ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કનૈયાલાલ ભાઈશંકર દવે
આ પુરાતત્ત્વવિદનો જન્મ તેમના મૂળ વતન પાટણ તાલુકાના રણુંજ ગામમાં સંવત ૧૯૬૩માં મહા સુદ ૧૧ના રોજ થયેલો. તેઓ જ્ઞાતિએ મોંઢ ચતુર્વેદી બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ ભાઈશંકર, માતાનું નામ અમથીબહેન અને પત્નીનું નામ સમજુબહેન છે. તેમની લગ્ન- સંવત છે ૧૯૭૯. પ્રાથમિક અને માધ્યમિક છ ધેારણો સુધીનો તેમનો અભ્યાસ પાટણની હાઈસ્કૂલમાં. ત્યારબાદ કાશી સરકારી કૉલેજની ‘સાહિત્ય’ની મધ્યમાં પરીક્ષા તેમણે પસાર કરી હતી. વડોદરાની ‘શ્રાવણ માસ દક્ષિણા પરીક્ષા’માં ‘સ્માર્તયાજ્ઞિક’ની ઉપાધિ. અને દ્વારકા શારદાપીઠના શ્રી. શંકરાચાર્ય તરફથી ‘કર્મકાણ્ડ વિશારદ’ની ઉપાધિ પણ તેમણે પ્રાપ્ત કરી છે. તેમનો વ્યવસાય યજ્ઞ, હોમ, પ્રતિષ્ઠા, લગ્ન, ઉપવીત વગેરે સંસ્કારો કરાવવાનો છે. સંશોધન, ઇતિહાસ, પુરાતત્ત્વ અને વિવિધ કળા તથા શાસ્ત્રોના અભ્યાસમાં ઊંડો રસ તેમજ સાહિત્યપરિષદો, ઈતિહાસસંમેલનો વગેરે જ્ઞાનસત્રોની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાની વૃત્તિ તેમને આ વિષયોમાં સતત લખતા રહેવાની પ્રેરણા આપે છે. તેમની લેખન–પ્રવૃતિની શરૂઆત પાટણ વિદ્યાર્થી મંડળ તરફથી પ્રગટ થતી ‘અભ્યાસગૃહ-પત્રિકા’ (દ્વૈમાસિક) દ્વારા થઈ તેમનો પ્રથમ લેખ ‘સેવામાર્ગનાં સૂત્રો’ છે. ત્યારબાદ તેમણે પાટણને લગતા ઐતિહાસિક તેમજ કળાવિવેચનના લેખો લખ્યા. તેમાં શ્રી. પુણ્યવિજયજી મહારાજ, સ્વ. મણિલાલ માધવલાલ ભટ્ટ અને શ્રી. નટુભાઈ રાવળ તરફથી તેમને પુષ્કળ પ્રેરણા અને ઉત્સાહ મળ્યાં. તેમનું પ્રથમ પુસ્તક ‘સિદ્ધસર સહસ્ત્રલિંગનો ઇતિહાસ’ ઈ.સ. ૧૯૩૫માં પ્રગટ થયું હતું. તેમના જીવનનો ઉદ્દેશ સંશોધક દૃષ્ટિએ શક્ય તેટલું સાહિત્યકાર્ય કરી ગુજરાતની સેવા કરવાનો છે. મુનિશ્રી જિનવિજયજીની સંશોધનદૃષ્ટિ તેમનો આદર્શ બની છે. રામાયણ અને મહાભારત તેમના પ્રિય ગ્રંથો છે. તેમનો પ્રિય લેખનવિષય સંશોધન અને ખાસ કરીને સ્થાપત્ય અને મૂર્તિકળા છે. ઈતિહાસ, કળા અને ધર્મનાં પ્રાચીન–અર્વાચીન સ્વરૂપો તેમજ પુરાતત્ત્વ તેમના અભ્યાસ–વિષયો છે. ગુજરાતની કલામીમાંસા અને પુરાતત્ત્વચર્ચામાં તેમનો નોંધપાત્ર હિસ્સો છે. ‘મહાકવિ રામચંદ્ર’, ‘આચાર્ય હેમચંદ્રનો વૈદિક સાહિત્ય પર દૃષ્ટિપાત,’ ‘સરસ્વતી-પુરાણમાં ગુજરાતનાં ઐતિહાસિક તત્ત્વો,’ ‘કર્ણદેવ સોલંકીના જીવન ઉપર પ્રકાશ,’ ‘ચાલુક્યભૂપાળ બાળ મૂળરાજનું એક તામ્રપત્ર,’ ‘રાજશેખર,’ ‘કવિ સોમેશ્વરદેવ’, ‘અશ્વમેધ’, ‘ગુજરાતમાં કીર્તિસ્થંભો,’ ‘ગુજરાતમાં સંયુક્ત પ્રતિમાઓ,’ ‘ભારતીય ચિત્રકળાની પરિભાષા,’ ‘ગુજરાતમાં નાગપ્રજાતંત્રો,’ ‘ગુર્જરેશ્વરોનું પાટનગર અણહિલપુર,’ વગેરે તેમના લગભગ ૧૦૦ જેટલા અભ્યાસ-લેખો હજી વેરવિખેર પડેલા છે એ જો ગ્રંથસ્થ સ્વરૂપે પ્રગટ થાય તો ગુજરાતને તેમની સંશોધન–પ્રવૃત્તિનો વ્યવસ્થિત લાભ સાંપડે તેમ છે. વાસ્તુકળા, મૂર્તિકળા. અને જીવનચરિત્રના વિષયો ઉપરના તેમના લેખો ગુજરાતનાં અગ્રગણ્ય માસિકોમાં પ્રકટ થયા બાદ ધ્યાનપાત્ર બન્યા છે.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક મૌલિક, સંપાદક કે અનુવાદ? -
૧. સિદ્ધસર સહસ્ત્ર-લિંગનો ઈતિહાસ *ઈતિહાસનું સંશોધન *૧૯૩૫ *૧૯૩૫ *’ગુજરાતી’ પ્રેસ, મુંબઈ *મૌલિક
૨.વડનગર *ઇતિહાસનું સંશોધન *૧૯૩૫ *૧૯૩૭ *ભાષાંતર શાખા,પુરાતત્ત્વ-મંદિર, વડોદરા *મૌલિક
૩. સરસ્વતીપુરાણ *ઇતિહાસનું સંશોધન *૧૯૩૯ *૧૯૪૦ ફૉર્બસ સભા મુંબઈ *સંપાદન અને અનુવાદ
‘ગુજરાતનું મૂર્તિવિધાન’-એ વિષય ઉપર શાસ્ત્રીય ગ્રંથ તૈયાર કરવાનું કામ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ તરફથી તેમને સોંપવામાં આવેલ છે. ‘માને પારે’ અને ‘રુદ્ર મહાલય’ એ પુસ્તકો તેમણે તૈયાર કર્યા છે, પણ હજી સુધી અપ્રસિદ્ધ છે.
***