ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઈતિહાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઈતિહાસ

ગયાં દસ વરસોમાં ઇતિહાસવિભાગને ચોપડે વિશિષ્ટ યુગ અને પ્રજાજીવન ઉપર વેધક પ્રકાશ નાખતી એક જ સળંગ મૌલિક અણીશુદ્ધ ઇતિહાસ-કૃતિ જમા થઈ છે. બાકીનાં આપણા ઇતિહાસ વિશેના લેખસંગ્રહોરૂપ કે પરભાષામાંથી તારવણીરૂપ પુસ્તકો છે. ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામ યુગ ખંડ ૧' : ‘અમદાવાદ' અને 'ખંભાત' જેવા પ્રમાણભૂત ગ્રંથો આપનાર શ્રી. રત્નમણિરાવ જોટેનો આ ત્રીજો સમર્થ ગ્રંથ છે. ઇસ્લામની પૂર્વ ભૂમિકાથી માંડીને ગુજરાતની મુસ્લિમ સલ્તનતના પ્રારંભ સુધીના સમયપટને તેમાં આવરેલ છે. ગુજરાતના સ્થાપત્ય, સાહિત્ય, સંતો અને સમાજજીવન વિશે ભરપૂર માહિતી અને ઇતિહાસદૃષ્ટિ તેમાંથી મળે છે. 'ગુજરાતી સમાજનું બંધારણ' એ તેનું પંદરમું પ્રકરણ પુસ્તકના શીર્ષકને ખરેખર સાર્થ કરે છે. પુસ્તકમાં સંપાદિત, સંકલિત અને સંશોધિત સામગ્રી પુષ્કળ છે. પાદટીપોમાં ઉલ્લેખાયેલા સંખ્યાબંધ ગ્રંથો અને ગ્રંથકાર તથા તેમના ઉપરની લેખકની સ્વતંત્ર ટીકાઓ શ્રી, રત્નમણિરાવ સ્વતંત્ર દૃષ્ટિના અભ્યાસક અને શાસ્ત્રીય ઇતિહાસકાર છે એમ બતાવે છે. ગુજરાતના ઈતિહાસ-સંશોધકોમાં શ્રી. દુર્ગારામ શાસ્ત્રીનું નામ અગ્રગણ્ય છે. આ દાયકાના ‘ઐતિહાસિક સંશોધનો’માં એમના એ વિષયના વિદ્વત્તાપૂર્ણ લેખોનો સંગ્રહ થયો છે. લેખોને તેમણે 'સંશોધનનું સ્વારસ્ય’, 'વ્યક્તિવિષયક સંશોધન', ‘ધાર્મિક પ્રવાહ', 'દેશાન્તર્ગત જાતિવિષયક સંશોધન', સામાજિક અને પ્રકીર્ણ સંશોધન’ અને ‘ગુજરાતનાં તીર્થસ્નાનો’ એમ છ ખંડમાં વહેંચી નાખ્યા છે. શાસ્ત્રીય સંશોધકને આવશ્યક સત્યનિષ્ઠા, તોલનશક્તિ, વિવેક, પરિશ્રમવૃત્તિ, ધૈર્ય, ચિકિત્સકતા અને કૌશલ શ્રી. શાસ્ત્રીમાં છે એની પ્રતીતિ આમાંના ઘણા લેખો કરાવે છે. રુદ્ર-કન્યા નર્મદાના વર્ણનમાં, રાધાના અન્વેષણમાં અને હજામતના સંશોધનમાં એમની ગંભીર પર્યેષક શૈલી હળવી રસિકતા પણ ધારણ કરે છે. ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ' એટલે ઈ.