ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા

એઓ અનાવિલ જ્ઞાતિના છે. એમના પિતા લાલભાઈ અંબારામ સુરતના ડિસ્ટ્રીકટ ડેપ્યુટી કલેક્ટર હતા અને હાલમાં પેનશન ઉપર છે. સુરત પાસેના સચીન સ્ટેટના વેડછા ગામે એમના મોસાળમાં એમનો જન્મ સન ૧૮૯૯માં તા. ૧૩મી જુલાઈના રોજ થયો હતો. એમનું વતન સુરત છે. એઓએ પ્રાથમિક તેમજ માધ્યમિક કેળવણી સુરત, ભરૂચ તથા અમદાવાદ જીલ્લાઓની તથા મુંબાઇની નિશાળોમાં લીધી હતી; અને એલ્ફીન્સ્ટન તથા વિલસન કૉલેજોમાંથી સન ૧૯૧૯માં બી. એ;ની ડીગ્રી મેળવી હતી. તેઓ એલએલ. બી; થયા છે અને એડવોકેટ તરીકે સુરતમાં વકીલાતનો ધંધો કરે છે. તે અગાઉ કેટલોક સમય સરકારી ખાતામાં લેબર ઑફિસમાં અમદાવાદ અને મુંબાઇમાં લેબર ઇન્પેસ્પેક્ટરના હોદા પર સને ૧૯૨૩ થી ૧૯૨૬ સુધી હતા પણ વધારે સારા ભવિષ્ય માટે એ નોકરી છોડી દઇ, એલએલ. બીની પરીક્ષા આપી હતી. તે અગાઉ ખાનગી પેઢીઓમાં મેનેજર વગેરેનો હોદ્દો તેમણે ભોગવેલો. કોલેજનો અભ્યાસક્રમ પૂરો થતાં પહેલાં તેમણે સાહિત્યક્ષેત્રમાં પ્રયાસ કરેલ; એટલો તીવ્ર એ વિષય પ્રતિ એમનો અનુરાગ હતો. સન ૧૯૨૦માં એમણે “ચેતન” નામનું માસિક સુરતમાંથી પ્રકટ કરવા માંડેલું; અને તેના નામ પ્રમાણે તેમાંના લેખોમાંથી નવું ચેતન નિર્ઝરતું હતું. વળી છેવટના ભાગમાં તેનું બાહ્ય અને આંતર અંગ–સ્વરૂપ સુધારવા એમણે પુષ્કળ શ્રમ અને ખર્ચ સેવ્યો હતો; પણ નવી યોજનાનો એકજ અંક બહાર પડ્યો એટલામાં સરકારી નોકરી મળવાથી તે માસિક બંધ કરવું પડેલું. “ચેતન” સાથે શ્રીમતી જ્યોત્સ્નાબેન સરખા સહતંત્રી મળેલા. ‘વિનોદ’ નામનું બીજું નવું માસિક કાઢેલું તે પણ ‘ચેતન’ સાથે બંધ થયલું. સન ૧૯૨૯માં એમના તંત્રીપદ હેઠળ “સુદર્શન” નામનું સાપ્તાહિક સુરતમાંથી પ્રકટ થવા માંડેલું અને એમના વ્યકિતત્વની છાપ એમાં નજરે પડતીઃ પણ થોડાક માસમાં તેઓ કામના દબાણના કારણે તેમાંથી છૂટા થયા હતા. આ સમય દરમિયાન એમની ટુંકી વાર્તાઓથી અને નાટકોથી એમણે સારી કીર્તિ અને નામના મેળવ્યાં હતાં; અને તેની મૌલિકતાના સબબે રા. રામમોહનરાયે, એમની ટુંકી વાર્તાઓનો સંગ્રહ, “સુંદરીસુબોધ”ના ગ્રાહકોને ભેટ આપવા સારૂ ‘વાતોનું વન’ એ નામથી પ્રકટ કર્યો હતો.

એમનાં નાટકો મત્સ્યગંધા વગેરે એક પુસ્તકરૂપે પ્રકટ થયાં ત્યારે ‘કૌમુદી’ના તંત્રીએ તેનો શકવર્તી ગ્રંથ તરીકે સત્કાર કર્યો હતો; જાણીતા સાક્ષર શ્રી નરસિંહરાવે, એમના ‘લોમહર્ષિણી’ નાટકની ‘વસન્ત’માં સમાલોચના કરી, ગુજરાતી જનતાનું એમાંના નૈસર્ગિક તત્ત્વ પ્રતિ ધ્યાન દોર્યું હતું. તે પછી રચાએલાં એમનાં નાટકો કૌમુદીકારે ‘માલાદેવી’ એ નામથી પ્રસિદ્ધ કર્યા છે; અને તે બધાં લોકપ્રિય નિવડ્યાં છે. નવા લેખકોમાં એમનું સ્થાન ઉંચું જણાશે. એમની કેટલીક કૃતિઓ મુંબાઇ યુનિવરસીટીની એમ. એ.,ની પરીક્ષા તથા સાહિત્ય ચન્દ્રક વિગેરે પરીક્ષા માટે નિયત કરવામાં આવે છે, એ લેખક માટે માનાસ્પદ કહેવાય.

એમના ગ્રંથોની યાદીઃ

સંસાર ૧૯૧૮
રસ ગીતો ૧૯૨૦
વાતોનું વન ૧૯૨૪
મત્સ્યગંધા અને બીજાં નાટકો ૧૯૨૫
માલાદેવી અને બીજાં નાટકો ૧૯૨૭