ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન : અવલોકન :
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
: અવલોકન :
પ્રકાશન સાથે
સરખામણી
ઉપર ઉલ્લેખ કરેલા સરકારી વાર્ષિક રિપોર્ટમાં મરાઠી પુસ્તકોની સંખ્યા ૬૭૭, કાનડીની ૮૫ અને હિન્દીની ૧૦૧ બતાવેલી છે. પરંતુ મરાઠી પુસ્તકોમાં મધ્ય પ્રાંતનાં અને દેશી રાજ્યો, જેમકે ઈંદોર, ગ્વાલીઅર, ઔંધનાં તેમજ કાનડી માટે મૈસુર, નિઝામનું સંસ્થાન વગેરે સ્થળોનાં પ્રકાશનો આવી જતાં નથી.
પણ સમગ્ર રીતે અવલોકતાં, આપણે સ્વીકારવું પડશે કે ગુજરાતી કરતાં મરાઠીમાં અને હિન્દીમાં વધુ પુસ્તકો પ્રકટ થાય છે. મહારાષ્ટ્રનો વિદ્યાવ્યાસંગ જાણીતો છે; અને હિન્દીનો સ્થળપ્રદેશ બહોળા વિસ્તારવાળો છે, તેમ ભારતવર્ષની એક સામાન્ય ભાષા તરીકે તેની પસંદગી થયેલી છે. બંગાળી માટે માહિતી મળી નથી; પણ બધી દેશી ભાષાઓમાં તે વિશેષ ખીલેલી અને સમૃદ્ધ છે, એવો સામાન્ય અભિપ્રાય છે.
આ પ્રમાણે વાર્ષિક ગ્રંથ પ્રકાશનમાં ગુજરાતીનું સ્થાન છેક ચોથે નંબરે આવે છે; અને તેની પ્રસિદ્ધિની સરખામણી ઇંગ્લાંડમાં પ્રસિદ્ધ થતાં પુસ્તકો સાથે કરવામાં આવે તો આપણે ક્યાં ઉભા છીએ, અથવા કેવી પ્રગતિ કરીએ છીએ, તેની કંઈક ઝાંખી થાય.
સાથે સરખામણી
સંખ્યા
સંગઠન
પરિસ્થિતિ
સમાલોચના
સંગ્રહ
આ સંજોગોમાં વ્યવહારૂ અને વાજબી માર્ગ એ જણાય છે કે સાહિત્ય પરિષદ દ્વારા વારંવાર માગણી કરીને અને પ્રાંતિક ધારાસભામાં ઠરાવ આણીને સરકારને જે ત્રણ પ્રતો પ્રેસ–છાપખાના તરફથી બક્ષિસ આપવામાં આવે છે, તેમાંની એક પ્રત ગુ. વ. સોસાયટી યા સાહિત્ય પરિષદ મંડળને ફરજિયાત આપવાનું દબાણ કરવામાં આવે; અને તે હક્કના બદલામાં બ્રિટિશ મ્યુઝિયમની પેઠે તેના સંગ્રહ અને સાચવણી માટે એ સંસ્થાઓ જવાબદાર રહે.
થાણામાં આવેલું મરાઠી ગ્રંથ સંગ્રહાલય એ દિશામાં સ્તુત્ય કાર્ય કરી રહેલું છે. વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરી અને ગુ. વ. સોસાયટીની લાઇબ્રેરીના સંગ્રહ નાના નથી; પણ તેને સંપૂર્ણ કરવાને અને તેના કાયમ સંગ્રહ માટે ઉપર નિર્દિષ્ટ કર્યા મુજબ કાયદાથી કંઈક વ્યવસ્થા થાય, કંઈક સવડ અને મદદ મળે તો જ એ પ્રશ્નનો ઉકેલ સહેલાઈથી અને ઝટ થઈ શકે, એવું અમારું માનવું છે.
વર્ગીકરણ
જેને આપણે સામુદાયિક કેળવણી કહીએ છીએ તેનો આરંભ બહુજ અર્વાચીન છે અને તે માટે સરકાર તરફથી ચાલુ પ્રયત્ન થવા છતાં વસ્તીના છ ટકાને પૂરું અક્ષરજ્ઞાન હજી મળેલું નથી. શરૂઆતનાં પાઠ્ય પુસ્તકો ઇંગ્રેજી પુસ્તકના અનુવાદ જ હતા અને તે અનુવાદ સીધા ઇંગ્રેજીમાંથી નહિ પણ મરાઠી અનુવાદ પરથી થતા હતા. તે સમયે ગુજરાતી લખાણ પર મરાઠીની છાયા વિશેષ હતી; અને સ્વ. નારાયણ હેમચંદ્રે બંગાળીમાંથી અનુવાદ કરવા માંડ્યા પછી તે ભાષાસાહિત્યનો પરિચય આપણે અહીં દિનપ્રતિદિન વધતો ચાલ્યો આવે છે, અને તેના પરિણામે કેટલીક સુંદર બંગાળી કૃતિઓનાં ભાષાંતરો આપણને પ્રાપ્ત થયેલાં છે, અને તે લોકપ્રિય નિવડ્યાં છે. હિન્દી ગ્રંથોનાં ભાષાંતર પણ ગુજરાતીમાં થોડાંક થયેલાં છે, પણ તેની અસર આપણા સાહિત્ય પર ઝાઝી થયેલી જણાતી નથી; જો કે અંગ્રેજી અમલ પૂર્વે હિંદી-વ્રજનો ઉપયોગ આપણે અહીં વિશેષ હતો અને તે ગ્રંથો જ ઉચ્ચ વર્ગમાં સામાન્ય રીતે વંચાતા અને સંગ્રહાતા હતા; અને બ્રિટિશ અમલ સ્થપાયા પછી, તેની રાજનીતિના અને વહીવટના પરિણામે અને બીજા વિધવિધ કારણોને લઈને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, વિચાર અને સંસ્કૃતિએ આપણા એકલા સાહિત્ય પર જ નહિ પણ સમગ્ર સમાજજીવન પર એટલી બધી ઉંડી અને પ્રબળ અસર કરેલી છે કે તેમાંથી આ સમયમાં ભાગ્યે જ પોતાના વિચારમાં કે વર્તનમાં કોઈ વ્યક્તિ મુક્ત રહી હશે : કહેવાનું તાત્પર્ય એ છે કે આપણું અર્વાચીન સાહિત્ય ઘડાયું છે તેમાં ઇંગ્રેજી ભાષા અને સાહિત્યની છાયા અને અસર સર્વત્ર અને મોટા પ્રમાણમાં અચૂક નજરે પડશે.
પરંતુ આ પ્રશ્નમાં વિચારવાનો મુદ્દો માત્ર એ રહે છે કે સાહિત્યમાં ભાષાંતરનું સ્થાન અને પ્રમાણ શું અને કેવું હોવું જોઈએ. તે પુસ્તકો એટલાં બધાં ન જોઈએ કે તે સ્વતંત્ર અને મૌલિક કૃતિઓને તેની સંખ્યાના ભારથી દાબી દે; તે એવાં નિર્માલ્ય, નીરસ અને તદ્દન સામાન્ય કોટિનાં ન હોય કે જે અરુચિકર થઈ પડે; જેમાં સાહિત્યનું ઉંચું ધોરણ કે કોઈ ઉત્તમ આદર્શ ન હોય; જે સાહિત્યને ઉન્નત કે સમૃદ્ધ ન કરતું હોય.
ઉદાહરણ તરીકે આપણે ઇંગ્રેજી ભાષાસાહિત્યનું દૃષ્ટાંત લઈશું તો જણાશે કે તેને જ્યાં જ્યાંથી શબ્દો આવશ્યક અને ઉપયોગી લાગ્યા ત્યાં ત્યાંથી તે શબ્દો તેમાં વપરાશમાં લેવાયા છે અને દુનિયાભરના સાહિત્યમાંનું એવું કોઈ કિમતી પુસ્તક, –પછી તે ગમે તે દેશ કે ભાષાનું હોય, –નહિ જડે કે જેનો ઇંગ્રેજીમાં સમગ્ર સાર કે અનુવાદ પ્રકટ થયેલો મળી નહિ આવે; અને તે કારણે ઇંગ્રેજી સાહિત્ય આજે અત્યંત સમૃદ્ધ, વિવિધ પ્રકારનું, વૈભવભર્યું અને પૂરૂં વિકસેલું અને ખિલેલું છે.
