાળામાં પ્રાપ્ત થયાં છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું તેજસ્વી પ્રસ્તાવનાવાળું અને ભૂપેન્દ્ર ત્રિવેદીનું વિદ્યાર્થીઓને સુગમ થઈ પડે એવી સમજૂતીવાળું ‘અખેગીતા'નું સંપાદન પણ આ વિભાગને સમૃદ્ધ કરે છે. કુ. શાર્લોટે ક્રાઉઝનું, ‘ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ’નું વાચના, પાઠાંતર, ટિપ્પણ, પ્રસ્તાવનાયુક્ત સંપાદન પણ પરદેશીના આવકારપાત્ર પ્રયત્નનું ફળ છે. કૃષ્ણલાલ શેઠે ‘રસમય ધોળા પદસંગ્રહ’ આપ્યો છે, તો મધુભાઈ પટેલે ‘ગુજરાતનાં લોકગીતો’ સુલભ કરી આપ્યાં છે. પુષ્કર ચંદરવાકરે ‘નવો હલકો’માં લોકગીતોનું આસ્વાદ્ય સંપાદન કર્યું છે. ગુજરાત લોકસાહિત્યમાળા ૧–૨ ૫ણ લોકસાહિત્યસંપાદનનાં સુભગ પરિણામ છે. રમેશ હ. પાઠકે ‘આપણાં હાલરડા' અને સ્વ. ધીરજબહેને ‘ગીતસંહિતા’ મંડલ ૧-૩ માં વિવિધ અવસરનાં ગીત સંગૃહીત કર્યા છે. રમેશ હ. પાઠકે ‘ગુજરાતી સાહિત્યનાં વિરહગીતો' સંકલિત કર્યાં છે અને રામનારાયણ વિ. પાઠક અને ગોવર્ધન પંચાલે ‘રાસ અને ગરબા’નું સંપાદન કર્યું છે. મંગલજી શાસ્ત્રીએ ‘ભક્ત સૂરદાસનાં પદો' પ્રકટ કર્યાં છે અને '‘સસ્તું સાહિત્ય' તરફથી મધ્યકાળની ‘નળાખ્યાન' અને કેટલીક પ્રસિદ્ધ કૃતિઓની સસ્તી આવૃત્તિઓ પણ પ્રગટ થઈ છે. મયાદાસે ‘કબીર ભજનમાલા ' અને બેરામજી માદને ‘કબીરવાણી' સંપાદિત કરી છે, અને કાંતિલાલ શ્રીધરાણીએ ‘સોરઠી દુહાસંગ્રહ' સુલભ કરી આપ્યો છે. ‘સસ્તું સાહિત્ય' તરફથી ‘ભોજા ભગતના ચાબખા' અને ‘ધીરાનાં પદો' પણ સંપાદિત થયાં છે. ખાયણાં, ઉખાણાં અને હાલરડાં પણ આ દાયકે પ્રકાશિત થયાં છે. મધ્યકાળની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓ આ દાયકામાં વિદ્વાન સંપાદકો દ્વારા સુપ્રાપ્ય થતાં આપણું મધ્યકાળનું હીર સુપેરે પ્રકાશિત થયું છે. એમાં પંડિતયુગના કે. હ. ધ્રુવથી આરંભી વર્તમાન પેઢીના પ્રો. કે. બી. વ્યાસ, ડૉ. સાંડેસરા, ડૉ. ભાયાણી, અને પ્રો. ઉમાશંકર જોશી જેવા તેજસ્વી અનુભવી સંપાદકોની મર્મગામી સંપાદનદૃષ્ટિ નવીન પેઢી માટે અનુકરણીય અને પૂરક બની રહે એવી છે. નવીન પેઢી હજી આ વિષયમાં પોતાનું ઉત્તમ સત્ત્વ દર્શાવી શકી