સ. ૧૯૧૫માં અમદાવાદમાં સ્થાપેલ સાબરમતી સત્યાગ્રહાશ્રમમાં આદર્શ આશ્રમજીવન ઘડવાના હેતુએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ અગિયાર વ્રતોને સામુદાયિક રીતે અમલમાં મૂકવાના પોતે કરેલ પ્રયોગોનો ગાંધીજીએ પોતે અવલોકનાત્મક પદ્ધતિએ આલેખેલો ઇતિહાસ, તેમાં તેમણે તપ અને સંયમ માટે સ્વીકારેલ જીવનવતાનું તત્વ અને વ્યવહાર બેઉની ભૂમિકા ઉપર રહીને મૌલિક મર્ગદર્શન કરાવેલું છે. ગુજરાતમાં નર્મદના ઉત્તર જીવનથી શરૂ થયેલી રચનાત્મક ધર્મવિચારની પ્રવૃત્તિને સર્વાંગસંપૂર્ણ વિકાસ આપણને ગાંધીજીનાં આવાં લખાણોમાં વિસ્તાર પામતો જણાય છે. પુસ્તક ગુજરાતમાં ઉત્ક્રાંત થયેલ ઉદાર અને સર્વગ્રાહી, જગદ્વ્યાપી ધર્મભાવનાનો ઇતિહાસ પણ આપે છે. આપણા ચિંતનસાહિત્યમાં આ કૃતિ અધૂરી હોવા છતાં પણ અગત્યના ઉમેરારૂપ છે. પ્રૉ. વિજયરાય વૈદ્યરચિત 'ઋગ્વેદકાલનાં જીવન અને સંસ્કૃતિ' નામના ઇતિહાસ-પુસ્તકમાં પ્રાચીન ઇતિહાસનાં તૈયાર અન્વેષણોને આધારે વૈદિક સમયનું દર્શન કરાવતો કથાત્મક વૃત્તાંત છે. લેખકની ઘણી માન્યતાઓ અને વિધાનો ઇતિહાસપૂત હોવા વિશે શંકા છે. લેખકમાં સ્વસ્થતાવાળી શોધનવૃત્તિ કરતાં મહત્ત્વાકાંક્ષી પ્રયોગ કરવાનું વલણ વધુ જણાય છે. પુસ્તકનાં ‘ધર્મભાવના’, ‘સમાજરચના’, ‘રાજભાવના', ‘શાસનપદ્ધતિ' અને 'યુદ્ધવિદ્યા' એટલાં પ્રકરણો રા. વૈદ્યની ચિત્રાત્મક શૈલી અને કુતૂહલવર્ધક હકીકતો વડે સભર બન્યાં છે. આ એક ‘ઈતિહાસપ્રયોગ’ જ હોવાથી એમાં નિરૂપણની નવીનતા, શૈલી અને ભાષાનું વૈચિત્ર્ય અને ઈતિહાસકથાનો રસ ખાસ ધ્યાન ખેંચે છે. આપણા યુવાન સંશોધક રા. ભોગીલાલ સાંડેસરાનાં આ દાયકે ત્રણ ઈતિહાસ-પુસ્તકો પ્રાપ્ત થયાં છે: 'ઇતિહાસની કેડી', 'વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો' તથા 'જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ'. પહેલામાં ઇતિહાસ-પુરાતત્ત્વના અભ્યાસની કેડીએ વિચરતાં પ્રાચીન ભારતનાં સમાજ, સંસ્કૃતિ ને વિદ્યાકલા ઉપર પ્રકાશ પાથરે એવું જે કાંઈ લેખકને મળ્યું તે છૂટા ચૌદ લેખો દ્વારા રજૂ થયેલું છે. સાંસ્કૃતિક ઇતિહાસ લેખકને અભિપ્રેત હોવાથી ‘આપણું લોકવાર્તાવિષયક સાહિત્ય’, ‘આયુર્વેદની સમાલોચના', ‘દેવમંદિરોનાં ભોગાસનોનાં શિલ્પ', 'પ્રાચીન ભારતની વિમાનવિદ્યા'ને ‘કામદેવની મૂછ' જેવા વિવિધ પ્રકારના વિષયો તેમાં સમાવેશ પામ્યા છે. ‘પ્રબંધ ચિંતામાણિ' અને 'ગુજરાતનાં સંસ્કૃત નાટક' જેવા લેખો રા. સાંડેસરાની, શાસ્ત્રીય દૃષ્ટિ, સ્વસ્થ લખાવટ અને તોલનશક્તિનાં દર્શન કરાવે છે. રા. સાંડેસરાની બીજી અને ત્રીજી કૃતિ નાનકડી પુસ્તિકાઓ છે. એકમાં વસ્તુપાલ અને તેના વિદ્યામંડળની સાહિત્યરસિકતા તથા પાટણનો જૈન ઇતિહાસ, કેટલાક ઐતિહાસિક શિલાલેખો, નૈષધકાવ્યનો પ્રસાર અને સંડેર નામના ઉત્તર ગુજરાતના એક ગામડા