આપણી આર્યસંસ્કૃતિની રચના અને વ્યવસ્થા એવી રીતે ઘડાઈ છે કે હિન્દના કોઈ પણ ભાગમાં આપણે વિચરતા હોઈએ – અને આપણાં તીર્થસ્થાનો તો હિન્દની ચારે દિશામાં પથરાયેલાં છે અને જ્યાં અદ્યાપિ હજારો મનુષ્યો, સ્ત્રી પુરૂષો યાત્રાએ જાય છે – છતાં આપણે એક પ્રકારના આચારવિચાર અને ભાવનાની સામ્યતા અને સળંગતા તથા જાતિએકતા નિહાળીએ છીએ; તો પછી એક બીજા પ્રાંતના સાહિત્યનો વિશેષ પરિચય થાય અને એ રીતે પરસ્પર સંબંધ દૃઢ અને ગાઢો થાય, એમ કોણ નહિ ઇચ્છે? તે ઉપરાંત જેને આપણે સાહિત્ય અને સંસ્કૃતિની અમર કૃતિઓ કહી શકીએ, તેનો આનંદ મેળવવાને કોણ ઉત્સુક નહિ બને? બંગાળામાંથી એક ટાગોર કે એક શરદ બાબુ, મહારાષ્ટ્રમાંથી એક તિલક કે એક વૈદ્ય, એક ગડકરી કે એક કોલ્હાટકર, પંજાબમાંથી એક સર મહમદ ઇકબાલ કે એક લજપતરાય, સંયુક્ત પ્રાંતમાંથી એક ગૌરીશંકર ઓઝા કે એક પ્રેમચંદ કે એક મૌલાના શિબલી સાહેબ વગેરેની કૃતિઓના અનુવાદ ગુજરાતીમાં ઉતારવામાં આવે તો પર પ્રાન્તના સાહિત્યનો પરિચય વધવાની સાથે, ત્યાંની ઉત્તમ કૃતિઓથી આપણું સાહિત્ય વિશેષ સમૃદ્ધ અને પ્રકાશિત થાય; અને એ તો પ્રસિદ્ધ બીના છે કે છગનલાલ પંડ્યાની કાદંબરી, દી. બા. કેશવલાલની મેળની મુદ્રિકા, પ્રધાનની પ્રતિજ્ઞા, સ્વપ્નની સુંદરી, મહાદેવભાઈનું ચિત્રાંગદા, નવલરામનું ભટ્ટનું ભોપાળું, મણિલાલનું ગુલાબસિંહ, પ્રો. બળવંતરાયનું પ્લુટાર્ક, ઉત્તમલાલનું ગીતા રહસ્ય, અંબુ પુરાણીના ગીતા નિષ્કર્ષ અને પૂર્ણયોગ, અરવિંદ કૃત–તેમ સુધાહાસિની, શિલરનું વિલ્હેમ ટેલ નાટક, જીવન સંધ્યા, બંકિમનું કૃષ્ણચરિત્ર, લેન્ડોરના કાલ્પનિક સંવાદો, કર્વેનું આત્મવૃત્તાંત, વગેરે વગેરે અનુવાદ પુસ્તકોથી ગુજરાતી સાહિત્ય ઉજ્જ્વળ બન્યું છે એમ કોણ નહિ કબૂલે?
વસ્તુતઃ આપણું ગ્રંથ સંગ્રહાલયને બારીકાઇથી તપાસીશું તો તેમાં મૌલિક અને સ્વતંત્ર પુસ્તકો કરતાં તરજુમાનાં પુસ્તકો બહુ મોટી સંખ્યામાં મળી આવશે; અને તે ખરી રીતે આપણને ખેદનું કારણ ન હોવું જોઈએ. સામાન્ય રીતે બુદ્ધિશાળી લેખક પરભાષામાંથી એકાદ સારા ગ્રંથનો તરજુમો કરવાનું ભાગ્યે જ કબૂલે; એ કાર્ય કઠિન છે તે માટે નહિ; પણ મૂળ ગ્રન્થને પોતાની ભાષામાં ઉતારતાં એનું વ્યક્તિત્વ લુપ્ત થાય છે અને એમ કરવાને કયો સમર્થ લેખક તત્પર હોય? પણ આપણે એવી સ્થિતિમાં મુકાયેલા છીએ કે તેને વશ થયા વિના આપણો છૂટકો નથી.
નામનિદેશ
કેટલીક વાર અમુક લેખકની કૃતિમાં, અમુક ગ્રંથ વા ગ્રંથકારની છાયા અને અસર હોવાની ફરિયાદ થાય છે; પણ એવી છાયા અને અસર અનિવાર્ય છે; અને ચોસર, શેકસપીઅર, કિટસ વગેરે જાણીતા ગ્રંથકારો — કવિઓનાં નામો, ઉદાહરણ તરીકે, આપી શકાય, જેમની કૃતિઓમાં બહારના સાહિત્ય અને લેખકોની અસર પરોક્ષ અને અપરોક્ષ જરૂર બતાવી શકાય.
ખરી રીતે રા. નરસિંહરાવે કવિશ્રી ન્હાનાલાલના એક પ્રસિદ્ધ કાવ્યના “હલવે હાથે તે નાથ! મહીડાં વ્હલોવજો, મહીડાંની રીત્ય ન્હોય હાવીરે લોલ.”
(જુઓ ‘ગુજરાત’ કાર્તિક ૧૯૮૫) સંબંધે અપહરણનો દોષ બતાવવા પ્રયત્ન કર્યો હતો, તેને અપહરણ ન કહી શકાય અને એવા દોષમાંથી અમારું માનવું છે કે બહુ જ થોડા લેખકો મુક્ત માલુમ પડશે.
આ લગત સન ૧૯૨૯ના પ્રકાશનની યાદી આપેલી છે, તેમાંનાં બધાં પુસ્તકો તપાસવા–અવલોકવાનું પ્રાપ્ત થયું હોત તો એ સંખ્યામાં ભાષાંતર ગ્રંથોનું કેટલું પ્રમાણ છે તે કંઇક ચોક્કસ રીતે તારવી શકાત; તેમ છતાં મૂળ સ્વતંત્ર લખાણ કરવા તરફ હજુ જોઈએ તેવી વૃત્તિ કેળવાઇ નથી; અને અનુવાદ અને રૂપાંતર કરવા તરફ વિશેષ વલણ રહે છે, એવી છાપ મન પર રહે છે જ.
બાળ કેળવણી પ્રતિ વિશેષ મહત્ત્વ અને લક્ષ આપતા દક્ષિણામૂર્તિ ભવનના કાર્યવાહકોને બાળકો માટે વાચનસાહિત્યની ખોટ સાલતાં તેમણે તે પૂરી પાડવા બાળવાર્તા–પાંચ ભાગમાં–દાદાજીની વાતો, ડોશીમાની વાતો, બાલગીતો–બે ભાગમાં વગેરે પુસ્તકો તૈયાર કરી છપાવ્યાં; પણ એટલાથી બાળકોની જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાન માટેની પિપાસા સંતોષાય એમ નહોતું; તેથી તેમણે બાળ સાહિત્યમાળા ૮૦ મણકામાં અને તે સસ્તી કિંમતે, કાઢવાનું બીડું ઝડપ્યું. તે સાહસમાં એમ કહેવું જોઈએ કે તેમને સફળતા મળી છે, પણ જેને આપણે mass production–જથાબંધ માલ–વસ્તુની પેદાશ કહી શકીએ, એ જાતની વસ્તુના ગુણદોષ અને લાભ આ માળાના મણકામાં સ્વતઃ આવી જાય છે; અને જેને ઇંગ્રેજીમાં Knowledge of information–જ્ઞાન માહિતી કહે છે તે આ માળાનો પ્રધાન હેતુ જણાય છે. આ માળાના પ્રયોજકો વિરુદ્ધ એક ભારે આક્ષેપ એ મૂકાયો છે કે તેના લખાણમાં પ્રાંતિક કાઠિયાવાડી બોલ–શબ્દો, પ્રયોગ, વાક્યો, પુષ્કળ–ઝાઝા પ્રમાણમાં વપરાયા છે અને તે આ બાજુના–દક્ષિણ તરફન–વાચકોને સમજવાની મુશ્કેલી પડે છે અને તેના પુંઠાના રંગીન કાગળ વગેરેમાં એક પ્રકારની–drabness-monotony જણાઈ તે બાળકોને રૂચતાં–આકર્ષતાં નથી. વળી કલ્પનામય અને ચમત્કારની વાતો બાળકોને જે વધુ ગમે છે અને તેમની રસવૃત્તિ અને કલ્પનાને સંતોખે છે અને ઉત્તેજે છે, તેનો આમાં કાંઇક અભાવ દેખાય છે.
એ દૃષ્ટિએ ગાંડિવ બાળસાહિત્ય ચઢીઆતું છે; અને તેના કાગળ, પુંઠા, છપાઈ, ચિત્રો, બધું સુંદર અને સરસ, આંખને ચોંટી પસંદ પડે, એવું ઉત્તમ કોટિનું છે. વળી તેમાં અમે ઉપર ઉલ્લેખ કર્યો તે કલ્પનાનું તત્ત્વ પ્રધાન અંશે હોય છે; અને તેથી બાળકો તેને હોંસે હોંસે અને રસપૂર્વક વાંચે છે, તેમજ તે લેવાને આકર્ષાય છે.