નથી. જે પ્રયત્નો થયા છે એમાં આશાનાં ચિહ્ન નથી વરતાતાં એમ નથી, પણ ઉત્તમ કોટિનાં સંપાદનો પાછળ જે અપાર શ્રમ, ધૈર્ય અને તુલનાત્મક ભાષાજ્ઞાન જોઈએ, એને માટેની સજ્જતા જોઈએ, એની કંઈક ઊણપ દેખાય છે. કદાચ, નવીન પેઢી એની આગલી પેઢી પાસે ‘સમિત્પાણિ' થઈને જતી નથી કે એ પ્રકારની તાલીમ મળે એવી કોઈ પરંપરા આ વાતાવરણમાં જામતી નથી;-કારણ ગમે તે હો, પરિસ્થિતિ આવી જ રહેશે તે આપણું મધ્યકાળનું કેટલુંક તેજસ્વી સાહિત્ય શાસ્ત્રીયતાનો પુટ પામ્યા વિના અણઘડ રીતે જ પ્રકાશમાં આવશે અને આપણા માટે એ નીચાજોણું ગણાશે. અર્વાચીન સાહિત્યમાંથી કેટલાક કવિઓના કાવ્યસંગ્રહોમાંથી એમનાં ઉત્તમ કહી શકાય એવાં કાવ્યોના સંચયો પણ પ્રકટ થયા છે. એમાં મુખ્યત્વે કલાપી, ન્હાનાલાલ, નરસિંહરાવ, બોટાદકર જેવાના કાવ્યસંચયો પ્રકાશિત થયા છે. અનંતરાય રાવળનાં ‘કલાપીનો કાવ્યકલાપ', ‘બોટાદકરની કાવ્યસરિતા' અને ‘ન્હાનાલાલ મધુકોષ'નાં સંપાદનો સંપાદકની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના અને અર્થલક્ષી ટિપ્પણોથી મૂલ્યવાન બન્યાં છે; જોકે કેટલાંક કારણોસર ન્હાનાલાલનાં બીજાં ઉત્તમ કાવ્યો ‘મધુકોષ'માં સ્થાન પામ્યાં નથી એનો વસવસો રહે છે. સાહિત્ય અકાદમીનું એ પ્રકાશન ન્હાનાલાલની ગદ્યરચનાઓનું પણ પ્રતિનિધિત્વ ધરાવે છે. બાલચંદ્ર પરીખે પ્રકટ કરેલું ‘રસગન્ધા' પણ ન્હાનાલાલના પ્રતિનિધિ-કાવ્યસંગ્રહની ગરજ સારે એમ છે. આઠ ખંડોમાં વિષયવિભાગ પ્રમાણે ન્હાનાલાલનાં સુંદર કાવ્યો એમાં સંગ્રહાયાં છે અને પ્રત્યેક ખંડનાં કાવ્યો પર સંપાદકે વિસ્તારથી ટિપ્પણો ૫ણ આપ્યાં છે. સુસ્મિતાબહેન મેઢે પણ ‘નરસિંહરાવનાં કાવ્યકુસુમ'ના સંચયદ્વારા નરસિંહરાવનાં કેટલાંક સારાં કાવ્યોને એક સાથે સુપ્રાપ્ય કરી આપ્યાં છે. ‘કલાપીનો કેકારવ’ પણ આ દાયકામાં ઇંદ્રવદન દવેના પ્રવેશક અને ટિપ્પણો સાથે નવી આવૃત્તિ પામ્યો છે. એથી એની મૂલ્યવત્તા વધી છે. ધીરુભાઈ ઠાકરે મણિલાલ દ્વિવેદીનો ‘આત્મનિમજ્જન’ કાવ્યસંગ્રહ, ‘જ્ઞાનમુખી કવિતા'ના પ્રવેશક અને ‘મિતાક્ષરી' નોંધથી મઢીને, અને અનંતરાય રાવળે પણ પ્રવેશક અને વિવરણ સાથે ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સ્નેહમુદ્રા 