ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
એઓ જાતે ઔદિચ્ય બ્રાહ્મણ, શિહોર સંપ્રદાય, ગોહિલવાડી વિભાગના છે. એમના પિતાનું નામ મગનલાલ જયાનંદ ભટ્ટ અને માતાનું નામ ગોમતીબ્હેન કકલભાઈ છે. એમનો જન્મ ભાવનગર રાજ્યમાંના ઉમરાળા ગામમાં તા. ૨૦મી માર્ચ ૧૮૯૮ના રોજ થયો હતો. પ્રાથમિક ચાર ધોરણનો અભ્યાસ પોતાના વતન ગામ ઉમરાળામાં કર્યો હતો; અને માધ્યમિક ઇંગ્રેજી કેળવણી પહેલા ત્રણ ધોરણો અમદાવાદ, ચોથું ધોરણ જુનાગઢ, પાંચમાથી સાતમું ધોરણ અમરેલી હાઇસ્કુલમાં અને ત્યાંથી સન ૧૯૧૬માં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી. તે પછી ભાવનગર સામળદાસ કૉલેજમાં તેઓ દાખલ થયલા અને એજ કૉલેજમાંથી સન ૧૯૨૦માં સંસ્કૃત અને ઇંગ્રેજી સાહિત્ય ઐચ્છિક વિષયો લઇને બી. એ.ની પરીક્ષા પાસ કરી હતી. એમ. એ., માટે મુંબાઇ જઈને છ એક માસ અભ્યાસ કરેલો પણ તે અરસામાં મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળે એમના વિચાર અને ભાવના પર ઉંડી અસર કરેલી; અને ત્યારથી એમના જીવનમાં મેટું પરિવર્તન થયું હતું. સન ૧૯૨૪ના ફેબ્રુઆરીમાં તેઓ ભરૂચ કેળવણી મંડળમાં આજીવન સભ્ય તરીકે જોડાયા; અને ત્યાં એક સાચા સેવાભાવી શિક્ષક તરીકે પ્રતિષ્ઠા પાડી હતી; પણ પાછળથી એ મંડળના શિક્ષણક્રમમાં બહોળા ફેરફાર કરવામાં આવ્યા ત્યારે એઓ તેમાંથી છૂટા થઈ “કૌમુદી સેવકગણ”માં સાહિત્યસેવાની વૃત્તિથી જોડાયા. તે પૂર્વે એમણે ભરૂચ કેળવણીમંડળ માટે ‘ગદ્ય નવનીત’ નામનું આપણા સાહિત્યમાંથી ઉત્તમ ગદ્યના નમુનાનું પુસ્તક સન ૧૯૨૬માં સંપાદિત કર્યું હતું, જે જોતાં, એમનો આપણા સાહિત્યનો અભ્યાસ અને અવલોકન કેટલું વ્યાપક અને બારીક છે, તે સહજ સ્પષ્ટ થાય છે.
ભરૂચ હતા એ દરમિયાન એમણે “વસન્ત”માં ઇંગ્રેજી શબ્દોના પર્યાય આપણા શિષ્ટ લેખકોએ ગુજરાતીમાં યોજેલા તેનો એક સંગ્રહ કરી, વધુ ચર્ચા અને વિવેચન માટે લખી મોકલેલો, તેની ઉપયોગિતા સૌએ સ્વીકારેલી. તે પરથી એક પારિભાષિક શબ્દકોષ તૈયાર કરી આપવાનું કાર્ય ગુ. વ. સોસાઇટી તરફથી એમને સોંપાયું છે અને તે પુસ્તક હાલમાં છપાય છે. કૌમુદીગણની આર્થિક સ્થિતિ તંગ થઈ પડતાં, તેઓ તેમાંથી છૂટા થયલા અને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી જોડણીકોષના કાર્યમાં મદદ કરવા એમની નિમણુંક થયલી. ‘આવું કેમ સૂઝયું?’ એ નામનો ટૉલસ્ટૉયની વાર્તાનો અનુવાદ એ સમયમાં લખી આપેલો અને ગોંડલ રાજ્યે એક વિસ્તૃત ગુજરાતી કોષની યોજના કરી, તે કાર્ય આરંભ્યું તેમાં એમને પણ રોકવામાં આવ્યા હતા; પણ તેના ધોરણ સંબંધે તીવ્ર મતભેદ ઉઠતાં, એકાદ વર્ષ કાર્ય કર્યા પછી તેમાંથી તેઓ છૂટા થયા છે. એમના પ્રિય વિષયો સાહિત્ય અને ભાષાશાસ્ત્ર છે; અને એ વિષયોનો એમનો અભ્યાસ બારીક અને ઉંડો છે. એઓએ એક લેખક તરીકે સારી આબરૂ મેળવેલી છે.
એમના ગ્રંથોની યાદી:
ગદ્ય નવનીત સન ૧૯૨૬
‘આવું કેમ સૂઝયું?’ ” ૧૯૨૮
પારિભાષિક શબ્દકોષ ” ૧૯૩૦