ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી

[બી. એ.,]

એઓ જ્ઞાતિએ ભટ્ટમેવાડા બ્રાહ્મણ છે. એમનું મૂળ વતન ભરૂચ; પણ જન્મ સુરતમાં સં. ૧૯૫૦માં થયો હતો. એમના પિતાનું નામ બાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને માતાનું નામ જડાવ બ્હેન નૌતમરામ જોશી, જેમનું પિયર સુરતમાં હતું. એટલે સુરતમાંથી શિક્ષણની શરૂઆત કરેલી, પણ પ્રાથમિક કેળવણી ભરૂચમાં લીધેલી. પાંચ ઇંગ્રેજીના ધોરણ વડોદરામાં ખાનગી ઘેર શિખેલા, પછી વડોદરા શયાજી હાઈસ્કુલમાં દાખલ થયેલા અને સન ૧૯૦૯માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. પ્રિવિયસ અને ઇન્ટરનો અભ્યાસ વડોદરા કૉલેજમાં કર્યો હતો; બી. એ., માટે તેઓ મુંબઇ સેન્ટ ઝેવીઅર્સ કૉલેજમાં ગયા હતા. સન ૧૯૧૩માં તેમણે બી. એ.(ઑનર્સ)ની પરીક્ષા ફીઝીકસ અને કેમીસ્ટ્રી (પદાર્થ વિજ્ઞાન અને ૨ સાયનશાસ્ત્ર) ઐચ્છિક વિષય લઈને પાસ કરી હતી. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, એ એમના પ્રિય વિષયો છે. અભ્યાસ પૂરો થયા પછી તેઓ લેખન, વાચન અને જનસેવાના કાર્યમાં ગુંથાયલા રહ્યા છે. સન ૧૯૨૩થી તો તેઓ બીજી જાહેર પ્રવૃત્તિઓ છોડી દઈ પોંડીચેરીમાં શ્રીયુત અરવિંદ ઘોષના આશ્રમમાં યોગસાધના માટે જોડાયા છે. એમનું પ્રથમ પુસ્તક સન ૧૯૧૭માં પ્રકટ થયું હતું; અને તે બારીસલના જાણીતા દેશભક્ત અશ્વિનીકુમાર દત્તના “ભક્તિયોગ” નામક બંગાળી પુસ્તકનો અનુવાદ છે. તે પછી સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય માટે તેમણે ટાગોરના સંસ્મરણોનું પુસ્તક લખી આપ્યું હતું. શ્રીયુત અરવિંદ ઘોષે પોંડીચેરીમાં જઇ વસ્યા પછી ‘આર્ય’ માસિક કાઢેલું, તેનો પદ્ધતિસર અને નિયમિત રીતે અભ્યાસ કરીને, એમાં પ્રસિદ્ધ થયેલા લેખો અને ગ્રંથોનો લાભ એઓ ગુજરાતી જનતાને આપતા રહ્યા છે, એ એમની મોટામાં મોટી અને ઉત્કૃષ્ટ સેવા છે. તે સિવાય માઁ. પોલ રીશારના To the Nations–જગતની પ્રજાઓને લગતો પ્રોત્સાહક નિબંધ ગુજરાતીમાં ઉતાર્યો છે; અને ટાગોરનું ‘સાધના’નું પુસ્તક, જેનો અનુવાદ એમણે કરેલો છે તે હાલમાં બુકસેલર સાકરલાલ બુલાખીદાસ તરફથી છપાય છે. એમનાં લેખો, અવારનવાર જૂદા જૂદા માસિકોમાં પ્રસિદ્ધ થાય છે, તે જો એકત્રિત કરી, સંગ્રહ રૂપે બહાર પડે તો તે એક મોટું દળદાર પુસ્તક થઈ પડે. પણ એ બધામાં ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિનું મંડાણ એમના મોટાભાઈ છોટુભાઈ સાથે એમણે કરેલું, એ કાર્ય કદી વિસરાશે નહિ; અને એ પ્રવૃત્તિનાં મૂળ એટલા ઉંડા નંખાયાં હતાં કે તેમણે ગુજરાત છોડે લગભગ દશ વર્ષ થવા આવ્યાં છે છતાં, એ પ્રવૃત્તિ જીવંત અને પગભર રહેલી છે; એ એમની વ્યવસ્થા શક્તિનું ઉંચું પ્રમાણપત્ર છે.



એમના પુસ્તકોની યાદી:

૧ ભક્તિયોગ
[અશ્વિનીકુમાર દત્તના પુસ્તકનો અનુવાદ] સં. ૧૯૭૪
૨ રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો સં. ૧૯૭૪
૩ ગીતા–નિષ્કર્ષ [અનુવાદ] સં. ૧૯૭૮
૪ પૂર્ણયોગ ખંડ ૧ લો [કર્મયોગ] સન ૧૯૨૨
૫ “ ખંડ ૨ જો [જ્ઞાનયોગ] સન ૧૯૨૨
૬ યોગિક સાધન [બે આવૃત્તિઓ] સં. ૧૯૮૦
૭ સૂત્રાવલી [અનુવાદ] સં. ૧૯૮૨
૮ પૂર્ણયોગ ખંડ ૪ થો [આત્મસિદ્ધિ] સન ૧૯૨૬
૯ "મા" [અનુવાદ] સન ૧૯૨૮
૧૦ ગીતા–મર્મ સન ૧૯૨૮
૧૧ સાધના [છપાય છે, અનુવાદ] સન ૧૯૩૦