'ને સુલભ કરી આપેલ છે. સ્વરૂપને કેન્દ્રમાં રાખીને થયેલા બે કાવ્યસંચયો પણ આવકારપાત્ર છે. ‘મનીષા' (સં. મીનુ દેસાઈ અને રમણ શાહ) એ આપણાં કેટલાંક સુંદર સૉનેટ-કાવ્યોનો સંગ્રહ છે, જ્યારે ‘આપણાં ખંડકાવ્યો' (સંપાદકો-ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી, ચંદ્રશંકર ભટ્ટ) એ મુખ્યત્વે કાન્તશૈલીમાં બત્રીસ ખંડકાવ્યોનો સંચય છે. હિમ્મતલાલ ગણેશજી અંજારિયાએ ‘કાવ્યમાધુર્ય'ના અનુસંધાનમાં ઈ.સ. ૧૯૧૦થી ઈ.સ. ૧૯૪૯ સુધીનાં કાવ્યોમાંથી પસંદ કરેલાં ૧૫૦ ઉપરાંત કાવ્યોનો ‘કાવ્યસૌરભ' નામે સંગ્રહ ઈ.સ. ૧૯૪૯માં પ્રકટ કરેલો; એની બીજી આવૃત્તિ ૧૯૫૪ સુધીનાં કાવ્યોને સમાવે છે અને એમાં ‘અર્વાચીન કવિતા'નું સંપાદક કરેલું ‘એક વિહંગાવલોકન' અને ચિમનલાલ ત્રિવેદીએ કરાવેલો પ્રત્યેક કાવ્યનો આસ્વાદ એની ઉપયોગિતા વધારે છે. મનસુખલાલ ઝવેરી અને રમણ વકીલનું ‘નવી કવિતા'નું સંપાદન પણ આવકારપાત્ર છે, અને ઝવેરીનો પ્રવેશક નવી કવિતાના પ્રવાહોને સમજવામાં ઉપકારક થાય એવો છે. ‘पत्रम् पुष्पम् ‘માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને શારદાપ્રસાદ વર્માએ ભક્તિકાવ્યોનો સંચય, સહૃદય વાચકને નજર સમક્ષ રાખીને, સંપાદિત કર્યો છે, અને હીરાબહેન પાઠકે ‘ગાવા જેવા ગરબા'નું સંપાદન કર્યું છે. આ દાયકામાં સુરેશ દલાલે વર્ષ-વર્ષની (‘કવિતા ૧૯૫૩'થી ૫૭-૫૮-૫૯') કાવ્યકૃતિઓના સંચયો પ્રકટ કરીને એક ઉપયોગી કાર્ય કર્યું છે. વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં કાવ્યોમાંથી થયેલા આ સંચયો આપણી કવિતાની વર્ષે વર્ષે પ્રગટ થતી તાસીરને સમજવામાં સહાયભૂત થાય છે. બુધકાવ્યસભા (કુમાર કાર્યાલય) તરફથી પ્રગટ થયેલી અનિયતકાલિક પ્રકાશનશ્રેણી ‘કવિતા'ના વિવિધ મણકા, ‘કવિલોક’ની પણ એવી જ માસિક પ્રકાશનની યોજના અને અનિયતકાલિક ‘મંજરી’ના અંકો આપણે ત્યાં કાવ્યક્ષેત્રે ચાલી રહેલી સર્જનપ્રક્રિયાનું મધુર ચિત્ર ઉપસાવે છે. ‘કવિતા'પ્રકાશન પ્રવૃત્તિને આપણે ત્યાં ઉમળકાભર્યો સત્કાર મળતાં એ પ્રકારની પ્રવૃત્તિઓ વિવિધ સ્થળે વિકસી એ અત્યંત ઉજમાળા ભાવિની અપેક્ષા જગાડે છે.

