ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા,

બી. એ., સી. એસ.

એમનો જન્મ અમદાવાદમાં સન ૧૮૫૯માં ૩જી સપ્ટેમ્બરના રોજ થયો હતો. જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના પિતા ભોળાનાથભાઈનું નામ આખા ગુજરાતમાં એક આગેવાન સમાજસુધારક તથા ધર્મસુધારક તરીકે મશહુર છે. એમની માતાનું નામ શિવકાશી હતું. એમનું પ્રથમ લગ્ન સન ૧૮૭૨માં થયેલું. બી. એ.,ની પરીક્ષા સન ૧૮૮૦માં બીજા વર્ગમાં અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાઓ ઐચ્છિક વિષય તરીકે લઈને પાસ કરેલી; એટલુંજ નહિ પણ સંસ્કૃતમાં પ્રથમપદે આવેલા અને ભાઉ દાજી પ્રાઈઝ મેળવેલું. દી. બા. કેશવલાલ, સ્વ. મણિલાલ નભુભાઈ અને પ્રો. શ્રીધર ભાણ્ડારકર એમના સહાધ્યાયીઓ હતા. સન ૧૮૮૦માં એમનું બીજી વારનું લગ્ન સૌ. સુશીલાબ્હેન સાથે થયું હતું. આગળ એમ. એ., અને એલએલ. બી.નો અભ્યાસ કરવા માંડેલો; પણ તે અરસામાં સરકાર તરફથી સ્ટેટયુટરી સિવિલ સર્વિસમાં આસિસ્ટંટ કલેકટરની જગા મળવાથી તે પડતો મૂકેલો અને ઇ. સ. ૧૮૮૪માં તેઓ આસિ. કલેકટર નિમાયા હતા; પ્રથમ ખેડામાં નિમાયા; પછી સોલાપુર બદલી થયલી; ત્યાંથી બીજાપુર, પછી કારવાર અને પછીથી સિંધ હૈદરાબાદ, નાશિક, ખાનદેશ તથા રત્નાગિરિ ગયલા; સન ૧૯૦૫માં રત્નાગિરિમાં નિમાયેલા. નોકરીનો ઘણોખરો સમય દક્ષિણમાં જ વ્યતીત થયલો. સન ૧૯૧૨માં તેઓ નિવૃત્ત થયા હતા; પણ પાછળથી કૉલેજમાં ગુજરાતીનો અભ્યાસ દાખલ થતાં, ઈ. સ. ૧૯૨૧માં તેમને એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના લેકચરર તરીકે નિમવામાં આવેલા છે અને તે કાર્ય હજુ આટલી વયે સરસ રીતે કર્યે જાય છે.

સન ૧૮૮૬–૮૭માં શ્રીયુત નારાયણ હેમચંદ્રના સમાગમથી ગુજરાતીમાં કવિતા લખવાને વિશેષ વેગ મળેલો, જે ‘કુસુમમાળા’માં પરિણમ્યો. તે આગમચ છૂટક પદ્ય અને કાવ્યો લખેલાં; પણ તેમાંના થોડાંક જ રહેવા પામ્યાં છે; ઘણાંને તેમણે નાશ કર્યો છે.

‘કુસુમમાળા’ પ્રથમ પ્રકટ થયલી ત્યારે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ ખળભળાટ થયલો; અને બે તડાં–પક્ષ બંધાઈ ગયેલાં; પણ એ કવિતાઓમાંના કાવ્યતત્ત્વના બળે એ નવાં કાવ્યોનાં પુસ્તકો અદ્યાપિ હોંશભર વંચાય છે.

સન ૧૮૯૬માં ‘હૃદયવીણા’ છપાયલું; સન ૧૯૧૪માં ‘નૂપુરઝંકાર’; સન ૧૯૧૫માં ‘સ્મરણ સંહિતા’ એ રીતે ક્રમે ક્રમે કાવ્યગ્રંથો આપણને તેમના તરફથી મળતા રહ્યા છે; અને તે સઘળાં ગુજરાતી સાહિત્યમાં સદા ઊંચું સ્થાન જરૂર લેશે.

સન ૧૯૧૩માં પ્રાંતિક સંસાર સુધારા પરિષદ અમદાવાદમાં એમના પ્રમુખપદ હેઠળ મળી હતી, તે પ્રસંગે પ્રમુખ તરીકે એમણે આપેલું વ્યાખ્યાન સમાજસુધારાના સિદ્ધાંતો સ્પષ્ટ રીતે ચર્ચાવાની સાથે, એ હિલચાલ વિષે જાણવા જેવી હકીકત નોંધે છે.

