ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા
એઓ મૂળ સુરતના વતની છે. જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ અને એમનું ગોત્ર શાર્કરાસ, શાખા શાંખાયની અને વેદ ઋગ્વેદ છે. એમને જન્મ વિ. સં. ૧૯૨૪ના વૈશાખ વદિ ત્રીજ–સન ૧૮૬૭ના જુનની ૧ લી તારીખે થયો હતો. એમના પિતા નિર્ગુણરામ નિત્યારામ, એમને સવા બે વર્ષના મૂકીને મૃત્યુ પામ્યા હતા. તેઓ ગોપીપુરામાં આવેલી મિડલ સ્કુલમાં શિક્ષક હતા અને વળી સાહિત્યના પણ શોખીન હતા. એઓ મોસાળમાં રહીને ઉછરી મોટા થયલા. એમનાં માતાનું નામ ભવાનીગવરી–તે નરસિંહરામ વજેરામના પુત્રી, જેમણે પુત્રના ઉછેર અને કેળવણીમાં ખાસ શ્રમ લીધેલો.
મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેઓ વડોદરા કૉલેજમાં ગયેલા અને ત્યાંથી પ્રિવિયસ અને ફર્સ્ટ ઇયર ઇન એગ્રીકલ્ચર, એ બે પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા હતા. સન ૧૮૯૦ના વૈશાખ માસમાં એમનું લગ્ન હરિસુખરામ માણેકરામ મુનસફના પુત્રી સૌ. સગુણાગવરી સાથે થયું હતું. એ બહેન પણ સાહિત્યરસિક છે અને ‘સદ્ગુણી સ્ત્રીઓ’ વગેરે પુસ્તકો એમણે લખેલાં છે, તેમજ લલિત કળાનો ખાસ શોખ એઓ ધરાવે છે.
એમના માતુશ્રી ભવાનીગવરીનું સન ૧૮૯૧ના જુન માસમાં અવસાન થયું હતું. આર્થિક સ્થિતિ એવી સારી નહિ કે આગળ વધુ અભ્યાસ કરી શકે. માતાએ જેમ તેમ ઘરનો નિર્વાહ ચલાવેલો. આ સ્થિતિમાં એમને નોકરી શોધવાની જરૂર પડી. તુરતજ તેઓ કાઠિયાવાડમાં જામનગર હાઇસ્કુલમાં રૂ. ૪૫)ના માસિક પગારે વિજ્ઞાન શિક્ષક નિમાયા. ત્યાં ત્રણેક માસ રહ્યા નહિ હોય એટલામાં રાજકોટની રાજકુમાર કૉલેજમાં રૂ. ૫૦ના પગારે તેમની કાયમ નિમણુંક થઈ. ત્યાં તેઓ સન ૧૯૦૪ સુધી રહ્યા હતા. એ પછી રાજકોટની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં સન ૧૯૦૯ સુધી વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કર્યું હતું. તે પછી છોટાઉદેપુરના રાજાના પ્રાઇવેટ સેક્રેટરી નિમાતાં, તેઓ ત્યાં ગયા હતા. પણ હવાપાણી અનુકૂળ નહિ આવવાથી, પાછા રાજકોટમાં આવી મિડલ સ્કુલમાં હેડ માસ્તરને પદ જોડાયલા. પાછળથી ધાંગધ્રા રાજ્યમાં ગયા હતા. સન ૧૯૧૪માં કાઠિયાવાડ છોડી, સુરત ગયા અને પછી વડોદરામાં જૂદા જૂદા કાર્યોમાં ગુંથાયા હતા. હમણાં સુધી તેઓ દેવગઢ બારિયામાં રણજીતસિંહ હાઇસ્કુલમાં હેડમાસ્તરના પદે હતા પણ થોડીક મુદતથી ત્યાંના રાજકુમારના શિક્ષક તથા કંપેનિયન તરીકે નિમાયા છે.
આમ જીવનમાં અનેક પ્રકારના સંજોગોમાંથી પસાર થયા છતાં એમનો સાહિત્ય પ્રતિનો પ્રેમ, અભ્યાસ અને લેખન વ્યવસાય સતત્ ચાલુ રહ્યા છે. એમના સાહિત્યકાર્યમાં સ્વ. સર રમણભાઈ મદદ કરતા. એમને બાલાશંકરની કવિતાઓ પર વિવેચન કરવાની ઇચ્છા પ્રકટેલી; કંઇક પ્રયત્ન પણ કરેલો અને કાવ્યો લખવા માંડેલાં; પણ તે બધાં દમ વિનાનાં અને સર રમણભાઈની સૂચના અને સલાહથી કાવ્ય લખવાનું મૂકી દઇને તેઓ ગદ્ય લેખન પ્રતિ વળેલા. પોતાને વિજ્ઞાનનો શોખ પ્રથમથી એટલે તે વિષે એમણે પાંચ સાત પુસ્તકો રચેલાં છે. એવોજ પ્રેમ એમને પ્રાચીન સાહિત્ય માટે છે. તેથી તે દિશામાં, વિષ્ણુદાસ, પ્રેમાનંદ, મીરાંબાઈ વિષે કેટલાંક ઉપયુક્ત લેખો અને ગ્રંથો રચેલાં છે, જે બધાં નીચેની યાદીમાં નોંધ્યાં છે. સને ૧૯૦૪–૦૫માં કેળવણી ખાતા તરફથી નવી વાચનમાળા તૈયાર કરવામાં આવી ત્યારે વિજ્ઞાનના વિષયો ઉપર પાઠો લખવાનું એમને સોંપવામાં આવ્યું હતું. તે પ્રમાણે વાચનમાળાની ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી ચોપડીઓમાં વિજ્ઞાનના ઘણાખરા પાઠો એમના લખેલા છે. એ ઉપરાંત સાહિત્ય વિષયક કેટલાક પાઠો પણ એમણે લખી આપેલા છે.