આપણે જોઈશું તો બાળસાહિત્યમાં બાળમાનસને એકદમ અનુકૂળ થાય એવી કલ્પના અને ચમત્કારના પ્રસંગો તથા બને ખાસ વર્ણવવામાં આવે છે, તેના ઉદાહરણ તરીકે Alice in wonderland અથવા ગ્રીમ અને એન્ડરસનનાં Fairy Talesનાં પુસ્તકોનાં નામો રજુ કરી શકાય, જે જગપ્રસિદ્ધ ગ્રંથો છે; અને ગયે વર્ષે Roma Wilson નામની એક બાઈએ Green Magic નામથી જગતની પરી–વાર્તાઓ માંથી એક અચ્છો સંગ્રહ તારવી કાઢી છપાવ્યો હતો, તે પ્રસ્તુત મુદ્દાનું સમર્થન કરશે. અમે અહીં નીતિબોધનો સીધો ઉપદેશ કરતી વાતોને અલગ રાખી છે; તેનો ઉપયોગ છે, પણ જે વાતથી આડકતરી રીતે તેમના મન પર છાપ પડીને અસર થાય છે તેના જેટલી મહત્તા આ વાતોને અપાશે નહિ.
અભિરુચિ
બાળકોની પેઠે મોટાઓને પણ વાર્તા–નવલકથા વાંચવાનું ખૂબ ગમે છે; તેથી બીજા કોઈ પુસ્તકો કરતાં વાર્તાઓનાં પુસ્તકો મોટી સંખ્યામાં પ્રકટ થાય છે અને તેનો ફેલાવો અને માગણી પણ લાઇબ્રેરીઓની ઇશ્યુ બુકો તપાસીશું તો બીજી કોઈ જાતનાં પુસ્તકો કરતાં બહોળા પ્રમાણમાં માલુમ પડશે; પછી ભલે તે મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીની શાખા જેવું વિદ્વાનોનું અભ્યાસ મંડળ હોય.
વળી જનતામાં પ્રસિદ્ધિ અને ખ્યાતિ, એક નવલકથાકારને જેટલી મળે છે એટલી બીજા અગ્રગણ્ય વિદ્વાન લેખકોને મેળવતાં ઘણો સમય જોઈએ છીએ; તેથી બુદ્ધિશાળી તેમ જાણીતા લેખકો મોડા વહેલા નવલકથા લખવાને લલચાય–પ્રેરાય છે; પણ તેમાં બધાંને એકસરખી ફત્તેહ મળતી નથી. મનુષ્યજાતિમાં આ વૃત્તિ છેક પુરાતન કાળથી–જ્યારથી મનુષ્યજાતિનો ઇતિહાસ ઉપલબ્ધ થાય છે ત્યારથી નજરે પડે છે, અને કથાવાર્તા મનુષ્યને આનંદનું, સુખ અને સંતોષનું, બોધ અને જ્ઞાનનું એક અપૂર્વ સાધન જરૂર રહેવાનું જ.
અમુક એક ન્હાનો વર્ગ નવલકથા પ્રતિ અસંતોષ–અરુચિ અને ઉદાસિનતા દાખવે છે, તેની સાથે અમે એકમત થતા નથી; તેમ તે પ્રતિ સહાનુભૂતિ પણ ધરાવતા નથી. અમને નવલકથાનું વાચન ગમે છે; એટલુંજ નહિ પણ તેને અમે જીવન વિકાસ માટે આવશ્યક ગણીએ છીએ. તે આપણી સમક્ષ દુનિયાનું કલ્પનિક વા આદર્શમય, અમુક સ્થળ વા બનાવોનું, ચોક્કસ પ્રકારના મનુષ્યસ્વભાવનું, ન્યાય અને નીતિનું, સ્નેહનું અને સત્યનું, સંસારની ઘટનાઓનું ચિત્ર એવી અસરકારક રીતે–પછી તે વર્ણનાત્મક શૈલીનું, ઐતિહાસિક, તાદાત્મક (realistic) કે મનુષ્યની લાગણીઓ કે ભાવનાનું પૃથક્કરણ કરતું હોય–રજુ કરે છે, કે આપણે એકવાર ચાલુ દુનિયાને વિસરી જઈએ છીએ, અને તેમાંના પાત્રો સાથે સમભાવી બની, તેમનાં સુખદુઃખ અને અભિલાષા, મુશ્કેલીઓ અને મુંઝવણો, જાતે જોતા—અનુભવતા ન હોઈએ એવી આપણી મનોદશા થઈ પડે છે; અને તેજ આપણી કલ્પનાને ઉત્તેજી, આપણી લાગણી અને મનોરથોને પોષી, ઉન્નત કરી, આપણું ચારિત્ર ઘડવામાં અને ખીલવવામાં સહાયભૂત થાય છે; અને સાથે સાથે એક પ્રકારનો મીઠો આનંદ મેળવી દુનિયાની વ્યથાને અને દુઃખને ઘડી વાર ભૂલી જઈએ છીએ.
આમ એક નવી કાલ્પનિક સૃષ્ટિ સર્જવામાં એક નવલકથાકાર જેટલે દરજ્જે સફળ નિવડે તેટલે દરજ્જે એની કૃતિ લોકપ્રિય અને આદરણીય થવાનો સંભવ છે.
એવું બીજું વાર્તાનું પુસ્તક જે વાંચવાનું ગમે અને આનંદ આપે, જેનો આશય આપણા સામાજિક જીવનને લગતાં અનેકવિધ પ્રશ્નો ચર્ચવાનો મુખ્યત્વે છે, તે રા. રમણલાલ દેસાઈનું ‘કોકીલા’ નામનું પુસ્તક છે; તેમાં એક પત્રકારનું જીવન આલેખવાની સાથે મજુર અને મૂડીવાળા વચ્ચેની અથડામણ અને તેના અંગે ઉપસ્થિત થતા પ્રશ્નો તેમ ગ્રામ્યજીવનનો મધુરો આનંદ અને ભોળા–સાદા ગ્રામ્ય જનોની સાદાઈ અને ભલમનસાઈ અને તેમનો ઉભરાઈ જતો પ્રેમ, એ બધું આહ્લાદક થઈ પડે છે: વળી મુખ્ય પાત્ર કોકીલાને એવી તો મૃદુ, મનોહર, લાવણ્યભરી અને સ્નેહાળ વર્ણવી છે કે ‘કૌમુદીકાર’ના શબ્દોમાં કહીએ તો એવી જીવનસખી મેળવવા, કોઇપણ પોતાને સુખી સમજે.
ટુંકી વાર્તાનાં પુસ્તકમાં રા. રામનારાયણની ‘દ્વિરેફની વાતો’ અને શ્રીયુત ‘ધુમકેતુના તણખા-ભા. ૨’, એ જાતની વાર્તામાંનું ઉંચું લેવલ જાળવી રહ્યા છે. રા. પાઠકની માનસસ્વભાવ પારખવાની અને તેનું પૃથક્કરણ કરવાની શક્તિ અને સમજ, એ વાર્તાઓને નિઃશંક જીવંત રાખશે. શ્રીયુત ધુમકેતુ એમની વાર્તામાંના પાત્રો સાથે એવા સહૃદયી બની રહે છે અને વાર્તાનો ઉઠાવ એવી રીતે ગુંથે છે કે તે પ્રસંગ આપણે જાણે કે આપણી આંખ સમક્ષ ધીમે ધીમે વિકસતો અને પ્રત્યક્ષ થતો હોય એમ જોઈએ છીએ; તેમાં જ લેખકની કલમની સાર્થકતા–સચોટતા રહેલાં છે.
આ સિવાય ચુંબન અને બીજી વાતો, રસિલી વાર્તા, વિનોદ વાટિકા અડાલજાકૃત વીરની વાતો-ભાગ. ૩ જો, હું કરીશજનું મહાત્મ્ય, પુષ્પલતિકા, સમાજની વેદી પર, વગેરે વાચવા જેવા વાર્તા ગ્રંથો છે.
જેને હળવું, મર્માળુ અને હાસ્યપ્રચૂર સાહિત્ય કહી શકાય, તેમાં દાલ ચિવડાની દશ વાતો, (જેમાંનો પ્રવેશક તેના લેખક રા. રાયચુરા વિષે જાણવા જેવી માહિતી આપે છે) બુદ્ધિનું બજાર, ડહાપણનો સાગર, મસ્તફકીરની મસ્તી, મસ્તફકીરની વાતો, ઉંધિયું, ફઇબા–કાકીની વાતોનો સમાવેશ થાય છે અને તેમાંના દરેક લેખકનું વ્યક્તિત્વ, તેમની લાક્ષણિક શૈલીથી જૂદું અને સ્પષ્ટ તરી આવે છે.
ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતી, સ્વદેશ, ગુજરાતી પંચ અને પ્રજાબંધુની ભેટો, કચ્છનો કેસરી, કચ્છજો નૂર, અંગ્રેજી રાજ્યનો ઉષઃકાળ અને સોરઠનો મુત્સદ્દી વીર, એમાંના વિષયને લેખકે સારો ન્યાય આપેલો છે, અને ગુજરાતના ઇતિહાસના અભ્યાસી અને રસિક વાચકબંધુને ‘કચ્છજો નૂર’ એ પુસ્તક વાંચવાની અમે ખાસ ભલામણ કરીશું.
