ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/શંકરપ્રસાદ છગનલાલ રાવળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શંકરપ્રસાદ છગનલાલ રાવલ

શંકરપ્રસાદ રાવળનો જન્મ સને ૧૮૮૭ના જાન્યુઆરીની છવ્વીસમી તારીખે એમની વતનભૂમિ વડોદરા(મહીકાંઠા એજન્સી)માં થયો હતો. વડોદરા ગામ અમદાવાદ પ્રાંતીજ રેલ્વેના ડભોડા સ્ટેશનથી એક માઇલને આસરે નાની ખારી નદીને કાંઠે આવેલું છે. એ જ્ઞાતિએ ઉદીચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. એમના કુટુંબનો ધંધો ખેતીનો છે.

એમના પિતાનું નામ છગનલાલ જાદવજીએ બહોળા વસ્તારી હતા અને એમની સ્થિતિ સાધારણ હતી. શંકરપ્રસાદે એમના ગામની સરકારી ગુજરાતી નિશાળમાં પાંચ વર્ષની ઉમ્મરે અભ્યાસ શરૂ કર્યો. એમની નવ વર્ષની વયે એમના પિતાનું કોલેરાથી એકાએક અવસાન થયું. કુટુંબમાં બીજો કોઈ પુરૂષ ન હોવાથી એના નિર્વાહનો ભાર એમની માતા જડાવબાઈને માથે પડ્યો.

વડોદરા ગામમાં ત્રણ ધોરણો પુરાં કરી શંકરપ્રસાદ એમની બહેનને ત્યાં ભરૂચ વધુ અભ્યાસ કરવા ગયા. ભરૂચ મ્યુનીસીપાલીટીની છઠ્ઠા નંબરની (નવા દહેરાની) અને પહેલા નંબરની (લાલ બજારની) શાળામાં એમણે પાંચ ધોરણ પુરાં કર્યા. આ પછી સરકારી શિષ્યવૃત્તિઓની હરિફાઈની પરીક્ષા પાસ કરવાથી માસિક રૂપીઆ ત્રણની મદદ મળવાથી એમણે ભરૂચની લોકહિતેચ્છુ સભાની એ. વી. સ્કુલમાં અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો. અંગ્રેજી ત્રીજા ધોરણમાં હાઇસ્કુલ સ્કોલરસીપ રૂપીઆ પાંચની દર માસે મળવાથી એમણે ભરૂચની દલાલ હાઈસ્કુલમાં પ્રવેશ કર્યો. અને ૧૯૦૬માં ઉપલે નંબરે મેટ્રીક અને સ્કુલ ફાઇનલ પરીક્ષાઓ પાસ કરી.

પોતાનો અભ્યાસ જારી રાખવા એમને તીવ્ર ઇચ્છા હતી પણ કુટુંબ નિર્વાહની ચાલુ ચિંતાને લીધે એ ઈચ્છાને દબાવી દેવા સિવાય બીજ માર્ગ નહોતો.

૧૯૦૮માં મુંબાઇ જઇ એમણે રજીસ્ટ્રેશન ખાતામાં સરકારી નોકરી લીધી. પણ તેમની અભ્યાસિક વૃત્તિના ઊછાળાઓના દબાણથી તેનું રાજીનામું આપી સને ૧૯૦૮માં મુંબાઇની વિલ્સન કોલેજમાં એમણે અભ્યાસ ફરી શરૂ કર્યો. પણ દિવસે દિવસે વધતી જતી કૌટુંબિક ચિન્તાઓએ વળી ફરી અભ્યાસમાં ખલેલ કર્યું ને તે વર્ષ નિષ્ફળ જવાથી શરીર બગડતાં મુંબાઇ છોડી ફરી ભરૂચ આવી ત્યાંની, અંગ્રેજી શાળામાં સને ૧૯૦૯માં શિક્ષકની નોકરી લીધી.

સને ૧૯૦૩માં એમનું પ્રથમ લગ્ન થયું હતું. બીજી વારનું લગ્ન સને ૧૯૧૧માં થયું હતું.