*

ગુજરાતનો પરિચય આપતા કેટલાક વિશિષ્ટ ગ્રંથો પણ આ દાયકામાં પ્રકટ થયા છે. શિવપ્રસાદ રાજગોરનો ‘ગુજરાત એક દર્શન' ગુજરાતની ઐતિહાસિક-ભૌગોલિક માહિતી-તેની ખનિજસંપત્તિ, તેનું પશુધન, લોકો વગેરે –વ્યવસ્થિત રૂપમાં રજૂ કરે છે. એ જ રીતે ધનવંત ઓઝાનું ‘ઊર્વીસાર ગુજરાત’ અને ભોગીલાલ ગાંધીનું ‘ગુજરાત દર્શન’ પણ ગુજરાતના પરિચય માટે ઉપયોગી વિચારણા પૂરી પાડે છે. [આ પ્રકારનાં પ્રકાશનોમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ૬૬મા અધિવેશન પ્રસંગે પ્રગટ થયેલ સ્મૃતિગ્રન્થ ‘ગુજરાત એક પરિચય' (સં. રામલાલ પરીખ) ગુજરાતનાં વિવિધ પાસાંનો પરિચય કરાવતો ૭૦૦ ઉપરાંત પાનાંનો માહિતીપ્રધાન બૃહદ્ ગ્રંથ બન્યો છે, પણ એનું પ્રકાશન જાન્યુઆરી '૬૧માં થયું છે.] ‘આપણી કહેવતો' (શંકરભાઈ પટેલ), ‘કહેવતો અને કથાનકો' (સ્વામી પ્રણવતીર્થજી) જેવાં સંપાદનો પણ આવકારપાત્ર છે. બીજા સંપાદનમાં કહેવતનું અર્થ સહિત સારું સંકલન થયું છે અને એમાં કહેવતો પાછળનાં કથાનકો અને પ્રજાની સંસ્કારિતાનો પણ પરિચય છે. છેલ્લાં સો વર્ષના આપણા ગદ્યસાહિત્યના મહત્ત્વના નિબંધાત્મક લેખોનું સંપાદન વ્રજરાય દેસાઈ અને કુંજવિહારી મહેતાએ ‘ગદ્યરંગ' નામની સંચય-કૃતિમાં કર્યું છે. ‘અભિનેય નાટકોમાં’માં ડૉ. ધીરુભાઈ ઠાકરે અત્યંત શ્રમપૂર્વક ૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ આપી છે. એની અભ્યાસયુક્ત પ્રસ્તાવના પણ એનું આકર્ષક અંગ છે. ખ્યાતનામ સાહિત્યકારોના કેટલાક શતાબ્દી-સ્મૃતિ-અભિનંદન-જયંતી ગ્રંથો પણ આ દાયકામાં પ્રકટ થયા છે. વિવેચનવિભાગમાં એમાંને કેટલાકનો નિર્દેશ કર્યો છે. ગોવર્ધનરામ અને મણિલાલ-બાલાશંકરના શતાબ્દીગ્રંથ; ખબરદાર, રમણલાલ, અંબુભાઈ પુરાણીના પષ્ટિપૂર્તિ ગ્રંથ, મેઘાણીનો સ્મૃતિગ્રંથ તેમ જ મગનભાઈ દેસાઈ (‘કેળવણીકારનું પોત અને પ્રતિભા')નો અભિનંદન ગ્રંથ; દીવાન બલ્લુભાઈ શાળાના સુવર્ણ જયંતી મહોત્સવનો સ્મારક ગ્રંથ; નૃસિંહાચાર્યજી શતાબ્દી-સ્મૃતિગ્રંથ, ‘નવચેતન'ના તંત્રીનો ષષ્ટિપૂર્તિ અંક-આ સઘળા ગ્રંથો ચરિત્રરેખાઓથી, સંસ્મરણોથી, તે તે લેખકો વિશેના