ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી

સ્વ. ઉત્તમલાલ ત્રિવેદીનો જન્મ તેમના મૂળ વતન અમદાવાદમાં ઈ.સ. ૧૮૭૨ના ફેબ્રુઆરિની ૧૬મી તારીખે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કેશવલાલ નાનાભાઈ ત્રિવેદી અને માતાનું નામ સદાલક્ષ્મી. તેમના પિતા સૌરાષ્ટ્રમાં લીંબડી રાજ્યમાં દિવાન હતા. ઈ.સ. ૧૮૮૫માં ઉત્તમલાલનું લગ્ન નટવરલાલ નર્મદાશંકર પંડ્યાનાં પુત્રી સ્વ. ગુણવંતબા સાથે થયાં હતાં. ઉત્તમલાલે પ્રાથમિક શિક્ષણ લખતરમાં લીધું હતું, અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. ઈ.સ. ૧૮૮૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કરીને તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી ૧૮૯૧માં ઘણું કરીને બીજા વર્ગમાં બી. એ.ની પરીક્ષા પાસ કરીને ફૅલૉશિપ મેળવી. બીજે વર્ષે કાયદાનો અભ્યાસ કરવા તેઓ મુંબઈ ગયા અને મુંબઈની લૉ કૉલેજમાંથી ઈ.સ. ૧૮૯૩માં એલએલ. બી. થયા. ઈ.સ. ૧૮૯૬માં ઉત્તમલાલે રાજકોટ ખાતે રીતસર વકીલાત કરવા માંડી. ઈ.સ. ૧૯૦૩ સુધી તેઓ રાજકોટ રહ્યા. વચ્ચે ૧૯૦૧-૧૯૦૨માં તે વખતના ગુજરાત કૉલેજના સંસ્કૃતના પ્રૉફેસર આનંદશંકર ધ્રુવ રજા ઉપર જવાથી ઉત્તમલાલે સંસ્કૃતના અધ્યાપકનું કામ કર્યું હતું. કૉલેજમાં ભણાવવાનું હોય તે દિવસે તેઓ રાજકોટથી આવતા. ઉત્તમલાલે વકીલ તરીકે રાજકૉટમાં સારી નામના મેળવી હતી. આ સમયગાળામાં એક બહારવટાના કેસમાં માંગરોળ (બંદર)માં સ્પેશિયલ જજ્જ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. ઈ.સ. ૧૯૦૪માં ઉત્તમલાલ રાજકૉટથી મુંબઈ આવીને વસ્યા. અને ત્યાં વકીલાતની શરૂઆત કરી. પરંતુ બુદ્ધિશાળી, શુભ આશયોવાળા વિદ્વાનોએ વેપારમાં જોડાવું જોઈએ એવા કાંઈક ખ્યાલથી તેમણે ઈ.સ. ૧૯૦૮માં વેપારમાં ઝંપલાવ્યું. સીધા રસ્તા પર ચાલનાર, બધાને પોતાને જેવા પ્રામાણિક માનનાર, વેપારમાં ફાવી શકતા નથી, બલકે છેતરાઈ જાય છે. દુનિયાના વ્યવહારદક્ષ ગણાતા લોકો આવા સરળ દિલના માણસની સાથે જોડાઈ, તેનો વિશ્વાસ મેળવી, પછી લાભ લઈ ખસી જાય છે. એવો કાંઈક અનુભવ સ્વ. ઉત્તમલાલને થયો. તેને પરિણામે વકીલાતમાં કરેલી કમાણી વેપારમાં તણાઈ ગઈ. મિલ, બૅંક, ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કંપની, ગોવામાં મેંગેનિઝની ખાણ કાઢવાની પ્રવૃત્તિ વગેરેમાં પોતે કરેલી કમાણી તથા પિતાના વારસામાં મળેલી સંપત્તિ એમ સઘળું ગુમાવવાનો વખત આવ્યો. પરંતુ આ તો તેમના જીવનનું સ્થૂલ, વ્યવહારનું પાસું હતું. એની વિષમતાની અસર સાહિત્યકાર. સેવાભાવી કે ધર્મપરાયણ ઉત્તમલાલના વ્યક્તિત્વ પર ભાગ્યે જ થઈ હશે. વિદ્યાર્થીકાળથી જ તેમને સાહિત્યનો શોખ હતો. અન્ય વ્યવસાય સાથે સાહિત્યના ક્ષેત્રનો સંપર્ક તેમણે સતત રાખ્યાં કર્યો