એ વ્યાખ્યાનનું ગુજરાતી ભાષાન્તર રા. સાકરલાલ અમરતલાલ દવેએ કરેલું ફાલ્ગુન ૧૯૬૯ના ‘વસન્ત’માં પ્રગટ થયું હતું.

સન ૧૯૧૫માં સુરતમાં મળેલી પાંચમી ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખ તેઓ નિમાયલા. સન ૧૯૧૫માં મુંબાઇ યુનિવર્સિટી તરફથી વિલ્સન ફાઇલોલોજીકલ વ્યાખ્યાનો આપેલાં; જેનું પહેલું વૉલ્યુમ સન ૧૯૨૧માં બહાર પડ્યું હતું અને બીજું હજુ પ્રેસમાં છે.

વળી આ વર્ષની શરૂઆતમાં (જાન્યુઆરી, ૧૯૩૦) મુંબાઇ યુનિવર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્યપર એમણે આપ્યાં હતાં; અને તે છપાઈને બહાર પડેથી, ગુજરાતી સાહિત્યના અભ્યાસીને એમના અન્ય લેખો મુજબ મૂલ્યવાન માલુમ પડશે.

જેમ નવીન કવિતા કરીને ગુજરાતી સાહિત્યમાં તેમણે નવીન ભાત પાડી છે, તેમ એમનું નામ એમના જોડણી–નિયમો માટે હંમેશ યાદ રહેશે. સન ૧૮૮૮માં એ પ્રશ્ન એમણે ઉપાડેલો; તેમાંના કેટલાક મુદ્દાઓ પાછળથી સ્વીકારાઇ, સામાન્ય રીતે પ્રચલિત થઈ ગયા છેઃ માત્ર ‘હ’કાર અને ‘ય’કાર વિષે સહેજ મતભેદ હજુ ઊભો છે; પણ એટલું કહેવું જોઈએ કે એમની એ પ્રવૃત્તિના પરિણામે ગુજરાતી જોડણીમાં એક નિયમિતતા અને શુદ્ધિ દાખલ થયેલાં છે.

એજ રીતે પ્રેમાનંદનાં નાટકો વિષેનો એમનો નિબંધ, ત્રીજી સાહિત્ય પરિષદમાં રજુ થયલો, તેણે એ વિષય પ્રતિ સૌનું સારી પેઠે ધ્યાન દોર્યું હતું અને તે કારણે એ ચર્ચામાંથી કેટલુંક નવનીત પ્રાપ્ત થયું છે, એમ બેશક કહેવું પડશે.

એમનો અભિનયકલા વિષે નિબંધ બીજી સાહિત્ય પરિષદમાં રજુ થયલો, તે ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી જુદા પુસ્તકરૂપે છપાય છે અને થોડા સમયમાં બહાર પડશે.

એક વિવેચક અને ભાષાશાસ્ત્રી હોવા સાથે, તેઓ એક સમર્થ નિબંધ લેખક છે અને વર્તમાનપત્રો અને માસિકોમાં કોઈ અગત્યનો મુદ્દો આવતાં તે પર પોતાનો વિચાર અને અભિપ્રાય દર્શાવવાનું તેઓ ભાગ્યેજ ભૂલતા હશે; એટલી બધી એમની નજર ચોતરફ ફરતી અને સર્વદેશી હોય છે.

પોતે એકેશ્વરવાદમાં શ્રદ્ધા રાખે છે અને ચુસ્ત પ્રાર્થનાસમાજી છે. પ્રાર્થના મંદિરમાં કરેલા એમના ઉપદેશો અને વ્યાખ્યાનોની સંખ્યા પણ મોટી માલુમ પડશે.