અનુવાદના ગ્રંથોમાં બંકીમની ત્રણ વાર્તાઓ–પુષ્પાંજલી નામથી, અને દેવી ચૌધરાણી ગાંડિવ મંદિર સુરત તરફથી, રાજમાર્ગ પણ એક બંગાળી ગ્રંથ પરથી–જેમાં ગાંધી યુગની છાપ પડેલી છે; મોન્ટેક્રિસ્ટો–જાણીતા ફ્રેન્ચ લેખક ડુમાના વાર્તાના ભા. ૩–૪, પારસમણિની શોધમાં–રાઈડર હેગાર્ડના King's Soloman's mines પરથી; પંજાબનું પ્રચંડ કાવતરૂં બંગાળી પરથી, ક્રાન્તિકારી લગ્ન–રશિયન વાર્તા પરથી, જ્યુલિયન વર્નની ૮૦ દિવસમાં દુનિયાની મુસાફરી, યોગિનીકુમારી ભા. ૨–એક ઇટાલિયન ગ્રંથ પરથી સૂચિત, વગેરે વગેરે ધ્યાન ખેંચે છે.
અને બીજી સામાન્ય કૃતિઓમાં અજોજી ઠાકોર ભા.૨, તાતી તલ્વાર મધ્યકાલીન ભારતનું રાજપૂતજીવનનું ચિત્ર દોરતું પુસ્તક–સુલતાના રઝિયા, સંગ્રામ ક્ષેત્ર (છેલ્લી લડાઈનો ખ્યાલ આપતું), હૃષિકેશચંદ્ર ભા. ૪ વગેરે રસદાયક જણાશે.
જુના લોકસાહિત્યમાં કથાવાર્તાનાં પાંચ છ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે; કચ્છની જુની વાર્તાઓ, કાઠિયાવાડની દંતકથાઓ, કાઠિયાવાડની જુની વાર્તાઓ–ભા.૨, ગુજરાત કાઠિયાવાડ દેશની વારતા–ભા. ૩, સોરઠી શૌર્યકથાઓ, સોરઠી વિરાંગનાઓ, વગેરે, પણ તેમનું વાચન રા. મેઘાણી સંપાદિત ‘રસધાર’ના પાંચ ભાગના પ્રકાશન પછી ફિક્કું થઈ પડે છે.
ઐતિહાસિક સંશોધનના નમુના તરીકે ગુજરાત સાહિત્ય સભાના રજત મહોત્સવ પ્રસંગે દી. બા. કેશવલાલભાઈનો “યુગ પુરાણનાં ઐતિહાસિક તત્ત્વો” એ નિબંધ જેમ કિંમતી તેમ મૌલિક છે અને ઈ. સ.ના પહેલા સૈકાની સમાજસ્થિતિ પર તે સારો પ્રકાશ પાડે છે. ખુશી થવા જેવું છે કે એ લેખ ઇંગ્રેજીમાં બિહાર ઓરિસ્સા રીસર્ચ સોસાયટીના જર્નલમાં હમણાં પ્રકટ થયો છે, તેથી તે બહોળો વંચાઈને વિદ્વદ્ વર્ગનું વિશેષ ધ્યાન ખેંચશે.
સંશોધનની સાથે જેને આપણે સંયોગીકરણ–synthesis કહીએ, એટલે કે ઉપલબ્ધ સાધનોને સારી રીતે વાંચી તપાસી તેને વ્યવસ્થિત રીતે સંયોજી એક રસમય અને વિશ્વસનીય પુસ્તક રજુ કરવામાં આવે, એ જાતનું ‘પાટનગર અમદાવાદ’નું પુસ્તક છે. લગભગ પોણા સૈકા પર લખાયેલા મગનલાલ વખતચંદના પુસ્તકને અને અમદાવાદ ગેઝીટીઅર, જે બંને અત્યાર સુધી રેફરન્સનાં પુસ્તક–પણ અપ્રાપ્ય જેવાં–હતાં, તેનું આ પુસ્તકે સ્થાન લીધું છે; એટલુંજ નહિ પણ એ ગ્રંથોમાં જે ઉણપ અને દોષ હતા તે આમાંથી દૂર થઈ, સદરહુ પુસ્તક સ્થાયી ઉપયોગનું તેમ તે વાંચતાં આનંદ અને જ્ઞાન પ્રાપ્ત થાય એવું સરસ બન્યું છે.
જેને કાચી સામગ્રી-સાધન પુસ્તક source book કહીએ એ પ્રકારનું ગુર્જર ફૉર્બસ સભાએ પ્રસિદ્ધ કરેલું રા. નર્મદાશંકર દ્વિવેદી સંપાદિત ‘ગુજરાતનાં ઐતિહાસિક સાધનો’ નામક પુસ્તક છે, અને અભ્યાસીને તે ખચિત મહત્ત્વનું થઈ પડશે. ડૉ. સર જીવણજી જમશેદજી મોદીએ, સોસાયટી તરફથી આપેલા વાર્ષિક વ્યાખ્યાનમાં, જેમના નામ પરથી આપણો દેશ ગુજરાત કહેવાય છે, તેમના મૂળ નિવાસસ્થાન વિષે જાણવા જેવી હકીકત પૂરી પાડી છે. પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૧લામાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ આબુ પરના ઉત્કીર્ણ લેખોનો સંગ્રહ કર્યો છે. સ્વર્ગસ્થ દેવશંકર વૈકુંઠછ ભટ્ટનું સિહોરની હકીકત, તેમ પારસી પ્રકાશ ભા. ૩ અને દરબારે અકબરી એ બધાં પુસ્તકો ઇતિહાસના અભ્યાસીને ઉપકારક થાય એવાં છે.
સોરઠી બહારવટીઆ ભા. ૨-૩ બહાર પાડી શ્રીયુત મેઘાણીએ આપણા દેશમાં બ્રિટિશ અમલ પૂર્વે, પોતાનો વિરોધ દર્શાવવાને ગ્રહણ કરવામાં આવતી બહારવટાની પ્રથા અને એ લોકના નેકટેક અને શિરસાટાનાં સાહસો, –જેમના માટે જનતામાં એક પ્રકારનો ભય તેમ પક્ષપાત છે, –નાં વૃત્તાંતો સારી માહિતી મેળવી, રસિક રીતે વર્ણવ્યાં છે, તેનું વાચન રસપ્રદ નિવડી, સાહસ અને શૂરાતન માટેનો જુસ્સો ને તે માટે માન અને પ્રશંસાની લાગણી પેદા કરશે.
આ યુગના ગાંધીજી જેવા બીજા સમર્થ પ્રજાકીય નેતાઓ, લેનિન અને ઝગુલ પાશાના જીવનચરિત્રો ‘અમર મહાજનો’ એ નામથી ‘સૌરાષ્ટ્ર કાર્યાલયે’ બહાર પાડ્યાં છે અને એજ સંસ્થાનું દેશભક્ત–લાલાજી–લજપતરાયનું પુસ્તક મનનીય જણાશે. એજ કક્ષામાં મૂકી શકાય એવું બીજું ન્હાનું પુસ્તક શ્રીયુત વલ્લભભાઈનું ચરિત્ર છે; અને તે ભાઈશ્રી મહાદેવભાઈએ એમની મોહક અને વિનોદભરી શૈલીમાં આલેખ્યું છે. શ્રીયુત નારાયણ ઠકકુરના વીર વૈરાગી અને ગુરૂ ગોવિંદસિંહ એ નામનાં બે પુસ્તકે હિન્દુ જાતિનું ગૌરવ અને ખમીર દર્શાવનારાં તેમ તેમનામાં જુસ્સો આણનારાં છે.
જ્ઞાનનું સાહિત્ય
પણ એક વિચારવા જેવો પ્રશ્ન એ થઇ પડ્યો છે કે આપણે અહીં આપણાં ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ દિવસે દિવસે ઓછો થતો જતો, બધે નાશ પામતો જાય છે. આપણી સંસ્કૃત પાઠશાળાઓ જ્યાં આગળ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, વેદાંત વગેરે વિષયો શિખવાતા તે શિખનાર હવે કોઈક જ મળી આવશે; વસ્તુતઃ ક્રિયમાણ અને જ્યોતિષ, સંધ્યાદિ વિષયો લેનારા ઘણાખરા મળી આવશે. આપણા વેદ, ષડ્દર્શન, ઉપનિષદ્, પુરાણ વગેરે પ્રતિ દુર્લક્ષ થાય છે એમ સખેદ કહેવું જોઈએ. આ સ્થિતિમાં ગુજરાતીમાં એ વિષયોનું–ધર્મ અને તત્ત્વજ્ઞાનનું પદ્ધતિસર અધ્યયન અને તેના અંગે ચર્ચા અને વિવેચનને અવકાશ નહિ જેવાં હોય તે શું નવાઈ પામવા જેવું નથી? જે કાંઈ ઉપલબ્ધ થાય છે તે પ્રાચીન ધર્મ ગ્રંથોનું નવેસર પુનઃમુદ્રણ, અનુવાદ, ભાષ્ય કે સાર હોય છે. સ્વતંત્ર રીતે તાત્ત્વિક ચર્ચા કે તુલના કરતું, નવીન દૃષ્ટિબિન્દુ કે તુલનાત્મક વિચાર રજુ કરતું સાહિત્ય–ગ્રંથ જ્વલેજ પ્રસિદ્ધ થાય છે.
