ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા
એઓ વાંઝ, તાલુકે ચોર્યાસી, સુરત જીલ્લાના વતની છે. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર છે. એમના પિતાનું પૂરૂં નામ વિઠ્ઠલભાઈ ખુશાલભાઈ અને માતાનું નામ ધનીબ્હેન દુર્લભભાઈ પટેલ છે. એમનો જન્મ તા. ૭મી નવેમ્બર, ૧૮૯૦ના રોજ વાંઝમાં થયો હતો. સાત ધોરણ શિખ્યા પછી પ્રે. રા. ટ્રેનિંગ કૉલેજમાં ત્રણ વર્ષ પૂરાં કરેલાં; અને પાછળથી તેમણે થોડુંક ઇંગ્રેજી તેમજ હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓનું વત્તુઓછું જ્ઞાન સંપાદન કરેલું છે. એમનો પ્રિય વિષય ઇતિહાસ અને અર્થશાસ્ત્ર છે. એમનું જીવનસૂત્ર જનસેવા છે. એઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી છે અને સુરત જીલ્લામાં એક અગ્રેસર કાર્યકર્તા છે. સ્વ. રણજીતરામના પરિચય અને સહવાસમાં તેઓ આવેલા અને એમના ગાઢ મિત્ર થઈ પડેલા. ગોપ–કાવ્યોનું પુસ્તક Pastoral poems પ્રકટ કરેલું, તે રણજીતરામની સૂચનાથી; અને તેનો ઊપોદ્દઘાત પણ રણછતરામે જ લખી આપેલો. સુરતમાં પાટીદાર બોર્ડિંગ સ્થાપવામાં તેમનો મુખ્ય હાથ હતો. “પટેલ બંધુ” માસિક પણ એમના તંત્રીપદ નિકળતું; અને એક કોમી પત્ર હોવા છતાં તેમાં પ્રસિદ્ધ થતા લેખો, કાવ્યો વગેરે આનંદદાયક જણાઈ અન્ય વાચકોને તે વાંચવાને આકર્ષતા. વળી સાહિત્ય અને લેખનકાર્ય માટે એમને એવું મમત્વ હતું કે એ માટે તેઓ કેટલોક સમય અમદાવાદ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાઈ, એ સંસ્થાને સાત આઠ પુસ્તકો લખી આપેલાં હતાં, જેની યાદી છેવટે નોંધી છે. સુરત સાહિત્ય પરિષદ વખતે પણ એમણે તે કાર્યમાં ઉત્સાહભર્યો ભાગ લીધો હતો. એમના હસ્તક ચાલતી પાટીદાર બોર્ડિંગ સમાજસેવા પ્રવૃત્તિનું એક મધ્યસ્થ કેન્દ્ર થઈ પડેલી છે. મહાત્માજીએ દેશનું સુકાન હાથ ધર્યાં પછી, ઉપર ઉલ્લેખ કર્યાં મુજબ તેઓ એમના માનીતા અનુયાયી થઈ પડ્યા છે. સન ૧૯૧૯માં અસહકાર વખતે તેમણે મુખ્ય ભાગ લીધેલો; અને રાષ્ટ્રીય શાળાઓ માટે કેટલાંક પુસ્તકો પણ રચી આપ્યાં હતાં. ખરી રીતે કલ્યાણજી અને દયાળજીની જોડી સુરત જીલ્લાના કાર્યકત્તાઓમાં અદ્વિતીય ગણાય છે; અને એ રાષ્ટ્રીય લડતના કાર્યમાં એમને કારાવાસની છ માસની સજા પણ થયેલી, અને તે જેલ અનુભવ, પ્રથમ એમના ‘નવયુગ’ અઠવાડિકમાં અને પછીથી ‘ગાંડિવ’માં સવિસ્તર છપાયો છે. અત્યારે તેઓ દેશમાં રાષ્ટ્રીય ચળવળનું મોટું મોજું ફરી રહ્યું છે, તેની ટોચ પર પોતે ઉભેલા છે.
એમના ગ્રંથોની યાદી:
(કાકા કાલેલકરની પ્રસ્તાવના સાથે)