વિશે નવી સામગ્રી પૂરી પાડી છે, તો બીજીમાં મલવિદ્યા તથા ધનુર્વેદનો ધંધો સ્વીકારનાર એક વીર બ્રાહ્મણજ્ઞાતિના પુરાણ-ઇતિહાસનો પરિચય કરાવ્યો છે. શ્રી. રામલાલ મોદીએ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના સંસ્કૃત 'દ્વયાશ્રય’ મહાકાવ્યમાંથી મધ્યકાલીન ગુજરાતના સામાજિક ઇતિહાસની ઉપલબ્ધ એટલી બધી સામગ્રીનો ઉપયોગ ‘મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ’ એ પુસ્તકમાં કર્યો છે. પુસ્તકમાં સામાજિક તત્ત્વોની ઠીકઠીક તારવણી છે. એમાંની ઘણી હકીકતો નક્કર અને કુતૂહલપોષક હોવાથી પુસ્તક રસપ્રદ `બન્યું છે. ‘હિંદની અંગ્રેજ વેપારશાહી'માં ઇતિહાસનું નવું સંશોધન નથી, પણ સ્વતંત્ર રાષ્ટ્રીય દૃષ્ટિ છે. ફિરંગી, વલંદા, અંગ્રેજ ને ફ્રેન્ચ વેપારીઓના હિંદપ્રવેશ અને વેપારરીતિના હેવાલથી માંડીને નાના ફડનવીસના મૃત્યુ સુધીનો ઇતિહાસ બાર ખંડમાં શ્રી. મગનભાઈ પ્ર. દેસાઈએ તેમાં આલેખ્યો છે. એમાં નિરૂપિત ભારતીય દૃષ્ટિ, સ્વતંત્ર રાષ્ટ્રચિંતન અને ઈતિહાસ-પૃથકકરણ ઇતિહાસના અભ્યાસીઓને મદદગાર બનશે એમાં શંકા નથી. શ્રી. ચંદ્રભાઈ ભટ્ટનાં 'ક્રાન્તિનાં પરિબળો' અને 'લોકક્રાન્તિ' જગતક્રાન્તિના ઈતિહાસનું રેખાદર્શન કરાવવાના હેતુથી લખાયેલાં છે. ઈ.સ. પૂર્વે ૧૨૦૦-૧૩૦૦ વર્ષથી શરૂ કરીને રૂસી લોકક્રાન્તિ સુધીની ઘટનાઓનો આ બંને પુસ્તકમાં સમાવેશ છે. લેખકની દૃષ્ટિ ચોખ્ખા સામ્યવાદથી રંગાયેલી હોવાથી ક્રાન્તિના કારણરૂપે તેઓ અનિષ્ટ વર્ગભેદ અને આર્થિક શોષણનીતિને જ આગળ કરે છે અને ઘણે સ્થળે ચારણિયા શૈલી અને અતિશયોક્તિમાં ઊતરી પડે છે. આ ઉપરાંત આ વિભાગમાં આવતાં 'બ્રહ્મદેશ' (રમેશનાથ રંગનાથ ગૌતમ), 'આપણું બાંધવરાષ્ટ્ર ચીન' (જીવણલાલ ચાંપાનેરીઆ), 'રાતું રૂસ' અને 'જય સોવિયેટ' (ચંદ્રભાઈ કા. ભટ્ટ), 'જય ઈંડોનેશિયા' અને 'આપણો સાગરસૈનિક' (મહેન્દ્ર મેઘાણી) વગેરે માહિતી પૂર્ણ પુસ્તકો ઉલ્લેખવા જોઈએ. ગુજરાત સાહિત્ય સભાના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલા પ્રથમ ઇતિહાસસંમેલન પ્રસંગે રજૂ થયેલા નિબંધોમાંથી ચૂંટેલા ૨૦ નિબંધોના સંગ્રહ 'ઇતિહાસસંમેલન-નિબંધસંગ્રહ' ને મુખ્યત્વે તેમાંના ‘પશ્ચિમી ક્ષત્રપો' ('પ્રૉ. માંકડ), 'ઇતિહાસલેખન' (રામલાલ મોદી), 'કેટલાક હસ્તલિખિત ફારસી ગ્રંથો' (દી. બ. ઝવેરી), 'ગુજરાતના ઇતિહાસમાં કચ્છનું સ્થાન' (રામસિંહજી રાઠોડ) અને ડૉ. સાલેતોરના બે અંગ્રેજી લેખોને લીધે મહત્ત્વનો ગણવો જોઈએ.