આની સરખામણીમાં પાશ્ચાત્ય દેશોમાં ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરતા–ચર્ચાતા એકથી વધુ લેખકો ધર્માચાર્યો અને વૈજ્ઞાનિકો–જેમકે ડિન ઇંજ, ડૉ. બાર્નસ્, પ્રો. વાહઇટહેડ અને પ્રો. જ્યુલિયન હક્ષ્લી મળી આવે છે, અને તે ધર્મવિચારની પ્રગતિની, સજીવનતાની નિશાની છે, જ્યારે આપણું ધર્મ સાહિત્ય સ્થિતિસ્થાપક, રૂઢિવશ, પરંપરા પર અવલંબતું અને ચેતનરહિત નજરે પડે છે.
આવા નિરાશામય વાતાવરણમાં એક આશાજનક કિરણ ગત વર્ષના પ્રકાશનમાં નજરે પડે છે અને તે શ્રીયુત મશરૂવાળાનું ‘જીવનશોધન’ નામનું પુસ્તક છે. જેમ કોઈ અભ્યાસી, એકાદ પોતાને પ્રિય અને સાનુકૂળ વિષય લઈને યુનિવર્સિટીની એમ. એ.; વા પી. એચડી.ની પદવી એક નિબંધ રજુ કરીને મેળવે છે, એવી જાતનો આ લેખ છે. તેમાં જેને નિર્ણયાત્મક વા નિશ્ચયાત્મક કહી શકાય અથવા તો ચર્ચાસ્પદ નહિ હોય એવું, તે લખાણ નથી. પણ એક અભ્યાસી, પોતાના નિર્ણયો, ચોકસાઈ, પ્રમાણ, તર્ક અને જ્ઞાન વડે વિભૂષિત કરી, તોલન અને અભિપ્રાય માટે આગળ ધરે, એવું એક ઉંચી કોટિનું તે પુસ્તક છે, જે ચર્ચા અને વિવેચન માગી લે છે. વાસ્તવિક રીતે અહીંના ‘મજલિસે ફિલસુફાન’ જેવા-study-circle અભ્યાસમંડળમાં આવા ગૂઢ વિષયની જૂદી જૂદી દૃષ્ટિએ ચર્ચા થવી ઘટે છે. જેમકે, લેખકબંધુએ જીવનનું ધ્યેય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચતુર્વિભાગમાંથી છેલ્લા મોક્ષને સ્થાને જ્ઞાનને મૂકવાની દલીલ કરી છે; પણ જીવનનું અંતિમ ધ્યેય મોક્ષ હોઈને, તે શબ્દ જ અમને યોગ્ય અને વાજબી લાગે છે. જ્ઞાન તો તેનું–મોક્ષનું સાધન માત્ર છે; તેથી જે શબ્દપરંપરા છેક પરાપૂર્વથી ઉતરી આવે છે, તેમાં એ નવો ફેરફાર કરવો કેટલે દરજ્જે વાસ્તવિક અને ન્યાયયુક્ત થશે એ મુદ્દો ચર્ચાવો અને વધુ વિચારવો જોઈએ છીએ.
વળી સાંખ્ય દર્શન વિષે શ્રીયુત મશરૂવાળાએ જે વિવરણ આધુનિક પદ્ધતિને અનુસરી અને વિજ્ઞાનની નવી નવી શોધ અને વાદને લક્ષમાં લઈને કર્યું છે, ને તે પર વિશેષ પ્રકાશ પાડી, કેટલાક નવીન દૃષ્ટિબિન્દુ–અભિપ્રાય દર્શાવ્યા છે, તે પણ તપાસાવા–વિચારવા જોઈએ છીએ. પરંતુ તે કાર્ય એક નિષ્ણાત સમાલોચકના હાથે વા અભ્યાસીમંડળમાં જ સારી રીતે થઈ શકે.
પ્રસ્તુત પુસ્તકની પેઠે કોઈ નવીન અગર સ્વતંત્ર ગ્રંથ નહિ પણ ધાર્મિક–તાત્ત્વિક વિષયને દલીલપૂર્વક ચર્ચાતો, શ્રી તત્ત્વાર્થ નિબંધસંગ્રહ શ્રીયુત મનુભાઈ પંડ્યાનો લખેલો છે.
ઐતિહાસિક દૃષ્ટિએ લખાયલો ‘રૂદ્રાધ્યાય અને લિંગ સંપ્રદાય’ એ વિષય પરનો શ્રી ડોલરરાયનો નિબંધ શૈવમતાવલંબીઓએ ખાસ જોવો જોઈએ; અને તે શ્રીયુત દુર્ગાશંકરના શૈવધર્મ પુસ્તકના અનુસંધાન–પૂર્તિરૂપે છે, એમ કહી શકાય.
અનુવાદ ગ્રંથોમાં શ્રીયુત જેઠાલાલનું અણુભાષ્ય અગ્ર સ્થાન લે છે; અને બીજાં આગળનાં બે ભાષ્યો–રા. બા. કમળાશંકર અને પ્રિન્સિપાલ આનન્દશંકરભાઈના અનુવાદ ગ્રંથો–શાંકર ભાષ્ય અને શ્રી ભાષ્ય–ની પંક્તિમાં મૂકી શકાય એવું તે ઉત્તમ છે; ખાસ કરીને તેમાંનો વિસ્તૃત ઉપોદ્ઘાત દર્શનશાસ્ત્રના અભ્યાસીને વિચારણીય જણાશે.
અષ્ટાવક્ર ગીતા, ભક્તિ રસાયન, તત્ત્વાર્થ સૂત્ર ભા. ૧, જીવનસિદ્ધિ, ટોલસ્ટોયના The Christian Teachingનો અનુવાદ, શ્રીમતી ભગવતી સૂત્ર, રુદ્રાષ્ટાધ્યાયી, સેવાકુંજ એક જુના ઇટાલિયન તત્ત્વજ્ઞાનનાં પુસ્તકનો અનુવાદ–એ સર્વ આપણા ધાર્મિક સાહિત્યને સમૃદ્ધ કરે છે; અને તે આવકારદાયક પ્રસિદ્ધિઓ છે.
પૂર્વે આપણા લોકો, જે નિષ્ઠાથી અને ભક્તિભાવથી, હિંદમાંના દૂર દૂરના અને જુદા જુદા સ્થળે આવેલા તીર્થસ્થાનોની યાત્રા, અનેક પ્રકારની અગવડો અને વિટંબણાઓ વેઠીને કરતા હતા, તે માટેનો પ્રેમ અને આદર નવા શિક્ષિત વર્ગમાંથી, રેલવે મોટરો વગેરે પ્રવાસનાં સાધનો અને બીજી અનુકૂળતાઓ વધવા છતાં, ઓછો થતો જાય છે; અને કેળવણી પૂરી થતાં જ અને સંસાર વ્યવહારમાં પડતાં અગાઉ, એકવાર પ્રવાસે નિકળી જૂદો જૂદો અનુભવ મેળવવો જોઈએ, એ દૃષ્ટિએ પણ તે તરફ કાંઈ લક્ષ અપાતું નથી તેથી આપણું પ્રવાસસાહિત્ય કંગાલ રહે છે; અને જે કાંઈ લખાય છે, તે યાત્રાળુઓની દૃષ્ટિએ, માર્ગદર્શક અને માહિતી પુરતું હોય છે; જેમકે, કાશ્મીરથી નેપાલ, નેપાલ અને આસામનો પ્રવાસ વગેરે. મુનિશ્રી જયન્ત વિજયજીએ આબુ ભા. ૧ લો. યાત્રાળુઓ માટે લખ્યો છે; પણ તેમાં જાણવા જેવી ઐતિહાસિક હકીકત ઉમેરેલી છે. યાત્રાળુ, ઇતિહાસરસિકો અને અભ્યાસકો સૌને રસ પડે અને આનંદજનક થાય એવું માત્ર રા. દુર્ગાશંકર શાસ્ત્રીનું ‘ગુજરાતનાં તીર્થસ્થાનો’નું પુસ્તક છે અને તે સંગ્રહવા જેવું છે.
સ્વતંત્ર ચિત્રો દોરનાર ચિત્રકારો આપણે અહીં જૂજ મળી આવશે. આજથી પંદરેક વર્ષ પર અહીંની મ્યુનિસિપલ સ્કૂલના એક શિક્ષક સ્વ. મગનલાલે, સિદ્ધરાજ અને રાણકદેવી અને હિંદ માતા એ બે ચિત્રો કાઢેલાં; પણ તેની કદર તેના મૃત્યુ બાદ થઈ હતી.