વડોદરામાં આવી વસ્યા પછી બે ત્રણ વર્ષ ‘ચંદ્ર પ્રકાશ’ નામનું એક માસિક ચલાવેલું. વળી કેટલાંક વર્ષો સુધી સયાજી સાહિત્યમાળાના સંપાદકનું કાર્ય કરેલું, અને વૈજ્ઞાનિક પરિભાષા ઉપજાવવાનું કઠિન કાર્ય પણ કરેલું, છતાં એમનું મહત્વનું અને સ્થાયી કાર્ય તે ગુજરાતી ઇંગ્રેજી કોષ છે, જે એમનું જીવંત સ્મારક થઈ પડશે.
એમના પ્રકીર્ણ લેખો પણ થોડાં નથી; માત્ર અહિં એમના પ્રકટ થયેલા ગ્રંથોની યાદી આપી છેઃ
સામાન્ય પદાર્થ જ્ઞાન સન ૧૮૯૪
પ્રાણી માત્રનું વર્ગીકરણુ (પ્રથમ આવૃત્તિ.) ” ૧૮૯૬
(દ્વિતીય આવૃત્તિ.) ” ૧૯૦૪
હિંદુસ્તાનનાં આંચળવાળાં પ્રાણીઓ ભા. ૧ લો. ” ૧૮૯૮
ઉષ્ણતા ” ૧૯૦૦
પદાર્થ વિજ્ઞાન ” ૧૯૦૨
Matriculation Chemistry (English) ” ૧૯૦૮
પ્રેમાનંદની પ્રસાદી ” ૧૯૧૧
પાંડવાશ્વમેધ ” ૧૯૧૬
બબ્રુવાહન આખ્યાન ” ૧૯૧૭
પ્રેમાનંદ ” ૧૯૧૮
મીરાંબાઈ ” ”
પ્રાણી વિદ્યાનું રેખાદર્શન ” ”
માનવ દેહ ધર્મ વિદ્યા અને આરોગ્યવિજ્ઞાન ” ”
કરોળીઆ ” ૧૯૧૯
ઋતુના રંગ ” ”
મધપૂડો ” ”
આરોગ્યવિજ્ઞાનની વાતો ” ”
(પ્રેમાનંદ કૃત) સુદામા ચરિત્ર (ટીકા સહિત) ” ”
વિષ્ણુદાસ ” ૧૯૨૦
શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દ સંગ્રહ ” ”
બેલ્શેવિઝમ ” ”
નવીન હિંદુસ્તાન ” ”
પ્રાણી સૃષ્ટિ ” ૧૯૨૧
ગ્રહણ ” ”
(પ્રેમાનંદ કૃત) વિરાટ પર્વ ” ”
કવિ વિષ્ણુદાસનાં કાવ્યો (સભા પર્વ, નળાખ્યાન, કુંવરબાઇનું
મામેરું અને હુંડી.) ” ”
(પ્રેમાનંદ કૃત) મામેરું ” ૧૯૨૨
( “ ) ભીષ્મ પર્વ ” ”
સુરત ” ”
ભૌતિક શાસ્ત્ર અને આરોગ્યવિજ્ઞાન ” ”
ઘરધોણી ” ૧૯૨૩
જગતની ભૂગોળ ” ”
દરિયા કાંઠો ” ૧૯૨૪
ધ્રુવાખ્યાન (ભાલણ કૃત) ” ”
રણયજ્ઞ (પ્રેમાનંદ કૃત) ” ૧૯૨૫
આયુર્વેદનો સંક્ષિપ્ત ઈતિહાસ ” ”
સભા પર્વ (પ્રેમાનંદ કૃત) ” ”
The Modern Gujarati English Dictionary ” ”
કરોળીઆના કાવતરાં ” ૧૯૨૭
સરોવરોનાં જીવો ” ”
આરોગ્યવિજ્ઞાન અને ગૃહવ્યવસ્થા ” ૧૯૨૯
મહીપતરામ ” ૧૯૩૦