ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા

એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ અને સુરતના વતની છે. એમનો જન્મ સં. ૧૯૩૦(સન ૧૮૭૪)ના આસો વદ ૬ના રોજ સુરતમાં થયો હતો. એમના પિતાનું પૂરું નામ વિઘ્નહરરામ બલરામ મહેતા અને માતાનું નામ હરદયાગૌરી છે. સન ૧૮૮૯માં એમણે મેટ્રીકની પરીક્ષા સુરત હાઇસ્કુલમાંથી પસાર કરેલી અને પછી વડોદરા કૉલેજમાં જોડાયેલા, ત્યાંથી સન ૧૮૯૨માં બી. એ.,ની પરીક્ષા ભાષા અને સાહિત્ય ઐચ્છિક વિષય લઈને બીજા વર્ગમાં પાસ કરી હતી. એમના પ્રિય વિષયો, શિક્ષણ શાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને સાહિત્ય છે; અને એ વિષયોનો એમનો અભ્યાસ અને અનુભવ પણ બહોળો અને ઝીણો છે. એમણે જૂદે જૂદે સ્થળોએ એક શિક્ષક તરીકે કામ કરેલું છે; અને બધે સ્થળે એમના શિક્ષણની પ્રશંસા થયલી છે. કાઠિયાવાડમાં તો એમનું નામ ઘરગથુ જેવું થઈ રહ્યું છે. એઓ જુનાગઢ હાઇસ્કુલમાં લાંબો સમય સુધી હેડમાસ્તર હતા, ત્યાર પછી એક વર્ષ રાજકોટમાં, અને છેવટના ભાગમાં ભાવનગરમાં વિદ્યાધિકારીના હોદ્દે નિમાયા હતા; પણ કૌન્સિલ સાથે મતભેદ ઉઠતાં, તેઓ પોતાના અધિકાર ઉપરથી નિવૃત્ત થયા હતા. કેટલાંક વર્ષોથી તેઓ અમદાવાદમાં રહે છે, અને શહેરનાં કેટલાંક જાણીતાં શ્રીમંત કુટુંબો સાથે રીડર અને કંપેનિયન તરીકે એમને સંબંધ થયલો છે. શેઠ શ્રી અંબાલાલ સારાભાઈની આદર્શ કુટુંબશાળામાં અનેક વર્ષોથી તેઓ અધ્યાપક હોવા ઉપરાંત હાલ તેઓ અમદાવાદ વનિતા–વિશ્રામમાં મુખ્ય અધ્યાપકના પદે છે. એમનું સંસ્કૃતનું જ્ઞાન પણ સારું છે. એ કઠિન ભાષામાં એઓ ઉત્તમ કાવ્યરચના કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે એમનાં રચેલાં પુસ્તકો “સરલ સંસ્કૃત” ભાગ ૧–૨ નવા શિખાઉ વર્ગમાં લોકપ્રિય નિવડ્યાં છે.

આપણા વૈદિક ધર્મ અને તત્વજ્ઞાનના તેઓ ઉંડા અભ્યાસી છે, એમ એમના ‘મહાકાલ’, ‘સદુપદેશ શ્રેણી’ વગેરેમાં પ્રકટ થયલા લેખોના વાચનપરથી માલુમ પડશે, વળી એમના સવૈયા, જે એમની અનોખી કૃતિ છે, તે એમની સંસ્કારિતા, રસિકતા, ઉંડું મનન અને અભ્યાસનો સરસ ખ્યાલ આપે છે. કેટલાક સમય સુધી એમણે “સ્વધર્મ–જાગૃતિ” માસિક ચલાવ્યું હતું. તેમાં નીતિ, ધર્મ અને સાહિત્ય વિષયક લેખો આવતા હતા; પણ કેટલાક પ્રતિબંધોને લીધે તે તેમને બંધ કરવું પડ્યું હતું.

સન ૧૯૨૫માં એમણે ‘સો ટચની વાતો’ બાળકો માટે છપાવી હતી, તે વાંચતાં જણાય છે કે બાળ સ્વભાવનું એમનું નિરીક્ષણ ઉંડું, ઝીણું અને સમભાવી છે.

ઘણાં વર્ષો પર એમણે ગૌરીશંકર ઓઝાનું એક વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું હતું. સન ૧૯૦૧–૨માં ‘પુરુષ અને સ્ત્રી’ નામનું પુસ્તક બે ભાગમાં લખ્યું હતું, અને માસિકોમાં આપેલા એમના પ્રકીર્ણ લેખોનો જથો પણ મોટો થવા જાય છે.

સુરત સાહિત્ય પરિષદમાં તેઓ પરિષદના એક મંત્રી નિમાયલા; અને છઠ્ઠી સાહિત્ય પરિષદમાં જાહેર વ્યાખ્યાન આપવાને એમને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. તે પૂર્વે ઘણા સમય પર એમણે ગુજરાત સાહિત્ય સભા–અમદાવાદ તરફથી સાક્ષર જયંતિના અંગે “ધીરો અને તેની કવિતા” વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું, જે તે કવિ વિષે અભ્યાસ કરનારને ઉપયોગી થાય એમ છે.

અમદાવાદમાં અને બીજે સ્થળોએ અનેક વર્ષોથી એમની વ્યાખ્યાન પ્રવૃત્તિ ચાલુ રહેલી છે. આમ, એક આદર્શ શિક્ષક હોવાની સાથે તેઓ એક સારા ધર્મ તત્ત્વચિંતક, સાહિત્યકાર અને વ્યાખ્યાતા તરીકે જાણીતા છે.

એમના ગ્રંથો નીચે મુજબ છેઃ

મહાકાલ, સદુપદેશ શ્રેણી, વગેરેમાં લેખો સન ૧૮૯૧થી ચાલુ
ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર સન ૧૮૯૯
પુરૂષ અને સ્ત્રી ભા. ૧ ”  ૧૯૦૧
  ભા. ૨ ”  ૧૯૦૨
સવૈયા... ”  ૧૯૦૪થી ચાલુ
સરલ સંસ્કૃત ભા. ૧ ”  ૧૯૧૬
  ભા. ૨ ”  ૧૯૧૭
સો ટચની વાતો ”  ૧૯૨૫