‘પણ કુમાર કાર્યાલય’ અમદાવાદમાં નિકળ્યા પછી રા. રાવળની પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રચારકાર્યથી ગુજરાતીઓમાં કળા પ્રતિ એક પ્રકારની આસક્તિ બંધાતી જાય છે; અને કળાને અનુકૂળ અને ઉત્તેજક વાતાવરણ ઉભું થાય છે, અને તેની પ્રત્યક્ષ અસરનાં પરિણામો અનેક મળી આવશે; તેમાં શ્રીયુત કનુભાઈ દેસાઈનું ચિત્ર આલ્બમ એક છે; અને એ ભાઈની પીંછીની સર્વત્ર પ્રશંસા થતી સાંભળીને આપણને–ગુજરાતીઓને સ્વાભાવિક આનંદ થઈ આવે છે.
ગ્રંથો
વળી શાળાઓમાં આરોગ્યનું કંઈક જ્ઞાન અપાય છે, તે કારણે પાઠ્યપુસ્તક તરીકે વાંચી શકાય એવાં પુસ્તક રચાય છે.
ગયે વર્ષે પ્રસિદ્ધ થયેલાં ગ્રંથોમાં હમણાં હમણાં જેના પ્રતિ વિશેષ લક્ષ અપાય છે, તે દાંત, ક્ષય, આહારશાસ્ત્ર વિષેનાં પુસ્તકો જોવા જેવાં છે. આયુર્વેદ વિજ્ઞાન વૈદ્ય મહાદેવપ્રસાદે લખેલું, ગર્ભવિદ્યા, રોગ અને આરોગ્ય, દૂધનો ખોરાક,–ઇંગ્રેજીનાં અનુવાદો–તેમ નાડીજ્ઞાન અને ભિષજ રત્નાવલી વગેરે સંસ્કૃત પરથી, હિન્દનો સમસ્ત શત્રુ અને દારૂનાં દુઃખ એ મદ્યપાન નિષેધ વિષેનાં પુસ્તકો આપણું ખાસ ધ્યાન રોકે છે.
વગેરે
આ સિવાય મોતીનાં તોરણ, ઘરને શણગારવામાં સહાયભૂત થશે અને વાયોલિન શિક્ષક તથા સંગીત શિક્ષણ સૂત્રાવલી, સંગીતનો પરિચય કરાવશે. રા. ડુંગરશી ધરમશી જે કોઈ પ્રશ્ન હાથ ધરે છે, તેમાં છેક ઉંડા ઉતરે છે અને તે વિષયને સારી રીતે છણી, તેનો નિષ્કર્ષ કાઢી આપે છે; અને એમના અન્ય લેખોની પેઠે એમણે લખેલો ભાટીઆ વહાણવટાનો જુનો ઇતિહાસ કેટલીક જાણવા જેવી માહિતી નોંધે છે; તેમ જુગતરામ દવેકૃત રાનીપરજમાં રેંટીઓ, નવી ખાદીની હિલચાલ ગરીબોને આર્થિક મદદ મેળવવામાં કેવી રીતે ઉપયોગી થઈ પડે તેનો અચ્છો ખ્યાલ આપે છે.
આપણે અહીં વિજ્ઞાનનો અભ્યાસ તેમ સંશોધન નહિ જેવું છે એમ કહી શકાય. જે કાંઈ અભ્યાસ થતો હશે તે અંગ્રેજીમાં અને તે કૉલેજ–પાઠશાળામાં; પણ તેને–વિજ્ઞાનના લખાણને ગુજરાતીમાં ઉતારવામાં પારિભાષિક શબ્દોની મોટી મુશ્કેલી નડે છે અને બીજું એ વિષયને લોકપ્રિય કરવામાં સામાન્ય જનતાનું વિજ્ઞાનનું જ્ઞાન એટલું બધું ઓછું અને તેની એ જ્ઞાનભૂમિકા એટલી નીચી હોય છે કે અન્ય દેશોમાં કેટલાક સિદ્ધાંતો અને માહિતી જનસમૂહને પરિચિત છે એમ સ્વીકારી લેવામાં આવે છે પણ તે ધોરણ આપણા દેશ માટે બસ થતું નથી. છેક સામાન્ય અને જાણીતી હકીકતથી તેની શરૂઆત કરવાની હોય છે.
વળી એ વિષય પર લોકોપયોગી વ્યાખ્યાનમાળા ગોઠવવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ અંતરાયરૂપ થઈ પડે છે; જેવી કે, તેના માટે યોગ્ય સ્થાનની, જરૂરી સાધનોની, ચિત્રોની, પ્રયોગ કરવાની અનુકૂળતાની અડચણો હોય છે, જેથી કંટાળીને તે કામ અધવચ મૂકી દેવું પડે છે.
ખરું કહીએ તો આપણે અહીં જેને વિજ્ઞાનની રસવૃત્તિ–કે વિજ્ઞાન પ્રતિ પક્ષપાત bias કહીએ એવું બહુ થોડું નજરે પડશે.
દાખલા તરીકે, સોસાયટી તરફથી સન ૧૯૨૫માં વિજ્ઞાનના જુદા જુદા વિષે પર–જેવા કે, ખેતીવાડી ભૂસ્તરવિદ્યા, પ્રાણીવિદ્યા (biology), વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર પર પુસ્તકો લખી આપવા જાહેરાત અપાઈ હતી; પરંતુ બીજી બધી શાખાઓ જેવી કે, સાહિત્ય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, જીવનચરિત્ર વગેરેમાં ભાષાંતર માટે લગભગ સો લેખકોએ માગણી કરી હશે; પણ પ્રસ્તુત વિજ્ઞાનના વિષય પર લક્ષમાં લેવાય એવી એક પણ જૂદી અરજી મળી નહોતી; એ ઉપરના અનુમાનનું સમર્થન કરે છે.
અને નીતિ
શ્રીયુત ચતુરભાઈ પટેલે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગુર્જ્જર ભાષા સાહિત્ય પ્રવેશ નામનું એક નાનું પુસ્તક રચ્યું છે, તે નવા શિખાઉને ઉપયોગી થશે. નૈવેદ્ય અને પ્રાચીન સાહિત્ય એ બે નિબંધસંગ્રહો ટાગોરના લેખોના અનુવાદ છે; અને તેની આ બીજી આવૃત્તિ છે, એ દર્શાવે છે કે, એ જાતનાં સાહિત્ય માટે આપણે અહીં અભિરુચિ વધતી જાય છે. ઉદ્બોધન અને સંસારમંથનમાં શ્રીયુત ન્હાનાલાલના છૂટક નિબંધો અને વ્યાખ્યાનનો સંગ્રહ થયેલો છે અને તે એમના પરિપકવ વિચાર માટે તેમજ એમની સૂત્રાત્મક શૈલીના નમૂના રૂપે આદરણીય અને મનનીય જણાશે. એેવો સંગ્રહ થવાની જરૂર જ હતી.
શ્રીયુત મુનશીનું સુવર્ણયુગનાં સર્જન, એ વ્યાખ્યાન આપણા પ્રાચીન ઇતિહાસને અવલોકી, એમની સર્જક કલ્પનાશક્તિ અને પ્રખર બુદ્ધિ, જે મનોગમ્ય ઐતિહાસિક ચિત્રો આપણી સમક્ષ વિધવિધ રંગો પુરી, રમ્ય શૈલીમાં રજુ કરે છે, તેની દીપ્તિના તેજમાં આપણે મોહવશ થઈ જઈએ છીએ; એવી તે જાદુઈ અને પ્રબળ અસર ઉત્પન્ન કરે છે.
નિબંધલેખન આપણે અહીં હજુ બરોબર વિકસ્યું નથી; પણ જે બે સંગ્રહો ગત વર્ષમાં છપાઈ બહાર પડ્યા છે તે, ‘રસદ્વાર’ કુમારિકા બ્હેન વિનોદિનીની પ્રથમ કૃતિ, ભવિષ્ય માટે સારી આશા ઉપજાવે છે. અને પ્રો. દુરકાળનું ‘પોયણાં’ હળવું છતાં ટકોર કરતું, માર્મિક, બુદ્ધિ વિનોદ સાથે વિચારને ઉત્તેજતું નિબંધ આલેખન અન્ય લેખકોને એ માર્ગે વિચરવા પ્રેરશે એમ આપણે ઇચ્છીશું.