હતો, એટલું જ નહિ, પણ તે વખતના ‘સમાલોચક’ ‘વસંત’ ‘ગુજરાત’ ‘યુગધર્મ’ અને ‘રંગભૂમિ’ જેવાં સામયિકોમાં લેખો લખીને તેમણે લેખક તરીકે નોંધપાત્ર ફાળો પણ આપ્યો હતો. નરસિંહરાવ, આનંદશંકર અને કેશવલાલ ધ્રુવ સાથે તેમને નિકટનો સંબંધ હતો. ઉત્તમલાલમાં નરસિંહરાવ અને આનંદશંકર સાથે ઉચ્ચ કક્ષાની સાહિત્યચર્ચા કરવા જેટલી વ્યુત્પન્ન અને પરિપકવ બુદ્ધિ હતી. નરસિંહરાવ કે આનંદશંકરના જેટલો સમૃદ્ધ અક્ષરવારસો ઉત્તમલાલે આપ્યો નથી, તેનું મુખ્ય કારણ એ કે વેપાર ઉપરાંત રાજકારણમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. સમકાલીન જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાની ધગશ અને શક્તિ ઉત્તમલાલ ધરાવતા હતા. સાહિત્ય પરિષદ, કેળવણી પરિષદ, નાગર પરિષદ જેવી સંસ્થાઓમાં અધિકારપદે ચૂંટાઈને તેઓ દરેકનું સફળ સંચાલન કરતા. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી તરીકે તેમણે થોડો વખત કામ કર્યું હતું. તેમની કારકિર્દી દરમ્યાન ઉત્તમલાલે એ સંસ્થાની પ્રવૃત્તિને સારી પેઠે વેગ આપીને મનસુખરામભાઈની ભાવનાને ઘણે અંશે ફલિત કરી બતાવી હતી. વળી ‘સમાલોચક’ના તંત્રી તરીકે પણ તેમણે અમુક વખત કામ કર્યું હતું. તે સમયના દેશનેતાઓ સાથે ઉત્તમલાલને સારો પરિચય હતો. લોકમાન્ય ટિળક સાથે ઈ.સ. ૧૯૧૫માં તેમને પહેલો મેળાપ થયો ત્યારથી જ લોકમાન્યને ઉત્તમલાલભાઈ માટે સદ્ભાવ ઉત્પન્ન થયો હતો. લોકમાન્યના ‘ગીતારહસ્ય’નું તેમણે કરેલું ભાષાંતર ટિળકને ખૂબ ગમ્યું હતું. ઈ.સ. ૧૯૧૯માં લાહોર ખાતે કૉંગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે ગાંધીજી અને માલવીયજીના સમાગમમાં તેઓ આવ્યા હતા. સ્વભાવે શાંત અને વિચારપ્રધાન હોવા છતાં તેઓ કર્મમાં, સીધા કામમાં માનનારા હતા. કૉંગ્રેસની કાર્યપદ્ધતિ જેમ જેમ તેઓ જોતા ગયા તેમ તેમ તેઓ કૉંગ્રેસ તરફ વળતા ગયા અને ગીરગામ કૉંગ્રેસ કમિટીમાં જોડાયા પણ હતા. શ્રી હિંમતલાલ અંજારિયા કહે છે તેમ, “કુનેહથી, માયાભરી કડક નિષ્ઠાથી અને પોતાના દાખલાથી હાથમાં લીધેલું કામ સુંદર રીતે પાર પાડવાની તેમનામાં શક્તિ હતી.” જનસમૂહનો વિચાર અને આચારનો પ્રવાહ કઈ બાજૂ વળે છે એ જાણી લેવાની તેમનામાં અજબ દૃષ્ટિ હતી. તેમણે ‘વસંત’માં લખેલા કૉંગ્રેસ વિશેના તેમજ અર્થશાસ્ત્ર વિશેના લેખો તેમની આ દૃષ્ટિના સચોટ પુરાવારૂપ છે. ગુજરાત વિદ્યાસભા (તે વખતની ગુ. વ.સો.) માટે તેમણે ‘અકબરનું ચરિત’ તથા ‘હિન્દનો આર્થિક ઇતિહાસ’ એ બે મહત્ત્વના ગ્રંથો અંગ્રેજીને આધારે તૈયાર કરી આપ્યા હતા. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષા પર પણ સ્વ. ઉત્તમલાલનો સારો કાબૂ હતો. તેમણે થોડો વખત ‘Daily Mail’ના તંત્રી તરીકે પણ કામ કર્યું હતું, અને ‘Indian Review’માં તેઓ લેખો પણ લખતાં હતા. ‘Constitutional Theory of Hindu Law’ અને ‘National Education’ નામના બે અંગ્રેજી ગ્રંથો પણ તેમણે લખ્યા હતા. ગુજરાતીમાં સ્વ. ઉત્તમલાલે કોઈ સળંગ મૌલિક ગ્રંથ લખ્યો નથી. પરંતુ તેમની પરિપકવ વિચારશક્તિ અને સ્વસ્થ, પર્યેષક શૈલીના ફળરૂપ અનેક ઉત્તમ સાહિત્ય-ગુણોવાળા મૌલિક લેખો ‘વસંત’ અને ‘સમાલોચક’ની ફાઈલોમાં અદ્યાપિ પર્યંત દટાઈ રહેલ છે. શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તેમ, એક રીતે એ ‘વસંત’કારના સાથી જેવા જ હતા. વિચાર શૈલી આદિની દૃષ્ટિએ ‘વસંત’ સંપ્રદાય સાથે ઉત્તમલાલને નિકટનો સંબંધ હતો. પંડિતયુગનો નિઃશેષતાનો શોખ એમનામાં કંઈક વિશેષ હોવાથી એમના નિબંધો મોટે ભાગે પ્રબંધ જેટલા બહુ લાંબા હોય છે.[1] સાક્ષરયુગના આ સન્માન્ય વિચારકના લેખોનો સહેજે એક દળદાર સંગ્રહ થઈ શકે. સાહિત્ય તેમજ સમાજના અભ્યાસમાં ઉપયોગી નીવડે તેવી સામગ્રી પૂરી પાડતી તેમની એ કૃતિઓનો સંગ્રહ શ્રી હિંમતલાલ અંજારિયા જેવા વિદ્વાન અધિકારી પાસે કોઈ સંસ્થાએ તૈયાર કરાવવો ઘટે. ઈ.સ. ૧૯૨૨ના આરંભમાં ઉત્તમલાલને એક સામાન્ય છતાં જીવલેણ અકસ્માત નડ્યો. તેઓ એક વાર પૂજા કરતા હતા તે વખતે છાજલી ૫રથી કાંઈક વાસણ તેમનાં પત્ની લેવા જતાં હતાં ત્યાં તપેલી પડી ગઈ અને ઉત્તમલાલના માથામાં જખમ થયો. આને પરિણામે તેમના મગજના જ્ઞાનતંતુઓ એવા શિથિલ થઈ ગયા કે તેમને માથાની બિમારી કાયમને માટે લાગુ પડી. પછી વારંવાર તેમની તબિયત લથડવા લાગી; ઘણા ઉપચારો કર્યા પણ વ્યર્થ. અંતે ૧૯૨૩ના ડિસેમ્બરની ૨૬મી તારીખે આ ‘ઉદાર અને શુદ્ધ વૃત્તિના, ધર્મચુસ્ત રૂઢિવાદના ગુણો જોઈ શકનાર, જ્ઞાતિ વગેરેના રિવાજોને સમાજવાદની ‘દૃષ્ટિથી તપાસનાર’ અને તેવા રિવાજોના સદંશોને અપનાવનાર વિશુદ્ધ વિચારક અને ઊંચા તત્ત્વશોધક તરીકે પ્રતિષ્ઠા પામેલા’ સૌજન્યમૂર્તિ ગૃહસ્થનું અવસાન થયું. વેરવિખેર માસિકોમાં દટાઈ રહેલા ઉત્તમલાલના લેખો તેમની શિષ્ટ શૈલી, ઉચ્ચ વાક્પ્રભાવ અને ઊંડી વિચારશક્તિનું નિદર્શન કરે છે, એટલું જ નહિ પણ, સામાજિક, રાજકીય તથા બીજા સાર્વજનિક પ્રશ્નો વિશેના તેમના સિદ્ધાન્તો, તેમની ભાવનાઓ, અને તેમના આદર્શોનો પણ તાદશ ખ્યાલ આપે છે. એમના પ્રત્યેક લેખમાં ઉત્તમલાલની જવલંત છતાં ડહાપણ ભરેલી દેશભક્તિ પ્રતીતિ થાય છે. સ્વ. સર રમણભાઈ પોતાના આ સમકાલીન પુરુષાર્થીને અંજલિ આપતા કહે છે કે “રા. ઉત્તમલાલના હૃદયની ઉદારતા, વિચારોની ઉદાત્તતા, વિદ્વત્તાની ગહનતા, વિવેકબુદ્ધિની તીવ્રતા, જીવનની શુદ્ધતા, વ્યવહારના વિષયોની તુલનાની યથાર્થતા, મનની ગંભીરતા, સંકલ્પોની સ્થિરતા અને દૃઢતા, વિચારોના કોલાહલ વચ્ચેની તેમની સ્વસ્થતાઃ એ સર્વ અનુભવથી જાણનાર કહી શકશે કે દેશને એમની હુજી ઘણી જરૂર હતી.” [2]

