ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રાજેન્દ્ર સોમનારાયણ દલાલ
એઓ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ; સુરતના વતની છે. એમને જન્મ તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૮૩ના રોજ થયો હતો. માતપિતા બંને સંસ્કારી અને ગર્ભશ્રીમંત. પિતાનું નામ સોમનારાયણ અને માતાનું નામ વિજ્યાગૌરી હતું. એમના પિતાએ એલ્ફીન્સ્ટન કૉલેજમાં પ્રિવિયસ સુધી અભ્યાસ કરેલો; તે પછી જુનાગઢ રાજ્યમાં નવાબના ખાનગી શિક્ષક તરીકે જોડાયલા; પણ નિખાલસ અને સ્વતંત્ર સ્વભાવના હોઈને, રાજ્યનું ખટપટી જીવન રૂચ્યું નહિ; અને ત્યાંથી છૂટા થઈ મુંબઈમાં આવી શેરના ધંધામાં પ્રવેશ કર્યો. અહિં એમની વ્યવહારકુશળતા અને પ્રમાણિકપણાની સારી આંટ બંધાઈ અને એક આગેવાન શેરદલાલ તરીકે તેમની ગણના થવા લાગી. શેર ધંધામાં પ્રવૃત્ત રહેવા છતાં એમનું સંસ્કારી જીવન એમને સંગીત અને સાહિત્ય તરફ હંમેશ પ્રેરતું. પાછળથી એ ધંધામાં ખોટ જતાં, એઓ નબળી સ્થિતિમાં આવી પડ્યા. રાજેન્દ્રરાવ છ વર્ષના હતા ત્યારે તેઓ દેવલોક પામ્યા હતા. આવી વિપદ સ્થિતિમાં બે પુત્રો અને એક પુત્રીને ઉછેરી યોગ્ય શિક્ષણ આપવાનો અને તેમના પાલણપોષણની વ્યવસ્થા કરવાનો ભાર વિજ્યાગૌરી પર આવી પડ્યો, જે કર્ત્તવ્ય તેમણે આપ હુંશિયારી અને ખબરદારીથી સારી રીતે પરિપૂર્ણ કર્યું. પોતાને ભરતગુંથણનો ભારે શોખ અને કંઇક ઇંગ્રેજીનો અભ્યાસ પણ કરેલો. તેમના એ ઉન્નત સંસ્કારો એમના પુત્રોમાં પણ ઉતરેલા માલુમ પડે છે. તેઓ પોતાના પુત્ર રાજેન્દ્રને પ્રસંગ પડે કહેતા કે જ્યાં સુધી તું ગ્રેજ્યુએટ નહિ થાય ત્યાં સુધી હું તને પરણાવવાની નથી.
એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બધું સુરતમાં લીધેલું અને સન ૧૮૯૮માં મેટ્રીકની પરીક્ષા પાસ કરેલી. પછી વડોદરા કૉલેજમાં દાખલ થઈ સન ૧૯૦૨માં બી. એ.ની પદ્વી બીજા વર્ગમાં બાયલૉજીનો વિષય લઈને મેળવી હતી. તે વખતે કૉલેજના પ્રિન્સિપાલ અરવિંદ ઘોષ હતા અને એમના ઉત્તમ શિક્ષણની અસર અન્ય વિદ્યાર્થીઓની પેઠે રાજેન્દ્ર પર પણ ઉંડી થયેલી; અને તે સમયથી ‘Pride and Prejudice’–પ્રાઈડ અને પ્રેજ્યુડીશનું નવલકથાનું પુસ્તક શિક્ષતાં, ગુજરાતીમાં એવી એક નવલકથા લખવાનો સંકલ્પ કરેલો, જે “વિપિન”માં પરિણમ્યો છે.