એમના મોટા પુત્ર શ્રીયુત પ્રસન્નકુમાર અમદાવાદમાં પોલીસ ફોર્સમાં છે અને બીજા પુત્ર શ્રીયુત ભાઈ નલિનકાન્ત પુખ્ત ઉંમરે પહોંચે તે અગાઉ મૃત્યુ પામેલા; પણ એટલી ન્હાની વયે એમણે પિતાની પાસે જે જ્ઞાન અને સંસ્કારિતાનો અમૂલ્ય વારસો મેળવેલો હતો તેનો ઝાંખો પરિચય એમના લેખો અને પ્રો. બેઇનની વાર્તા (Digit of the Moon)નું ‘ઇન્દુકલા’ નામે ભાષાન્તર; ‘નૂરજહાન’ સરદાર જોગેન્દ્રસિંહની વાર્તાનું ભાષાન્તર; Poverty to Power નામના વિષમ ગ્રંથનાં પ્રકરણોનાં ભાષાન્તર, કેટલાંક કાવ્યો ઇ. દ્વારા કરાવેલો. એવુંજ શોકકારક મૃત્યુ એમની મ્હોટી પુત્રી સૌ. ઊર્મિલાબ્હેનનું હતું. તેઓએ પણ પ્રો. બેઇનની કથાનું ભાષાન્તર તથા ‘કમલિની’ વાર્તા (ભાષાન્તર) ગુજરાતને આપ્યાં છે. બીજી પુત્રી સૌ. લવંગિકા બ્હેન બી. એ., (ફિલોસોફીના વિષય લઇને) થયેલા છે અને તેમણે ‘ગ્રીક સાહિત્યનાં કરૂણરસ પ્રધાન નાટકોની કથાઓ’ એ નામનું પુસ્તક ઇંગ્રેજી પરથી લખ્યું છે, તથા ‘સુવર્ણકેશી’ નામનું ભાષાન્તર વાર્તા પુસ્તક પ્રકટ કર્યું છે.

શ્રીયુત નરસિંહરાવના પ્રકીણ નિબંધો અને વ્યાખ્યાનોનો એક મોટો સંગ્રહ થવા જાય. એક ભાગ ‘ગુજરાતી’ પ્રેસે ‘મનોમુકુર’ નામથી પ્રસિદ્ધ કર્યો છે; બીજા લેખોનો સંગ્રહ પણ સંગ્રહાઇ છપાવાની આવશ્યક્તા સૌ કોઈ સ્વીકારશે.

એમના પુસ્તકોની યાદીઃ

કુસુમમાળા (કાવ્યો) ઇ. સ. ૧૮૮૭ (પ્રથમ આવૃત્તિ);
ઇ. સ. ૧૯૧૮ (છઠ્ઠી આવૃત્તિ)
જોડણી (ચર્ચા) ઇ. સ. ૧૮૮૮ (‘બુદ્ધિપ્રકાશ’નો વધારો.)
હૃદયવીણા (કાવ્યો) ઇ. સ. ૧૮૯૬ (પ્રથમ આવૃત્તિ);
ઇ. સ. ૧૯૧૦ (દ્વિતીય આવૃત્તિ)
નૂપુર ઝંકાર (કાવ્યો) ઇ. સ. ૧૯૧૪ (પ્રથમ આવૃત્તિ).
ઇ. સ. ૧૯૨૯ (દ્વિતીય આવૃત્તિ).
સ્મરણ સંહિતા (કાવ્ય) ઇ. સ. ૧૯૧૫.
પાંચમી સાહિત્ય પરિષદમાં પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન ઇ. સ. ૧૯૧૫.}}
મનોમુકુર (ગદ્ય લેખોનો સંગ્રહ) ઇ. સ. ૧૯૨૪.
સ્મરણમુકુર (ગદ્ય રેખાચિત્રો) ઇ. સ. ૧૯૨૬.
જોડણી (સાહિત્ય પરિષદમાં સવિસ્તર નિબંધ) ઇ. સ. ૧૯૦૫.}}
Gujarati Language and
Literature vol I. (Wilson
Philological Lectures.) ઇ. સ. ૧૯૨૧.
        “ “ vol. II. (છપાય છે.)
Brahma Dharma (અંગ્રેજી વ્યાખ્યાન) ઇ. સ. ૧૮૯૧.
આ સિવાય છૂટક પુસ્તિકાઓઃ
દયા ક્ષમા શાન્તિ, ભક્તિ ને નીતિ (બે વ્યાખ્યાનો); લિપિ,
શ્રુતિ સ્વર સિદ્ધાન્ત (સંગીતના એક કૂટ પ્રશ્નનું અન્વેષણ-ગ. ગો. બર્વેના નિબંધના અવલોકન રૂપે).

અંગ્રેજી :-

1 Presidential address at the Provincial Social Conference held at Ahmedabad in 1913 A. D.
2 Several Contributions to the India Antiquary and J. B. B. R. A. S. on Gujarati Linguistics.
3 Kripabai, a short story in the East & West.
4 Introduction to Narayan Hemchandra’s’ Sayings of Sages.
5 Thakkar Vasanji Madhavji Lectures(five) delivered in January 1930. (To be published by the Bombay University.