કૃતિઓઃ

કૃતિનું નામ પ્રકાર કે વિષય પ્રકાશન-સાલ પ્રકાશક મૌલિક, સંપાદન કે અનુવાદ મૂળ ભાષા, કર્તા કે કૃતિનું બ્રિટિશ હિન્દુસ્તાનનો આર્થિક ઈતિહાસ ઈતિહાસ ૧૯૦૯ ગુજરાત વિદ્યાસભા અમદાવાદ અનુવાદ રમેશચંદ્ર દત્તનું અંગ્રેજી પુસ્તક બ્રિટિશ હિન્દુસ્તાનનો આર્થિક ઈતિહાસ ભાગ-૨ ઈતિહાસ ૧૯૧૨ ગુજરાત વિદ્યાસભા અમદાવાદ અનુવાદ રમેશચંદ્ર દત્તનું અંગ્રેજી પુસ્તક અકબર જીવન ચરિત્ર ૧૯૧૩ ગુજરાત વિદ્યાસભા અમદાવાદ અનુવાદ “Rulers of India”ની ગ્રંથમાળામાંનો Constitutional Theory of Hindu Law કાયદો ૧૯૧૩ en.એમ.ત્રિપાઠીની કું.મુંબઈ મૌલિક અંગ્રજી ગ્રંથ National Edlucation શિક્ષણ ? ? મૌલિક શ્રીમદ્દ ભગવદ્દ ગીતારહસ્ય અથવા કર્મયોગ-રહસ્ય તત્ત્વજ્ઞાન ૧૯૧૩ બાળ ગંગાધર ટિળક અનુવાદ બા.ગં. ટિળકનો મરાઠી ગ્રંથ

કેટલાક મહત્ત્વના લેખો

૧. અકબર અને તેની રાજ્યવ્યવસ્થા * ‘સમાલેાચક’ * પુ. ૫, અં. ૨-૩
૨. કૉંગ્રેસના બે પક્ષો * ‘સમાલેાચક’ *પુ.૧૨, અં.૧
૩. આપણું રાજકીય સમુદ્રમંથન * ‘સમાલેાચક’ *પુ.૧૨, અં. ૨
૪. ગો. મા. ત્રિ. નાં આચારસૂત્રો *‘સમાલેાચક’ *પુ.૧૬
૫. ધ નેશનલ . કૉંગ્રેસ: તેનું સ્વરૂ૫ અને સાધ્ય *‘સમાલેાચક’ *પુ.૨૦, અં. ૧૨
૬. સ્વાતંત્ર્ય સમાજ-દીક્ષિત બાળ ગંગાધર ટિળક *‘સમાલેાચક’ *પુ.૨૫, અં. ૮
૭. સરકાર અને અસહકાર *‘સમાલેાચક’ *પુ.27, અં. ૨
૮. આપણા દેશની ઉદ્યોગ સંબંધી સ્થિતિ * ‘વસંત’ *વર્ષ ૪, પૃ. ૩૧, ૩૮૬
૯. પશ્ચિમના સુધારાનો દાવો *‘વસંત’ *વર્ષ ૪, પૃ. ૫૬, ૯૭, ૧૩૦, ૧૮૪, ૨૨૩, ૨૭૭
૧૦. ‘સરસ્વતીચંદ્ર’ અને આપણો ગૃહસંસાર *‘વસંત’ *વર્ષ ૫, પૃ. ૨૦૧, ૩૬૯
૧૧. ગોવાર્ધ્ધનભાઈ-એક નિરીક્ષણ *‘વસંત’ *વર્ષ ૬, પૃ. ૨૨૧
૧૨. મણિલાલ અને બાળાશંકર *‘વસંત’ *વર્ષ ૬, પૃ. ૭૨
૧૩, હિન્દની આર્થિક સ્થિતિ *‘વસંત’ *વર્ષ ૯, પૃ. ૧૭૭, ૨૭૫
૧૪. પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષક *‘વસંત’ *વર્ષ ૧૬, પૃ. ૪૬
૧૫. યુગાન્તરનો ઉષઃકાળ *‘વસંત’ *વર્ષ ૧૬, પૃ. ૪૮૯

અભ્યાસ-સામગ્રી

૧. ‘સ્મરણમુકુર’ (ન. ભો દી.) પૃ. ૨૨૪-૨૩૨
૨. ‘વસંત’ વર્ષ ૨૨, અં. ૧૧, “સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી" (લે. રણભાઈ નીલકંઠ)
૩. ‘નિબંધમાલા’ (સં. વિ. મ. ભટ્ટ), ઉપોદ્દ્ઘાત, પૃ. ૩૧-૩૨

સંદર્ભ

  1. જુઓ ‘નિબંધમાલા’, ઉપોદ્દ્ઘાત પૂ. ૩૧-૩૨
  2. “સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી” (રમણભાઈ નીલકંઠ) ‘વસંત’ વર્ષ ૨૨ અં. ૧૧

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***