ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા
એઓ જાતે વાલ્મિકી કાયસ્થ અને સુરતના વતની છે. એમનો જન્મ કાઠિયાવાડમાં વઢવાણ ગામે તા. ૨૦મી ઓકટોબર ૧૮૯૦ના રોજ થયો હતો. એમના પિતાનું નામ કૃષ્ણલાલ ગોવિંદદાસ મહેતા, જેઓ ઝાલાવાડ પ્રાંતમાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર હતા અને પાછળથી ત્રણ વર્ષ પાલીતાણામાં નાયબ દિવાન નિમાયા હતા. તેમનું મૃત્યુ ૧૯૧૦ની સાલમાં થયું હતું. માતાનું નામ સૌ. કપિલાગૌરી હતું, જેઓ ૧૯૦૪માં મરણ પામ્યાં. એમના મોટાભાઈ રા. જયસુખલાલ મહેતા મુંબઈની ધી ઈંડીઅન મર્ચન્ટસ ચેંબરના સેક્રેટરી છે અને સ્વ. રણછતરામ વાવાભાઈ મહેતા તેમના મામા થાય.
મેટ્રીકયુલેશન સુધીનો અભ્યાસ કર્યાં પછી, નાદુરસ્ત તબીયતને લીધે તેમને અભ્યાસ છોડી દેવો પડ્યો અને વિકટોરિયા જ્યુબીલી ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં ચાર વર્ષના અભ્યાસ પછી ઇલેક્ટ્રીકલ ઍનજીનીયરની ઍલ ઇ. ઈ.નો ડીપ્લોમા તેમણે મેળવ્યો. તેમાં પણ તેમની તબીયત ચાલી નહિ એથી એમને એ લાઈન બદલવી પડી છે. હાલમાં તેઓ સીંધીઆ સ્ટીમ નેવિગેશન કંપનીમાં નોકરી કરે છે.
શિષ્ટ અંગ્રેજી પુસ્તકોના ભાષાંતર કરવાથી ભાષા ઉપર સારો કાબુ આવશે એવી સુચના એમના મામાની થઇ; તે ઉપરથી એમણે સર આરથર કૉનન ડૉઇલના જગવિખ્યાત શેરલૉક હોમ્સના ત્રણ પુસ્તકોના સરલ ભાષાંતર તૈયાર કર્યા. ૧૯૦૮ની સાલથી તેમના લેખો પ્રકટ થવા માંડેલા. જાણીતા બેલજીઅન કવિ મેટરલિંકના ત્રણ નિબંધોનું ભાષાંતર કરવા માટે એમને શ્રી ફાર્બસ સભા તરફથી રૂા. ૨૫૦)નું પારિતોષિક મળ્યું હતું. આ નાનકડું પુસ્તક “મેટરલિંકના નિબંધો” વિદ્વાનોમાં સારો આદર પામ્યું હતું અને “નવજીવન અને સત્ય”માં એની સમાલોચના કરતાં તેના તંત્રી શ્રી ઇંદુલાલ યાજ્ઞિકે લખ્યું હતું કે : “અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આ અતિશય વિરલ અને ગહન પુસ્તકનું ભાષાંતર કરવામાં રા. ધનસુખલાલે જે વિજય મેળવ્યો છે તેની કોઈ પણ ભાષાંતરકાર અદેખાઈ કરી શકે...અમે આગળ જઈને કહીશું કે આ નિબંધોની અગાધ ફીલસુફી અને ઉંડા અનુભવોને આપણી પ્રમાણમાં કંગાળ ભાષામાં ઉતારતાં તેમણે એક પાસ શબ્દો અને શૈલીનું અવનવું લાલિત્ય દાખવ્યું છે અને બીજી પાસે તેમણે પોતે કૈંક નવો યશ સંપાદન કર્યો છે. આ ભાષાંતરના વખાણ કરવામાં સંયમ રાખવો એ ખરેખર મુશ્કેલ છે.”
આ સિવાય તેમણે બાલઝાક, ગોતીએ, ગેલીઅન, જેકબ્ઝ વગેરે અમર સાહિત્યકારોની વિવિધ કૃતિઓનાં ભાષાંતર તેમજ રૂપાંતરો કર્યાં છે. છતાં એમની ખાસ ખ્યાતિ તો હાસ્યરસના લેખક તરીકે વિશેષ છે. હાસ્યરસની વાતોનો એમનો પહેલો સંગ્રહ “હું, સરલા અને મિત્રમંડળ” બહાર પડ્યો ત્યારે ચોતરફથી તેની પ્રશંસા થઈ હતી. એમની હાસ્યરસ ખીલવવાની શક્તિની કદર કરી પ્રો. બલવંતરામ ઠાકોરે, પરિષદ ભંડોળ કમિટી તરફથી મોલીએરનાં બે નાટકોનો અનુવાદ કરવાનું કાર્ય એમને સોંપ્યું હતું, જેને પરિણામે “ભૂલના ભોગ” અને “બિચારો” એ નામથી એક પુસ્તક પ્રસિદ્ધ થયું છે.
સન ૧૯૧૮ના જાન્યુઆરીથી ૧૯૨૩ના ડીસેંબર સુધી છ વર્ષ, મુંબઇના ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ તરફથી ચલાવવામાં આવતાં ત્રૈમાસિક “સ્ત્રીહિતોપદેશ”ના તંત્રી તરીકે એમણે કામ કર્યું હતું. સાહિત્ય સંસદના આરંભથીજ તેના સભ્ય તેઓ ચુંટાયા છે અને હાલ પણ ‘ગુજરાત’માં તેમના હાસ્યરસિક લેખો નિયમિત પ્રકટ થાય છે. એક અચ્છા ભાષાંતરકાર તરીકે, ટુંકી વાતોના લેખક તરીકે અને ખાસ કરીને હાસ્યરસ પ્રધાન સ્કેચોના કર્ત્તા તરીકે તેઓ જાણીતા છે અને દિવાન બહાદૂર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, રા. હિંમતલાલ ગણેશજી અંજારિયા અને રા. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય જેવા જાણીતા વિવેચકોએ હાલના ગુજરાતી સાહિત્યના હાસ્યરસના લેખકોમાં તેમનું સ્થાન બહુ ઉંચું નક્કી કર્યું છે. તેમની નીચે જણાવેલ પ્રસિદ્ધ થઈ ગયેલ કૃતિઓ ઉપરાંત, ચાલુ વર્ષમાં (૧૯૩૦માં) એમની હાસ્યરસની વાતોના બે સંગ્રહ પ્રસિદ્ધ થવાના છે–એક ‘વિનોદ વિહાર’ આર. આર. શેઠ, મુંબઈ તરફથી અને બીજો ‘અમારી નવલકથા અને બીજી વાતો’ પ્રસ્થાન કાર્યાલય તરફથી.
એમના ગ્રંથોની યાદીઃ
૧ ડીટેક્ટીવ બહાદૂર શેરલૉક હોમ્સ સન ૧૯૦૯
[Study in Scarlet નું ભાષાંતર]
૨. ચંડાળ ચોકડી [Sign of Four નું ભાષાંતર] સન ૧૯૧૩
૩. મેટરલિંકના નિબંધો સન ૧૯૧૭
૪. શેરલૉક હોમ્સનાં સાહસકર્મો [Adventures of Sherlock Holmesનું ભાષાંતર] સન ૧૯૨૦
૫. હું, સરલા અને મિત્રમંડળ, સન ૧૯૨૦
૬. બિચારો અને ભૂલના ભોગ (મોલીએરનાં નાટકોનો અનુવાદ) સન ૧૯૨૧
૭. અસાધારણ અનુભવ અને બીજી વાતો સન ૧૯૨૪