વળી લાંબા કાવ્યો લખવાની પ્રથા લગભગ લુપ્ત જ થવા બેઠી છે અને વીરરસ કાવ્ય તો એક સ્વપ્નવત્ બની ગયું છે. આપણને જાણીને આનંદ પામવાનો છે કે, ગુજરાતના એક નામાંકિત અને અગ્રગણ્ય કવિ શ્રીયુત ન્હાનાલાલે, જે ગ્રંથ આપણી પ્રાચીન સંસ્કૃતિના અમૂલ્ય વારસારૂપ ગણાય છે, તેના ભરચક રત્નભંડારમાંથી “કુરુક્ષેત્ર” નામક એક વીરકાવ્ય રચવાનું આરંભ્યું છે. તેના આજ સુધીમાં છ કાંડ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને તેના વાચકો તરફથી તેની પ્રશંસા થતી સાંભળી છે. હમણાં વળી એમ જાણવામાં આવ્યું છે કે એક કાવ્યરત્ન પરીક્ષકે તે સાંભળીને–ભાવનગર રાજ્ય તરફથી–કવિશ્રીને આજીવન રૂ. ૫૦૦નું વર્ષાસન બાંધી આપ્યું છે.
ઈંગ્લાંડના માજી રાજકવિ સ્વર્ગસ્થ રૉબર્ટ બ્રિજીસનું The Testament of Beauty નામનું એક લાંબું કાવ્ય થોડાક માસ પર પ્રકટ થયું છે, તેની ખૂબ તારીફ થયેલી છે અને ઉત્તમ કાવ્યો સાથે તેની તુલના અને ગણના થાય છે; તેમ ગુજરાતના આ મહાકવિનું ‘કુરુક્ષેત્ર’ લોકપ્રિય નિવડી, તે એક જીવંત કૃતિ થશે, એવાં એક અનુપમ અને અપ્રતિમ કાવ્યના અંશો–ગુણો તેમાં રહેલા જોવાય–અનુભવાય છે.
બીજાં કાવ્ય પુસ્તકોમાં કવિશ્રી ખબરદારની ભજનિકા અને રાસચંદ્રિકાનો સારો સત્કાર થયલો છે; અને શ્રીયુત કેશવ શેઠના રાસો માટે સતત માગણી રહ્યા કરે છે, એમ તેમના રાસનો છેલ્લો સંગ્રહ ‘રાસમંજરી’ કહી આપે છે. સ્ત્રીવર્ગમાં એમના રાસો પુષ્કળ પ્રચાર અને પ્રસિદ્ધિ પામ્યા છે; તે જેમ કવિની લોકપ્રિયતા તેમ એમના રાસોની સરસતા અને માધુર્યનો ખાત્રીલાયક પુરાવો છે.
શ્રીયુત મેઘાણી સંપાદિત ચુંદડીના બે ભાગ એમના અન્ય સંગ્રહોની પેઠે આદરપાત્ર થયા છે; પરંતુ સાહિત્યરસિકોને એમનાં ‘ઋતુગીતો’ અને ખસૂસ કરીને એમની સ્વતંત્ર કૃતિ ‘કિલ્લોલ’ વધુ આકર્ષશે. આપણું પ્રાચીન લોકસાહિત્ય, કથાવાર્તા અને ગીતોનો પુનરુદ્ધાર, ઐતિહાસિક અને શાસ્ત્રીય રીતે કરવાનો યશ અને માન, એમને જ છે, અને તે બદલ પ્રજા એમની હંમેશ ઋણી રહેશે.
પ્રો. બળવંતરાયના “ભણકાર”ની પૂરવણી, જે કાવ્યગુણપરીક્ષક છે, તેમને ખચિત ગમશે જ; પણ ઉછરતી નવી પ્રજાનું માનસ શ્રીયુત દેશળજી પરમારનાં ગૌરીનાં ગીતોમાં સારી રીતે ઝીલાયું છે; તેમાં નવયુવક અને નવયુવતિના મનોરથ અને આદર્શને કાવ્યમાં ઉતારવાનો પ્રયત્ન નજરે પડે છે.
આ ઉપરાંત પુનરાવૃત્તિ થયેલા અને પરચૂરણ કાવ્યગ્રંથો મેટી સંખ્યામાં મળી આવે છે.
રા. ચંદ્રશંકરે નાટકની મૂળ વસ્તુ કેવી રીતે ઉદ્ભવી હતી તેનું સૂચન ‘બે ઘડી મોજ’માં સદરહુ નાટક વિષે લખતાં કર્યું છે, કે મુનશીના પંચગીનીના બંગલાના માળીએ, એની પાલક આશ્રિત સાથે લગ્ન કરેલું તે પરથી એનું વસ્તુ લેવાયું છે; પરંતુ જે કોઈને તેમાં અપહરણનો દોષ જોવો–શોધવો જ હોય તો, જાણીતા રૂશિયન નાટકકાર તર્જનિફના ‘બેચલર’ નામક નાટકની છાયા–અસર, નકલ જાણે અજાણે ઉતરી આવતી હોય એવું કંઇક ભાસે છે. એમણે શશીના લગ્નના પ્રશ્નને સ્ત્રીજીવન, સ્ત્રીજીવનના સમાન હક્ક અને સ્વાતંત્ર્ય સાથે એવો સાંકળી અને ગુંથી દીધો છે કે લેખક પોતે એ લગ્નગ્રંથી જોડી તેની હાંસી કરે છે કે પ્રશંસા કરે છે, એ સમજાતું નથી. આખા નાટક દરમિયાન લેખક તદ્દન તટસ્થ વૃત્તિ સાચવે છે, એ તેની ખૂબી છે.
ગુજરાતી જોડણી કોષ પ્રકટ કરીને ગુજરાત વિદ્યાપીઠે શુદ્ધ ભાષા લેખનના કાર્યમાં ઘણી સરળતા કરી આપી છે; અને તેનો પ્રચાર અને ઉપયોગ વધતાં, જે અનિયમિતતા અને અચોક્કસ ધોરણ લેખનમાં સામાન્ય રીતે અત્યારે પ્રવર્તે છે, તે ધીમે ધીમે વપરાશથી અને ટેવથી ઓછું થઈ જશે, એમ અમારું માનવું છે.
એજ રીતે ગુજરાતીમાં અત્યાર આગમચ પ્રકટ થયેલાં પુસ્તકોની વિસ્તૃત અને વર્ગીકૃત એક યાદી–આઠ હજાર ગ્રંથોની છપાવી, વડોદરાના પુસ્તકાલય સહાયક સહકારી મંડળે ખર્ચાળ સાહસ ખેડી, એક મહત્ત્વનું અને પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે. જેમ આપણા સાહિત્યનો અભ્યાસ ઝીણવટથી ઉંડો અને વધુ વધતો જશે, તેમ તેની ઉપયોગિતા અને મૂલ્ય સમજવામાં આવશે, અને તેની કદર પણ થશે.
શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરીનો પૌરાણિક કથાકોષ, ‘નર્મકથાકોશ’ને પડખે રાખે છે એટલુંજ નહિ, પણ આપણા કાવ્યસાહિત્યના અભ્યાસીને રેફરન્સ અને ઉપયોગ માટે વિશેષ મદદગાર થાય તેવો છે.
ઉપર પ્રમાણે ગત વર્ષના પ્રકાશનનું કામપુરતું અને મુદ્દાસર નિરીક્ષણ કર્યા પછી, દેશમાં એ વર્ષમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હતી અને સમાજમાં કેવું પરિવર્તન થઈ રહ્યું હતું, તે તેના પડખે મૂકી જોયાથી ચાલુ વસ્તુસ્થિતિનો યથાર્થ અને સ્પષ્ટ ખ્યાલ આવી જશે.
બનાવો.
આવું ત્રીજું સંમેલન બાલસાહિત્ય લેખકોનું ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના નિમંત્રણથી મળ્યું હતું.
આપણે અગાડી જોઈ ગયા છીએ કે હાલમાં બાલસાહિત્ય સારી સંખ્યામાં અને સંતોષ પમાય એવું બહાર પડે છે.
પરંતુ ફક્ત તેની સંખ્યા પર, તેમાં થતા ઉમેરો તરફ નજર ન રાખતાં, તેની તૈયારીમાં ઉચ્ચ અને શિષ્ટ ધોરણ સચવાય; તેમાં વિવિધતા અને નવીનતા આવે; તે પાછળ કંઇક ઉદ્દેશ કે ભાવના મૂર્તિમંત રહેલાં હોય, એ ગુણપ્રમાણ સંખ્યા કરતાં મહત્ત્વનું ગણાવું જોઈએ.
ઉપરોક્ત સંમેલનનો આશય અમારા સમજવા પ્રમાણે બાળસાહિત્ય વિષે મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરી માર્ગદર્શક અને મદદગાર નિવડે, એવી કોઈ સંકલના, કાર્યક્રમ કે વ્યવસ્થા ઉભી કરવાનો હતો.
તે વખતે ચર્ચા અને વિચાર વિનિમયાર્થે શ્રીમતી તારાબ્હેન મોડકે વાંચેલો બાલસાહિત્ય વિષેનો લેખ એ વિષયના અભ્યાસીએ, ખાસ કરીને બાલસાહિત્યના મણકાઓનો ઉપયોગ કરનારે વાંચવા જેવો છે.