શંકરપ્રસાદને છેક બાલ્યાવસ્થાથી કવિતા તરફ ખાસ અભિરૂચિ હતી. ભરૂચમાં એ રસવૃત્તિને ઘણુંજ પોષણ મળ્યું. પાઠ્ય–પુસ્તકોના અભ્યાસ ઉપરાંત બહારનું પુષ્કળ વાંચન વાંચવાની એમને ચાલુ ટેવ હતી. ભરૂચના નવા દહેરાના ઓટલે જામતી ભારત અને રામાયણની રસિક કથાઓ અને પ્રત્યેક ચાતુર્માસની ભાગવતકથા પ્રત્યે એમને અદ્ભુત શોખ હતો. આપણી આ વીરસંહિતાઓના એકકે એક પ્રસંગથી એ છેક નાની ઉમરમાંજ સુપરિચિત થઈ ગયા હતા. ‘નર્મગદ્ય’ એમનું ખાસ પ્રિય પુસ્તક હતું.

દલપતશાહી કાવ્ય જેવાં જોડકણાં જોડવાનો એમને છેક નાની ઉમરથી પ્રેમ હતો અને હાઇસ્કુલમાં જતાં પિંગળ વગેરેના વાચનથી પ્રેરાઇ કાવ્યો લખવાનું એમણે શરૂ કરી દીધું હતું. ટુંકી વાર્તાઓ લખવાનો પણ એમણે એજ અરસામાં આરંભ કર્યો હતો. શિક્ષકજીવનના સુયોગથી ગુજરાતી સાહિત્યનાં અંગોનો રીતસર અભ્યાસ કરવા એ પ્રેરાયા હતા.

સાહિત્યના વાચન અને લેખન પ્રત્યે એમને પ્રેરણા કરનાર આવી વ્યક્તિઓમાં એ ઘણીવાર સ્વર્ગસ્થ માણેકલાલ જગજીવનદાસ સુરતી (ભરૂચના લોકો એમને ‘વિલાયતી’ ઉપનામથી ઓળખતા) ને એ ખાસ પૂજ્યભાવથી યાદ કરે છે. એમના સંસ્કૃત અને અંગ્રેજી અભ્યાસની શરૂઆત કરનાર એ પુરૂષ હતા.

સમભાવી મિત્રમંડળ એમનું બીજું બળ પ્રેરક હતું અને એમાં ખાસ કરીને સ્વ. મૂલચંદ્ર તેલીવાળા, રા. રા. હરિભાઈ અમીન અને તે વખતનાં ભાર્ગવયુવક મંડળના સભ્યો રા. કનૈયાલાલ મુનશી વગેરે હતા. નર્મદાના સૌંદર્યતટ ઉપર ઉનાળાની ઘણીએક રમ્ય સંધ્યાઓ એમણે આ સાહિત્ય અને સંગીત રસિક મિત્રમંડળીમાં ગાળી હતી.

શંકરપ્રસાદે આ અરસામાં ભાષાંતરરૂપે અને સ્વતંત્રપણે ઘણાં કાવ્યો લખ્યાં છે. અને ત્યારથી અત્યાર સુધી અવારનવાર એ કાવ્યલેખન ચાલુ રહ્યું છે. સન ૧૯૧૫માં એમણે ગોલ્ડસ્મીથના ડેઝર્ટેડ વીલેજનું “ભાગેલું ગામ” એ નામથી ભાષાંતર પ્રગટ કર્યું. “કથાવિહાર” નામથી એમનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થનાર છે.

ગુજરાતનાં જુદાં જુદાં માસિકોમાં એમની એમની કેટલીક નવલિકાઓ પ્રસિદ્ધ થઈ છે અને આ પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ વાર્તાઓનો એક સારો સંગ્રહ થઈ શકે તેમ છે.

ભક્તકવિ દયારામભાઈનું જીવનચરિત્ર લખી તે સને ૧૯૧૯માં પ્રસિદ્ધ કરાવ્યું છે.

મુંબઈની ગુજરાતી સાહિત્ય સંસદના એ આરંભથી સભાસદ છે. એમના વિવેચન લેખોની સંખ્યા પણ મોટી છે. “ગુજરાતી ગદ્યસાહિત્યનો વિકાસ” “દયારામની ગોપી”, “સાહિત્યકલા અને શ્રીયુત મુનશીની સાહિત્યકૃતિઓ” વગેરે વગેરે લેખો એમનો ઉત્સાહ ને ઉંડી અભ્યાસવૃત્તિના પુરાવા છે.

એમના ગ્રંથોની યાદી:

ભાંગેલું ગામડું સન ૧૯૧૫
દયારામનું જીવનચરિત્ર ૧૯૧૯
પ્રબોધ બત્રીસી ૧૯૩૦