કે અન્ય અભ્યાસલેખોથી સમૃદ્ધ થયેલા છે. તેમ છતાં આ પ્રકારના ગ્રંથોને અધ્યયન-ગ્રંથો જ બનાવાય તો એમની ગુણવત્તા વધે એમ લાગે છે. (૧૯૬૧માં પ્રગટ થયેલ ‘કાલેલકર-અધ્યયનગ્રંથ' એનો આદર્શ નમૂનો ગણાય.) ચરોતર સર્વસંગ્રહ ભા. ૧-૨, પાટીદાર સર્વસંગ્રહ, અમદાવાદ ડિરેકટરી, આજનું અમદાવાદ, લુહાણા સર્વસંગ્રહ, જૈનતીર્થ સર્વસંગ્રહ, ગુજરાત વેપારી મંડળના પ્રમુખ-ઉપપ્રમુખનાં ભાષણો, સૌરાષ્ટ્રની પછાત કોમો, ભારતીય સંસ્કૃતિ દિગ્દર્શન (સં. લક્ષ્મીરામ શાસ્ત્રી), કલ્પસૂત્રનાં સોનેરી પાનાંઓ તથા ચિત્રો (સં. સારાભાઈ નવાબ)-આ સર્વ સંપાદનો પણ પોતપોતાની રીતે મહત્ત્વ ધરાવે છે. સાહિત્યકારોની કૃતિઓમાંથી એમની વિચારકણિકાઓને સંકલિત કરી ગ્રંથસ્થ પણ કરવામાં આવી છે. ‘સુવર્ણરજ' એ રમણલાલ વ. દેસાઈના સુવિચારોનો સંગ્રહ છે, તો ‘મધુસંચય' કાકાસાહેબ કાલેલકરના. ‘ગોરસ’માં રમણલાલ સોનીએ શરદબાબુના સાહિત્યમાંથી ચૂંટી કાઢેલા વિચારો સંગ્રહ્યા છે; રવીન્દ્રનાથ ટાગોરના ગ્રંથોમાંથી ‘રત્નકંકણ' (મનુ દેસાઈ)નો વિચારરત્નસંગ્રહ અને શ્રી ખાંડેકરના વિચારરત્નોનો ‘સુવર્ણરેણુ' સંગ્રહ પણ પ્રગટ થયા છે. પિંગળ-અલંકાર જેવા વિષયોમાં કેટલીક જે તે વિષયની પ્રવેશપુસ્તિકાઓ પણ પ્રગટ થઈ છે. એમાં ‘પિંગલ દર્શન’ (ચિમનલાલ ત્રિવેદી), ‘અલંકારદર્શન' (ચિમનલાલ ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટ), ‘સરળ અલંકાર વિવેચન' (ઉપેન્દ્રભાઈ પંડ્યા) નોંધપાત્ર છે.

*

અનુવાદ

અન્ય ભાષામાંથી કાવ્યોના અનુવાદોનો પ્રવાહ પણ આ દાયકે આપણે ત્યાં વહ્યો છે. ઉચ્ચશિક્ષણમાં માધ્યમ તરીકે ભાતૃભાષાને સ્થાન મળતાં સંસ્કૃત સાહિત્યનાં મહાકાવ્યોના વિવિધ સર્ગો કે ‘મેઘદૂત' જેવું ખંડકાવ્ય જુદા જુદા અધ્યાપકોએ ગુજરાતીમાં સંપાદિત કરેલ છે. એમાંના ઘણાખરાનો મુખ્ય ઝોક વિદ્યાર્થી-આવૃત્તિઓ પ્રકટ કરવા તરફ રહ્યો છે અને સંપાદનની શાસ્ત્રીયતા તરફ નહિવત્ ધ્યાન અપાયું છે. ‘સસ્તું સાહિત્ય' તરફથી રામાયણાદિ ગ્રંથોની, ગીતાની અને અન્ય પુરાણોની યથાપૂર્વ આવૃત્તિઓ પ્રકટ થતી રહી છે. ઉપરાંત, ‘સુભાષિતરત્નમંજરી' (વિષ્ણુદેવ પંડિત)નો ગદ્યાનુવાદ, ભર્તૃહરિનાં ‘ત્રણ શતકો અને શુક-રંભાસંવાદ (તનમનીશંકર શિવ) અને શંકરાચાર્યના ‘સૌંદર્યલહરી' તેમ જ ‘શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્ર’-ના અનુક્રમે શાંતિકુમાર ભટ્ટ અને પ્રતાપરાય દેસાઈના અનુવાદો ઉલ્લેખપાત્ર છે. પરંતુ હંસાબહેન મહેતાએ રામાયણના (બાલ, અયોધ્યા, અરણ્ય, ક્રિષ્કિંધા, સુંદર આદિ કાંડો) વિવિધ કાંડોનો સમશ્લોકી ગુજરાતી અનુવાદ પ્રકટ કર્યો છે એ આ વિભાગનું મહત્ત્વનું સંભારણું કહી શકાય; આ મોટા પટ પરનો એમનો પ્રયત્ન આપણે ત્યાં બીજા એવા પ્રશિષ્ટ કાવ્યગ્રંથોને અવતારિત કરવામાં પ્રેરક બનશે એવી આશા જન્મે છે. કાલિદાસવિરચિત ‘ઋતુસંહાર'નું ત્રિભુવન ગૌ. વ્યાસે પ્રાસાદિક પણ મુક્ત ભાષાન્તર આપ્યું છે એ પ્રયોગની દૃષ્ટિએ આવકારપાત્ર છે. અંગ્રેજી કે અન્ય પાશ્ચાત્ય ભાષાનાં કાવ્યોના છૂટક છૂટક અનુવાદો સામયિકોમાં પ્રગટ થતા રહે છે, પરંતુ એકસાથે ગ્રંથસ્થ બહુ ઓછા થાય છે. આપણા કવિઓના કાવ્ય- સંગ્રહોમાં પણ એવાં છૂટક છૂટક અનૂદિત કાવ્યો પ્રગટ થયેલાં આપણે જોઈએ છીએ. શ્રી સુંદરમે ક્રમેક્રમે શ્રી અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી'ના અનુવાદ-ખંડો ‘દક્ષિણા'માં પ્રકાશિત કર્યા છે. કીટ્સના ‘ધ ઈવ ઑફ સેન્ટ એગ્નીઝ’નો‘ગૌરીની સંધ્યા' નામે ડૉ. એમ. ઓ. સુરૈયાએ પુસ્તકાકારે પ્રકટ કરેલો અનુવાદ (કે રૂપાંતર?) એમની આ પ્રકારની અંગ્રેજી-ગુજરાતી અનુવાદપ્રવૃત્તિ સાથે સાતત્ય ધરાવે છે. એમણે છેલ્લા બે દાયકામાં આ પ્રકારનાં દોઢ ડઝન જેટલાં પ્રકાશનો આપ્યાં છે. ‘ઝુમખડું’માં એમણે શેલીનું ‘ધી સ્કાયલાર્ક’ અને વર્ડ્ઝૂવર્થનાં ‘ટુ એ હાઈલેન્ડ ગર્લ', ‘ટુ એ કકુ’ અને ‘એ પરફેફ્ટ વુમન’ એ ચાર કાવ્યોને અનુક્રમે ‘ચંડોલને’, ‘ગિરિબાળાને’, કોયલને’ અને ‘સિદ્ધત્રિયા' નામે અવતાર્યા છે. કવિવર ટાગોરની ‘ગીતાંજલિ'નો શ્રી ધૂમકેતુએ ભાવવાહી ગદ્યમાં અને ‘તુલસી સતસઈ’નો નાગજીભાઈ મહેતાએ અનુવાદ આપ્યો છે. ‘ધમ્મપદ'ના શ્રી હસિત બૂચના અને મધ્યકાળના પ્રસિદ્ધ ફાગુકાવ્ય ‘વસંતવિલાસ'ના શ્રી ચીનુ મોદીના પદ્યાનુવાદો પણ આવકાર્ય છે.