એ પ્રસંગે શ્રીયુત ગિજુભાઈ બધેકાને કેળવણીના ક્ષેત્રમાં એમના સુંદર કાર્ય માટે અને નવું બાલસાહિત્ય રચવામાં આપેલા સંગીન ફાળા માટે રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો, એ પણ એક નોંધવા જેવી બીના છે.
બીજું અવસાન વધારે ખેદજનક છે; તેઓ કોઈ ગ્રંથકાર નહોતા; પણ સ્ત્રીકેળવણી માટેની ધગશથી જ્યાં જ્યાં એમણે પોતાનું પ્રવૃત્તિકેન્દ્ર જમાવ્યું હતું, ત્યાં ત્યાં સ્ત્રી કેળવણીનો પ્રચાર કરવા, તેનો ક્ષેત્ર-વિસ્તાર વધારવા અને તેને ગતિ અને વેગ આપવા પુષ્કળ શ્રમ સેવેલો એટલુંજ નહિ, પણ પોતાના આદર્શમય રહેણીકરણી અને સેવાકાર્યથી તેમના નિકટમાં આવનાર સૌ કોઈનો ચાહ સંપાદન કરેલો; અને અનેક મિત્રો અને વિદ્યાર્થીનીઓએ–જેઓ છાપામાં કવચિત્ લખે છે, એમના મૃત્યુ વિષે છાપામાં પત્રો અને લેખો મોકલેલા તે બતાવે છે કે, મરનાર શ્રીયુત દાણી કેટલા બધા દિલસોજ અને લોકપ્રિય હતા. એમનું અકાળે અને ન્હાની વયે થયેલું અવસાન ખરેખર એક ગમગીન બનાવ છે.
પણ આ સૌને ઢાંકી દે અને પ્રજામાં નવો, વધુ વેગવાન જુસ્સો અને જોર પેદા કરે એવી દેશમાં વ્યાપી રહેલી રાજકીય પ્રવૃત્તિ હતી.
તે અરસામાં અફગાનિસ્તાનમાં બખેડો શરૂ થયો, અને શાહ અમિનુલ્લાને રાજગાદી છોડવી પડી; બીજી તરફ મહાત્માએ બ્રિટિશ માલના બહિષ્કારની લડત આરંભી ને આખા દેશમાં પર્યટન કરવા માંડ્યું.
તે આગમચ સાયમન કમિશનનો બહિષ્કાર જામીજ રહ્યો હતો.
ત્રીજી તરફ કોમ્યુનિસ્ટોનું–સામ્યવાદીઓનું જોર વધવા માંડ્યું અને તે બળને ઉગતું ચાંપી દેવા સરકારે મિરત કેસ ઉભો કર્યો. સાથે સાથે ધારાસભામાં જાહેર સલામતીનું બીલ (ખરડો) Public safety bill આણ્યું. પણ પરિસ્થિતિ લક્ષમાં લઈ પ્રમુખે તે પર રૂલીંગ આપી, તેને વધારે ચર્ચાતું અટકાવ્યું. તે વખતે જ ધારાસભામાં બોમ્બ પડ્યા.
વળી રાજદ્વારી કેદીઓએ જેલસત્તાના અઘટિત અને સખત વર્તન અને અંકુશ વિરુદ્ધ વિરોધ રૂપે ઉપવાસ આદર્યો, તેમાં જતીન્દ્ર બાબુનું મૃત્યુ થયું; એથી દેશ વધારે ખળભળી ઉઠ્યો.
એવામાં ઇંગ્લાંડમાં કામદાર વર્ગ–labour party અધિકાર પર આવ્યો.
ચોથી તરફ સાયમન કમિશન અને એઇજ ઓફ કન્સેંટ કમિશન–સંમતિ વય કમિટીનો કાર્યક્રમ ચાલુ હતો, તેની ધમાલમાં વળી વ્હીટલી કમિશન, પછાત કોમ સુધારણા તપાસ કમિટી અને બેન્કીંગ ઈન્કવાયરી કમિટીથી વિશેષ ઉમેરો થયો.
પાંચમી બટલર કમિટીના રિપોર્ટથી રાજા મહારાજાઓ વિચારમાં પડી ગયા, અને તેમના તરફથી ઈગ્લાંડ ડેપ્યુટેશન મોકલવા તેઓ અધીરા થઈ રહ્યા.
છઠ્ઠી તરફ નેહરૂ રિપોર્ટમાંના કોમી પ્રતિનિધિતત્વનો ભાગ મુસલમાન બિરાદરો અને ન્હાની કોમો, જેવી કે શિખ વગેરેને પસંદ ન પડવાથી એ રિપોર્ટ ખોરંભે નંખાયો; અને જાણે કે આ બધી ચળવળ, ધમાલ, મનોવ્યગ્રતા અને ચિંતા પુરતાં ન હોય તેમ અસ્પૃશ્ય જાતિના બંધુઓએ મંદિરપ્રવેશ માટે સત્યાગ્રહ શરૂ કર્યો.
દેશનું રાજકીય વાતાવરણ વર્ષારંભથી તંગ, ઉશ્કેરાયેલું અને ઝટ ભભુકો લઈ ઉઠે એવી તપ્ત સ્થિતિમાં હતું તેમાં ઉપર નોંધાયેલા બનાવોથી વિશેષ બેચેની અને અજંપો ઉપસ્થિત થઈ દેશનો મામલો વધારે ગંભીર અને કઠિન બની રહ્યો.
તેના નિવારણ અર્થે અને ફરી શાન્તિ વ્યાપે એ હેતુથી હિંદી રાજકીય સુધારાનો પ્રશ્ન ચર્ચવાને નામદાર વાઇસરૉય લોર્ડ ઇર્વિને Round Table Conference–સર્વ પક્ષની પરિષદ–ભરવાનું જાહેર કર્યું; તદર્થ ડિસેમ્બર મહિનાની અધવચમાં તેના કાર્યક્રમ સંબંધી સમજૂતી કરવા પાંચ અગ્રેસર હિંદીઓનું એક ડેપ્યુટેશન મહાત્માજીની સરદારી હેઠળ વાઇસરૉયની મુલાકાતે ગયું; પણ રાજકીય સુધારાની ચર્ચામાં સંસ્થાનિક સ્વરાજ્યના બંધારણના પ્રશ્નને મુખ્ય અને મહત્ત્વનું સ્થાન આપવા પરત્વે મતભેદ ઉપસ્થિત થતાં, સઘળી બાજી પલટાઈ ગઈ; સમાધાનીની આશા વ્યર્થ ગઈ અને છેલ્લી લાહોર કોન્ગ્રેસે સંપૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો એટલું જ નહિ, પણ સરકારે લોકમત અને લોકલાગણીને અવશ્ય માન આપવું જ જોઈએ, એ સિદ્ધાંત પર, દેશ માટે દાદ મેળવવા અને સમસ્ત જગતનું તે પ્રતિ ધ્યાન દોરવા મહાત્માજીએ આગેવાની લઈ પ્રથમ અન્યાયી મીઠાના કરના કાયદાનો સવિનય ભંગ કરવા–બેઠો બળેવો આદરવા–પગે કુચ કરતા કરતા સુરત જીલ્લામાં વલસાડ પાસે આવેલા દરિયાપરના દાંડી ગામે જવાનું નક્કી કર્યું.
આ બધું એટલું તાજું છે, સ્મરણચિત્ર પર ઉંડું કોતરાઈ ગયેલું છે, કે તેનો નિર્દેશ માત્ર બસ છે.
આ પહેલાં જગતે અનેક સશસ્ત્ર યુદ્ધની કુચો જોઈ છે, જેમકે હેન્રી-બાલની, એલેકઝાંડરની, નેપોલિયનની; પણ તેની સરખામણીમાં મહાત્માજીની અમદાવાદથી દાંડીની ૭૯ સત્યાગ્રહીઓ સાથેની, નિઃશસ્ત્ર સૈનિકોની કુચ ઇતિહાસમાં અજોડ અને સર્વોપરિ લેખાશે અને તે સત્યાગ્રહની લડતના કીર્તિસ્તંભરૂપ થઈ રહેશે.
તે કુચ કોઈ સ્વાર્થ માટે, કોઈ લાભની પ્રાપ્તિ અર્થે, કોઈ જાતના વિજય, સત્તા કે ધનસંપાદન માટે નહોતી; પણ કેવળ ન્યાય ખાતર, દેશના હક્ક અને સ્વાતંત્ર્ય ખાતર; ન્યાય, નીતિ અને સત્યના ધોરણને અવલંબીને હતી, જેનો સમાન દાખલો બીજા કોઈ દેશમાં અથવા કોઈ સમયમાં નહિ મળી આવે.
ન્યાય, નીતિ અને સત્યને અનુસરી થયેલું કોઈ કાર્ય કદી નિષ્ફળ ગયેલું કે અહિતકારક નિવડેલું જાણ્યું સાંભળ્યું નથી; બલકે સમસ્ત પ્રજાઓનો ઇતિહાસ અને સર્વ ધર્મોનો ઉપદેશ એકજ સનાતન સત્ય ઉચ્ચારે છે કે सत्यमेव जयते.