બી. એ. થયા પછી તેઓ સરકારી નોકરીમાં મુંબાઇ સેક્રેટરીએટમાં દાખલ થયલા; પણ છ એક માસ થયા નહિ હોય એટલામાં એમના માતાએ એમને યાત્રાએ લઈ જવાનું કહ્યું. નોકરીના અંગેના લાભોનો વધુ વિચાર નહિ કરતાં તરત છૂટા થઈ, તેમણે માતાની ઇચ્છા પૂર્ણ કરી તેમને સંતોષ્યા. જે જનનીએ અનેક સુખઃખ વેઠીને એમને ઉછેરી મોટા કર્યાં એમની ઇચ્છાને તેઓ કેમ અવગણી શકે?
તે પછી સ્વ. રા. બા. કમળાશંકર ત્રિવેદીની ભલામણ પરથી એમની કેળવણી ખાતામાં શિક્ષક તરીકે નિમણુંક થયલી અને એક સાચા અને સમભાવી શિક્ષક તરીકે કીર્તિ અને શિષ્યવર્ગનો સારો ચાહ સંપાદન કરેલો; પરંતુ એમના સ્વાતંત્ર્યપ્રિય અને ખરાબોલા સ્વભાવને સરકારી ખાતાનું વાતાવરણ માફક આવ્યું નહિ. તેથી તેઓ રાજીનામું આપી, સ્પીસી બેન્કમાં જોડાયા; અને ત્યાં પણ આગળ વધવા માટે સંકડામણ નડતાં, તેમણે નોકરીના બંધનો તોડી નાંખી, મુંબાઇ શેરબજારમાં ઝંપલાવ્યું. એમના મિત્રોએ એમને શરૂઆતમાં કેટલીક સગવડ કરી આપી. અત્યારે શેરબજારમાં જે માન મરતબો અને ઉપ–પ્રમુખનો ઉંચો હોદ્દો તેઓ ભોગવે છે તેમાં એમની હુંશિયારી અને કાબિલયત સાથે, એમના સરલ અને નિરાભિમાની સ્વભાવ અને સહૃદયીતાનો હિસ્સો થોડો નથી.
એમના મ્હોટા ભાઈ વામનરાવે પણ ટુંક જીંદગીમાં હિન્દુસ્તાનના ઇતિહાસ વિષે બે સ્વતંત્ર પુસ્તકો રચીને સારી નામના મેળવી છે અને એમના બ્હેન સુકીર્તિબ્હેન, જેઓ સરદાર જનાર્દન સાથે પરણ્યા હતા, તેમણે પણ, વારસામાં જે સંસ્કારો પ્રાપ્ત થયલા, તે ખીલવીને દિપાવ્યા છે; પણ એ વિષે અહિં પ્રસંગ ન હોવાથી વિશેષ લખ્યું નથી.
રાજેન્દ્રરાવ એક શેરદલાલ તરીકે કામ કરે છે; તોપણ એમના સાહિત્યસંસ્કારો, નાણાંની ઉથલપાથલોમાં મચ્યા રહેવા છતાં, કોઈપણ રીતે ઝાંખા પડ્યા નથી. એમના લેખો, ભાષણો વગેરે પ્રસંગોપાત કોઈ મિટિંગના સંચાલક તરીકે કે કોઈના પ્રમુખ તરીકે કરવામાં આવે છે, તેમાં એમનું વાચન અને નિરીક્ષણ, એમના વિચાર અને અભિપ્રાય કેટલા બધા અનુભવી અને પક્વ છે, તે માલુમ પડી આવે છે.
સન ૧૯૧૦માં એમણે ‘વિપિન’ નામની નવલકથાનું પુસ્તક લખ્યું હતું, તેની ચાર આવૃત્તિઓ થયલી છે અને એક વર્ષ તે મેટ્રીક્યુલેશનની પરીક્ષા માટે પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું હતું. એમનું બીજું નવલકથાનું પુસ્તક ‘મોગલસંધ્યા’ પણ એવું આકર્ષક બન્યું છે.
એમના પુસ્તકોની યાદી:
વિપિન (ચાર આવૃત્તિઓ.) સન ૧૯૧૦
મોગલસંધ્યા સન ૧૯૨૦