ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ગ્રંથ પરિચય
ગ્રંથ પરિચય
ગ્રંથ અને ગ્રંથકાર એ પુસ્તકના પ્રકાશનનું પ્રયોજન બતાવવાની ભાગ્યે જ જરૂર હોય. પ્રસ્તુત પુસ્તકની યોજના ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ કરી ત્યારે એમાં છબીઓ આપી એને વધારે સુશોભિત કરવાનો ઇરાદો હતો; પરંતુ એ યોજના અમલમાં નથી મૂકી શકાઈ તે અમારી દિલગીરી છે. પૂરતી છબીઓ મળી શકી નથી, એ અને બીજાં કારણોથી આ વર્ષ એ બાબત પડતી મૂકી છે. હવે જ્યારે નવેસરથી એ પુસ્તક છપાશે ત્યારે એ ધારણા પાર પડશે એવી ઉમેદ છે.
સદરહુ પુસ્તકની ઉપયોગિતા દેખીતી છે. ગુજરાતી સાહિત્ય અત્યારે એટલી કક્ષાએ પહોંચ્યું છે કે તેના શિષ્ટ ગ્રંથ–ગ્રંથકારોનો પરિચય આવકારદાયક થઈ પડે. આવી એકત્રિત કરેલી માહિતીની કીમત હાલ કરતાં ભવિષ્યમાં અનેકગણી વધી જવા સંભવ છે. અમુક નાટકો પ્રેમાનંદનાં કે નહીં એવા સંશયગ્રસ્ત પ્રશ્નો પાછળથી ઊભા ન થાય એ કાર્ય આવું પુસ્તક કરી શકે. જુના વખતના એટલે સો વર્ષ પૂર્વે લખાયેલા ગ્રંથો કેટલાક નાબૂદ થઈ ગયા છે; તેમનાં નામ અને તેમના કર્તાઓનાં નામ શિષ્ટ સાહિત્યમાંથી લગભગ નષ્ટ થઈ જવા આવ્યાં છે. પ્રાચીન કાળના હસ્તલિખિત ગ્રંથો પરથી કર્તાનાં નામ શોધવાં, તેની સાલ કાઢવી વગેરે મુશ્કેલીઓ નવા જમાનામાં જણાતાં તેના નિવારણ તરીકે પ્રસ્તુત પુસ્તક જેવાં પુસ્તકો પાછળના જમાનાને માહિતીનું આધારભૂત સાધન પૂરું પાડે એવો સંભવ છે.
સાહિત્યમાં આગળ વધેલા બધા દેશોમાં આ પ્રકારની સાધનસામગ્રી જોવામાં આવે છે, અને તેને પ્રતિદિન વધારે ને વધારે સમૃદ્ધ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ આ પુસ્તક માત્ર આરંભ રૂપે જ પ્રકટ કર્યું છે. ઘણા ગ્રંથકારો તેમાં રહી ગયા હશે. તે સર્વેને સોસાયટીનું જાહેર આમંત્રણ છે કે તેઓ કૃપા કરી પોતાની તરફથી હકીકત મોકલી આપે જે નવીન આવૃત્તિમાં દાખલ થઈ શકે. આવું પુસ્તક પ્રતિ વર્ષે નહીં તો બે ત્રણ વર્ષે નવું પ્રકટ થાય એ ઇષ્ટ છે. તો જ પ્રગતિમાન સાહિત્યની સાથે સાથે એ માહિતી સંપૂર્ણ રહી શકે.
વિદ્યમાન ગ્રંથકારોનો આમાં પરિચય છે. એ હકીકત તેમના પોતાના તરફથી મંગાવેલી અને પુરી પાડેલી હોવાથી ઘણે ભાગે માત્ર bare facts જ મોકલવામાં આવે એ સ્વાભાવિક છે. બીજાના મુખમાં શોભે એવી કેટલીક હકીકતો જાતે મોકલતાં સંકોચ થાય એ પણ બનવાજોગ છે. સોસાયટીની ઑફિસ તરફથી એ હકીકતોને વણી લેવા અને જાણીતી વાતો બહાર આણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
શરૂઆતમાં કરેલા ૧૯૨૯ના ગ્રંથ–પ્રકાશનના અવલોકન પરથી જણાશે કે આપણા સાહિત્યનાં કેટલાંક અંગો વિકાસ પામ્યાં છે અને કેટલાંક હજી અણવિકસ્યાં રહ્યાં છે. બાળસાહિત્ય એ આ દશકામાં પ્રમાણમાં ઘણી પ્રગતિ પામ્યું છે અને હજી પણ પામે એવાં ચિહ્નો જણાય છે. વિજ્ઞાનના સાહિત્યમાં નહીં જેવી પ્રગતિ થઈ છે એ આ વિજ્ઞાનના જમાનામાં અસહ્ય છે. આપણા વિજ્ઞાનવેત્તાઓ હજી આપણી ભાષા તરફ જોઈએ તેટલા આકર્ષાયા નથી એ સિદ્ધ થાય છે. પારિભાષિક શબ્દોનો અભાવ એ જો કોઈ તેનું કારણ બતાવે તો સ્વીકારી શકાય તેમ નથી. ઉલટું સાહિત્યને અભાવે શબ્દોનો અભાવ છે અને શબ્દો તેથી જ રૂઢ થવા પામતા નથી. શબ્દોની મુશ્કેલી હશે પણ તે નિવારી ન શકાય તેવી નથી.
છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્યમાં અને તેના પ્રચારમાં થયેલા વધારાનું માપ એકલા ગ્રંથો પરથી જ જો કાઢવામાં આવે તો એ સાહિત્યને અન્યાય થાય. માસિકો અને વર્તમાનપત્રો દ્વારા વિવિધ પ્રકારનું સાહિત્ય પ્રચાર પામે છે. સેંકડો લેખકો તે લખે છે. ગ્રંથકાર થવાની લગભગ પ્રથમ ભૂમિકા એ સર્વમાં છે એમ કહીએ તો ખોટું નથી. ગ્રંથમાં નહીં ખેડાયેલા વિષયોને પણ એમાં સ્થાન મળે છે. જો કે એ સાહિત્ય ચિરસ્થાયી નથી છતાં જનતાને કેળવવાનું મહોટું કાર્ય એ કરે છે એ નિઃસંશય છે; વાર્તાઓ, મુસાફરીના લેખો, અર્થશાસ્ત્રના લેખો, વિજ્ઞાનના લેખો, કાવ્યો વગેરેનો ભારે સમૂહ માસિકો અને વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થાય છે. સર્વે લેખકોને તેને ગ્રંથરૂપે બહાર પાડવાની અનુકૂળતા ન હોય એ માની શકાય તેવું છે. એમાંના કેટલાક વર્તમાન પત્રો અથવા માસિકોના દૃષ્ટિબિંદુથી લખેલા એટલે ઊંડા ચિંતન વાળા નહીં હોય પણ ગંભીર લેખો પણ શિષ્ટ પત્રોમાં હોય છે એ નિર્વિવાદ છે. વર્તમાન પત્રોની વીસ વરસ પરની ફાઇલો જુઓ ને હાલની જુઓ તો આ ભેદ સ્પષ્ટ જણાશે અને એના એક મુખ્ય ચિહ્ન તરીકે પત્રોની ભાષા એ પોતે મહોટો પુરાવો છે. આપણી ભાષામાં અર્થસૂચન કેટલું બધું વધ્યું છે, પ્રયોગો કેટલા વધારે વપરાય છે, અને સામાન્ય રીતે ભારે ગણાતા શબ્દો હવે રૂઢ થઈ ઘરગથુ વિષયો માટે પણ વપરાશમાં આવ્યા છે. આનું એક દૃષ્ટાંત યાદ આવે છે; જે નોંધવાથી સમજાશે. આજથી ઘણાં વર્ષ પૂર્વે અમદાવાદ પ્રાર્થના સમાજ તરફથી પ્રાર્થનામાળાનું પુસ્તક છપાયેલું તેની પાછળ કઠણ શબ્દોનો એક કોષ આપેલો છે. એ કોષના અડધા ઉપરના શબ્દો હવે એટલા પ્રચલિત થઈ ગયા છે કે તેનો અર્થ જણાવવાની અત્યારે જરૂર પણ ન રહે. ગુજરાતી ભાષાની સમૃદ્ધિ એટલે શબ્દસમૃદ્ધિ પણ વધતી જાય છે એ સાહિત્યના વિકાસનું શુભ ચિહ્ન છે. ભાષામાં વિચાર પ્રદર્શિત કરવાની જેમ જેમ વધારે જરૂર પડે છે તેમ શબ્દયોજના વિસ્તૃત થતી જાય છે.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ આ પુસ્તક પ્રકટ કરી જે કાર્ય કરવાના પ્રયત્નનો શુભ આરંભ કર્યો છે તેની સફળતાનો તમામ આધાર ગ્રંથકર્તાના સહકાર ઉપર રહેલો છે. જેટલે જેટલે અંશે એ સહકાર વધશે તેટલે અંશે ભવિષ્યની આવૃત્તિઓ વધારે મહત્ત્વવાળી થશે. જે ગ્રંથકારોને આમંત્રણ આપવાનું રહી ગયું હોય અથવા જેમણે આમંત્રણનો જવાબ ન આપ્યો હોય તેમને આગ્રહપૂર્વક વિનંતિ કરવાની કે આ કાર્ય જાતમાહિતીની જાહેરાતનું નથી; પરંતુ એક વિશિષ્ટ પુસ્તક, ગુજરાતી સાહિત્યની સેવા બજાવવાની ઇચ્છા રાખે છે તેને સહાયતા કરવાનું છે એમ માની હકીકત પોતાની તેમ જ પોતાની જાણના બીજા ગ્રંથકારોની મોકલાવી સહકાર કરવો. આ પુસ્તકની અપૂર્ણતાઓ પુરી કરવા લેખક વર્ગ તરફથી વિશેષ સહાયતાની આશા સાથે ગુજરાતી ભાષાના વાંચનારા સમક્ષ તે રજુ કરવાની રજા લઈએ છીએ.
તા. ૨૦-૮-૧૯૩૦